ભાગવત રહસ્ય-૧૦૪
દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.
નકલી માલ વધ્યો છે-તે વાત સાચી,પણ તેનો અર્થ એ નથી કે-સાચું સોનું ક્યાંય મળતું નથી.
મા, જગતમાં સંત નથી-તે વાત ખોટી છે. હા,સંત મળવા દુર્લભ છે. એ વાત સાચી છે.
મા,જે સંત થાય છે-તેને સંત મળે છે.સંતના ઘેર સંત જાય છે. વ્યવહારનો કાયદો છે, શ્રીમાનને ત્યાં શ્રીમાન જાય છે. ગરીબના ઘેર શ્રીમાન જતા નથી.સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી. સ્વભાવને સુધારે તે સંત બને છે. સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે. સંત પોતાની આંખને –ઇષ્ટદેવમાં રાખે છે. સંતો મનને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં ,ધામમાં રાખે છે.
સુખ-દુઃખમાં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે-તે સંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે-તે સંત છે.મા,સંત શોધવા તું ક્યાં જઈશ ? તું સંત થા,એટલે સંત મળશે.
સંતને જોવાની દ્રષ્ટિ જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.
હનુમાનજીને ક્રોધમાં આંખ લાલ થવાથી ધોળાં ફૂલ લાલ દેખાયાં હતાં.
એકનાથ મહારાજ સુંદરકાંડની કથા કહી રહ્યા હતા.-કથામાં તે કહે છે-કે-દરિયો ઓળંગી –હનુમાનજી અશોક વનમાં આવ્યા છે.ત્યારે ત્યાંના ફૂલઝાડો પર ધોળાં ફૂલ ખિલી રહ્યાં હતાં.હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા,તેમણે પ્રગટ થઇ આ વાતનો વિરોધ કર્યો.-કે-મહારાજ આપ ખોટું બોલી રહ્યા છો.મેં તે વખતે અશોક વનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા,તે વખતે ફૂલો ધોળાં નહિ, પણ રાતાં હતાં.
એકનાથજી મહારાજે કહ્યું-કે-મારા સીતારામજીને રિઝાવીને હું કથા કરું છું. મને જે દેખાય છે-તેવું વર્ણન કરું છું.છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો. રામજીએ કહ્યું-તમે બંને સાચા છો. ફૂલો ધોળાં હતાં પણ હનુમાનજીની આંખો,તે વખતે ક્રોધથી લાલ હતી-એટલે તેમને-ફૂલો રાતાં દેખાણાં.
સંતના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો-તમારી અંદર નજર કરજો. તમારાં પોતાના દોષ ને જોજો,બીજાના તો ગુણ જ જોજો. બીજાના ગુણ જોવાની આદત રાખશો,તો તમારી દૃષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.
સંતોના લક્ષણોમાં –તિતિક્ષા-ને-(સહનશીલતાને) પ્રાધાન્ય આપવામાં આવેલું છે.સંતોના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે-સંતોને કેટલાં દુઃખ પડેલાં છે,પણ દુઃખોની અસર સંતોના મન પર થતી નથી.
એકનાથ મહારાજ –પૈઠણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે. તે માર્ગમાંથી જે હિન્દુઓ,સ્નાન કરીને જાય,તેમને તે બહુ તંગ કરતો. એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. પઠાણ-મહારાજને પણ તંગ કરતો –પણ એકનાથજી સર્વ સહન કરે. એક દિવસ પઠાણને થયું-આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ છે.એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા,ત્યારે પેલો યવન –મહારાજ પર થૂંક્યો. મહારાજ ફરી સ્નાન કરવા ગયા.પણ યવન પર ગુસ્સે થયા નહિ.
મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે. મહારાજ –ગોદાવરીમાને કહે,-કે- મા ,ફરીફરી સ્નાન કરવા બોલાવે છે-તારી કૃપા છે. યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી. મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા ગયા છે. યવન શરમાયો, મહારાજને પગે પડી ક્ષમા માગી.-આપ સંત છો, આપને હું ઓળખી શક્યો નહિ.મહારાજ કહે-એમાં ક્ષમા કરવા જેવું શું છે ?તારા લીધે આજ-૧૦૮ વાર –ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
સાધારણ મનુષ્યનું મન ક્ષણે ક્ષણે બદલાય છે. સંતનું મન એકસરખું શાંત રહે છે. બધી અનુકુળતા હોય ને જે શાંત રહે-તે શાંતિ સાચી શાંતિ નથી,બધી પ્રતિકુળતામાં જે શાંતિ રાખે તે સાચી શાંતિ છે. જેનો બ્રહ્મ સંબંધ થયો હોય તેની શાંતિ કાયમ રહે છે.સંતની પરીક્ષા વ્યાખ્યાન –કુશળતાથી થતી નથી, મહારાજને ગાદી-તકિયે બેસાડો, હાર પહેરાવો, પછી બ્રહ્મની વાતો કરે તેમાં શું આશ્ચર્ય ? શાંતિ તેની કાયમ રહે છે-જેનું મન પ્રભુનાં ચરણો માં રહે છે. જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે.
તુકારામના જીવનમાં આવે છે.કે મહારાજને કોઈ દિવસ ક્રોધ આવે જ નહિ. પત્ની કર્કશા હતી. કર્કશ વાણી નો જવાબ –મહારાજ મધુર ભાષણથી આપતા. એક દિવસ મહારાજ કથા કરવા ગયા હતા. કોઈ ભક્તે આવી પૂછ્યું-મહારાજ ઘરમાં છે ? તુકારામની પત્ની એ કહ્યું-તેનો ધંધો શું છે ?આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કરવું અને કથા કરવી. આ વિઠ્ઠલે મારો સંસાર બગાડ્યો છે.
મહારાજ ખેડૂતને ત્યાં કથા કરવા ગયેલા. ખેડૂતે પ્રસન્ન થઇ,શેરડીનો ભારો આપ્યો.મહારાજ શેરડી લઈને આવતા હતા.રસ્તામાં જે લોકો જયશ્રી કૃષ્ણ કહે તેને એક શેરડી આપે-ઘેર આવ્યા ત્યારે એક શેરડી બાકી રહેલી.મહારાજની પત્નીને ખબર પડી,આજે બહુ મળેલું, બધું આપી દીધું છે. તે પાગલ થયા છે,ક્રોધ વધી ગયો છે. ક્રોધમાં વિવેક રહ્યો નહિ,મહારાજના હાથમાંથી શેરડી ખેંચી પીઠ પર મારવા લાગ્યા. શેરડીના બે કટકા થયા,પણ મહારાજની શાંતિનો ભંગ થયો નથી.
અનેક વૈષ્ણવો બેઠા છે.તુકારામે કહ્યું –બહુ સારું થયું,મારે શેરડીના બે કટકા જ કરવા હતા. પરમાત્મા એ કેવું સુંદર રતન મેળવી આપ્યું છે, મારા મનની વાત તું અગાઉથી જાણી જાય છે.એક કટકો તું ખા અને એક કટકો હું ખાઉં.મહારાજની પત્ની નું હૃદય ભરાયું છે,પતિના ચરણમાં માથું મુકી ક્ષમા માગી છે,-“હું તમને ઓળખી શકી નહિ.” આ દિવસથી તેનું જીવન સુધર્યું છે......સંતોની સહન શક્તિ અલૌકિક હોય છે.
મહારાજ વિરાજતા હતા ત્યારે લોકોએ પણ તેમણે ત્રાસ આપવામાં કસર રાખી નહોતી.
હોળીના દિવસો હતા, કેટલાંક દુર્જનો મહારાજ પાસે આવ્યા,સાથે ગધેડું લઈને આવ્યા-કહે-કે-મહારાજ અમારે તમારો વરઘોડો કાઢવો છે. મહારાજે વિચાર્યું-ના,પાડીશ તો પરાણે બેસાડશે,તેના કરતા મારા મનથી જ શા માટે ના બેસું ? દુષ્ટ લોકોએ તુકારામને ગધેડા પર બેસાડ્યા છે, પત્નીને દુઃખ થયું,રડવા લાગી. મહારાજને તેની દયા આવી.‘તું કેમ રડે છે ?તું જોતી નથી,હું તો ગરુડ પર બેઠો છું, મારા વિઠ્ઠલ નાથે મારા માટે ગરુડ મોકલ્યું છે.’ સર્વ ને ગધેડો દેખાય છે,પણ તુકારામની પત્નીને ગરુડ દેખાય છે.
તુકારામ ના જીવનમાં અનેક ચમત્કારો દેખાય છે,પણ તેમણે જાતે કોઈ ચમત્કાર કર્યો નથી. ચમત્કારો પરમાત્માએ કર્યા છે.સંતો અપમાનને પી જાય છે,પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તેમની શાંતિનો ભંગ થતો નથી. તો માનવું કે નારાયણનો તેમનામાં વાસ છે. સંતોના ચરિત્રો વાંચવાથી લાભ થાય છે.
મન અશાંત થાય તો ભક્તિનો નાશ થાય છે. જગતમાં અંધારું છે,એટલે પ્રકાશની કિંમત છે.
સુખી થવું હોય તો ખુબ સહન કરજો.