ભાગવત રહસ્ય-૧૨૬
ધુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી –પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો.ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે.
(અન્નનો આહાર કરવાથી શરીરમાં તમોગુણ વધે છે, ફલાહારથી શરીરમાં સત્વગુણ વધે છે) એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી,
બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો છે. એક આસને છ દિવસ ધ્યાનમાં બેસે છે.
ત્રીજે મહિને નવ દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી માત્ર ઝાડના પાન ખાય છે.
ચોથે મહિને માત્ર જમુનાજીનું જળ જ લઈને-બાર દિવસ એક આસને બેસે છે.
પાંચમા મહિને હવે માત્ર-વાયુ ભક્ષણ કરે છે!! અને પંદર દિવસ એક આસને બેસે છે.
છઠ્ઠો માસ આવ્યો-હવે નિશ્ચય કર્યો કે –ભગવાન ના મળે ત્યાં સુધી મારે આસન પરથી ઉઠવું નથી.
છ માસમાં ધ્રુવજીની તપશ્ચર્યા સફળ થઇ છે. ધ્રુવની તપશ્ચર્યા જોઈ દેવો ભગવાન પાસે આવ્યા છે-પરમાત્માને મનાવે છે-આ ધ્રુવે મહાન તપ કર્યું છે-તેના પર કૃપા કરી તેને જલ્દી દર્શન આપો.
ભગવાન કહે છે-એને હું શું દર્શન આપું ? મારા દર્શન એને સતત થાય છે. ધ્રુવને દર્શન આપવા નહિ પણ તેના દર્શન કરવા હું જવાનો છું. આજે ધ્રુવજીનાં દર્શન કરવાની ભગવાનને ઈચ્છા થઇ છે.(આવું ચોખ્ખું લખ્યું છે)
પંઢરપુરમાં એક દિવસ વિઠ્ઠલનાથ અને રુક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો.રૂક્ષ્મણીજી કહે-તમારાં આટઆટલા ભક્તો રોજ તમારાં દર્શન કરવવા આવે છે-તેમ છતાં તમે કોઈને નજર આપતા નથી.
ભગવાન કહે-જે મારે માટે આવે છે-તેને જ હું નજર આપું છું. મંદિરમાં આવી સર્વ પોતાને માટે કંઈકને કંઈક માગે છે.રૂક્ષ્મણીજી કહે-આજે આટલા બધા ભક્તો અહીં આવ્યા છે પણ ઉદાસ કેમ લાગો છો ?
ભગવાને કહ્યું-આ બધા તો સ્વાર્થી લોકો અહીં ભેગા થયા છે.મને જોવા આવ્યા છે. પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે-તે મારો તુકો (તુકારામ) મને દેખાતો નથી.
તુકારામને તે દિવસ તાવ આવ્યો હતો, પથારીમાં પડ્યા પડ્યા તુકારામ વિચારે છે-મારું પ્રારબ્ધ આડું આવ્યું-તાવ આવ્યો છે-અને મારાથી વિઠ્ઠલનાથનાં દર્શન કરવા નહિ જઈ શકાય-મારા વિઠ્ઠલનાથ મને ઘેર દર્શન આપવા નહિ આવે ? ભગવાન કહે છે-આ બધા મારા માટે આવ્યા નથી-તુકો મારા માટે આવે છે. તે બિમાર છે-અહીં આવી શકે તેમ નથી તો-આપણે તેના ત્યાં જઈશું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથનાં દર્શને આવ્યા છે-અને વિઠ્ઠલનાથ પધારે છે-તુકારામને ત્યાં.
સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે-તેમ ઠાકોરજી પણ પોતાના લાડીલા ભક્તોના દર્શન માટે આતુર હોય છે.ભગવાન નારાયણ ધ્રુવજી સમક્ષ પ્રગટ થયા છે, ભગવાન સામે ઉભા છે-પણ ધ્રુવજી આંખ ઉઘાડતા નથી.(જે મનુષ્ય બહાર આનંદ શોધવા જાય તે આંખ ઉઘાડી રાખે છે-જેને આનંદ અંદરથી મળે છે-તેને આંખ ઉઘાડવી ગમતી નથી) ભગવાન વિચારે છે-આમ તો બેચાર મહિના ઉભો રહીશ તો પણ તે મારી સામે જોવાનો નથી. તેથી તેમણે –ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય સ્વરૂપે તે વિરાજમાન હતા તે અદશ્ય કર્યું. ધ્રુવજી અકળાયા-તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું ?
તેમણે આંખ ઉઘાડી અને ચતુર્ભુજ નારાયણના સાક્ષાત દર્શન થયા.
ધ્રુવજી દર્શન કરતા નથી-પણ આંખથી ઠાકોરજીને પી જાય છે.પરમાત્માના ચરણમાં વંદન કરે છે.
બોલવાની ઘણી ઈચ્છા છે-પણ ભણેલા નહિ એટલે કેવી રીતે બોલી શકે ? કે સ્તુતિ કરી શકે ?
ભગવાનના હાથમાં જે શંખ હતો –તે વડે તેમણે ધ્રુવના ગાલને સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે.
પ્રભુએ ધ્રુવની સુષુપ્ત –બુદ્ધિ શક્તિ-ને જાગૃત કરી –સરસ્વતી જાગૃત કરી.
ધ્રુવજી હવે ભગવાનની સ્તુતિ કરે છે.પ્રભો,આપ સર્વ શક્તિ સંપન્ન છો.તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી, મારી આ સુષુપ્ત વાણીને સજીવ કરો છો.તથા હાથ,પગ,કાન,ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો-તેમજ પ્રાણોને પણ તમે ચેતના આપો છો.એવા અંતર્યામી આપણે હું પ્રણામ કરું છું.મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનારા મારા પ્રભુને હું વારંવાર વંદન કરું છું.