ચમત્કારિક રૂદ્રાક્ષ - 8 Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચમત્કારિક રૂદ્રાક્ષ - 8

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ -૮

(આ ભાગ વાંચ્યા પહેલા આગળના સાત ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)

એ દિવસે ઘરે ગયા બાદ ઇધ્યાએ મારી વાત પર ખુબ વિચાર કર્યો અને પછી મારા બતાવ્યા મુજબનો નિત્યક્રમ કરવાનું નક્કી કર્યું. ઇધ્યા રાત્રે સુતા પહેલા રૂદ્રાક્ષ વાળુ એ કડુ ઘરના મંદિરની બાજુમાં રાખીને સુઇ ગયો. બીજે દિવસે સવારે પાંચ વાગ્યે ઉઠી નિત્યક્રમ પતાવી અને ઘરના મંદિરે પૂજા કરવા બેઠો. પૂજાની શરૂઆત ગણેશજીની પૂજાથી કરી. ત્યારબાદ શિવજીની પૂજા કરી અને જે જળથી શિવલિંગની પૂજા કરેલી તે જ જળમાં રૂદ્રાક્ષ વાળુ કડુ મૂકી રૂદ્રાક્ષની પણ પૂજા કરી. પૂજા સંપન્ન થયા બાદ શિવલિંગને રૂદ્રાક્ષ અડાડી, નમન કરી અને કડુ ધારણ કર્યુ. અને ગામમાં ટહેલવા નિકળ્યો. એ દિવસ ઇધ્યાનો સાવ સામાન્ય રહ્યો. એ ગામમાં ફર્યો, લોકોને મળ્યો કેટલાક સ્કેચ દોરવાના નવા ઉપાયો મેળવવા માટે કુદરતિ દ્રશ્યોની તલાશમાં ફરતો રહ્યો. બસ, આમ સામાન્ય જ દિવસ રહ્યો. રાત્રે ઘરે સુતા પહેલા કડુ કાઢી અને ઘરના મંદિરની બાજુમાં મૂકી દીધુ.

        એ રાત્રે ઇધ્યાને કોઇ જ સપનુ ન આવ્યું. ઇધ્યા એકદમ શાંતિથી સૂઇ ગયો. એ એવી રીતે સૂતો જાણે વર્ષોથી જાગતો જ હોય, કોઇએ સૂવા જ ન દીધો હોય અને બસ....! શાંતિ થઇ હોય અને શાંતિની શોધમાં આરામ મળ્યો અને સૂઇ ગયો. બીજા દિવસે ફરીથી ઇધ્યાએ એ જ નિત્યક્રમ અનુસર્યો. આવું આશરે દસેક દિવસ ચાલ્યુ. પછી અચાનક એક દિવસ મેં ઇધ્યાને ગામની સ્કુલની એક દિવાલ પર એક સ્કેચ દોરતા જોયો. દિવાલ પર કોલસાના ટૂકડાથી ઇધ્યા એક સ્કેચ દોરી રહ્યો હતો. ઇધ્યાએ દોરવાની શરૂઆત જ કરેલી. એટલે મને રસ જાગ્યો અને હું એને દોરતો જોવા ત્યાં જ નજીકના એક વૃક્ષ નીચે બેસી રહ્યો. જેમ-જેમ સ્કેચ દોરાતું ગયું તેમ-તેમ મારી ઉત્સુકતા વધતી ગઇ. સ્કેચ પૂરેપૂરો દોરાઇ ગયો પરંતું આ વખતે સ્કેચમાં ઘણું સારૂ પરિણામ હતું પરંતું જે દોરેલું તે અશક્ય લાગ્યું.

પત્રકાર ઉત્સુકતાથી બોલ્યો. સાહેબ...! એવું તે શું દોરેલુ જે અશક્ય લાગ્યું?

સ્કેચનું વર્ણન કરૂ તો, આ સ્કેચ કેટલાક નાના-નાના ભાગોમાં વહેંચાયેલું હતું. એટલે કે જાણે સ્કેચનો એક ભાગ વર્તમાન અને બીજો ભાગ ભવિષ્ય બતાવી રહેલ હોય તેવું લાગતું હતું. વિગતે જણાવું તો ડાબેથી જમણે જોઇએ તો સ્કેચની શરૂઆતમાં એક નાનકડુ જર્જરિત અવસ્થામાં એક પડી ગયેલા વિશાળ વૃક્ષની ડાળીઓ નીચે દટાયેલું એક શિવાલય. કે જેની દિવાલો વૃક્ષ પડવાને કારણે ધરાશાઇ થયેલી છે તે, શિવાલયના ગૃહ સ્થાનમાં સુકાયેલા પાન, ઝાડી-જાખરા અને ડાળીઓ, શિવાલયના ગૃહ સ્થાને શિવજીના લિંગને વિંટળાઇને બેસેલો એક સર્પ વરસતો વરસાદ અને શિવલિંગ પર અભિષેક રૂપી પડતું દિવાલોના ધોધવાનું પાણી. પછી અચાનક એક વંટોળનું દ્રશ્ય અને ત્યારબાદ એ જ શિવાલયની કાયાપલટ...! ફૂલો અને બિલીપત્રથી શુશોભિત શિવલિંગ, શિવલિંગને ફરતે વિટળાયેલો એ જ સર્પ, શિવલિંગની ઉપર અભિષેક રૂપે પડી રહેલ જળ. ઉપરની તરફ નજર કરીએ તો શિવાલયની ઉપર છત ખુલ્લી, ઘટાદાર વૃક્ષની છાયા અને વૃક્ષની કોઇ ડાળી અને લિલાછમ પાંદડાઓના માર્ગે પડી રહેલ અભિષેક જળ. અને શિવાલયની બહાર રમતા નાનકડા ભૂલકાઓ અને ભક્તો.?

પત્રકાર બોલ્યો, અરે વાહ...સાહેબ આ તો સરસ સ્કેચ કહેવાય.

હા...! કહેવાય સરસ... પરંતું આમાં વિચારવા જેવા ઘણાં પ્રશ્નો છે. જેવા કે, સૌથી પહેલો સવાલ, ઇધ્યાએ આ સ્કેચ ગામની સ્કુલની દિવાલ પર જ કેમ દોર્યું? બીજો સવાલ, આવું કોઇ મંદિર ગામમાં નથી તો ઇધ્યાએ દોર્યુ કઇ રીતે. અને દોર્યું તો આ મંદિર છે ક્યાં? અને છે તો તેનો જીર્ણોધ્ધાર થયો કઇ રીતે અથવા કરશે કોણ? કારણ કે ગામના કોઇ રહીશ પાસે જીર્ણોધ્ધાર જેટલી મૂડી નહી હોય અને ગામ બહારની કોઇ વ્યક્તિ એક રેન્ડમ મંદિર માટે આવું કેમ કરે? આમ, આવા ઘણાં સવાલો હતાં.

ઇધ્યા તો સ્કેચ દોરીને ઘરે જતો રહ્યો. પણ હું વિચારોમાં પડી ગયો અને ત્યાં જ બેસી રહ્યો. ત્યાંથી પસાર થતા બધા જ લોકો આ સ્કેચ જુએ અને અચરજતાથી જોતા જોતા પસાર થઇ જાય.

બીજા દિવસે સવારે હું ફરી એ સ્કુલની દિવાલ પાસે ગયો. ત્યારે ઇધ્યા એ જ વૃક્ષ નીચે બેઠેલો જે વૃક્ષની નીચે કાલે હું બેઠો હતો. એટલે હું એની બાજુમાં જઇને બેઠો. અમારા બંનેના મગજમાં એક જ સવાલ હતો કે આ મંદિર છે ક્યાં?

ત્યાં જ આશરે ૮૦-૮૨ વર્ષના એક બુઝુર્ગ ત્યાંથી પસાર થયા. તેમણે સહજતાથી તે સ્કેચ જોયું. સ્કેચ સમજવા થોડો સમય ઉભા રહ્યા. અને અચાનક જ ઇધ્યા પાસે આવીને બોલ્યા, “આ તે દોર્યુ?” ઇધ્યાએ માથુ હલાવીને “હા” માં જવાબ આપ્યો. બુઝુર્ગે ફરી સવાલ કર્યો, “આ મંદિર તે ક્યાં જોયું?” ઇધ્યાએ જવાબ આપ્યો, “ ક્યાંય નહી. આ મારા મનની એક કલ્પના છે. આવું મંદિર છે કે નથી એ મને નથી ખબર.” વડિલે ઇધ્યાને કહ્યુ, “આવું એક મંદિર છે. તારે જોવું છે? તો ચાલ મારી સાથે. પણ ધ્યાન રાખજે, એ મંદિરમાં બહુ જ સર્પ છે. અને મંદિરની અંદર કોઇ જાય છે તો તેમને ડંખે છે.”

હું અને ઇધ્યા તો વડિલની વાત સાંભળીને ચોંકી જ ગયા., અને ઉત્સુકતાથી તેમની સાથે મંદિર જોવા ગયા. એ મંદિર ભારતના દક્ષિણ દિશામાં આવેલા એક રાજ્યના નાના ગામમાં હતું. એ ગામ જ શિવાલયના નામથી ઓળખાતું હતું. ગામનું નામ હતું, “મહેશ્વર” ગામ ખુબ જ સ્વચ્છ અને સુઘડ. ગામમાં કુલ ૬૦૦ લોકોની જ વસ્તિ. અને મોટાભાગના પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવતા. આખા ગામમાં કોઇ જ પ્રદુષણ ફેલાવે તેવા વાહનો ન હતાં. માત્ર એમ્બ્યુલન્સ જ હતી અને એ પણ બેટરી સંચાલિત હતી. એટલે ગામની હવા એકદમ શુધ્ધ અને સ્વચ્છ. ગામના લોકોને આ શિવાલયમાં ખુબ શ્રધ્ધા. એટલે ગામના દરેલ લોકો પોતાની દર મહિનાની કમાણીનો દસ ટકા હિસ્સો શિવાલયમાં દાન આપતા અને શિવાલયના પંડિત એ દાનમાંથી શિવાલયની શોભા વધારવા માટે સોના-ચાંદીના દાગિના, કળશ વિગેરે લાવતા. જોત-જોતામાં આ શિવાલયમાં ચાંદીના દિવા, સોનાનું કળશ, સોનાનો થાળ, પાણી ચઢાવવાના ચાંદીના લોટા, સોનાના વાજીંત્રો વિગેરે આવી ગયા. ગામના એક રહિશનો પુત્ર નામે- અધિરથ અમેરિકાથી ભણીને પરત આવેલો અને તે આ શિવાલયની સમૃધ્ધતા જોઇને છક્ક થઇ ગયો. તેણે શરૂઆતમાં શિવાલયના પંડિતને લાલચ આપી શિવાલય લૂંટવાનો પ્રસ્તાવ રાખેલો પરંતું પંડિત સંમત્ત તો ન થયો, પણ અધિરથનો બદઇરાદો ગામ લોકોને કહી દેશે તેવી ધમકી આપી. જેથી અધિરથ ગુસ્સે થઇ ગયો અને એણે પંડિતને મારી અને મંદિરની બાજુની જમીનમાં દાટી દીધો. અને એ જ રાત્રે મંદિર લૂટી લીધું અધિરથએ મંદિરમાંથી લૂટેલા દાલીનાઓ પૈકી કેટલાક દાગિનાઓ પંડિતની રૂમમાં સંતાડી દીધા અને બાકીના દાગિના તેણે જ ક્યાંક સંતાડીને દાટી દીધા. પછી બીજે દિવસે સવારે ગામના લોકો મંદિરે દર્શન કરવા આવ્યા અને મંદિરના દાગિના વિગેરે ન જોયા એટલે બધા ભેગા થયા અને શોધખોળ શરૂ કરી. અચાનક ગામવાસીમાંથી કોઇકને યોદ આવ્યુ કે મંદિરનો પંડિત પણ નથી. એટલે ગામના બધા લોકો પંડિતના ઘરે ગયા અને તેના ઘરેથી મંદિરના અધિરથે મૂકેલા દાગિના મળ્યા. ગામ લોકોએ ધારી લીધુ કે પંડિતે જ મંદિર લૂંટ્યુ હશે એટલે ગામ લોકોએ પંડિતની શોધખોળ કરી અને તે ન મળતા તેના પરિવારને ગામમાંથી કાઢી મૂક્યો.

        પંડિતનો પરિવાર ગામમાંથી કાઢી મૂકતા અને ગામ લોકોના પંડિત અને તેના પરિવાર પરના આરોપોનો આઘાત સહન ન કરી શક્યા અને પંડિતની પત્નિ અને નવ ચૌદ વર્ષની દિકરીએ એ જ શિવાલયની બહાર ઝેર પી ને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. પ્રાણ ત્યાગતા પહેલા પંડિતની પત્નિએ આખરી વાક્ય જે બોલ્યા તેના કારણે શિવાલય ધ્વસ્ત થઇ ગયું.

ઇધ્યા- અરે...! એવું તે શું બોલ્યા કે શિવાલય ધ્વસ્ત થઇ ગયું?

બુઝુર્ગ- આ ગામમાં પંડિતનો પરિવાર પેઢીઓથી શિવાલયમાં નિસ્વાર્થપણે પૂજા-આરતિ કરતો હતો. એટલે પરિવારને શિવાલયથી પ્રિત બંધાઇ ગયેલી. અને શિવાલયમાં જાણે તેમનો પેરાણ વસતો હોય તેવું જ હતું. પંડિત પરિવાર પરના ગામ લોકોના આરોપો અને ગામ નિકાલના કારણે પંડિત પરિવાર ભાંગી પડ્યો અને પંડિતાઇ પ્રાણ ત્યાગતા પહેલા બોલી, “ જો ખરેખર મારા ધણીએ શિવાલય લૂંટ્યુ હશે તો તેનું અકાળ મૃત્યુ થશે પરંતું જો પંડિતે નહિ લૂટ્યુ હોય, તો આ શિવાલય આજે સાંજની આરતિ પછી ધ્વસ્ત થઇ જશે. અને કોઇ ચમત્કારિક શક્તિ જ આ શિવાલયનો જીર્ણોધ્ધાર કરી શકશે. ત્યાં સુધી ગામ લોકોને શિવાલયમાં પ્રવેશ પણ નહી કરી શકે.”

આટલુંક કહીને પંડિતાઇ અને તેની દિકરીએ ઝેર પી ને પ્રાણ ત્યાગી દીધા. આ ઘટના અધિરથે નજરોનજર જોઇ અને સાંભળી. એ દિવસે સાંજની આરતિ થઇ. આરતિ સંપન્ન થયા પછી જેવા ગામના લોકો શિવાલયની ચોખટની બહાર ગયા, કે અચાનક જોરથી પવન ફુકાયો, એક વંટોળ આવ્યું અને શિવાલય ધ્વસ્ત થઇ ગયું. ગામના લોકો શિવાલય તરફ જોવા જવા ગયા પરંતું અચાનક કેટલાક સર્પ ત્યાં આવી ચઢતા સર્પે તેમને અંદર પ્રવેશવા ન દીધા.

આ શિવાલય આજે પણ આજ સ્થિતિમાં છે. આ વાતને દસ વર્ષ થયા, પરંતું કોઇ ચમત્કારિક શક્તિ આ શિવાલયને આજદિન સુધી મળેલ નથી કે કોઇ અંદર પ્રવેશી શકતું નથી.

ઇધ્યા- પણ વડિલ તમને આ વાત કોણે કહી?

બુઝુર્ગ- કેટલીક વાત મને ખબર હતી કારણ કે હું એ જ ગામનો રહેવાસી છું અને અધિરથની કરતૂતો તપાસ કરતા અમને જાણ થઇ અને અધિરથે પણ કબુલ્યુ. અમો ગામવાસીઓને પંડિતનું શવ પણ મળ્યુ અને અમે તેના વિધિ અનુસાર અંતિમ સંસ્કાર પણ કર્યા. અમે અધિરથને પોલિસ હવાલે કર્યો. આજે તે જેલમાં છે.  હવે હું ગામે ગામ ફરીને મારા કપુતના પાપની સજા ભોગવતો ભોગવતો શિવાલયના જીર્ણોધ્ધાર માટે ચમત્કારની શોધમાં ફર્યા કરૂ છું.

ઇધ્યા- તો.... શું.... તમે....?

(આ એક કાલ્પનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)