દવા વગર તંદુરસ્ત રહો - 4 Suresh Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દવા વગર તંદુરસ્ત રહો - 4

૪) ચોર મચાયે શોર: શરીરમાં રોગ

આપણને રોગ શા માટે થાય છે તે જાણી લઈએ, તો આપણે રોગ થતા અટકાવી શકીએ. મનુષ્યને રોગ થવાનાં કારણો અલગ અલગ સારવાર પધ્ધતિઓ દ્વારા અલગ અલગ રીતે સમજાવેલ છે. આ દરેક પધ્ધતિમાં સારવારના પ્રકાર અને દવાઓના પ્રકાર પણ અલગ અલગ છે.

૧) એલોપથી:

આધુનિક વિજ્ઞાન એટલે કે એલોપથી મુજબ રોગો થવાનાં કારણો આ મુજબ છે:

બાહ્ય કારણો:

Ø  બેક્ટેરિયાથી (ટાઇફોઇડ, કોલેરા, ટીબી, ન્યુમોનીયા વિગેરે)

Ø  વાયરસથી (શરદી, ફ્લુ, ડેંગ્યુ, પોલીયો, કમળો, શીતળા, હડકવા વિગેરે)

Ø  પ્રોટોજોઆથી (મેલેરિયા, પાયોરિયા વિગેરે)

Ø  ફૂગથી (ખસ, દાદર, ખરજવું વિગેરે)

Ø  ભૌતિક કારણો જેવાં કે બહુ ઠંડી, બહુ ગરમી, રેડીએશન વિગેરેથી તથા પડી જવાથી, ડૂબી જવાથી કે ઇજા થવાથી

આંતરિક કારણો:

Ø  જીનેટિક કારણોથી (કલર બ્લાઇન્ડનેસ, હિમોફીલીયા, ટાઈપ એ ડાયાબિટીસ વિગેરે વારસાગત રોગો)

Ø  બિન તંદુરસ્ત જીવનપદ્ધતિથી, જેમ કે વ્યસન, જંકફૂડ, વિટામિન્સની ઉણપ, કસરતનો અભાવ, અપૂરતી ઊંઘ જેવાં કારણોથી

Ø  રાસાયણિક કારણો જેવાં કે હોર્મોન્સનું બેલેન્સ બગડવાથી તથા ઝેરી પદાર્થો, દારુ, તમાકુ અને ડ્રગ્સથી

Ø  ચિંતા, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર વિગેરે માનસિક કારણોથી

 

એલોપથીના સિધ્ધાંતો મુજબ રોગનાં લક્ષણો જાણીને આ લક્ષણોને દૂર કરવાની દવાઓ આપવામાં આવે છે. આ પધ્ધતિમાં સારવાર જનરલાઇઝ્ડ હોય છે, અર્થાત એક જાતનાં લક્ષણો માટેની સારવાર અને દવાઓ બધી વ્યક્તિઓ માટે એક સરખી હોય છે.

એલોપેથિક દવાઓ કેમિકલ્સમાંથી બનાવવામાં આવે છે. આ દવાઓની આડઅસર વધારે હોય છે.

એક ઉદાહરણથી સમજીએ કે એલોપથીની દવા કઈ રીતે કામ કરે છે:

શરીરમાં કોઈ પણ ઇજા કે રોગને કારણે દુખાવો થાય ત્યારે શરીરમાં રહેલું સીઓએક્સ (COX) નામનું એન્ઝાઈમ પ્રોસ્ટાગ્લેન્ડીન નામનું કેમિકલ છોડે છે. આ પ્રોસ્ટાગ્લેન્ડીન મગજને દુખાવાનો મેસેજ પહોંચાડે છે. એટલે આપણને દુખાવો થયાનું ભાન થાય છે.

જ્યારે આપણે એલોપથીની પેઇનકીલર દવા લઈએ, ત્યારે આ દવા સીઓએક્સને કામ કરતું અટકાવે છે. તેને લીધે પ્રોસ્ટાગ્લેન્ડીન બનતું બંધ થાય છે અને મગજને દુખાવાનો સંદેશો પહોંચતો અટકી જાય છે. એને લીધે આપણને દુખાવો મટી ગયો હોય તેવું લાગે છે. જોકે વાસ્તવમાં પેઇનકીલર દવાથી દુખાવો મટ્યો હોતો નથી કે દુખાવાનું કારણ પણ દૂર થયું હોતું નથી. ફક્ત આપણને દુખાવાનો અહેસાસ થતો નથી.

દવા લીધા પછીના પાંચથી છ કલાકમાં આપણું લીવર આ દવાને નુકસાનકારક વિજાતીય દ્રવ્ય ગણીને તેને શરીરની બહાર કાઢી નાખે છે. એટલે પાંચછ કલાક પછી આપણને ફરીથી દુખાવો થાય છે, એટલે કે દુખાવાનો અહેસાસ ફરી શરૂ થાય છે.

એલોપથી દવાઓની શરીર પર અસર કરવાની પદ્ધતિ ભલે ગમે તેવી હોય, પરંતુ દર્દીને રોગ સામે ઝડપી રાહત તો આપે જ છે. એટલા માટે એલોપથી આજે વિશ્વની સૌથી લોકપ્રિય સારવાર પદ્ધતિ છે. વળી સર્જરીની જરૂર હોય તેવા રોગોમાં તો એલોપથીનો કોઈ વિકલ્પ જ નથી. એટલે હાલ તો એલોપથી બધી સારવાર પધ્ધતિઓમાં નં. ૧ છે.    

બેક્ટેરિયા, વાયરસ વિગેરે જીવજંતુ શરીરમાં ન પ્રવેશે તેવી સાવચેતી લેવાથી, ભૌતિક અને રાસાયણિક કારણો માટે યોગ્ય સાવચેતી અને કાળજી રાખવાથી, જીવનપદ્ધતિથી થતા રોગો માટે સાત્વિક અને પૌષ્ટિક આહાર લેવાથી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાથી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાથી તથા માનસિક કારણો માટે પ્રાણાયામ, ધ્યાન અને હકારાત્મક વલણ રાખવાથી રોગમુક્ત રહી શકાય છે.    

૨) સિગમન ફ્રોઇડ:

મહાન સાયકોલોજીસ્ટ સિગમન ફ્રોઇડના મત મુજબ મનુષ્યને રોગો થવાનાં કારણો નીચે મુજબ છે:

મનુષ્યની ત્રણ પ્રકારની જરૂરીયાત હોય છે:

Ø  શારીરિક જરૂરીયાતો: ભૂખ, તરસ, ઊંઘ, મળમૂત્ર ત્યાગ અને મૈથુન, આ પાંચ મૂળભૂત જરૂરીયાતો છે. 

Ø  માનસિક જરૂરીયાતો: પ્રેમ, લાગણી, સાંત્વના વિગેરે માનસિક જરૂરીયાતો છે.

Ø  સામાજિક જરૂરીયાતો: કુટુંબ, સમાજ અને મિત્રોનો સાથસહકાર એ સામાજિક જરૂરીયાતો છે.

 

મનુષ્યની આમાંની એક કે વધુ જરૂરીયાતો જ્યારે સંતોષકારક રીતે પૂરી થતી નથી, ત્યારે તેને રોગ થાય છે.

આપણે આ બધી જરૂરીયાતો સારી રીતે સંતોષાય એવો પ્રબંધ કરીને રોગમુક્ત રહી શકીએ છીએ. 

 

૩) આયુર્વેદ:

આયુર્વેદના સિધ્ધાંતો મુજબ શરીરમાં જ્યારે કફ, પિત્ત અને વાયુના દોષ પેદા થાય છે, ત્યારે રોગ થાય છે.

આયુર્વેદમાં રોગનાં લક્ષણો પરથી તે રોગ થવાનાં કારણો શોધીને રોગના નિવારણ માટેની દવાઓ આપવામાં આવે છે. આ પધ્ધતિમાં સારવાર પર્સનલાઇઝ્ડ હોય છે, અર્થાત એક જ રોગ માટે દરેક વ્યક્તિની તાસીર મુજબ અલગ દવાઓ અને અલગ સારવાર આપવામાં આવે છે.

આયુર્વેદની મોટાભાગની દવાઓ વનસ્પતિ આધારિત હોય છે, જ્યારે અમુક દવાઓ ધાતુ આધારિત હોય છે. વનસ્પતિ આધારિત આયુર્વેદ દવાઓની આડઅસર હોતી નથી, પરંતુ ધાતુ આધારિત દવાઓની આડઅસર હોય છે.

આયુર્વેદ ભારતીય ઋષિઓ દ્વારા વિકસાવવામાં આવેલી વિશ્વની સૌથી પ્રાચીન સારવાર પદ્ધતિ છે. કમનસીબે હજારો વર્ષના મુસ્લિમ શાસન દરમ્યાન આયુર્વેદના જ્ઞાન અને નિષ્ણાતોનો નાશ કરવામાં આવ્યો. તે પછી અંગ્રેજોએ ભારતીયોને ગુલામ રાખવા ગુરુકુળો બંધ કરાવી પોતાની આગવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરીને આયુર્વેદને ભૂલાવી દીધું. આઝાદી પછી પણ પશ્ચિમના રંગે રંગાયેલી સરકારોએ આયુર્વેદને ઉત્તેજન આપવાને બદલે તેના પર પ્રતિબંધો લગાવ્યા. એટલે આ અદભુત પ્રાચીન જ્ઞાન સમયની સાથે અપડેટ થઈ શક્યું ન હોવાથી સર્વસ્વીકૃત થઈ શક્યું નથી. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી આયુર્વેદમાં નવી રિસર્ચ આધારિત કામગીરી થઈ રહી છે, જેનાથી હવે લોકો આયુર્વેદ તરફ આકર્ષાયા છે.    

આયુર્વેદના નિયમો મુજબ આહાર અને વિહારના નિયમોનું પાલન કરીને શરીરમાં કફ, પિત્ત અને વાયુના કોઈ દોષ પેદા ના થાય તેવું આયોજન કરીને આપણે રોગમુક્ત રહી શકીએ છીએ. 

 

૪) હોમિયોપથી:

હોમિયોપથીના સિધ્ધાંતો મુજબ જ્યારે શરીરની જીવન શક્તિમાં અવરોધ આવે છે, ત્યારે રોગ થાય છે. આ પધ્ધતિમાં રોગનાં લક્ષણો કે કારણો પર નહિ, પરંતુ રોગી પર ધ્યાન આપીને સારવાર કરવામાં આવે છે. દવાઓ દ્વારા રોગીની જીવન શક્તિને પુન: કાર્યરત કરીને રોગ મટાડવામાં આવે છે.    

હોમિયોપથીની દવાઓમાં દવાનું પ્રમાણ એટલી બધી સૂક્ષ્મ માત્રામાં હોય છે કે તેમાં દવાનું તત્વ નામમાત્ર જ હોય છે. બીજું આશ્ચર્ય એ છે કે એક દર્દીના અનેક રોગ માટે પણ એક જ જાતની દવા આપવામાં આવે છે. કારણ કે આ પધ્ધતિમાં રોગની નહિ, પરંતુ રોગીની સારવાર કરવામાં આવે છે. આમ હોમિયોપથી એક અલગ પ્રકારનું સાયન્સ છે.      

હોમિયોપથી દવાઓની આડ અસર હોતી નથી.  

હોમિયોપથી દવાઓ લઈને જીવન શક્તિનું બેલેન્સ સુધારીને અને સાચવીને તંદુરસ્ત રહી શકાય છે.

 

૫) નેચરોપથી/કુદરતી ઉપચાર:

નેચરોપથીના સિધ્ધાંતો મુજબ શરીરમાં વિષ દ્રવ્યો (વિજાતીય દ્રવ્યો/ફોરેન બોડી પાર્ટીકલ્સ/ફ્રી રેડિકલ્સ) જમા થવાથી રોગ થાય છે. આ પદ્ધતિ મુજબ (૧) રોગનો એક જ પ્રકાર છે, ભલે તે શરીરના કોઈપણ ભાગમાં હોય (૨) રોગનું કારણ પણ એક જ છે, શરીરમાં જમા થયેલ વિષ દ્રવ્યો અને (૩) રોગનો ઉપચાર પણ એક જ છે, વિષ દ્રવ્યોને કુદરતી ઉપચારો મારફત બહાર કાઢવા. ટૂંકમાં આ પધ્ધતિમાં કોઈપણ પ્રકારની દવાઓનો પ્રયોગ થતો નથી.

 

શરીરમાં વિષ દ્રવ્યો જમા થવાનાં કારણો આ મુજબ છે:

Ø  શરીરની ચયાપચય/મેટાબોલિઝમ પ્રક્રિયા દ્વારા દરરોજ લાખો કોષો નાશ પામે છે અને લાખો કોષો નવા બને છે. નાશ પામેલા બધા કોષો શરીર માટે વિષ દ્રવ્ય છે, જેને શરીર પોતાની સ્વાભાવિક ક્રિયાઓ દ્વારા બહાર કાઢી નાખે છે. પરંતુ જ્યારે આ ક્રિયાઓમાં વિક્ષેપ થાય, ત્યારે વિષ દ્રવ્યો શરીરમાં ભેગા થઈ જાય છે.

Ø  ખોરાક દ્વારા વિષ દ્રવ્યો શરીરમાં પ્રવેશે છે, ખાસ કરીને એસિડિક ખોરાક દ્વારા વધુ વિષ દ્રવ્યો પ્રવેશે છે.

Ø  આંખ, નાક, કાન, ચામડી અને ઉત્સર્ગ દ્વારો મારફત વિષ દ્રવ્યો શરીરમાં પ્રવેશે છે.

Ø  માનસિક કારણોસર શરીરમાં હોર્મોન્સ પેદા થવામાં વધઘટ થાય છે. તેનાથી શરીરમાં વિષ દ્રવ્યો પેદા થાય છે.

 

આ વિષ દ્રવ્યો આ રીતે દૂર કરી શકાય છે:

Ø  આલ્કલાઇન ખોરાક વધુ લેવાથી એસિડિક ખોરાકનાં વિષ દ્રવ્યો ન્યુટ્રીલાઇઝ થઈને દૂર થાય છે.

Ø  કસરત અથવા શ્રમકાર્યથી લોહીનું ઝડપી પરિભ્રમણ થાય છે. તેનાથી શરીરનાં વિષ દ્રવ્યો લોહીમાં ભળીને કિડની મારફત અને પરસેવા મારફત બહાર નીકળે છે. શરીરને માલિશ કરવાથી પણ લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે.

Ø  ખોરાકને સારી રીતે ચાવવાથી વિષ દ્રવ્યો ખોરાકમાંથી જલદી છૂટાં પડી જાય છે. જેથી શરીર તેમનો નિકાલ આસાનીથી કરી શકે છે.

Ø  ડિટોક્સ ફૂડ લેવાથી વિષ દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળી જાય છે, જેનાથી રોગમુક્ત રહેવાય છે.

Ø  એન્ટિઓક્સિડન્ટ તત્વોવાળો ખોરાક લેવાથી વિષ દ્રવ્યો દૂર થાય છે, જેનાથી રોગમુક્ત રહેવાય છે.

Ø  ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે. એટલે શરીર પાચનતંત્રમાં સ્વશુધ્ધિની પ્રક્રિયા દ્વારા વિષ દ્રવ્યોને બહાર કાઢે છે, જેનાથી રોગમુક્ત થવાય છે.

Ø  પાણી અને માટીના પ્રયોગોથી અને સૂર્યસ્નાનથી વિષ દ્રવ્યોને બહાર કાઢી શકાય છે.  

***

ઉપર દર્શાવેલ સારવાર પધ્ધતિઓ ઉપરાંત બીજી ઘણી સારવાર પધ્ધતિઓ પણ અમલમાં છે. પરંતુ કમનસીબે વિશ્વના દરેક દર્દીના દરેક રોગ ૧૦૦% મટાડી શકે એવી કોઈ સારવાર પદ્ધતિ હજુ સુધી શોધાઈ નથી. એટલે તો ફાર્મા બિઝનેસ અત્યારે કરોડોનો નહિ, પરંતુ અબજોનો ખેલ થઈ ગયો હોવા છતાં દર્દીઓએ પોતાના ઉપચાર માટે ટ્રાયલ એન્ડ એરર અપનાવીને આ વિવિધ સારવાર પધ્ધતિઓ વચ્ચે ભટકવું પડે છે.

આપણે રોગના પ્રકાર, માત્રા, તીવ્રતા અને રોગ કેટલો જુનો છે તે મુજબ યોગ્ય સારવાર પદ્ધતિ પસંદ કરવી જોઈએ. પરંતુ પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. એટલે રોગ થયા પછી તેની સારવાર કરવાને બદલે રોગ થાય જ નહિ તેવી જીવનશૈલી અપનાવવી એ શ્રેષ્ઠ માર્ગ છે.

એટલા માટે આ પુસ્તકમાં રોગ થાય જ નહિ તેવા કુદરતી પ્રયોગો અને ઉપાયો બતાવેલ છે. આ બધા જ પ્રયોગો કર્યા પછી અને બધી જ જાતની કાળજી લીધા પછી પણ કોઈ રોગ લાગુ પડી જાય, તો પણ અપરાધભાવ અનુભવવાની જરૂર નથી. આપણું શરીર આખી ઉંમર સુધી હંમેશ માટે આદર્શ સ્થિતિમાં જ રહે તે શક્ય નથી. એટલે કોઈ રોગ લાગુ પડે તો તેને મિત્ર ગણીને સ્વીકારી લો. મિત્ર એટલા માટે કે એ રોગ થવાથી તમને જાણ થશે કે તમારી જીવનશૈલીમાં શું ખામી હતી. તો રોગ લાગુ થઈ જાય તો તેની યોગ્ય સારવાર કરાવો અને તે રોગ ફરી ન થાય તેની સાવચેતી લો.

 

પંચામૃત

એલોપથી ઇમરજન્સી રોગો માટે અને સર્જરી માટે શ્રેષ્ઠ

આયુર્વેદ શરદી, કબજિયાત અને સાંધાની તકલીફો જેવા કોમન રોગો માટે શ્રેષ્ઠ

હોમીઓપથી ક્રોનિક અને એલર્જીક રોગો માટે શ્રેષ્ઠ

નેચરોપથી રોગ ન થાય તે માટે શ્રેષ્ઠ