ભાગવત રહસ્ય - 40 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 40

ભાગવત રહસ્ય-૪૦

 

જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના ના હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬)

સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.

આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.

 

અંશ-અંશીથી વિખુટો પડ્યો છે. તેથી તે દુઃખી છે. તે અંશ-અંશીમાં મળી જાય –તો જીવનું કલ્યાણ થાય.

ભગવાન કહે છે-કે-તું મારો અંશ છે-તું મને મળીને કૃતાર્થ થઈશ.

નર એ નારાયણ નો અંશ છે.(આત્મા એ પરમાત્મા નો અંશ છે)

કોઈ પણ રીતે –નારાયણ સાથે એક થવાની જરૂર છે.

 

જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ (અદ્વૈત-એક) સિદ્ધ કરે છે.વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધ કરે છે.પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે.ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ –એક જ છે.

 

 

 

જીવ ઈશ્વરથી કેવી રીતે વિખુટો પડ્યો-તેની ચર્ચા કરવાની જરૂર નથી.આ જીવ ઈશ્વરથી કેમ અને ક્યારે વિખુટો પડ્યો-તે કહી શકાતું નથી. પણ જીવને ઈશ્વરનો વિયોગ થયો છે-એ હકીકત છે. આ વિયોગ ક્યારથી-કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેનાથી કંઈ લાભ નથી.કાંઇક ભૂલ થઇ છે –તેથી ગોટાળો થયો છે. અને જીવ મળમૂત્રથી ભરેલા શરીરમાં આવ્યો છે.

 

જીવને મોટો રોગ એ થયો છે કે તેને પરમાત્માનો વિયોગ થયો છે.(આત્મા ને પરમાત્માનો વિયોગ)

રોગ થયા પછી –રોગ કેમ થયો તેનો વિચાર કર્યા કરશો-તો રોગ વધી જશે.(તે દવા લેવાથી જ જશે)

ધોતિયાને ડાઘો પડ્યો હોય-તો તે –ક્યાં અને કેમ પડ્યો-એમ વિચારવાથી ડાઘ જશે નહિ.(ધોવાથી જશે)તે પ્રમાણે –બહુ વિચાર્યા વગર-જીવ ઈશ્વરને મળવાનો પ્રયત્ન કરે તે જ ઇષ્ટ છે.

 

આજ થી નિશ્ચય કરો કે-હું કોઈનો નથી.-હું ઈશ્વરનો છું.

ઈશ્વરને અપેક્ષા રહે છે- મનુષ્યને બુદ્ધિ આપી હતી –તેનું તેણે શું કર્યું ?(એ હિસાબ માગે છે)

મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે.

ઇન્કમ ટેક્ષ ઓફિસરને એક-બે લાખનો હિસાબ આપતાં જીવ બીવે છે.ત્યારે આખા જીવનનો હિસાબ –

પ્રભુ માગશે ત્યારે શું દશા થશે? તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ ?

 

અંતકાળે બીક લાગે છે –કરેલા પાપોની યાદથી.મૃત્યુની બીક છે –ત્યાં સુધી શાંતિ નથી.

કાળના એ કાળ-એવા ભગવાન જેને અપનાવે- તો તેને-ભગવાનનો નોકર કાળ કશું કરી શકતો નથી.

ઉપનિષદ કહે છે-કે-જીવ અને ઈશ્વર સાથે બેઠા છે,(આત્મા-પરમાત્મા) છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી.(નિરીક્ષણનો અભાવ-ઈશ્વરને ઓળખાવની જીજ્ઞાસાનો અભાવ-જ્યાં ઈશ્વર છે-ત્યાં-નહિ જોવાનો અભાવ) જીવ (આત્મા) બહિર્મુખ(બાહ્ય-નિરીક્ષણ) ને બદલે અંતર્મુખ(આંતર-નિરીક્ષણ) બને તો અંતર્યામી ને ઓળખી શકે.

 

એક મનુષ્યને એવું જાણવા મળ્યું કે – ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણિ છે.

પારસમણિ મેળવવા-તે મનુષ્ય-સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું-કે-હું ગંગાસ્નાન કરીને આવું પછી –તને

પારસમણિ આપીશ. સંત ગયા પછી –પેલાનું મન અધીરું થયું.સંતની ગેરહાજરીમાં આખી ઝુંપડી ફેંદી વળ્યો.

પણ પારસમણિ હાથમાં આવ્યો નહિ. સંત પધાર્યા.સંતે કહ્યું-આટલી ધીરજ નાં રાખી શક્યો ? પારસમણિ તોમેં દાબડીમાં મૂકી રાખ્યો છે.એમ કહી તેમણે એક દાબડી ઉતારી. આ પારસમણિ-લોખંડની દાબડીમાં હતો.

 

પેલાને શંકા થઇ-કે-આ પારસમણિ-લોખંડની દાબડી માં હતો –તો દાબડી સોનાની કેમ ના થઇ ?

સાચે સાચ આ પારસમણિ હશે?કે સંત મારી મશ્કરી કરે છે? તેણે પોતાની આ શંકા સંત સામે રજુ કરી.

સંતે સમજાવ્યું-તું જુએ છે કે પારસમણિ એક ચિંથરામાં બાંધેલો છે. કપડાના આવરણને લીધે-

પારસમણિ અને લોખંડનો સ્પર્શ થતો નથી. એટલે દાબડી સોનાની કેમ થાય ?

 

બસ –આવી જ રીતે-જીવ અને ઈશ્વર(આત્મા-અને-પરમાત્મા) –હૃદયમાં જ છે.પણ વાસનાના આવરણને લઈને-તેનું મિલન થતું નથી.જીવાત્મા એ દાબડી છે-પરમાત્મા પારસમણિ છે.

વચમાનું અહંતા-મમતા-વાસના (માયા) રૂપી ચીંથરું –જ-દૂર કરવાનું છે.

 

અનેક વાર સાધકને સાધન (યોગ-ભક્તિ વગેરે) કરતાં કોઈ સિદ્ધિ ના મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા

જાગે છે. પણ તે સારું નથી.(ચીંથરું હોય ત્યાં સુધી સિદ્ધિ કેમ મળે ?)

જીવ એ –સાધક- છે.સેવા,સ્મરણ,યોગ –વગરે –સાધન- છે.પરમાત્મા –સાધ્ય- છે.

(કોઈ ને કોઈ સાધન તો કરવું જ પડે છે-સાધનો અનેક છે-જે અનુકૂળ આવે તે સાધન કરવું જોઈએ)

 

લોકો માને છે કે-ભક્તિ માર્ગ(સાધન) સહેલો છે.સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી આખા દિવસમાં તે ભગવાનને ભૂલી જાય છે.-આ ભક્તિ નથી.ચોવીસ કલાક –ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ.