ભાગવત રહસ્ય - 146 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 146

ભાગવત રહસ્ય-૧૪૬

 

અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.

અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ -એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું.

 

અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો,સંધ્યા ગાયત્રી કરતો હતો-પણ એકવાર વેશ્યાને જોવાથી તેનું મન બગડ્યું- તો આજકાલ-દર રવિવારે ફિલ્મ જોવા જતાં-કે દરરોજ ટી.વી. પર ફિલ્મો જોનાર ના મનની શી હાલત હશે ? ઘણા તો બાળકો ને પણ ફિલ્મ જોવા સાથે લઇ જાય કે ટી,વી. પર બાળકો સાથે આખો દિવસ બેસી રહે છે. “અમારું તો બગડ્યું-ભલે તારું પણ બગડે “

 

પાપ સહુથી પહેલું આંખથી આવે છે-તે મનને બગાડે છે-મન બગડે એટલે જીવન બગડે અને પછી નામ બગડે.

રાવણ બહુ બળવાન –ભણેલો હતો-પણ તેની આંખ બગડેલી હતી-તેથી તેનું જીવન બગડ્યું અને નામ બગડ્યું.પતન નો પ્રારંભ આંખથી થાય છે-અને ભક્તિની શરૂઆત પણ આંખથી થાય છે.

 

અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો.ઘરનું બધું ધન તે વેશ્યાને આપવા લાગ્યો.અને માત-પિતાના મરણ પછી-વેશ્યાને સમજાવી પોતાના ઘરમાં લઇ આવ્યો.તે પાપાચાર કરવા લાગ્યો.ચોરી,જુગાર,છળકપટ કરવા લાગ્યો.

એક દિવસ કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘેર આવ્યા.અજામિલ ઘેર ન હતો.વેશ્યા એ વિચાર્યું-કે મેં ઘણા પાપો કર્યા છે-આજે તો સંતોને ભોજન કરાવું-તેણે સંતોને સીધું સામગ્રી આપ્યા છે. સાધુઓ જાણતા નહોતા કે આ વેશ્યા છે.ભોજન કર્યા પછી સાધુઓને ખબર પડી-દુઃખ થયું-પણ સાચા સાધુ જેના ઘરનું જમે છે- તેનું કલ્યાણ કર્યા વગર જતા નથી.

 

અજામિલ ઘેર આવ્યો-વેશ્યાના કહેવાથી તેણે સાધુઓ ને વંદન કર્યા.સાધુઓને ઈચ્છા હતી કે-અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપો કરે છે-તે છોડી દે -તો તેનું કલ્યાણ થાય-અને તેનું જીવન સુધરે.

માબાપની સંતાન પર પ્રીતિ હોય છે- સાધુઓએ જોયું કે વેશ્યા સગર્ભા છે.પુત્ર જન્મે અને તે પુત્રનું નામ

જો--નારાયણ –રાખે તો તે નિમિત્તથી તે પ્રભુનું નામ લેશે. તેનું પાપ ઓછું થશે અને તેનું કલ્યાણ થશે.

સાધુઓએ કહ્યું –તમારાં પુત્રનું નામ નારાયણ રાખજો-એ અમારી દક્ષિણા છે.

 

નામ એવું રાખો કે-જેથી સાંભળનાર ને કંઈક પ્રેરણા મળે. પુત્રના નામ ઉપરથી માબાપના સ્વભાવ અને બુદ્ધિ ની ખબર પડે છે.આજકાલ લોકો માને છે-કે જુનું બધું ખરાબ છે-જુનાં નામ તેમણે ગમતાં નથી.કહેશે-અમે નવું શોધી કાઢ્યું છે. નવું કાંઇક સારું લાગે તો ભલે વિવેકથી ગ્રહણ કરો.પણ આપણા ધર્મને જુનો- હલકો ગણશો નહિ.આપણો સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. સૃષ્ટિના આદિકાળથી આ ધર્મ ચાલ્યો આવે છે.આપણો જુનો ધર્મ હલકો નથી.

 

અજામિલને ત્યાં પુત્ર થયો.અને તેનું નામ નારાયણ રાખ્યું છે.અજામિલને પુત્ર પ્રતિ અતિશય પ્રેમ છે.વારંવાર તેને તેનું નામ-નારાયણ નારાયણ કહી બોલાવે છે.અજામિલે બહુ પાપ કર્યું હતું,તેનું બાર વર્ષનું આયુષ્ય બાકી હતું તેમ છતાં યમદૂતો તેને લેવા આવ્યા છે.મૃત્યુકાળ નજીક આવ્યો અને યમદૂતોને જોઈ અજામિલ ગભરાયો છે. ગભરાટમાં અને ગભરાટમાં પોતાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત એટલે બોલવા લાગ્યો- નારાયણ-નારાયણ.રોજ ની આદત પ્રમાણે અજામિલ નારાયણ-નારાયણ એમ બે વાર બોલ્યો.તેનો દીકરો તો ત્યાં આવ્યો નહિ. પણ વૈકુંઠલોકમાંથી ભગવાનના પાર્ષદો-વિષ્ણુદૂતો ત્યાં આવ્યા છે અને યમદૂતોને કહે છે-આને છોડી દો.

 

યમદૂતો કહે છે-કે-આ બ્રાહ્મણનો પુત્ર છે-પણ તેણે હિંસા ,ચોરી વ્યભિચાર વગેરે અનેક પાપ કર્યા છે. એટલે યમરાજાની આજ્ઞાથી અમે તેને પકડવા આવ્યા છીએ.

વિષ્ણુદૂતોએ કહ્યું તમારી વાત સાચી છે,પણ તેણે ભગવાનનું નામ લઇ પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું છે.તેનાં થોડાં પાપ બળી ગયાં છે. હવે તેને જીવવા દો,તેના આયુષ્યના બાર વર્ષ હજુ બાકી છે.

 

યમદૂતો કહે છે-તેના પુત્રનું નામ નારાયણ છે-તેને તે નામ દઈ બોલાવતો હતો,વૈકુંઠવાસી નારાયણને નહિ.

વિષ્ણુદૂતો કહે છે-અજાણતાં પણ તેના મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું છે.

જ્ઞાન હોય કે અજ્ઞાન હોય,પણ વસ્તુ-શક્તિ કામ કરે છે.

અજાણતાં પણ અગ્નિ પર પગ પડે તો પગ દાઝે છે-તેમ અજાણતાં ભગવાન નું નામ લેવાથી કલ્યાણ થાય છે.