ભાગવત રહસ્ય-૧૪૦
જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી
ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો.
રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.
નદીકિનારે ભરતજી ફરતા હતા. સેવકોએ તેમને જોયા.વિચાર્યું-કે આ તગડો માણસ કામ લાગશે. એટલે તેમને પકડી લાવ્યા.માલિકની જેવી ઈચ્છા.સમજી ભરતજીએ પાલખી ઉપાડી છે.રસ્તામાં કીડી દેખાય તો કીડીને બચાવવા ભરતજી કૂદકો મારે છે.અને એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં વાગે છે.
રાજાએ સેવકોને કહ્યું-બરાબર ચાલો.મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું-અમે તો બરોબર ચાલીએ છીએ પણ આ નવો માણસ પાગલ જેવો છે-બરોબર ચાલતો નથી.ફરી ફરી આમ જ થતું રહ્યું.
રાજા-ઉંધુ ઉંધુ બોલીને જડભરતને કહેવા લાગ્યા-તું તો સાવ દુબળો છે-વળી અંગો નબળાં એટલે તારાથી સારી રીતે કેમ ચલાય ? જડભરત કંઈ સાંભળતા નથી-તેમની મસ્તીમાં મસ્ત છે. રાજાને ફરી દાંડો વાગ્યો –એટલે ક્રોધે ભરાણા છે.“અરે તું તો જીવતા મૂવા જેવો છે. તને ભાન નથી. એય બરોબર ચાલ”
ફરી દાંડો વાગ્યો એટલે રાજા ફરી ક્રોધે ચડી કહે છે-એય હું કશ્યપ દેશનો રાજા રહૂગણ છું.હું તને મારીશ,સજા કરીશ.તને માર પડશે-એટલે તારું ગાંડપણ તું ભૂલી જઈશ.
રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું કાંઇ ખાધું નથી,રસ્તા પર ભરતજી ફરતા હતા ત્યાંથી લઇ આવ્યા છે, છતાં રાજા તેમને મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શું અધિકાર હતો ?ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. રાજા તો મારા શરીર જોડે વાતો કરે છે. એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે?
બે જણ વાતો કરતા હોય તેમની વચ્ચે માથું મારવાની શી જરૂર છે ? હું નહિ બોલું.
પણ ફરીથી વિચાર થયો-મારું અપમાન કરે તે મહત્વનું નથી, પણ મેં જેને ખભા પર ઊંચક્યો તે રાજા રહૂગણ જો નરકમાં પડશે-તો પૃથ્વી પરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે.લોકો કહેશે-મહાજ્ઞાની જડભરતે જેને ખભે ઊંચક્યો-તે નરકમાં પડ્યો.તેની દુર્ગતિ ના થાય, તેને માટે મારે તેણે બોધ આપવો જ પડશે.
સત્સંગનો મહિમા રાખવા અને રાજા પર દયા આવવાથી-આજે જડભરતને બોલવાની ઈચ્છા થઇ છે.
રાજાનું કલ્યાણ થાય –એટલા માટે ભરતજી જીવનમાં એક જ વાર બોલ્યા છે. રહૂગણ રાજા ભાગ્યશાળી છે.
ભરતજી વિચારે છે-કે-રહૂગણ કપિલમુનિના આશ્રમમાં તત્વજ્ઞાન નો ઉપદેશ લેવા જાય છે,ઉપદેશ લેવા દીન થઈને, હું-પણું છોડીને જવાનું હોય છે,રાજા અભિમાન લઈને જશે તો ઋષિ તેને વિદ્યા નહિ આપે. માટે આજે તેને અધિકારી બનાવું.
રાજા તમે કહ્યું-“તું પુષ્ટ નથી “ એ સત્ય છે. તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એતો શરીર ના ધર્મો છે.આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી.આત્મા પુષ્ટ નથી કે દુર્બળ નથી.
રાજા તમે કહ્યું-કે-હું જીવતે મૂવા જેવો છું. તો આખું જગત મૂવા જેવું છે. આ પાલખી અને પાલખીમાં બેઠેલ તું પણ મૂવા જેવો છે.વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ-અંત વળી હોય છે. જે જન્મ્યા છે તે બધા મરવાના છે. આ બધાં શરીર મુડદા સમાન છે.શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે, આત્મા દ્રષ્ટા છે,સાક્ષી છે. જ્ઞાની પુરુષો-ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે-એમાં રાજા કોણ અને સેવક કોણ ? વ્યવહારદૃષ્ટિ એ આ ભેદ છે-બાકી તત્વ દૃષ્ટિથી તું અને હું એક જ છીએ.
રાજા તેં કહ્યું –હું તને મારીશ. પણ શરીરને માર પડશે તો તેની ચાલ સુધારશે નહિ. શરીરને માર પડે તો હું સુખી-દુઃખી થતો નથી.આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન-મનને શક્તિ આપે છે-બુદ્ધિ –અને બુદ્ધિ ને શક્તિ આત્મા આપે છે.શરીરના ધર્મો મને લાગુ પડતા નથી.
રાજા,કીડી મંકોડી મારા પગ તળે ના ચક્દાય તે તે રીતે હું ચાલુ છું. મને પાપ ના લાગે એટલે જીવને બચાવવા હું કૂદકો મારું છું.મારે નવું પાપ કરવું નથી,જે પાપ લઈને આવ્યો તે મારે ભોગવીને પૂરું કરવું છે. કીડીમાં પણ ઈશ્વર છે,એમ માનીને શ્રીકૃષ્ણનું ચિંતન કરતા ચાલુ છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે-તારે જે કરવું હોય તે તું કરી શકે છે.
જડભરતના આવાં વિદ્વતાભર્યાં વચન સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તેને થયું-ના,ના આ પાગલ નથી
પણ કોઈ પરમહંસ લાગે છે,આવા સંતના જોડે મેં પાલખી ઉપડાવી છે- મારી દુર્ગતિ થશે.
રાજા ગભરાયો અને ચાલતી પાલખીમાંથી નીચે કુદી પડ્યો.
રાજા ભરતજીને વંદન કરે છે. પૂછે છે કે –આપ કોણ છો ?શુકદેવજી છો?દત્તાત્રય છો ?
ભરતજીની નિર્વિકાર અવસ્થા છે-રાજાએ અપમાન કર્યું હતું ત્યારે-અને રાજા માન આપે છે ત્યારે –ભરતજીને એક જ સમસ્થિતિ.માન-અપમાનમાં જેનું મન સમ રહે છે છે તે સંત છે--મનને સમ રાખવું કઠણ છે- ખાલી વેશથી સંત થવું કઠણ નથી.
રહૂગણે ક્ષમા માગી છે-“તમારા જેવા સંતનું અપમાન કરનારનું કલ્યાણ થાય નહિ-માટે ક્ષમા કરો.”