ભાગવત રહસ્ય-૧૩૫
નારિયેર માં કાચલી અને કોપરું જુદાં છે.છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે –અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ,ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીર થી છુટો પાડી શકે.
ખરો આનંદ શરીરમાં નથી.શરીર ચૂંથે આનંદ આવવાનો નથી.શરીરનું સુખ એ સાચું સુખ નથી,સાચો આનંદ નથી.શરીર નું સુખ એ મારું સુખ –એમ જે માને છે-તે અજ્ઞાની છે.
સતત ધ્યાન કરી જ્ઞાની લોકો જડ ચેતનની ગાંઠ છોડે છે-અને આત્માનંદ –પરમાનંદ લુટે છે.
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે-પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે –ખરો જ્ઞાની નથી.ખરો જ્ઞાની એ જ છે-કે-જે-ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.
ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ થાય- તે –આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી.
હું શરીર નથી, હું સર્વનો સાક્ષીરૂપ –આનંદરૂપ-ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.જ્ઞાનની સાત ભૂમિકાઓ –યોગવશિષ્ઠમાં બતાવી છે.
શુભેચ્છા,સુવિચારણા,તનુમાનસા,સત્વાપતિ,અસંશક્તિ,પદાર્થભાવિની અને તુર્યગા.
(૧) શુભેચ્છા-આત્માના સાક્ષાત્કાર માટે ની જે ઉત્કટ ઈચ્છા –તે-
(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્રનો વારંવાર વિચાર –તે-
(૩) તનુમાનસા- વિષયોમાં અનાસક્તિ ને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા(સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય તે.
(૪) સત્વાપતિ- ઉપરના ત્રણથી –નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ –તે-
(આ ભૂમિકા વાળો –બ્રહ્મવિત-કહેવાય છે)
(૫) અસંશક્તિ –ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવના –નો સાક્ષાત્કારરૂપ ચમત્કાર-તે-
(૬) પદાર્થભાવિની- પદાર્થોમાં દૃઢ અપ્રતિતી થાય-તે-
(૭) તુર્યગા –બ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે –તે અવસ્થા-(ઉન્મત્ત દશા)
પ્રથમ ત્રણ ભૂમિકાઓ-સાધનકોટિની છે. બાકીની ચાર જ્ઞાનકોટિની છે.
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે.અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે. અને આત્માનો અનુભવ થાય છે.
આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે-અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે.
ઋષભદેવજીએ આવી જ્ઞાનની છઠ્ઠી દશા પ્રાપ્ત કરેલી.ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા અને દાવાગ્નિમાં બુધ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. માને છે દેહ બળે છે આત્માને કાંઇ થતું નથી.
આવી આત્મનિષ્ઠા પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી.
ઋષભદેવના પુત્રોમાં સહુથી શ્રેષ્ઠ હતો –તેનું નામ ભરત.તે ગાદી પર બેઠા છે.જેના નામ પરથી દેશનું નામ ભરતખંડ પડ્યું છે. તે પહેલાં પ્રાચીન કાળમાં દેશનું નામ- અજનાભ ખંડ -હતું.ભાગવત પરમહંસ ભરતજી ની કથા વર્તમાનકાળમાં આપણા માટે વિશેષ ઉપયોગી છે. તેથી શુકદેવજીએ તેનો વિસ્તાર કર્યો છે.
ભરતજીએ વ્યવહારની મર્યાદા કદી છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા પણ યજ્ઞ કરતા.
અગ્નિ ઠાકોરજીનું મુખ છે.એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી –ઈતરદેવોમાં કૃષ્ણનો અંશ માની પૂજા કરતા. અનેક યજ્ઞો કર્યા છે-અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કર્યું છે. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ આવશે,કર્મનું અભિમાન નહિ રહે.
ઈશ્વર સાથે ખુબ પ્રેમ કરો-તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો.
કર્મ કરો પણ તે કર્મની ફળ “ભોગવવાની ઈચ્છા “ ન રાખો. (નિષ્કામ કર્મ)
કર્મ નું ફળ “ભોગવવાની ઈચ્છા “ રાખો (સકામ કર્મ ) તો કર્મનું અલ્પ ફળ મળશે.
સકામ -કર્મમાં કાંઇક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. માટે નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે.
ભરતજી નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણને અર્પણ કરતા.
સત્કર્મ (કોઈ પણ પૂજા )ને અંતે (સમાપ્તિમાં) ગોર મહારાજ બોલાવતા હોય છે.
અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રીયતામ -ન મમઃ
ન મમઃ –એમ બોલે છે-બધાં-પણ તેનો અર્થ કોઈ સમજતા નથી. કર્મનું ફળ મારું નથી-કૃષ્ણાર્પણ કરું છું.
ગીતામાં પણ કહ્યું છે-કે –કર્મ ના ફળ પર તારો અધિકાર નથી.(કર્મણ્યેવાધિકારસ્તે)
એક દિવસ ભરતજીને જુવાની માં વૈરાગ્ય થયો. ભરતજીને ઘરમાં ગમતું નથી.
રાજવૈભવ,સુખ,સંપત્તિ,સ્ત્રી પુત્રાદિક –આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કશું નથી.
જન્મ પહેલાં અને મૃત્યુ બાદ –કોઈ સગાં રહેવાના નથી. વચ્ચે માયા ભરમાવે છે.