ભાગવત રહસ્ય - 17 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 17

ભાગવત રહસ્ય-૧૭

જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ.સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે.

 

નરસિંહ મહેતાએ –ભક્ત-નું લક્ષણ બતાવ્યું છે.-કે-સકલ લોકમાં સહુને વંદે.-સહુને વંદે તે વૈષ્ણવ.

વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી. અંદર –હું-પણું- હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો , તો તમારી નમ્રતા વધશે.

 

આજકાલ લોકો –દેહ-ની પૂજા કરે છે.એટલે ઠાકોરજીની પૂજા-સેવા કરવાનો તેમને સમય મળતો નથી.

દેહ-પૂજા વધી એટલે દેવ-પૂજા (અર્ચન-ભક્તિ) ગઈ.લોકો એ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે.બહુ સાબુ ઘસવાથી શરીરનો રંગ સુધરવાનો નથી. ભગવાને જે રંગ આપ્યો છે,તે સાચો છે.

મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન-ભક્તિનો વિનાશ થયો.

 

આવી રીતે ભક્તિના એકએક અંગનો વિનાશ થયો. એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન-ભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું.

ભક્તિના બે બાળકો છે.-જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો.જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે ત્યારે ભક્તિ પણ રડે છે. કળીયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય –વૃદ્ધ થાય છે.

એટલે કે-તે વધતાં નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું- ત્યારથી જ્ઞાન ગયું.

 

નારદજી કહે છે-કે-જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી તે હું જાણું છું. આ કલિકાલમાં અધર્મ વધ્યો છે,તેથી તેઓને મૂર્છા આવી છે.આ વૃંદાવનની પ્રેમભૂમિથી તેમને પુષ્ટિ મળી છે.જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા કેમ ઉતરે ?

કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય છે.એટલે તે- ઉત્સાહ વગરના –વૃદ્ધ થયા છે. આ કલિયુગનો પ્રભાવ છે.નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે. કે—હું તમારો (ભક્તિનો) પ્રચાર કરીશ. જ્ઞાન-વૈરાગ્યને જગાડીશ.

 

નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા –અનેક પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળતી નથી.વેદોના અનેક પારાયણ કર્યા તોપણ તેમની મૂર્છા ઉતરતી નથી.વેદની ભાષા ગૂઢ છે.વેદનો અર્થ જલ્દી સમજાતો નથી. એટલે વેદોના પારાયણથી મૂર્છા ઉતરી નહિ.

 

જરા વિચાર કરશો તોં –ધ્યાનમાં આવશે –આ કથા દરેકના ઘરમાં થાય છે. આ આપણી જ કથા ચાલે છે.

હૃદય-વૃંદાવનમાં ભક્તિ છે પણ છિન્ન-ભિન્ન થઇ છે.—વૃંદાવનમાં જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા છે –તેમ નથી.

શરીરમાં હૃદય એ વૃંદાવન છે. હૃદયમાં કોઈ કોઈ વાર વૈરાગ્ય જાગે છે, પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી.

ઉપનિષદ અને વેદના પાઠથી આપણા હૃદયમાં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગી પાછા મૂર્છામાં પડે છે.

વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે,પણ તે વૈરાગ્ય ટકતો નથી.

 

કોઈના છેલ્લા-વરઘોડામાં (સ્મશાન યાત્રામાં)જાય છે, સ્મશાનમાં ચિતા બળતી જુએ છે, ધાણી ફૂટે તેમ એક-એક હાડકાં છૂટા પડતા જુએ છે,--તે જોઈ કેટલાકને વૈરાગ્ય આવે છે.(સ્મશાન વૈરાગ્ય).

'જે શરીરના હું લાડ કરું છું, જેના માટે હું પાપ કરું છુ, તે મારા શરીરની આ દશા થવાની છે.'

 

કામસુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે, સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે.

પણ વૈરાગ્ય કાયમ ટકતો નથી. વિષયો ભોગવ્યા પછી, તેમાં અરુચિ આવે છે,પરંતુ –

તે --વૈરાગ્ય-- વિવેક(જ્ઞાન) વગરનો હોવાથી –કાયમ-- ટકતો નથી.

 

જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી ,નારદજી ચિંતામાં પડ્યા છે,-તે વખતે આકાશવાણી થઇ-કે-

તમારો પ્રયત્ન ઉત્તમ છે,જ્ઞાન-વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરતાં તમે કોઈ સત્કર્મ કરો.

નારદજી પૂછે છે-કે-પણ હું શું સત્કર્મ કરું ? આકાશવાણીએ કહ્યું-કે-સંતો તમને સત્કર્મ બતાવશે.

 

નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે,પણ કોઈ નિશ્ચિત્ત ઉપાય બતાવી શક્યા નહિ પૂછતાં-પૂછતા અને

ફરતાં-ફરતાં તે બદ્રીકાશ્રમમાં આવ્યા છે ત્યાં તેમણે સનકાદિ મુનિઓને જોયા –

નારદજીએ ઉપરની બધી કથા કહી સંભળાવી અને તેમને પૂછે છે-કે-

જે દેશમાં હું જન્મ્યો,તે દેશને હું ઉપયોગી ના થાઉં તો મારું જીવન વ્યર્થ છે, આપ જ મને બતાવો કે,

હું શું સત્કર્મ કરું ?હું શું કરું કે જેથી જ્ઞાન વૈરાગ્ય કાયમના માટે જાગતા રહે,ભક્તિ પુષ્ટ થાય ?

 

સનકાદિ મુનિઓ કહે છે કે-દેશના દુખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે, છે. ભક્તિનો પ્રચાર કરવાનીતમારી ઈચ્છા છે, તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો.તમારી ઈચ્છા પૂર્ણ થશે.

નારદજીએ પૂછ્યું -કે- જે કામ વેદ પારાયણથી ના થયું, તે ભાગવતથી કેવી રીતે થશે ?

સનકાદિ મુનિઓ સમજાવે છે કે—વેદમાંથી જ ભાગવત પ્રગટ થયું છે, ભાગવતમાં વેદ-ઉપનિષદોનો સારભર્યો છે.

 

ખાંડ એ શેરડીમાંથી થાય છે,પણ ખાંડમાં જે મીઠાસ હોય છે તે શેરડીમાં હોતી નથી.

ઘી થાય છે દૂધમાંથી પરંતુ બે મણ દૂધ હોય –તો પણ તેનાથી દીવો થતો નથી. દીવો કરવો હોય તો-

ઘીની જરૂર પડે છે, દૂધથી દીવો થતો નથી. એક બે તોલા ઘી હોય તો દીવો થાય છે.

વેદ-ભગવાન એ દૂધ જેવા છે, વિશાળ છે,વ્યાપક છે,અનંત છે. પણ ભાગવત એ માખણ છે. તેનો સાર છે.

તમે ભાગવત જ્ઞાન-યજ્ઞનું પારાયણ કરો, અને તેનો પ્રચાર કરો, આ કથા જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યને

વધારનારી છે.

 

વેદનું પારાયણ કરવું સારું છે,પણ વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી. વેદોની ભાષા ગૂઢ હોવાથી

સામાન્ય માનવીની સમજ માં આવતી નથી. આથી જ વેદના સિદ્ધાંતો અને કઠિન ભાષાને દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને વ્યાસજીએ આ કથા બનાવી છે. કલિયુગમાં કૃષ્ણ ની કથા અને કીર્તનથી જ્ઞાન-વૈરાગ્યજાગૃત થાય છે.તેથી જ સર્વ વેદોના સાર જેવું આ ભાગવત –જ્ઞાન યજ્ઞનું પાન કરો, પારાયણ કરો.