ચમત્કારિક રૂદ્રાક્ષ - 7 Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચમત્કારિક રૂદ્રાક્ષ - 7

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૭

(આ ભાગ વાંચ્યા પહેલા આગળના છ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)

          રાકલાની મા ના કહ્યા અનુસાર રાકલાના મામાની દિકરીની સગાઇમાં ઘણા મહેમાનો આવેલા. એમાં એક મહેમાન કે જે મામાના મિત્ર હતા તે એક કાર્ગો વેસેલ/શીપના કેપ્ટન હતા. જે દિવસે સગાઇ હતી ત્યારે તેમની વેસેલ પોરબંદરના દરિયા કિનારામાં પોર્ટથી થોડુક દૂર લાંગરવામાં આવેલ. કેપ્ટને કાર્ગો વેસેલની અવનવી વાતો કહી એટલે અમને વેસેલ જોવાનું મન થયું એટલે પોર્ટ ઓફિસેથી પરવાનગી લઇ, કેપ્ટન સાહેબની સાથે એક નાની બોટમાં અમે ત્રણેય કાર્ગો વેસેલની મુલાકાતે ગયા. ત્યાં વેસેલ જોઇ રહ્યા હતા ત્યારે જ હવામાનમાં પલટો આવ્યો. એટલે કેપ્ટને કહ્યું તમે કિનારે જવા જલદી નીકળી જાઓ. જો વરસાદ આવશે તો પછી નીકળી નહી શકો. એટલે અમે એ જ નાની બોટમાં પરત આવતા હતા. અને આ હાદસો..... આ કાળમૂખો હાદસો થઇ ગયો. નાવ દરિયામાં કિનારેથી થોડાક અંતરે જ ઉંધી થઇ ગઇ. રાહત ટુકડી આવી પણ રાકેશના બાપુજીને બચાવી ન શકી.

        બસ, પછી તો આજ દિવસથી ઇધ્યાનું નામ ગામ લોકોએ “કાળ” પાડી દીધું. લોકો ઇધ્યાથી એટલા ડરવા લાગ્યા કે ઇધ્યાની નજરે ચડી ન જાય અને ઇધ્યાને તેમનો ચહેરો યાદ ન રહી જાય એટલે ગામના લોકો અવનવા પ્રયોગો કરવા લાગ્યા. ઇધ્યા જે રસ્તે બેઠો હોય તે રસ્તેથી અગર પસાર થવાનું હોય તો કેટલાક લોકો બુરખો પહેરીને જવા લાગ્યા, કેટલાક ચહેરા પર ટોપી કે શાલ કે ચુંદડી વીંટીને જવા લાગ્યા તો કેટલાક તો મેક-અપ કરીને ઓળખાય નહી તેવો ચહેરો બનાવી ફરવા લાગ્યા. જો કોઇના ઘર આંગળે ઇધ્યા ઉભો રહે તો તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવતો. આમ, ઇધ્યા સાવ એકલો અને લોકોથી તરછોડાયેલો થવા લાગ્યો. એટલે રોજ આ મંદિર પાસે આવીને બેસે અને અને અજીબો ગરીબ વર્તન કરે રાખે.

        તમે ધ્યાન રાખજો વડીલ, આજે ઇધ્યાએ તમને જોયો છે. કાલે તમારો નંબર લાગી ન જાય એ જો જો....હા..હા.હા..હા...હા.... રાઠા સાહેબે મજાકમાં મને કહ્યું.

        રાઠા સાહેબની વાત પૂરી થઇ એટલે અમે છૂટા પડ્યા અને પોતપોતાના ઠેકાણે જતા રહ્યા. હું એ ગામમાં જ રોકાઇ ગયો. ખબર નહી કેમ, પણ મને ગામમાંથી નીકળવાનું મન જ ન થયું. મેં કેટલાક દિવસ ગામમાં ફર્યો અને ઇધ્યાની ગામ લોકોના મનમાં રહી ગયેલી છાપ બદલવાની કોશિશો કરી જે વ્યર્થ ગઇ....!

        મને એ દિવસ હજુ યાદ છે...! આથમતા શિયાળાની રૂતું, તાજગીભર્યો સુર્યોદય. મેં મનમાં વિચાર્યું આજે છેલ્લી વાર ઇધ્યાને જોઇ અથવા મળીને હું મારે વતન પાછો જતો રહું. એટલે હું એ જ મંદિર સાઇડ જવા નિકળ્યો. પણ આજે મંદિરની એ સાઇડમાં રોડ સાઇડ ઇધ્યા બેઠેલો ન હતો. એને ન જોયો એટલે મેં મંદિરમાં જવાને બદલે સૌપ્રથમ મંદિરની આજુબાજુમાં જોયું, ત્યાં પણ ઇધ્યા ન જડ્યો એટલે એવું ધારી લીધુ કે હશે...! બેઠો હશે ક્યાંક...! એવું વિચારી હું મંદિરમાં પ્રવેશ્યો. અને મેં જોયું.....!

        ઇધ્યા મંદિરમાં બહુ જ શિસ્તતાથી બેઠો હતો, તેની આજુબાજુમાં કેટલાક કાગળના ડુચા પડ્યા હતા. એટલે એમાંથી એક કાગળનો ડુચો મેં હાથમાં લીધો જોવા માટે. એ કાગળના ડુચાને ખોલી અને થોડો સ્વસ્થ કરી જોયો...! ઇધ્યાએ એ કાગળમાં દોરેલું ચિત્ર મને થોડુ અજુગતુ લાગ્યું એટલે મેં બીજો ડુચો ઉઠાવ્યો અને એને ખોલીને જોયો. એમાં દોરેલું ચિત્ર પણ....! એટલે મેં ત્રીજો ડુચો...! પછી ચોથો....! પાંચમો....! એવી રીતે કુલ બાર-પંદર ડુચા ખોલીને જોયા. અને હું પણ સ્તબ્ધ થઇ ગયો. એ કાગળો પરથી ધ્યાન હટાવીને મેં ઇધ્યા તરફ જોયું તો ઇધ્યા નવો સ્કેચ બનાવી રહ્યો હતો. પણ એ સ્કેચ પણ....! એ પણ....! એ સ્કેચ પણ બાકીના બધા જ કાગળોની જેમ આબેહૂબ... એક સરખા.... જરા પણ ફરક નહી...! એ કેવી રીતે બને...! એક જ વ્યક્તિ...! એક જ સમયે.... એક સરખા.... આટલા બધા.... સ્કેચ અને તે પણ એક જેવા જ બનાવે...! જાણે એક જ સ્કેચની અસંખ્ય ઝેરોક્ષ કરી હોય.

        પરંતું સાહેબ એ સ્કેચ/ચિત્ર શેનું હતું.? પત્રકાર બોલ્યો.

        એ સ્કેચ....! શહેરની એક સડક, સડક પર એક આલિશાન કાર, કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખુલ્લો, તેમાંથી નીચે ઉતરતો એ....! એ....!

        એ....! એ કોણ સાહેબ? પત્રકાર ઉત્સુકતાથી બોલ્યો. સાહેબ...! શું એ ઇધ્યા...!???

        હા....! હા.... એ ઇધ્યા....!

        એ સ્કેચ જોઇને ઇધ્યા પોતે તો પરેશાન હતો પણ સ્કેચ જોઇને હું પણ આશ્ચર્ય ચકિત થઇ ગયો. ઇધ્યા એ સ્કેચ વારંવાર દોરતો હતો અને હવે તો દોરતા દોરતા ચિસો પાડતો હતો અને રડતો પણ હતો. ઇધ્યાને પરેશાન જોઇ હું તેની પાસે ગયો અને તેને મારા દિકરાની જેમ જ આલિંગન કરી દીધું અને કહ્યું અરે, દિકરા આ તો સારૂ કહેવાય, તારૂ ઉજળું ભવિષ્ય જોઇને તારે તો ખુશ થવું જોઇએ. એને બદલે તું નિરાશ કેમ થાય છે?

        એ વખતે મેં પોતે ઇધ્યાને પહેલી વખત સાંભળ્યો. “ક્યા છે ઉજળું ભવિષ્ય? લોકો મને ધિક્કારે છે. મારે છે. ગાળો આપે છે. ખૂની અને કાળ જેવા શબ્દોથી બોલાવે છે. મારાથી દૂર ભાગે છે. મને જાનવરથી પણ બદતર સમજે છે. અને તમે કહો છો કે મારૂ ભવિષ્ય ઉજળું છે.? મારી મજાક કરો છો?”

        ના ઇધ્યા, તારૂ ભવિષ્ય તો તે જ કંડાર્યું છે. અને એક વખત નહી, વારંવાર કંડાર્યું છે. એ ખોટુ કઇ રીતે હોઇ શકે?

        ઇધ્યા મારી વાતથી સહમત ન થયો અને મને ધક્કો મારવા ગયો, ત્યાંજ તેના હાથ પર પહેરેલ ચાંદીના કડાનો રૂદ્રાક્ષ મારા ગળામાં પહેરેલી માળામાં ભરાયું. એટલે મારૂ અને ઇધ્યાનું બંનેનું ધ્યાનએ રૂદ્રાક્ષ પર કેન્દિત થયું. ઇધ્યાને અચાનક યાદ આવ્યું કે આ રૂદ્રાક્ષ પહેર્યો ત્યાંરથી જ તેનું જીવન બદ્તર/ખરાબ થઇ ગયું છે. એટલે એ ગુસ્સામાં બોલ્યો.

        “આ રૂદ્રાક્ષ જ પનોતી છે. જ્યાંરથી ધારણ કર્યું છે ત્યારથી મારા દિવસો ખરાબ થયા છે. આ પનોતી મારે જોઇતી જ નથી. હું અત્યારે જ ફેંકી દઉં છું....!”

        મેં ઇધ્યાને અટકાવ્યો. અને બોલ્યો, ઉભો રહે ઇધ્યા, આ રૂદ્રાક્ષ જો તને આટલી મોટી શક્તિ આપી શકતું હોય તો એ વિચાર કે આ રૂદ્રાક્ષ કેટલું ચમત્કારિક હશે? તારા નસિબમાં હશે એટલે તને મળ્યું. તો તું એને આમ જ જાકારી દઇશ? જો... તે આ રૂદ્રાક્ષને તારે જે રીતે રાખવું હતું તે રીતે ધારણ કર્યું, બરાબર...! તો હવે હું કહું એ રીતે પણ એક વાર ધારણ કરી જો...! ફાયદો થાય છે કે નહિ જોઇ તો જો. આ રૂદ્રાક્ષ તો ભગવાન શિવની પ્રસાદી કહેવાય. અને પ્રસાદીને જાકારો ન અપાય. પ્રસાદીનું તો પૂજન કરાય. તું એક કામ કર, રોજ આ રૂદ્રાક્ષવાળા કડાને પહેર્યા પહેલા સવારે સ્નાન કર્યા પછી શિવજીની ઘરે પૂજા પરી, શિવજીની પાંચ માળા કરી, રૂદ્રાક્ષનું પૂજન કરી અને પછી ધારણ કર. અને રાત્રે સૂતા પહેલા કડુ કાઢીને ઘરના મંદિરની બાજુમાં મૂકી દે. બીજે દિવસે ફરીથી આજ પ્રમાણે કર. પ્રસાદીનું પૂજન કર.... જરૂર ફળ મળશે.

ઇધ્યાને મારી વાત માનવામાં કોઇ નુકશાન જણાયું નહી. એટલે મારી વાત સ્વિકારી રોજ આ જ પ્રમાણે નિત્યક્રમ કરવાનું નક્કી કર્યું.

(આ વાર્તા એક કાલ્માંપનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)