ભાગવત રહસ્ય - 150 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 150

ભાગવત રહસ્ય-૧૫૦

 

પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે.

 

અંગિરાઋષિ એક દિવસ રાજાના ઘરે પધાર્યા. રાજાએ ઋષિ પાસે પુત્રની માગણી કરી.

ઋષિ કહે છે-પુત્રના માબાપ ને ક્યાં શાંતિ છે ? તારે ત્યાં છોકરાં નથી એ જ સારું છે.

પણ રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતાં એટલે એને દુરાગ્રહ કર્યો. ઋષિની કૃપાથી તેને ત્યાં પુત્ર થયો.

રાજાને બીજી રાણીઓ હતી,તેમણે ઈર્ષાવશ બાળકને ઝેર આપ્યું.બાળક મરણ પામ્યો.રાજા અને રાણી રડવા લાગ્યાં.તે વખતે-નારદજી અને અંગિરાઋષિ ત્યાં આવ્યા છે. પુત્ર ના મરણ થી રાજા-રાણીને વિલાપ કરતાં જોઈ નારદજીએ ઉપદેશ આપ્યો છે.—જે મર્યો છે-તે બહુ રડશો તો પણ પાછો આવવાનો નથી.

તેના માટે રડવાની જરૂર નથી,તે તો પરમાત્માના ચરણમાં ગયો છે.

હવે રડવાથી શું લાભ છે ? પુત્ર માટે તમે ન રડો,તમે તમારા માટે રડો.

 

પુત્રના ચાર પ્રધાન પ્રકારો કહ્યા છે.

(૧) શત્રુપુત્ર- પૂર્વજન્મનો વેરી (શત્રુ) પુત્ર તરીકે આવે તો તે ત્રાસ આપવા જ આવે છે. તે દુઃખ આપે છે.

(૨) ઋણાનુબંધી પુત્ર -પૂર્વજન્મ લેણદાર –માગતું ઋણ વસુલ કરવા આવે છે-ઋણ પૂરું થાય એટલે ચાલતો થાય છે.

(૩) ઉદાસીન પુત્ર-લગ્ન ન થાય ત્યાં સુધી મા-બાપ જોડે રહે છે.તે લેવા-દેવા નો સંબંધ રાખતો નથી.

(૪) સેવક પુત્ર-પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે-તો તે સેવક બની સેવા કરવા માટે આવે છે.

 

સ્કંધપુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે.પુંડલિકે પ્રભુની સેવા કરી નથી-તેણે ફક્ત મા-બાપની સેવા કરી છે. પુંડલિક પરમાત્માનાં દર્શન કરવા ગયો નથી-પણ ખુદ પરમાત્મા પુંડલિકના દર્શન કરવા આવ્યા છે.

પુંડલિક હરહંમેશ માતપિતાની સેવા કરતો. માત-પિતાને સર્વસ્વ માનતો. માત-પિતાની તેની સેવાથી પ્રસન્ન થઇ પરમાત્માને પુંડલિક ના દર્શન કરવાની ઈચ્છા થઇ. પ્રભુ આંગણે પધાર્યા છે, પણ પુંડલિક માત-પિતાની સેવા ઝૂંપડીમાં કરે છે-ઝૂંપડી નાની છે-તેમાં બેસવાની પણ જગ્યા નહોતી,પ્રભુ બહાર ઉભા છે-પુંડલિક કહે છે-“માત-પિતાની સેવા ના ફળ રૂપે આવ્યા છો,માટે તેમની સેવા પહેલી.” આમ કહી પરમાત્મા ને ઉભા રહેવા માટે એક ઈંટ ફેકી અને કહ્યું-કે આપ આ ઈંટ પર ઉભા રહો.

 

પ્રભુ સાક્ષાત આવ્યા છે પણ પુંડલિકે માત-પિતાની સેવા કરવાનું કાર્ય છોડ્યું નથી.

ઈંટ પર ભગવાન ઉભા રહ્યા એટલે ઈંટ નું થયું વિંટ- અને પ્રભુનું નામ થયું વિઠોબા.

ઉભા રહેતા ભગવાનને થાક લાગ્યો –એટલે કેડે હાથ રાખી ઉભા છે.આજ પણ પંઢરપુરમાં તેઓ કેડે હાથ રાખી ઉભા છે. પુંડલિકે ઉભા રાખેલા-તે આજ સુધી તેમના તેમ ઉભા છે.

 

કેડ પર હાથ રાખીને તે સૂચવે છે-કે-મારી પાસે આવે-મારા શરણે આવે-તેણે માટે સંસાર ફક્ત આટલો કેડ સમાણો જ છે.તે ભવસાગર વિના પ્રયાસે જ તરી જાય છે. (શંકરાચાર્યે-પાંડુરંગની સ્તુતિનું સ્તોત્ર રચેલું છે)

 

નારદજી ચિત્રકેતુ રાજાને કહે છે-આ તો તારા પૂર્વજન્મનો શત્રુ તને રડાવવા આવ્યો હતો. શત્રુ મરે તો હસવાનું કે રડવાનું ? સ્ત્રી,ઘર,વિવિધ ઐશ્વર્ય,શબ્દાદિ વિષયો,સમૃદ્ધિ,સેવક,મિત્રજનો,સગાંસંબંધી –વગેરે શોક,મોહ,ભય અને દુઃખ આપનાર છે.જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય છે-અને જુદા પડે છે-તેમ સમયના પ્રવાહમાં જીવો મળે છે-છૂટા પડે છે.નારદજી રાજાને જમુનાજીને કિનારે લઇ ગયા અને ચિત્રકેતુ ને દિવ્ય જ્ઞાન આપ્યું સંકર્ષણમંત્ર અને તત્વોપદેશ કર્યો.

.  . . . . .