ભાગવત રહસ્ય - 120 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 120

ભાગવત રહસ્ય-૧૨૦

 

આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે.(બહુ ઊંડાણ પૂર્વક નીચેની વાત સમજવાનો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!! )

 

 

(૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્નનો નાશ કરનાર છે.

(૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે.

(૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે.

(૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે.

(૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે-(પરમાત્મા પ્રેમમય છે)

 

શિવજીની પૂજાથી જ્ઞાન મળશે,સૂર્યની પૂજાથી સારું આરોગ્ય મળશે, માતાજીની પૂજાથી સંપત્તિ –બુદ્ધિ મળશે,આ બધું મળશે પણ જો શ્રીકૃષ્ણની સેવા ન કરો તે નહિ ચાલે. શ્રીકૃષ્ણ પ્રેમનું દાન કરે છે. પ્રેમ વગર બધું નકામું છે.શિવજી એ સદગુરુ છે. શરીર પર ભસ્મ લગાવી ને તે ઉપદેશ આપે છે-કે-આ શરીર એ એક મુઠી ભસ્મ છે.માટે તેને શણગારવાનું છોડી દો. તેને લાડ કરવાનું છોડી દો. શરીરને સાદું રાખો.

 

માનવ જીવન તપ કરવા માટે છે. તપ ના કરે તેનું પતન થાય છે.માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ઈશ્વરભજન છે. જીવન -દરેકમાં સદભાવ-સમભાવ સિદ્ધ કરવા માટે છે.

અને જયારે સમભાવ સિદ્ધ થાય ત્યારે –દરેક જડ-ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે.

 

માનવ જીવન એ તપ કરવા માટે છે. પણ જયારે શ્રીકૃષ્ણ કૃપા થાય ત્યારેજ તપ કરવાની ઈચ્છા થાય છે.

તપના અનેક પ્રકાર છે. પરંતુ ગીતામાં શ્રીકૃષ્ણે તપની (મનના તપની) સુંદર વ્યાખ્યા આપી છે.

આ તપ કરવામાં જરાય શરીરનું કષ્ટ નથી. ગીતામાં અધ્યાય-૧૭-શ્લોક-૧૬ –માં કૃષ્ણ કહે છે-કે-

ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે .....ભાવસંશુદ્ધિ એ મોટું તપ છે.

ભાવ શુદ્ધિ (અંતઃકરણની પવિત્રતા) મુખ્ય છે.

 

સર્વમાં સદભાવ (ઈશ્વરભાવ) રાખવો –એ મહાન તપ છે. સર્વને મનથી વંદન કરવાં.તેથી મન શાંત રહેશે.

માળામાં અનેક જાતના ફૂલ હોય છે પણ ધાગો એક જ હોય છે.આકારો જુદા જુદા પણ સર્વમાં એક જ ઈશ્વર તત્વ રહેલું છે. આકારનું મહત્વ નથી. આકારમાં રહેલા પરમાત્મ-તત્વનું મહત્વ છે.

ગાય ધોળી હોય-કાળી હોય કે લાલ હોય પણ તેનું દૂધ ધોળું જ હોય છે.

 

ગમે તેટલું સુંદર શરીર હોય પણ જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી તેની કિંમત છે-આત્મા નીકળી ગયા પછી તે શરીરને કોઈ –ગાદી એ બેસાડતું નથી.

આ આત્મા નથી-સ્ત્રી-કે નથી પુરુષ. એ-તો પરમાત્મા નો અંશ છે.

માટે જ બધાને સમભાવ-ભગવદભાવ- થી જોવાથી મન શાંત અને નિર્વિકાર રહે છે.

દક્ષના યજ્ઞની કથા નો ઉદ્દેશ –હરિ હરનો અભેદ બતાવવાનો છે.

 

તે પછી-સતીનો જન્મ –હિમાલયમાં મેનાને ત્યાં થયો છે. નામ પડ્યું છે પાર્વતી. પાર્વતી શિવજીને મેળવવા તપશ્ચર્યા કરે છે.દેવોના આગ્રહ થી શિવજી લગ્ન કરવા તૈયાર થયા છે. પાર્વતીની તપશ્ચર્યા –નિષ્ફળ ના જાય –એટલે –શિવજી –પાર્વતી જોડે લગ્ન કરવાની હા પાડી છે. શિવ-પાર્વતીનું લગ્ન ગોઠવાણું.

શિવજી જાન લઈને નીકળ્યા છે. ભૂત પિશાચ પણ જાનમાં જોડાણા છે.

 

બીજી બાજુ નારદજી મેના પાસે પહોચી ગયા. પૂછે છે –તમે પાર્વતીના લગ્ન નું નક્કી કર્યું પણ વરને તમે જોયો છે ? જોશો પછી ખબર પડશે. નારદજીએ ગમ્મત કરી છે. મેના ઝરુખે ચઢી જાન ને અને શિવજીને જુએ છે.અને ગભરાણા છે.કહે છે-આવા વર જોડે મારે મારી દીકરી પરણાવવી નથી. હઠ લીધી છે.

લાંબી કથા ટૂંક માં કહીએ તો-પછી દેવો ના આગ્રહથી શિવજીએ સુંદર શણગાર ધારણ કર્યો અને તેમનું લગ્ન –ત્રિયુગી નારાયણ-નામના સ્થળે થયું. કેદારનાથ જતાં રસ્તામાં આ સ્થળ આવે છે.

 

પછી -સ્કંધ -૪ના અધ્યાય-૮ના પહેલાં પાંચ શ્લોકમાં અધર્મના વંશજો બતાવ્યા છે.

આ અગત્યના શ્લોકો છે-કારણકે-તે –કહે છે-કે-પુણ્ય ના કરો તો કાંઇ નહિ પણ પાપ તો ન જ કરો.

અધર્મ-ની પત્ની મૃષાદેવી. મિથ્યા ભાષણ કરવા ની ટેવ તે મૃષાદેવી.તેમાંથી થયો –દંભ- નો જન્મ.

દંભ-નો પુત્ર-લોભ. લોભનો પુત્ર-ક્રોધ. ક્રોધની નિપજ તે કર્કશ વાણી.

 

મહાભારત અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણીમાં છે.

દુર્યોધનને –આંધળાનો પુત્ર આંધળો કહ્યો અને મહાભારતનો આરંભ થયો. સીતાજીએ લક્ષ્મણને કર્કશ વાણી માં ઠપકો આપ્યો.લક્ષ્મણને મારીચ પાછળ જવું પડ્યું. તેમની ગેરહાજરીમાં રાવણ સીતાજીને ઉઠાવી ગયો અને રામાયણ શરુ થયું.કર્કશ વાણીમાંથી થયો કળિ. કલહનું રૂપ તે કળિ.

દુર્ગુણોથી પર થઇ-ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ કરવાનો,–ભાગવતનો આશય છે.