ભાગવત રહસ્ય - 58 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 58

ભાગવત રહસ્ય-૫૮

 

પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.

જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે.

 

૭ થી ૧૧ –આ પાંચ અધ્યાયોમાં બીજશુદ્ધિની કથા છે-અને પછી-૧૨મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.વંશશુદ્ધિ બતાવવા માટે-પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે.

શ્રીકૃષ્ણના લાડીલા –પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.

મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામાએ વિચાર્યું-કે-પાંડવોએ કપટથી મારા પિતાનો વધ કર્યો છે.

એટલે હું પણ પાંડવોને કપટથી મારીશ. પાંડવો જયારે સુઈ ગયા હશે ત્યારે મારીશ.

 

પાંડવોને કોણ મારી શકે ? જેને પ્રભુ રાખે-તેને –કોણ મારી શકે ?

પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે. અને કહ્યું –કે મારી સાથે ગંગા કિનારે ચાલો.

પાંડવોને પ્રભુ પર દૃઢ વિશ્વાસ-કોઈ પ્રશ્ન નહિ-પ્રભુ સાથે ચાલવા લાગ્યા.પ્રભુએ કહ્યું હતું-પણ દ્રૌપદીના પુત્રો –સાથે ગયા નથી-બાળક બુદ્ધિ હતી-કહે છે કે-અમને ઊંઘ આવે છે.-તમારે જવું હોય તો જાવ.

પરિણામે-અશ્વસ્થામા એ દ્રૌપદીના પાંચે ય પુત્રોને માર્યા છે.

 

દ્રૌપદી આજે રડે છે-પણ દ્વારકાનાથને આજે દયા આવતી નથી.સર્વ રીતે સુખી થાય-તે શાનભાન જલ્દી ભૂલે છે.પાંડવોને સુખમાં અભિમાન થશે-તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે-ઠાકોરજી-કોઈ કોઈ વાર નિષ્ઠુર બની જાય છે. સુખમાં સાનભાન ના ભૂલે-તેથી આ દુઃખ પાંડવોને પ્રભુ એ જ આપ્યું છે.

ભગવાન –આવા સમયે પણ-જીવને ગુપ્ત રીતે મદદ કરે છે. દુઃખ પણ આપે અને મદદ પણ કરે-

અતિ દુઃખમાં કોઈ વખત જીવ ભગવાનને ભૂલે છે-પણ ભગવાન તેણે ભૂલતા નથી.

 

અર્જુને અશ્વસ્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી-બંનેનું યુદ્ધ થાય છે. પણ બ્રાહ્મણ-ગુરુપુત્રને મારવાની હિંમત થતી નથી.આથી તેને બાંધીને-ખેંચી ને દ્રૌપદી સમક્ષ લાવ્યા છે. પુત્ર શોકથી રડતી –દ્રૌપદી- અશ્વસ્થામાની સ્થિતિ જોઈ કહે છે-કે આંગણે આવેલા બ્રાહ્મણનું અપમાન ના કરો. અને પોતાના પાંચ બાળકોને મારનારને વંદન કરે છે.આ સાધારણ વેરી નથી.પણ દ્રૌપદી –આંગણે આવનાર –બ્રાહ્મણને પ્રણામ કરે છે.!

 

તમારો વેરી –તમારે આંગણે આવ્યો હોય તો તમે –એને જયશ્રી કૃષ્ણ કહેશો ??ભાગવતની કથા સાંભળ્યા પછી-જીવન સુધારજો. વેરની શાંતિ-નિર્વેરથી થાય છે.-પ્રેમથી થાય છે.-વંદનથી થાય છે.

શત્રુમાં પણ ભગવદ-દૃષ્ટિ કેળવવાનું ભાગવત શીખવે છે.સજ્જનમાં ભગવાનના દર્શન થાય છે-તે સ્વાભાવિક છે-પણ દુર્જનમાં પણ ભગવાનના દર્શન કરવા તે વિશિષ્ટતા છે.ભક્ત એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે. જયશ્રી કૃષ્ણ –કહેવાનો અર્થ એ છે કે-મને જે દેખાય છે –તે કૃષ્ણમય છે.

 

અશ્વસ્થામા વિચારે છે-ખરેખર દ્રૌપદી વંદનીય છે-હું વંદનીય નથી. તે કહે છે કે-દ્રૌપદી-લોકો તારા વખાણ કરે છે તે ઓછાં છે.તું વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણથી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશી ને કહે છે કે-કોમળ હૃદયવાળી-સુંદર સ્વભાવવાળી.

જેનો સ્વભાવ અતિ સુંદર છે-તે ભગવાનને વહાલો લાગે છે. સ્વભાવ સુંદર ક્યારે બને ?

અપકાર નો બદલો ઉપકારથી આપે ત્યારે.

 

દ્રૌપદી બોલી ઉઠયાં-તેને છોડી દો-તેને મારશો નહિ.આ ગુરુપુત્ર છે. જે વિદ્યા-દ્રોણાચાર્યે –પોતાના પુત્રને ના આપી-પણ તમને આપી. તે તમે શું ભૂલી ગયા ? બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે-ગાય ને બ્રાહ્મણ વંદનીય છે.

દ્રૌપદી એ દયાનું સ્વ-રૂપ છે.દ્રૌપદી (દયા)જોડે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી.

 

જીવાત્મા (અર્જુન) ગુડાકેશ છે.અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. આ જોડી –શરીર રથમાં બેઠી છે.

ઇન્દ્રિયો રૂપી રથ –પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.

યુધિષ્ઠિર એ ધર્મ છે.ભીમ એ બળ છે.સહદેવ અને નકુલ –બુદ્ધિ અને જ્ઞાન છે.

 

આ ચાર-ગુણ વાળો જીવ-અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? જયારે દ્રૌપદી -દયા-તેની પત્ની બને છે.

દ્રૌપદી-દયા ક્યારે મળે ? ધર્મને મોટો માને ત્યારે.પરમાત્મા ત્યારે જ સારથી થાય-જયારે માનવ ધર્મને મોટો માને.આજે તો ધર્મને નહિ ધનને મોટું માને છે. અને આમ થતાં –સંયમ અને સદાચાર જીવનમાંથી ગયા છે.

 

ધન –ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો,કે-

આ કાર્ય કરવાથી મને પાપ તો નહિ લાગેને ? પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી.પણ-

ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તો તે ઈશ્વરને ગમે છે.