ભાગવત રહસ્ય-૧૧૫
બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો ? નારદજી કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. “આજથી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.”
અત્રિ ઋષિ તેવામાં પધારે છે, પૂછે છે કે -આ ત્રણ બાળકો કોણ છે? અનસૂયા કહે કે-આ ત્રણ મારા છોકરાઓ છે,અને ત્રણ વહુઓ છે.અત્રિ કહે છે-દેવી આવું ના બોલો.આ ત્રણ તો મહાદેવો છે.તે પછી જળ છાંટ્યું.ત્રણે દેવો પ્રગટ થયા.ત્રણે દેવોએ કહ્યું-તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ કાયમ તમને આપશું.
આ ત્રણે દેવો નું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે.
ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે. તેથી તેમનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે.
પહેલાં અધ્યાયમાં કર્દમ-દેવહુતિની કન્યાઓના વંશનું વર્ણન કર્યું.
દક્ષ પ્રજાપતિ અને પ્રસુતિને ત્યાં સોળ કન્યાઓ થઇ છે.
તેમાંથી તેર –ધર્મ ને-એક-અગ્નિને-એક-પિતૃગણ ને અને સોળમી –સતી-એ-શંકર ને આપી છે.
ધર્મની તેર પત્નીઓ બતાવી છે. તેનાં નામો છે-શ્રદ્ધા,દયા,મૈત્રી,શાંતિ,તુષ્ટિ,પુષ્ટિ,ક્રિયા,ઉન્નતિ,બુદ્ધિ,મેઘા,લજ્જા,તિતિક્ષા અને મૂર્તિ.
આ તેર સદગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ સફળ થાય છે. આ તેર ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે.
ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા છે.ધર્મની પ્રત્યેક ક્રિયા દૃઢ શ્રદ્ધાથી કરજો.ઈશ્વરમાં શ્રદ્ધા રાખો.
જીવ માત્ર પ્રત્યે મૈત્રી રાખો.
શ્રીધર સ્વામી કહે છે-સર્વ પ્રત્યે મૈત્રી કરવી શક્ય નથી.સર્વ સાથે મૈત્રી ના થાય તો વાંધો નહિ,પણ કોઈની સાથે વેર ના કરો.વેર ના કરે તે મૈત્રી કર્યા જેવું છે.
ધર્મ ની તેરમી પત્ની છે-મૂર્તિ. અને તેના ત્યાં નર-નારાયણ નું પ્રગટ્ય થયું છે.
મૂર્તિને માતા અને ધર્મને પિતા માને –એના ત્યાં નારાયણનો જન્મ થાય છે.
દક્ષપ્રજાપતિ નાની કન્યા –સતી-નું લગ્ન શિવજી જોડે થયું. તેમણે ઘેર સંતતિ થઇ નહોતી.
દક્ષપ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું,એટલે સતીએ પોતાનું શરીર દક્ષના યજ્ઞમાં બાળી દીધું.
(પાર્વતી એ સતીનો બીજો જન્મ છે).
ભગવાન શંકર મહાન છે.સચરાચર જગતના ગુરુ છે. જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે-જગતમાં જેટલા સંપ્રદાય છે-તેના આદિગુરૂ શંકર છે.સર્વ-મંત્ર-ના આચાર્ય શિવજી હોવાથી, શિવજીને ગુરુ માની મંત્ર-દીક્ષા લેવી.
વિદુરજી પ્રશ્ન કરે છે-સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષપ્રજાપતિ એ વેર કર્યું તે –આશ્ચર્ય છે. આ કથા અમને સંભળાવો.મૈત્રેયજી બોલ્યા-પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું છે. સભામાં શિવજી અધ્યક્ષસ્થાને છે.દેવોએ આગ્રહ કર્યો –એટલે અગ્ર સ્થાને બેઠા છે. તે વખતે દક્ષપ્રજાપતિ ત્યાં આવ્યા છે.બીજા દેવોએ ઉભા થઇ માન આપ્યું પણ શિવજી ધ્યાનમાં લીન હતા-અને કોણ આવ્યું-કોણ ગયું તેની તેમને ખબર નહોતી. બધાએ માન આપ્યું પણ શિવજીએ માન ના આપ્યું-તેથી દક્ષને ખોટું લાગ્યું.
દક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં તે શિવજીની નિંદા કરવા લાગ્યો.
શ્રીધર સ્વામીએ-આ નિંદાના વચનો માંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યો છે.
ભાગવત પર ત્રીસ –પાંત્રીસ ટીકા મળે છે.તે સૌમાં પ્રાચીન-ઉત્તમ ટીકા શ્રીધર સ્વામીની છે. માધવરાયને તે બહુ ગમી છે અને પોતે તેના પર સહી કરી છે. બધું માન્ય કર્યું છે.
બીજી ટીકામાં કોઈએ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો છે.તો કોઈએ અર્થની ખેંચતાણ કરી છે. પણ શ્રીધરસ્વામીએ કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો નથી.તેઓ નૃસિંહ ભગવાનના ભક્ત હતા.
દસમ સ્કંધમાં –શ્રીકૃષ્ણની શિશુપાલે નિંદા કરી છે.તેનો પણ શ્રીધર સ્વામીએ સ્તુતિપરક અર્થ કર્યો છે.
શિવજીની નિંદા ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શોભે નહિ. એટલે શ્રીધર સ્વામીએ અર્થ ફેરવ્યો છે.