કવિ કોલક Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

કવિ કોલક

ધારાવાહિક - આપણાં મહાનુભાવો
ભાગ:- 34
મહાનુભાવ:- કવિ કોલક
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આપણાં ગુજરાતમાં અનેક કવિઓ અને લેખકો થઈ ગયા. એમાંના ઘણાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા, અને કેટલાંક સફળ હોવાં છતાં ક્યાંક ખોવાઈ ગયા. આજે આવા જ એક પ્રસિધ્ધ પરંતુ ભૂલાઈ ગયેલા એક ગુજરાતી લેખક અને કવિ વિશે માહિતિ આપવા જઈ રહી છું.



આ કવિ એટલે કવિ કોલક. તેમનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ હતું. તેમનો જન્મ તારીખ 30 મે 1914નાં રોજ પારડી તાલુકાનાં સોનવાડા મુકામે થયો હતો. તેઓ ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેઓ મૂળ દિહેણનાં વતની હતા. તેઓની જ્ઞાતિ અનાવિલ બ્રાહ્મણ. તેમની માતાનું નામ તાપીબહેન. કવિ કોલક દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી હતા.


તેમનાં લગ્ન ઈ. સ. 1929માં મણિબહેન સાથે થયાં હતાં. મુંબઈની મીઠીબાઈ હાઈસ્કૂલમાંથી ઈ. સ.1933માં મૅટ્રિક પાસ કર્યું. અહીં ઈન્ટર સાયન્સમાં એમનું પરિણામ ખૂબ જ સરસ હોવાને લીધે મેડીકલમાં અભ્યાસ કરી શકવા સક્ષમ હતા. કવિ શ્રીને મેડીકલ કૉલેજમાં એડમિશન મળી ગયું હતું, પરંતુ એમનાં માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીઓ આવી પડી. આથી એમણે એક વર્ષ પાછી અભ્યાસ છોડી દીધો. પિતાનું અવસાન તો તેઓ સાત વર્ષનાં હતાં ત્યારે જ થઈ ગયું હતું.



ઈ. સ. 1934માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યાર પછી ઈ. સ. 1942 થી ઈ. સ. 1947 સુધી એમણે જન્મભૂમિ દૈનિકમાં તંત્રી તરીકે સેવા આપી. ઈ. સ. 1938માં એમણે ‘માધુરી' નામનું ત્રિમાસિક ચલાવ્યું. ઈ. સ. 1942માં ‘કવિતા' નામનું માસિક શરૂ કર્યું, ઈ. સ. 1950માં ‘વાર્તા' નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ હપ્તાવાર છપાતી. ઈ. સ. 1968માં ‘કોલક' નામનું નવલકથાનું માસિક શરૂ કર્યું. એમાં તેઓ સળંગ નવલકથા છાપતા.



ઈ. સ.1934થી એમણે કાવ્યો લખવા શરૂ કર્યાં અને તે સમયના નામી સામયિકોમાં એ પ્રકાશિત થતાં. ઈ. સ. 1936માં એમનું ‘પ્રિયા આગમન' નામક એક કાવ્યખંડ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું. ઈ. સ. 1944 સુધીમાં 'સાંધ્યગીત', 'સ્વાતિ' અને 'પ્રેમધનુષ્ય' કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં. એમાં ‘પ્રેમધનુષ્ય' સળંગ 2000 પંક્તિઓનું પ્રેમકાવ્ય હતું, ઉપરાંત બે નવલિકાસંગ્રહો પ્રગટ થયાં - 'સમીસાંજ' અને 'હનીમૂન'.



એમને સંતાનમાં સુશીલ, સંધ્યા, રમણિક અને રાહુલ હતાં. સુશીલનું યુવાન વયે મૃત્યુ થયું એ ‘કોલક’ જીરવી ન શક્યા, કવિહ્રદય એટલે બહુ ડિપ્રેશનમાં આવી ગયા. ઈ. સ. 1944 થી ઈ. સ. 1952 સુધી તેમનું લેખનકાર્ય ધીમું પડી ગયું. એ આઘાતમાંથી બહાર નીકળવામાં એમની પુત્રી સંધ્યાએ ખૂબ જ મહેનત કરી. એમનાં પત્ની મણિબહેને પણ એમને ઘણો સાથ આપ્યો. ઈ. સ. 1947માં એમણે પ્રથમ નવલકથા 'ભાઈબીજ' લખી. તે ખૂબ વખણાઈ. ત્યારપછી તેમની કલમ સતત ચાલતી રહી.



પહેલાં એમના પ્રકાશક 'શાહ એન્ડ કંપની' હતા. 'સાહિત્ય સંગમ' ઈ. સ. 1962માં શરૂ થયું. ઈ. સ. 1963 પછી કોલકની ચાલીસ ઉપર નવલકથાઓ પ્રકાશિત થઈ. એમની શૈલી સરળ, ભાવવાહી અને લોકજીવનને સ્પર્શતી હોવાથી એમની નવલકથાઓનાં ઘણાં વાચકો હતા. કોલક વાર્તાકલાનાં સ્વામી હતા. એમને પ્લોટ કે વાર્તા વિશે વિચારવા લાંબા સમયની જરૂર પડતી નહોતી. નવલકથા લખવી હોય ત્યારે કશી પણ પૂર્વભૂમિકા વગર ગુણવંતરાય આચાર્યની જેમ લખવા બેસી જતા. કાગળ પર એમની પેન મુકાતી અને સડસડાટ છેલ્લી લીટીનાં છેલ્લા શબ્દ સુધી પહોંચતી ત્યારે જ પેન ઉંચકાતી. એમનું લખાણ 'જય શુકલેશ્વર' મેગેઝીનનાં કમ્પોઝીટર ખંડુભાઈ અને પ્રૂફરીડર રેખાબહેન જ ઉકેલી શકતા. નવલકથા પ્રકાશિત થતી ત્યારે ભાવક પડાપડી કરે એવી સંવેદનશીલ નવલકથાનો જન્મ થતો.



ઈ. સ. 1959માં એમણે 'ગૌરી' નવલકથા લખી હતી. એમાં એમણે શહેરને પહેલી વાર સ્પર્શ કર્યો હતો. એમને આમે ગામડું જ ગમતું હતું. એમના શબ્દોમાં કહીએ તો,


"મારી નવલકથાઓમાં શહેરના વાતાવરણને મેં પહેલી જ વાર અહીં સ્પર્શયું છે. હું મારા અંગત જીવનમાં યે શહેરીજીવન કરતાં ગ્રામજીવન વધુ પસંદ કરું છું. મારા વતનની નદી, એનાં ખેતરો અને એ લીલી હરિયાળી જોઈ હું જે આનંદ મેળવું છું, જેવો આનંદ મેળવું છું, તે અને તેવો આનંદ મેં મુંબઈમાં કયાંય મેળવ્યો નથી. મારે મન માણસના આત્માની શાંતિ ગામડાંની ગોદમાં છે. ગામડું નૈસર્ગિક છે અને શહેર સાંસ્કૃતિક - સાંસ્કારિક રીતે વિકૃત છે. શહેરી જીવનમાં કૃત્રિમતા આપોઆપ આવે છે અને આથી જ હું ગ્રામજીવનને માનવજીવનનું મંગલકાવ્ય ગણું છું."



તેમણે વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં કામ કરેલું. દર્શનિકા, ઇનમેમૉરિયમ, મેઘદૂત અને ગાંધીજીની આત્મકથા જેવાં એમનાં પ્રિય પુસ્તકો હતાં. આત્મકથા, ઇતિહાસ અને કાવ્યશાસ્ત્રના વિષયોમાં વિશેષ રસ હતો. ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય હતા. નાની વયથી કાવ્યરચનાનો શોખ હતો. પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા :

(1) પ્રિયા- આગમન ખંડકાવ્ય (1937),
(2) સાંધ્ય ગીત (1938),
(3) સ્વાતિ (1940)
(4) પ્રેમધનુષ્ય (1942).

કવિ કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. તરંગલીલા, ભાષાલાલિત્ય ઇત્યાદિ બાબતોમાં ખબરદારની નીતિરીતિનું પ્રતિબિંબ જોવા મળે છે. છંદો પરનો તેમનો કાબુ ખૂબ જ સારો હતો.



તેમણે ઈ. સ. 1946માં કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં ‘કવિતા’ એ વિષય ઉપર વ્યાખ્યાન આપેલું. ‘કવિતા’ માસિક અને ‘માધુરી’ ત્રિમાસિકનાં તેઓ તંત્રી હતા, તે અરસામાં બ. ક. ઠાકોરના અગેય પદ્યરચનાના સિદ્ધાંત સામે કવિ ખબરદારે ગેય પદ્યરચનાની હિમાયત કરેલી તેને પરિણામે ગુજરાતી સાહિત્યવર્તુળમાં વિવાદ ચાલેલો અને ખબરદારનો પક્ષ લઈ કવિ કોલકે ઉગ્ર ચર્ચા ચલાવેલી. સુન્દરમે અગેય કવિતાના બચાવમાં લખેલું. આ વિવાદનું પ્રતિબિંબ તે સમયના ‘માધુરી’ અને ‘પ્રસ્થાન’ના અંકોમાં પ્રકાશિત થયેલું છે.



કવિ કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. તેમના દ્વારા રચિત કેટલીક નવલકથાઓની યાદી નીચે મુજબ છે:


‘બંકિમા’ (1965),
‘વૈશાખી વાયરા’ (1969),
‘સંસારયાત્રા’ (1970),
‘પ્રેમની પાવક જ્વાળા’ (1970),
‘ફાગણ આયો’ (1973),
‘કુમુદ અને કુસુમ’ (1975),
‘ઘર ભણી’ (1975),
‘અંતરનાં અંતર’ (1976),
‘સાત પેઢીનો સંબંધ’ (1976),
‘રાધિકા’ (1976),
‘ગંગાજમના’ (1978),
નીલિમા
રુપરાણી
ગૌરી
સોનાનો સૂરજ
જીવનસાથી
ઉપર ગગન વિશાળ
સન્યાસી
પ્રણયત્રિકોણ
ધૂળમાં ઉગ્યા ફૂલ
માયાના મૃગજળ
શ્રીમતી
ભાઈબીજ
સાધુ સંત ફકીરા
રુપલાલસા
ભગ્ન હ્રદય
પંથ ભૂલેલા
કાજળ કાળી આંખ
મહેંદી રંગ લાગ્યો
આરતી
સિંદૂર
પતિત પાવન
ધરતીનો છેડો
તુલસી
પોષી પૂનમ
વીજળી વેરણ થઈ
કંકુ અને કન્યા

વગેરે પચાસ જેટલી નવલકથાઓને બહોળો વાચકવર્ગ મળેલો. ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ઈ. સ. 1968માં પ્રસિદ્ધ થયેલા.



તેમની ગણતરી કવિ શ્રી ઉમાશંકર જોશીની હરોળમાં થતી હતી. રતુભાઈ, સ્નેહરશ્મિ તથા ખબરદાર એ તેમનાં અંગત મિત્રોમાં હતા. કવિ શ્રી કોલકે 'વાર્તા' અને 'નવલકથા' નામનાં બે માસિક પ્રકાશિત કર્યા અને માત્ર બે રૂપિયાના નજીવા દરે દર મહિને સંપૂર્ણ નવલકથા લખવા માંડી.



સ્વાતંત્ર્ય સેનાની તરીકે રતુભાઈ સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો. 'જય શુકલેશ્વર' સંસ્થાની સ્થાપનામાં એમનો અગ્ર ફાળો રહેલો છે. તેઓનું રહેઠાણ કોલક નદીનાં કાંઠે હતું, આથી જ એમણે પોતાનું ઉપનામ 'કોલક' રાખ્યું હતું.



ઈ. સ. 1973નાં નવેમ્બરમાં કવિ શ્રી કોલકની તબિયત બગડી. ડૉકટરોએ કેન્સરનો ભય બતાવ્યો. તેમાં નવસારી સ્ટેશને ટ્રેનમાંથી પડ્યા. છતાં મકકમ મનોબળને લીધે તેઓ સાજા થયા. ત્રણ-ચાર પુસ્તકો પ્રેસમાં હતાં. તેમાં 'કોલકને કાંઠે' કાવ્યસંગ્રહ હતો. તેમનું નિધન 19 સપ્ટેમ્બર, 1988નાં રોજ થયું અને તેઓ કોલકને કાંઠે જ કાયમને માટે પોઢી ગયા.



આમ તેમનું મોટા ભાગનું જીવન સંઘર્ષમાં વીત્યું હતું. પરંતુ પાછલી વયે સંતાનો અને પૌત્રોએ લીલી વાડી જોતાં તેઓ નિરાંત અનુભવતાં હતાં. આમ કલમને સહારે જીવન વ્યતિત કરનાર એક અનાવિલ લેખક અને કવિ સાહિત્યમાં પોતાનું અમીટ સંભારણું મૂકી ગયા.



કવિ કોલકની યાદમાં અને તેમનાં સન્માનમાં એમનાં પરિવારજનોએ પોતાનાં ઘરનું નામ 'કોલક નિવાસ' રાખ્યું છે.

સૌજન્ય:- ગુજરાતી વિશ્વકોશનું વેબપેજ જે શ્રી રમણીકલાલ જાની તરફથી તૈયાર કરેલ છે, 'જય શુકલેશ્વર' મેગેઝીનનાં ફેબ્રુઆરી 2017નાં અંક કે જે શ્રી નાનુભાઈ નાયક દ્વારા લખવામાં આવેલ છે, અને કવિ શ્રી કોલકનાં ઘરનાં સભ્યો કે જેમની સાથે મારે અંગત સંબંધ છે એમની પાસેથી મળેલી માહિતિ.

આભાર.

સ્નેહલ જાની