રતન તાતા Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રતન તાતા

વિશ્વમાં કેટલીક એવી ગણનાપાત્ર કંપનીઓ છે જે એની સ્થાપનાથી તે આજ સુધી એનાં મુલ્યો, એની નૈતિકતા, એની સાતત્ય પૂર્ણ પ્રણાલિ જાળવીને ચાલે છે. આ જ એની શાખ છે. એનિ ઓળખાણ છે. આપણે બહુ જ ગર્વ સાથે કહી શકીએ કે આ યાદીમાં ભારતમાં જ સ્થપાયેલી અને વિશ્વભરમાં ફેલાયેલી એક કંપની - એક ઔદ્યોગિક જુથ પણ સ્થાન ધરાવે છે. - TATA Group.. આ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનાં મૂળ બહું ઊંડા છે. આ વટવૃક્ષ ઉછેરનાર વ્યક્તિઓ પણ વિશેષ યોગ્યતા ધરાવે છે. અહીંનું Work Culture સાવ જુદું છે કારણ, Wok જ Culture છે. દરેક કર્મચારીએ એને અનુસરવાનું હોય છે. એમાથી પસાર થવાનું હોય છે. સતત 21 વર્ષ સુધી ગ્રુપ ચેરમેન રહેલા મહાન વ્યક્તિ પણ એમાંથી બાકાત નથી. એ જ વ્યક્તિ વિશે થોડી આચમન રૂપ વાતો વહેંચવી છે. તેઓ વિશ્વ સ્તરે પ્રતિષ્ઠીત Industrial Empire ના સરતાજ તો છે જ, માનવ સંસ્કૃતિની જાળવણી અને માવજત માટે હંમેશા અગ્રેસર છે. આટલી ઊંચાઇએ પહોંચ્યા પછી પણ નમ્રતા જાળવી રાખવી એ વિચારના બ્રાન્ડ એમ્બેસેડર છ. 

શ્રી રતન તાતા. આ નામ બોલાય કે વંચાય એટલે તરત જ એમનું છટાદાર વ્યક્તિત્વ અને અત્યંત આદરણીય પ્રેરણામૂર્તિ સામે આવે. એમના પ્રલંબ કાર્યકાળની તવારીખ સમે આવે. આ સાથે એમના શરૂઆતનાં વર્ષોની કેટલીક વાતો જાણવા જેવી છે. 

28 ડિસેમ્બર 1937 નો એ દિવસ. ભારત અને વિશ્વના ઇતિહાસમાં આદરપૂર્વક નોંધાય એવો છે. હા, આ જ એ દિવસ છે જ્યારે રતન તાતાએ નવલ તાતા અને સૂની તાતાને ત્યાં જન્મ લીધો. જન્મ સ્થળ મુંબઈ. જીવનના પ્રથમ તબક્કે જ એક મોટો પડકાર સહન કર્યો. તેઓ 11 વર્ષના હતા ત્યારે માતા-પિતા છૂટા પડ્યા. આ સમયે એમના દાદી શ્રીમતી નવરોજબાઇ તાતાએ રતન તાતાને દત્તક લીધા અને ઉછેરની જવાબદારી સ્વીકારી. શાળા જીવન કેથડ્રલ સ્કુલ અને પછી જોધા કેનન સ્કુલમાં વીત્યું. આ પછીનું એટલે કે કોલેજ કક્ષાનુ શિક્ષણ જ એમની અસાધારણ પ્રતિભાન પ્રથમ ચરણ સમાન રહ્યું. આર્કીટેક્ચરમાં સ્નાતક ડીગ્રી મેળવી. સ્ટ્રુક્ચરલ એન્જીનીયરીંગનો અભ્યાસ પણ કર્યો. 

અહીંથી જ શરૂ થાય છે સહુને માટે પ્રેરક અને નક્કર ઉદાહરણરૂપ સફર. આદરણીય શ્રી જમશેદજી તાતા કે જે ટાટા ગ્રુપના ફાઉન્ડર હતા, એમના જ કુટુંબમાં થતા હતા રતન તાતા. જો કે, એ સગપણ ટાટા સ્ટીલ ઈન્ડ્સ્ટ્રીના દરવાજે પુરૂં થઈ જતું. આ કંપનીમાં કોઇપણ સ્થાન સગપણ મુજબ નહીં, સજ્જતા મુજબ નક્કી થાય. રતન તાતાએ આ કંપનીમાં શોપ ફ્લોર ઉપર કામ શરૂ કર્યું. 1961-62 નો સમય હતો એ. એમણે અહીં કામ કરવાની શરૂઆત કરી ત્યારે ધ્યેય એક જ હતું - દરેક કામ શીખવું. માત્ર સોંપેલું કામ કરવું અથવા જે Department માં કામ કરતા હો એની જ જાણકારી હોય એવી મર્યાદિત સમજણ ન રાખી એમણે. પહેલા તબક્કામાં ટેકનીકલ પાસાંઓના અથ થી ઇતિ બધું જ જાણી લીધું. મશીનરીની ઉપયોગિતા અને એની ક્ષમતા સહિત બધું જ વિગતે જાણ્યું. એમની ધગશ અને એમના અભિગમની નોંધ લેવાતી હતી, બીજા તબક્કામાં એ મેનેજમેન્ટની આંટી-ઘૂંટી ઊંડાણથી સમજ્યા. એમને આ ક્ષેત્રમાં રસ પડ્યો. વધુ જ્ઞાનની જરૂર લાગી. મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટીની બીઝનેસ સ્કુલમાં ગયા અને 1975માં આ એકેડેમીક ડીગ્રી પણ મેળવી લીધી. 

શ્રી રતન તાતા ટેકનીકલ અને મેનેજમેન્ટ બન્ને ક્ષેત્રે કાર્યક્ષમતા અને કુશળતા વધારતા રહ્યા. એમનો અભિગમ વિકાસનો અને વિકસવાનો હતો. એ હવે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાના અને વ્યવસ્થાપનના નિષ્ણાત થતા ગયા. કંપનીની પોલીસી પ્રમાણે એમને વિવિધ પદ સાથે જવાબદારી સોંપવામાં આવતી રહી.

1991 નું વર્ષ હતુ. સમગ્ર ઉદ્યોગમાં થોડો મંદીનો સમય આઅવ્યો. ટાટા ગ્રુપને પણ એની અસર થઈ. ગ્રુપ ચેરમેન, ફાઉન્ડર ચેરમેન આદરણીય શ્રી જમશેદજી તાતાએ પોતાનું સ્થાન છોડ્યું, આ સમાચારથી થનારી ઉથ્થલ-પાથલ થાય એ પહેલાં એમણે ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી.. શ્રી રતન તાતાની ટાટા સન્સના ચેરમેન તરીકે વરણી થઈ. શ્રી જમશેદજી તાતા જેવા પીઢ અનુભવીએ લીધેલા આ નિર્ણયને મોટા ભાગે આવકાર મળ્યો. અમુક લોકોમાં ગણગણાટ થયો કે આ ઉચ્ચતમ સ્થાન માટે એમનો અનુભવ ઓછો કહેવાય. શ્રી રતન તાતા માટે એ ગણગણાટ કરતા એમનામાં મુકાયેલા વિશ્વાસનું મૂલ્ય ઘણું વધારે હતું. એ તો પહેલા દિવસથી જ પોતાના અનુભવ, અપાર ક્ષમતા અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનને કંપનીના વિકાસ માટે અજમાવવા લાગ્યા. એમની નેમ હતી કે આ કંપનીનું સ્તર રાષ્ટ્રીયમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવું છે. એમણે આ જ દિશામાં અથાગ પ્રયાસો શરૂ કરી દીધા. જોત-જોતામાં કંપનીનો વિકાસ મલ્ટીફોલ્ડ થવા લાગ્યો. પ્રયાસો પરિણામમાં ફેરવાયા. ટાટા ગ્રુપ હવે ગ્લોબલ બ્રાન્ડ બની ગયું. બાહોશ અને દુરંદેશી ચેરમેન શ્રી રતન તાતાએ કંપનીની તાકાત ત્યારે બતાવી જ્યારે 'જેગુઆર' અને 'લેન્ડ રોવર' જેવી વિશ્વની મોટી કંપનીઓ સહિત અનેક નાની-મોટી કંપનીઓ હસ્તગત કરી લીધી. ટાટા ગ્રુપનું કદ અને પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થયો. વિશ્વના લગભગ દરેક ખૂણે TATA નો ગૌરવપ્રદપરદા સિમ્બોલ દેખાવા લાગ્યો. 

ટાટા ગ્રુપ હવે તો ડાયવર્સીફાઇડ થઈ ગયું. કેટલાય ઉદ્યોગો, ઉત્પાદનો આ ગ્રુપની Umbrella નીચે ચાલવા લાગ્યા. IT ક્ષેત્રનું ખુબ જ પ્રતિષ્ઠીત નામ એટલે Tata Consultancy Services (TCS) એ પણ આ જ ગ્રુપની દેન છે. ટેલિકોમ ક્ષેત્રે પણ Tata Communication Ltd. (TCL) અનેક સર્વિસીઝ સાથે એ ક્ષેત્રમાં અગ્રિમ સ્થાને છે. 

શ્રી રતન તાતાએ આખા દેશ કે વિશ્વને માત્ર ઉદ્યોગપતિ કે મૂડીવાદીની નજરે ન જોયું. એમણે સમાજના મધ્યમ વર્ગનો પણ વિચાર કર્યો. ટાટા મોટર્સ 'ઈન્ડીકા' કાર સાથે ઓટોમોબાઇલ ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે એ શ્રી રતન તાતાના બળપણના 'કાર' ના શોખ કે સ્વપ્નનું મૂર્ત રૂપ હતું. આ કારની કિંમત પણ પ્રમાણમાં વ્યાજબી હતી પણ, આ તો સમાજના દરેક વર્ગનાં 'કાર' નાં સપનાં પૂરાં કરવા ધારતા વ્યક્તિ હતા. એમણે કાર માર્કેટમાં ક્રાંતિકારી વળાંક આપ્યો. TATA NANO લોન્ચ કરી. આ વિશ્વની સૌથી ઓછી કિંમતની કાર હતી, માત્ર 1 લખ રૂપિયામાં કાર ! આ આજ સુધી ભરાયેલું સૌથી મોટું ક્રાંતિકારી પગલું કહી શકાય. 

ટાટા ગ્રુપ એક એવાં શિખર ઉપર પહોંચ્યું છે, જેને આખું વિશ્વ કોઇપણ ખૂણેથી જોઇ શકે. 2012નું વર્ષ હતું. શ્રી રતન તાતાના ચેરમેન તરીકેના સુગ્રથિત વહીવટી કાર્યને 21 વર્ષ થયાં હતાં. આ 21 વર્ષમાં TATA Group નું Turn Over 40 ગણું વધ્યું અને Profit 60 ગણો વધી ગયો. સક્ષમ લીડરશીપનું આથી મોટું પ્રમાણ તો ક્યું હોઇ શકે ! જો કે, આ એક કલ્ચરથી ચાલતી કમ્પની છે. અહીં રીલે દોડની જેમ બેટન છોડીને નવા લીડર/રનરને આપવાની હોય છે. 2012 માં શ્રી રતન તાતાએ ચેરમેન પદ છોડી દીધું સાથે-સાથે ગ્રુપની તમામ જવાબદારીઓ છોડી દીધી. સાવ નવા ચહેરાને ચેરમેન પદ સોંપાયું. 

અલબત્ત, તેઓ આજ સુધી ટાટા ગ્રુપ સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા છે. એક માર્ગદર્શક તરીકે, એક મોભી તરીકે ગ્રુપને સતત વિકાસશીલ રાખી રહ્યા છે. સમગ્ર વહીવટ એમની દેખરેખ નીચે જ ચાલે છે. 2012માં સ્થાન છોડ્યા પછી 2016 થી2017 વચ્ચે એક સમયગાળો એવો આવ્યો કે આ સ્થાન ઉપર વચગાળા માટે આવ્યા પણ ખરા. 

આ વાત જ એક વિરલ વ્યક્તિત્વની છે. એમના નામ સાથે નિષ્ઠા, નૈતિકતા, ધ્યેયનિષ્ઠા, સામર્થ્ય, વિનમ્રતા, સહિષ્ણુતા, સમ્ભાવ જેવા અનેક શબ્દો જોડી શકાય એટલા વણાઇ ગયેલા છે એમનામાં. શ્રી રતન તાતા હાલ તો સમાજ સેવા અને સમાજ ઉથ્થાન માટે સતત કાર્યરત છે. સમાજના છેવાડાના લોકો સુધી જઈને એ સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવે છે. એમના ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સામાજિક યોગદાનની કદર રૂપે ભારત અને વૈશ્વિક સ્તરે એમને અનેક એવોર્ડ્ઝથી સન્માનવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તરફથી એનાયત થયેલા બહુમૂલ્ય સિવિલિયન એવોર્ડ્ઝ 'પદ્મ વિભૂષણ' (2008) અને 'પદ્મ ભુષણ' (2001) બ્રિટિશ સરકાર તરફથી અપાયેલો 'ઓર્ડર ઓફ બ્રિટીશ અમ્પાયર' (2014) અને ઓસ્ટ્રેલિયાની સરકાર તરફથી અપાયેલ 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા' (2023) મુખ્ય છે. 

એક સરસ ઉક્તિ છે જે 'વિચાર વલોણું' નામના ગુજરાતી ભાષાના ઉત્ક્રુષ્ટ સામાયિકની ટેગ લાઇન છે - 'નથી માનવીથી અદકેરૂં કંઇ' એ આપણા દેશના આ મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી રતન તાતાને, એમના માનવીય અભિગમ સાથેના વ્યક્તિત્વને સુસંગત છે. શ્રી રતન તાતાથી અદકું કશુ જ નથી. ખાસ કરીને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓમાં પોતાના સહ-કર્મચારીઓ પ્રત્યે માનવતાવાદી વ્યવહાર રાખનાર અને સમગ્ર સમાજને મદદરૂપ થવાની ભાવના ધરાવનાર આવા મહાન વ્યક્તિઓ જૂજ હોય છે માટે એ અદકાં છે, અદના છે. એમનું નવમા દાયકામાં પ્રવેશેલું આડીખમ જીવન અને પાંચ દાયકાનું 'ટાટા ગ્રુપ' સાથેનું ઉન્નત જીવન આપણા સહુ માટે પ્રેરણરૂપ છે. સમગ્ર વિશ્વ માટે તેઓ આદરણીય છ. અનેક ગુણો, મુલ્યો, જીવન પધ્ધતિ શીખવાનું જીવંત સંસ્થાન છે.