ભાગવત રહસ્ય-૨૬
ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં-
પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.
તેની કથા એવી છે.-કે-ગયાસુર કરીને એક રાક્ષસ હતો તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ.તે બ્રહ્માને કહે છે-કે-તમે શું વરદાન આપવાના હતા ? તમારે મારી પાસેથી કઈ માગવું હોય તો માંગો.તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા .આ અસુર કેમ મરશે ? એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું –શરીર-માગ્યું.યજ્ઞ કુંડ ગયાસુરની છાતી પર કરવામાં આવ્યો. સો વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો,પણ ગયાસુર મર્યો નહિ. યજ્ઞ પુરો થયો –પછી તે ઊઠવા ગયો.
બ્રહ્મા ચિંતાતુર થયા.તેમને બીક લાગી. તેમણે નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા. અને ગયાસુરની છાતી પર બે ચરણો પધરાવ્યાં. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માગ્યું-કે-
આ ગયામાં જે કોઈ શ્રાધ્ધ કરે તેના –પિતૃઓની મુક્તિ થાય.
ભગવાને કહ્યું-તથાસ્તુ-તારા શરીર પર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે.
ઠાકોરજીના ચરણ બે જગ્યાએ છે. પંઢરપુરમાં ચંદ્ર ભાગામાં અને બીજા ગયાજીમાં.
ગોકર્ણ પછી ઘેર આવ્યા છે.ત્યાં રાત્રે તેમને કોઈના રુદનનો અવાજ સાંભળ્યો.
મનુષ્ય પાપ કરે ત્યારે હસે છે,પાપની સજા ભોગવવાનો સમય આવે છે, ત્યારે રડે છે.
એક જ મા-બાપના પુત્રો હોવા છતાં-ગોકર્ણ દેવ થયા છે-અને ધન્ધુકારી –પ્રેત-બન્યો છે.
દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથમાં છે.
ગોકર્ણ પૂછે છે-કે-તું કોણ છે ?તું કેમ રડે છે ?તારી આ દશા કેમ થઇ ? તું ભૂત-પિશાચ-કે રાક્ષસ છે ?
પ્રેત કંઈ બોલી શકતું નથી. અતિ પાપી બોલી શકતો નથી.વાણી અને પાણીનો દુરુપયોગ ના કરો. એ મોટો અપરાધ છે.ભગવાનની લીલા કેવી છે !! કાન બે,આંખ બે પણ મુખ એક જ આપ્યું છે.જોકે તેને બે કામ કરવાના હોય છે. ખાવાનું અને બોલવાનું.
એટલે -બે કાન હોવાથી ખુબ સાંભળજો-બે આંખ હોવાથી ખુબ જોજો-પણ બોલજો ઓછું-ખાજો ઓછું.
ગોકર્ણે પ્રેત પર ગંગાજલ છાંટ્યું, તેનું પાપ થોડું ઓછું થયું. તેથી ધન્ધુકારીને વાચા ફૂટી.
પ્રેત બોલ્યું-હું તમારો ભાઈ ધન્ધુકારી છું.મેં પાપો બહુ કર્યા છે તેથી મારી આ દશા થઇ છે. મને પ્રેત યોનિ મળી છે.મને બંધનમાંથી છોડાવો.
ગોકર્ણે કહ્યું-તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું છે,પણ તું મુક્ત કેમ ના થયો ?
પ્રેત બોલ્યું-ગમે તેટલાં-સેંકડો ગયા શ્રાધ્ધ કરો,પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાધ્ધ ઉદ્ધાર કરી શકે નહિ.ગોકર્ણે પૂછ્યું-તને સદગતિ કેવી રીતે મળશે ? શું કરવું ?તું વિચારીને કહે. આવતી કાલે હું સૂર્ય નારાયણ ને પૂછી જોઇશ.(સૂર્ય નારાયણ બ્રાહ્મણોના ગુરુ છે). બીજા દિવસે ગોકર્ણ સૂર્ય નારાયણને અર્ધ્ય આપે છે.
અર્ઘ્ય આપીને સૂર્ય નારાયણને કહે છે-મહારાજ ઉભા રહો. સુર્યનારાયણ ઉભા રહ્યા છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે.પવિત્ર બ્રાહ્મણ સૂર્ય નારાયણને કહી શકે કે-મહારાજ ઉભા રહો. અને મહારાજ ઉભા પણ રહે!!!
બ્રાહ્મણની જનોઈ એ તો વેદો એ આપેલી ચપરાશ છે.બ્રાહ્મણો ગળામાં જનોઈ રાખે છે. જનોઈના એક એક ધાગામાં –એક એક દેવ ની સ્થાપના કરવી પડે છે. પિતા –પુત્ર ને કહે છે –કે આજ થી તું સૂર્ય નારાયણનો દીકરો છે.'હું સૂર્ય નારાયણ નો સેવક છું, તેમની ત્રણ વાર સંધ્યા કરીશ.(ત્રિકાળ સંધ્યા).'
બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ના છોડે.ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી. દરિદ્ર થતો નથી.
સૂર્ય નારાયણે પૂછ્યું-કેમ મારું શું કામ છે ? ગોકર્ણે કહ્યું-મારા ભાઈનો ઉદ્ધાર થાય તેવો કોઈ ઉપાય બતાવો.
સૂર્ય નારાયણે કહ્યું-તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો-ભાગવતની વિધિ પૂર્વક કથા કરો.
જે જીવની મુક્તિ શ્રાધ્ધથી ના થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર –મુક્તિ શાસ્ત્ર છે.
ધન્ધુકારીને પાપમાંથી છોડાવવા આષાઢ માસમાં ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું છે. કથામાં બહુ ભીડ થઇ છે.ધન્ધુકારી ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા મળી નહિ,એટલે સાત ગાંઠવાળા વાંસમાં તેણે પ્રવેશ કર્યો.રોજ –એક-એક એમ વાંસની સાત ગાંઠો તૂટી. સાતમે દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી. વાંસ માંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો.ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો-ભાઈ તેં પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ભાગવત કથા પ્રેતપીડા-વિનાશિની છે. હું અતિ અધમ હતો –છતાં મને સદગતિ મળી છે.-ધન્ય છે ભાગવત કથાને-ધન્ય છે-શુકદેવજીને-
જરા વિચાર કરો- તો-સમજાશે કે-જો જડ વાંસની ગાંઠ તૂટી જાય તો-ચેતનની ગાંઠ ન છૂટે ?
લગ્નમાં પણ બે જણની ગાંઠ બાંધવામાં આવે છે. એ સ્નેહની ગાંઠ છે. છૂટવી કઠણ છે.-પણ-
પરમાત્માની સેવા કરવા-એકબીજાનો સાથ આપ્યો છે-તેમ માની પતિ-પત્ની વર્તે તો સુખી થાય.
વાંસમાં એટલે વાસનામાં (આસક્તિમાં) ધન્ધુકારી રહ્યો હતો.
વાંસની સાત ગાંઠો એટલે-વાસનાની સાત ગાંઠો.વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો. વાસના પર વિજય- એ જ સુખી થવાનો ઉપાય છે.મનુષ્યને મોહ છૂટતો નથી.
સાત પ્રકારની વાસના (આસક્તિ) છે.૧-સ્ત્રીમાં આસક્તિ (પતિ-પત્નીની આસક્તિ)
—૨-પુત્રમાં આસક્તિ(પિતા-પુત્ર ની આસક્તિ) —૩-ધંધામાં આસક્તિ –૪-દ્રવ્યમાં આસક્તિ
—૫-કુટુંબની આસક્તિ—૬-ઘરની આસક્તિ—૭-ગામની આસક્તિ.
આ આસક્તિનો ત્યાગ કરો. આસક્તિ રૂપી ગાંઠ ને –વિવેક-થી છોડવાની છે.
શાસ્ત્ર માં –કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર અને અવિદ્યા ની સાત ગાંઠો (વાસના-આસક્તિની) બતાવી છે.
જીવભાવ(હું શરીર છું-તેવો ભાવ) એ વાસનાનું (વાંસ) સ્વરૂપ છે. જીવ (આત્મા) વાસના(જીવભાવ) માં રહેલો છે.મોટે ભાગે જીવ (આત્મા)-શરીર છોડે છે-ત્યારે વાસના(જીવભાવ) સાથે મરે છે.જેમકે ભગવત સ્મરણ કરતાં શરીર છોડ્યું છે-તેની પાછળ શ્રાધ્ધ –ના-કરવામાં આવે તો પણ તેની દુર્ગતિ થતી નથી.જીવ(આત્મા) માં –જીવભાવ-વાસનાથી આવ્યો છે. તે નિષ્કામમાંથી સકામ બન્યો.એ (જીવ) જ્યાં સુધી - વાસનાની ગ્રંથીઓને નહિ છોડે-ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી.(તેથી જ દુર્ગતિ થાય છે)