પ્રેમ સમાધિ - પ્રકરણ-105 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-105

પ્રેમ સમાધિ 
પ્રકરણ-105

 મ્હાત્રે સાથે વિજય મુંબઇનાં અસ્સલ શહેરી વિસ્તાર દાદરની એક ગલી પાસે પહોંચ્યાં. ત્યાં કાર છોડી બંન્ને જણાં ચાલતા ચાલતા એક જૂનવાણી ઘર પાસે પહોંચ્યાં ત્યાં આસપાસ બધાં એક સરખી બાંધણીનાં ઘર હતાં. ઘરમાંથી હાર્મોનીયમ અને તબલાનાં અવાજ આવી રહેલાં સાથે સાથે ઝાંઝરનાં ઝમકારા ઝણકાર સંભળાઇ રહ્યાં હતાં. વિજયે આશ્ચર્યથી મ્હાત્રેની સામે જોયું અને સંશયી નજરો સાથે પૂછ્યું “મ્હાત્રે આ તો કોઇ...” મ્હાત્રેએ કહ્યું “વિજયભાઉ ચિંતા ના કરો આપણે બરાબર સ્થાને આવી ગયાં છીએ આ અમારો મહારાષ્ટ્રીયન મહોલ્લો છે જેમાં નર્તકી , સંગીત, પાઠશાળા બધુજ છે અહીં કોઇ વેશ્યાનો વ્યવસાય કે બજારુ સ્ત્રીઓ નથી રહેતી અહીં નૃત્ય અને સંગીત શીખવવામાં આવે છે આપણે જે ઘર જવાનું છે એ આવી ગયું... “
 પછી વિજયનો હાથ દાબી ધીમેથી કાનમાં કહ્યું "એ નામ... પન્ના સાલ્વે એ ગાયીકા છે ગણિકા નહીં મોટી નૃત્યાંગનાં છે મોટાં ઘરોમાં નૃત્ય કરવા જાય છે શીખવવા જાય છે અહીંના મરાઠી નેતાઓ એની આસપાસ ભમરાંની જેમ ફરે છે કોઇને દાદ નથી આપતી પણ... બર્વેની વિનંતીથી એણે તમારાં મિત્ર શંકરનાથને આશરો આપેલો છે એની સ્ટોરી પછી કહીશ... ચાલો અંદર.... “
 વિજય આનંદ તથા આશ્ચર્ય વચ્ચે મ્હાત્રે સાથે ઘરમાં પ્રવેશ્યા... ખૂબ સુંદર સ્વચ્છ સજાવેલું ઘર એમાં પ્રથમ ઓરડો પછી બે સળંગ ઓરડાં બાજુમાં વિશાળ બેઠક ખંડ અને રસોડું હતું વચ્ચે મોટો ચોક.. ચોકની ફરતે બેઠકો મૂકેલી હતી. મ્હાત્રે જેવો વિજયને લઇને અંદર પ્રવેશ્યો એક નાનકડી છોકરી દોડીને આવી એનાં પગમાં ઝાંઝર હતા.. દાદા... દાદા.. કરતી આવી મ્હાત્રેએ એનાં હાથમાં ખીસામાંથી કાઢી ચોકલેટ મૂકી પેલી હસતી કૂદતી અંદર ગઇ બોલી “આઇ,.... આઇ... દાદા....” 
 અંદરથી એક સ્વરૂપવાન જાજરમાન આધેડ ઉંમરની સ્ત્રી આવી એણે માથામાં મોગરાનો ગજરો નાંખેલો વિશાળ આંખો મેશ આંજેલી મોટો કપાળમાં લાલ ચાંદલો અને મરાઠી સ્ટાઇલમાં સાડી પહેરેલી હતી એણે મ્હાત્રે સામે જોયું પછી વિજય સામે.. હસીને આવકાર આપ્યો “હો હો મ્હાત્રે ભાઊ પધારો..”. વિજયની સામે જોઇ જાણે સમજી ગઇ હોય એમ હાસ્ય કર્યુ અને બેઠક ખંડમાં બેસાડ્યાં... 
 મ્હાત્રેએ કહ્યું "પન્નાબાઈ આ વિજયભાઊ આપણાં મહેમાન શંકરનાથ એમનાં ખાસ મિત્ર છે એમની અમાનત છે હવે એમને કેવુ છે ? કેવી છે તબીયત ?” પન્નાબાઈએ કહ્યું “અરે ભાઉ ચમત્કાર છે આજ સવારથી આંખો ખોલીને કંઇક બોલવાનો પ્રયત્ન કરે છે પણ એમને કદાચ મરાઠી.. કંઇક બોલે છે કલ..રવ.. કદાચ કોઇને યાદ કરે છે એમની અમાનત સહીસલામત છે અને બાપ્પાએ આજથી બોલતાં પણ કર્યા છે તમે ખુદ આવીને જુઓ... પણ મહેમાનને પાણી-શરબત આપું પછી જઇએ..”..
 વિજયે ઉત્સાહથી કહ્યું "થેક્યું થેંક્યુ કંઇ નહી જોઇએ મને મારાં મિત્ર પાસે લઇ જાવ એમને જોવા છે મળવું છે ઘણો સમય થઇ ગયો એમને મળવા માટે તલસી રહ્યો છું.... પ્લીઝ...” પન્નાબાઈએ કહ્યું “ઓહ... ચલો પહેલાં મળી લો પછી મહેમાનગતિ કરીશું ચાલો” એમ કહી ઉભા થઇ બંન્નેને અંદરનાં ઓરડામાં લઇ ગયાં જ્યાં બારી નજીક એક પલંગ હતો એમાં શંકરનાથ સૂતેલાં હતાં માથે મોટો પાટો હતો પગમાં પાટોં હતો એક હાથની હથેળી પર તાજુ ડ્રેસીગ કરેલું હતું એમની બાજુમાં ડોક્ટર બેઠેલાં હતાં. શંકરનાથની આંખા ખૂલ્લી હતી એ ચકળવકળ બધે જોઇ રહી હતી. 
 વિજય જેવો ઓરડામાં પ્રવેશ્યો તરતજ શંકરનાથ નજીક દોડી ગયો.. “ભૂદેવ.... ભૂદેવ મારાં મિત્ર.. “ એમ કહી સાવ નજીક ગયો ત્યાં ડોક્ટરને ટોક્યો “પ્લીઝ દૂર રહીને વાત કરો એમને કોઇ જાતનું ઇન્ફેક્શન ન લાગવું જોઇએ તેઓ ઉભા નહી થઇ શકે હમણાં સવારે ડ્રેસીંગ કરેલું છે” વિજય અચકાયો પણ એનાં ઉત્સાહમાં કોઇ ફરક ના પડ્યો... શંકરનાથની સાવ નજીક જઇ બેઠો. શંકરનાથની આંખમાં આંખ પરોવી..... 
 બંન્ને જણાં એકબીજાને જોઇ રહ્યાં... બંન્નેની આંખમાંથી આંસુ વહી રહેલાં.. શંકરનાથને બોલવું હતું પણ ગળાગળા થઇ ગયેલાં ગળુ ભીનું થયું ડુમો ભરાયો ધુસ્કુ ભરતાં બોલ્યાં “વિજય.... વિજય... એમણે બંન્ને હાથ ફેલાવ્યાં પણ ડોક્ટરે એવું કરવા રોક્યાં... શંકરનાથે કહ્યું “વિજય.... મારાં મિત્ર..... વિજય..”. પછી ફરી ડુમો ભરાયો.... 
 વિજયની આંખમાં આંસુ માતા નહોતાં એણે કહ્યું “શંકરનાથ તમને ક્યાં ક્યાં શોધ્યા ? ક્યાં હતાં ? શું થયું તમારી સાથે ? તમને કેવું છે ? ન બોલાય તો ના બોલશો હવે હું આવી ગયો છું. તમારું બધીજ રીતે ધ્યાન રાખીશ કોઇ રીતે ઓછું ના લાવશો તમને બચાવનાર અને મેળવનાર આ મ્હાત્રે ત્યા બર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમને બચાવી મને મેળવી આપનાર નો હું ગુલામ થઇ ગયો હું શું કરુ મ્હાત્રે કેવી રીતે તમારો ઉપકારનું ઋણ ઉતારું ? ઇશ્વર તમારું ભલું કરે... મારાં આ મિત્રને બચાવી તમે ઇશ્વરનું કામ કર્યું છે....” મ્હાત્રે અને પન્નાએ એકબીજાની સામે જોયું... એમની આંખો પણ બે મિત્રોનું મિલન જોઇને નમ થઈ ગઈ હતી. 
 શંકરનાથે વિજય સામે જોઇને પૂછ્યું “વિજય... મારો કલરવ.. કલરવ... ક્યાં છે ? કેમ છે ?” વિજયે કહ્યું “ભૂદેવ લગીરે ચિંતા ના કરો કલરવ મારી પાસે છે મારાં ઘરે છે દમણ એકદમ સલામત અને સ્વસ્થ છે અત્યારે તેઓ દમણ બંગલે મારી દિકરી સાથે છે આપણે પણ દમણ પહોંચવાનું છે. “
 શંકરનાથે પહેલાં સૂકૂનનો શ્વાસ લીધો નિરાંત થઇ પછી એમની આંખોમાં અગ્નિ પ્રજવળ્યો.... એમણે કહ્યું “વિજય દમણ... દમણ... કોની સાથે છે ? એમનાં માથે મારું જોખમ છે.... પેલો ડામીસ ગુંડો ત્યાં પહોંચી જશે એણે મારી સાથે મારાં કુટુંબ સાથે... એ નીચ મધુ કલરવને અને તારી દીકરીને મારી નાંખશે.. બધું બોલતો મેં સાંભળ્યો છે એને મારી અને તારી સાથેજ દુશ્મનાવટ છે એને મારાં અને તારાં કુટુંબને તારાજ કરવાં છે આપણે પહોંચીએ એ પહેલાં એ ના પહોંચવો જોઇએ ત્યાં એ લોકોને...”. આમ એકી શ્વાસે બોલી શંકરનાથ હાંફી ગયો એની આંખમાં ચિંતા અને નફરતનો અગ્નિ બળતો હતો.. 
 વિજયે કહ્યું “નારણ અને એની વહુ ત્યાં દમણ જવાનું કહેતાં હતાં અને મેં..”. વિજય આગળ બોલે પહેલાંજ શંકરનાથે કહ્યું “નારણ.... તું ક્યા શેતાનનું નામ લે છે ? એ તને ભરખી જશે એને સખત ઇર્ષા છે તારાં માટે એનાં છોકરાને તારી દીકરી સાથે....” પછી હાંફવા લાગે છે ડોક્ટરે પાણી મંગાવ્યું વિજયને કહ્યું “હવે ચિંતાવાળી વાતો હમણાં ના કરો એમને આરામ કરવા દો..”
 ત્યાં શંકરનાથ અર્ધબેઠાં થઇ ગયાં એમે બોલ્યાં “મને કશું નથી થવાનું વિજય દમણ જવાની તૈયારી કર.....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-106