ભાગવત રહસ્ય-૨૦
તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું.
ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે એક સન્યાસી મહાત્મા મળ્યા. આત્મદેવ તેમની સામે રડવા લાગ્યા.
મહાત્માએ રડવાનું કારણ પૂછ્યું.આત્મદેવ કહે છે કે-ખાવાનું ઘણું મળ્યું છે,પણ ઘરમાં ખાનારો કોઈ નથી.એટલે હું દુઃખી છું.મહાત્માએ કહ્યું કે-તારે ઘેર પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે .છોકરો ના થાય તો –માનવું કે-ઠાકોરજી એ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે. એટલા માટે પુત્ર આપ્યો નથી.
પુત્ર દુઃખ રૂપ છે. જેને ત્યાં પુત્ર છે-તેને પણ ક્યાં સુખ છે ?
ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. ભગવાનમાં વિશ્વાસ રાખો.
ઈશ્વર ખોટું કરી શકે નહિ. ભગવાનમાં વિશ્વાસ ન હોય તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.મારા ભગવાનને ખોટું કરતાં આવડે નહિ.હું ભક્તિ કરું છુ એટલે ભગવાને મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ એમ લોકો માને છે.
ભગવાન કહે છે કે-હું તારો નોકર છું કે તું મારો નોકર ?
તમારા જીવનમાં ઉદ્વેગ થાય તેવો બનાવ બને તો પણ ભગવાનને ઠપકો આપશો નહિ.સમજો કે-પ્રભુ એ જે કર્યું છે તે મારા કલ્યાણ માટે કર્યું છે.ભાગવતનો એક સિદ્ધાંત છે-કે-ભગવાન જે સ્થિતિમાં રાખે,તેમાં સંતોષ માને તે ભક્ત( વૈષ્ણવ) છે.ભક્તિનો અર્થ છે કે ભગવાનને આધીન થઇ રહેવું.
જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઇ શકતો નથી. અને કદાચ થાય તો તે શાનભાન ભૂલે છે.
શ્રી રામદાસ સ્વામીએ તેથી –દાસબોધમાં કહ્યું છે કે-સંતોષ –એ જ –સુખ છે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ –એ ભક્તિમાં બાધક છે. સુખ એ -સંપત્તિમાં નહિ-સંતોષમાં છે.
એક વખત એકનાથ મહારાજ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીનાં દર્શન કરવા ગયા.એકનાથજીને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે.દર્શન કરતાં હૃદય પીગળ્યું છે,આંખો ભીની થઇ છે. એકનાથ મહારાજ કહે છે-મને સ્ત્રીનો સંગ આપ્યો નથી,સત્સંગ આપ્યો છે. તમે મને અનુકુળ પત્ની આપી છે –તેથી હું તમારું ભજન કરું છું.મને કોઈ વાર ક્રોધ આવે પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. મને લાયક પત્ની મળી છે તેથી હું તમારી સેવા-ભક્તિ કરી શકું છું.
(એકનાથ મહારાજનાં પત્ની ગીરીજાબાઈ, મહારાજને કહેતાં-કે-તમે ઘરની ચિંતા કરો નહિ.તમે સતત ભગવતસેવા કરો.વ્યવહારનું કાર્ય હું કરીશ.)
થોડી વાર પછી, તુકારામ મહારાજ –પાંડુરંગ....બોલતા બોલતા દર્શન કરવા આવ્યા.તુકારામનાં ઘરમા હતી તે કર્કશા હતી. મહારાજ ધંધો છોડી સતત ભક્તિ કરે તે તેને ગમતું નહોતું. ઘરમાં પત્ની ઝગડો કરે છે. ચરિત્ર માં તો એવું લખ્યું છે કે-કોઈ વખત માર પણ મારે છે.છતાં તુકારામ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર જ માને છે. કહે છે-મને એવું નંગ મેળવી આપ્યું છે કે મને ઘરનું સ્મરણ થતું જ નથી. તમારુ સતત સ્મરણ થાય અને ઘરનું સ્મરણ ના થાય –એટલા માટેજ તમે મને આવી પત્ની આપી છે. આવી પ્રતિકુળ પત્ની આપી છે -તેથી તો હું વિઠ્ઠલ-વિઠ્ઠલ કરું છું. અનુકૂળ પત્ની આપી હોત તો હું ક્યાં તમારું ભજન કરી શકવાનો હતો ?ઉલટાનું તેની પાછળ પડી જાત અને તમને ભૂલી જાત,તેથી હે નાથ -સારું થયું.
એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ. અને તુકારામને પ્રતિકૂળ પત્ની મળી છે તોયે તે ભગવાન નો ઉપકાર માને છે. સંતોનો આ સ્વભાવ જ હોય છે.
નરસિંહ મહેતાની પત્ની મરણ પામી, મહેતાજીએ માન્યું- સારું થયું. મારા દેખતાં જ એનો છેલ્લો વરઘોડો નીકળી ગયો.રાધે ગોવિંદ ભજો-મારી પાછળ રહી હોત તો મને એની ચિંતા થાત.ત્યાર પછી પરણેલો પુત્ર મરણ પામ્યો. યુવાન પુત્રનાં મરણનું દુઃખ –જેને માથે પડ્યું હોય તે જ જાણી શકે.એના જેવું દુઃખ દુનિયામાં બીજું કોઈ નથી. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં મહેતાજીની શાંતિમાં ભંગ થયો નથી,
આનંદ માને છે. અને ગાય છે કે-'ભલું થયું ભાંગી જંજાળ –સુખે ભજીશું શ્રી ગોપાલ.'
વૈષ્ણવ તે છે કે-જે પ્રત્યેક પરિસ્થિતિ (સારી-કે-ખરાબ)માં પરમાત્માની કૃપાનો અનુભવ કરે.અને મનને શાંત રાખે.માત-પિતાને પુત્ર માટે બહુ ચિંતાઓ હોય છે. પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે.
પુત્રેષણા પછી વિત્તેષણા અને પછી લોકેષણા જાગે છે.
આત્મ દેવે કહ્યું-કે-મહારાજ આપે બહુ સુંદર બોધ આપ્યો ,પણ મારું મન માનતું નથી, મને પુત્ર આપો, પુત્ર પિતાને સદગતિ આપે છે. મહારાજ જેના ઘરમાં દીકરો નથી તેને સદગતિ મળતી નથી.મહાત્મા આત્મદેવને સમજાવે છે-કે- શ્રુતિ (નારાયણ ઉપનિષદ) તો એક ઠેકાણે કહે છે કે-“પુત્રથી મુક્તિ મળતી નથી,કર્મથી મુક્તિ મળતી નથી,ધનથી મુક્તિ મળતી નથી .પણ એકલા ત્યાગથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે”
પુત્ર જ જો સદગતિ આપી શકતા હોય તો,લગભગ બધાને ઘેર પુત્ર છે .અને તેથી બધાને સદગતિ મળી જાય.
પિતા એવી આશા ના રાખે કે મારો પુત્ર શ્રાધ્ધ કરશે ને હું તરી જઈશ. તેવી આશા રાખવા જેવો આ સમય નથી.શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય છે.પણ એમ ના સમજવું કે જન્મ મરણના ત્રાસમાંથી તે છૂટે છે.
મુક્તિ શું એટલી સુલભ છે કે લોટનો પિંડ મુકવાથી મુક્તિ મળી જાય ? પિંડદાન મુક્તિ ન અપાવી શકે.
શ્રાધ્ધ કરવું એ ધર્મ છે.શ્રાધ્ધ કરવાની ના નથી .શ્રાધ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે.