ભાગવત રહસ્ય - 9 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 9

 

ભાગવત રહસ્ય-૯

 

અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે-

પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.

 

પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી.પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ -એકાગ્ર ચિત્ત- થી કરે છે, એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે.

તેથી અંતકાળમાં જીવ ગભરાય છે. મેં મરવાની તૈયારી કરી નથી, મારું હવે શું થશે?

મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે

મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો.

 

મૃત્યુ એટલે પરમાત્માને-- જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ.

ભગવાન પૂછશે-મેં તને બધું આપ્યું હતું તેનું શું કર્યું? આંખ-કાન વગેરેનો શો ઉપયોગ કર્યો?

ભગવાન કોઈ ગરીબને એમ નહિ પૂછે-કે-તે કેટલું દાન કર્યું? 'મેં તને ધન નહિ આપેલું એટલે દાન તો તું ક્યાંથી કરી શકે? પણ મેં તને મન તો આપ્યું હતું ને? જીભ તો આપી હતી ને?'

 

આ હિસાબમાં જો ગડબડ હોય તો ગભરામણ થાય છે.સાધારણ ઇન્કમટેક્ષ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે,તો પણ મનુષ્ય ઠાકોરજીના દર્શન કરવા જાય છે.'હે,પ્રભુ,મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે,તો જરા ધ્યાન રાખજો.' એક વર્ષનો હિસાબ આપવામાં આટલી ગભરામણ તો—આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે? તમે મનુષ્ય ને છેતરી શકશો,પણ ભગવાનને છેતરી શકશો નહિ.

 

મરણને સુધારવું હોય તો પ્રતિક્ષણને સુધારજો. પરમાત્માએ જે આપેલું છે તેનો સદુપયોગ કરવો તે પુણ્ય છે. અને તેનો દુરુપયોગ તે પાપ છે. આંખનો,મનનો,ધનનો વાણીનો –સર્વ નો સદુપયોગ કરો તો જીવન અને મરણ બંને સુધરે.પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે. ભાગવત મરણ સુધારે છે.

 

રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે.

શંકર ભગવાન સ્મશાનમાં વિરાજે છે.શંકર ભગવાન જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે.

સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે.સ્મશાનમાં સમભાવ જાગે છે-તેથી જ્ઞાન પ્રગટ થાય છે.તેથી તે જ્ઞાનભૂમિ છે.

સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સ્મશાનમાં કોઈ પણ આવે—રાજા આવે કે રંક, મૂર્ખ કે વિદ્વાન- દરેકના શરીરની રાખ જ થાય છે. સમભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સમભાવ એટલે જ ઈશ્વરભાવ.

 

મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે. સર્વમાં ઈશ્વરભાવ જાગે તો જીવ દીન બને.

અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન દીનતા પણ છે.મનુષ્યને અમર બનવું છે.ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે.પરીક્ષિત,શુકદેવજી અમર છે. ભાગવતની કથા ભક્તિરસનું દાન કરે છે.મીરાંબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહે જગદીશમાં સમાઈ ગયા અને અમર બન્યા છે.

 

ભાગવતની કથા સાંભળો—અનાયાસે સમાધિ લાગશે.યોગ-તાપ વિના ભગવાન ને મેળવવાનું સાધન છે –ભાગવત શાસ્ત્ર.ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધાં સાથે બોલવા તૈયાર છે. જયારે પ્રભુ અધિકારી સાથે જ બોલે છે.ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિસંદેહ બનાવે છે.આ કથામાં બધું આવી જાય છે,

બુદ્ધિનો પરિપાક,જ્ઞાનનો પરિપાક,જીવનનો પરિપાક –વગેરે થયા પછી-પરમાત્માની પ્રેરણાથી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. વ્યાસ નારાયણ એ શ્રીકૃષ્ણનો જ્ઞાનાવતાર છે.વ્યાસજી સમાન કોઈ બુદ્ધિશાળી થયો નથી અને થવાનો નથી.કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ભાગવતમાં વ્યાસજીએ ન આપ્યો હોય.

 

ભગવાનના નામનો જપ કરતાં પ્રેમથી આ કથા શ્રવણ કરજો.તમે નિસંદેહ થશો.તેના શ્રવણથી આસ્તિકને માર્ગદર્શન મળશે,નાસ્તિક હશે તો આસ્તિક થશે.શુકદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નહિ,કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે.સિદ્ધ,આસ્તિક,નાસ્તિક,પામર—દરેકને આ કથા –દિવ્ય જીવન –નું દાન કરે છે.વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે.ભાગવતમાં જ્ઞાનયોગ,કર્મયોગ,સમાજ ધર્મ, સ્ત્રીધર્મ,આપદ ધર્મ, રાજનીતિ –વગેરેનું જ્ઞાન ભર્યું છે.આ એક જ એવું શાસ્ત્ર છે કે –જેનું શ્રવણ-મનન કર્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી.

 

સાધકને સાધના માર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારીને,વ્યાસજીએ આ કથા કરેલી છે.

શુકદેવજી મહારાજ કથા એવી કરે છે કે –તે સાંભળ્યા પછી કોઈ શંકા રહેતી જ નથી.સમાપ્તિમાં શુકદેવજીએ પ્રશ્ન કર્યો છે-રાજન,હવે તારે વિશેષ સંભાળવાની ઈચ્છા છે? હજુ તને કોઈ શંકા હોય તો પ્રશ્ન કર. ત્યારે પરીક્ષિતે કહ્યું-મારા મન માં હવે કોઈ શંકા નથી, મને કોઈ બીક નથી,હું હવે નિર્ભય થયો છું.