૧૮ : સિન્ડિકેટનો અંત...
મોહિની, કમલ જોશી અને અજીત મેઘદૂત બિલ્ડીંગના જ એક ખંડમાં કેદ હતાં. સિન્ડિકેટના માણસોએ તેમની તલાશી લીધી હતી. અત્યારે એ ત્રણેય અલગ અલગ ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં બેઠા હતા.
ત્રણેય એકદમ ઉદાસ હતા. નાગરાજનને દેવરાજના નિવાસસ્થાનની કેવી રીતે ખબર પડી ગઈ એ તેમને નહોતું સમજાતું'.
શું પોતાની જેમ દેવરાજ પણ એની ચુંગાલમાં ફસાઈ ગયો છે ? આવો વિચાર પણ તેમને આવતો હતો.
સહસા ખંડનું પ્રવેશદ્વાર ઉઘડ્યું. ત્રણેયની નજર દ્વાર તરફ સ્થિર થઈ ગઈ. ઉઘડી ગયેલા દ્વારમાંથી નાગરાજન અંદર પ્રવેશ્યો. તેની સાથે જોસેફ અને ગુપ્તા પણ હતા. નાગરાજનના ચહેરા પર ક્રૂરતાભર્યું સ્મિત ફરકતું હતું. તેની આંખોમાં શયતાની ચમક પથરાયેલી હતી.
'રિપોર્ટર...' નાગરાજન કમલ જોશીની આંખોમાં પોતાની આંખો પરોવતાં બોલ્યો, “તારી જિંદગીના દિવસો તો હવે પૂરા થયા જ સમજી લેજે! પરંતુ મરતાં પહેલાં તારે મારા એક સવાલનો જવાબ તો જરૂર આપવો પડશે !'
'અને એ સવાલ, કોણ તું મને પૂછીશ ?' કમલના અવાજમાં બેદરકારી હતી.
'એટલે...?'
'એટલે એમ કે એ સવાલ પૂછવા માટે, યાતનાઓ આપવામાં નિષ્ણાત ગણાતા રહેમાનને મોકલ ! એને કહે કે મને મોતનો ભય બતાવીને તારા સવાલનો જવાબ મેળવી લે!'
'એ હવે ક્યારેય તને કંઈ જ પૂછવા માટે નહીં આવે ! '
'કેમ...?'
'એ મારી સાથે દગાબાજી રમવા જતાં માર્યો ગયો છે ! અને રહેમાન જ શા માટે...? રતનલાલ પણ એની સાથે જ ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો છે.”
'ઓહ...તો એ કમજાતને તેની કરણીનું ફળ મળી ગયું એમ ને...?'
'હા...અને રહેમાન તથા રતનલાલની માફક તમે પણ ઈશ્વરના દરબારમાં પહોંચી જશો...અને અજીત...' એ અજીત તરફ ફર્યો, 'તને તો હું મારા હાથેથી જ રીબાવી રીબાવીને મારીશ! હા... તારી આ ગર્લફ્રેન્ડને હું જરૂર મારા મહેમાન સિકંદરને હવાલે કરીશ !'
'નાગરાજન...' કમલ સ્મિત ફરકાવતાં બોલ્યો, 'અપરાધની ભીંત પર તેં ભલે સ્વર્ગ ઉતાર્યું હોય, પરંતુ તું એનું સુખ ક્યારેય નહીં ભોગવી શકે ! એ જમીનની નીચે એક લાવારસ વહે છે...આ લાવારસનું નિર્માણ કુદરતે માણસાઈની સલામતી જાળવી રાખવા ખાતર કર્યું છે ! કાયદાને ખરીદીને તું તારી અંધારી આલમના સામ્રાજ્યને હંમેશને માટે નહીં ટકાવી શકે! એ લાવારસ કોઈ પણ પળે જવાળામુખીની જેમ ફાટીને તારા સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરી નાખશે.'
'આ બધા ફિલ્મી ડાયલોગ છે છોકરા ! સિન્ડિકેટ સાથે અથડામણમાં ઊતરીને તે બહુ મોટી ભૂલ કરી નાખી છે. મને મારા સવાલનો જવાબ આપ રિપોર્ટર ! બોલ બળદેવ નામના માણસે તને કેમેરો સોંપ્યો હતો, એ વાસ્તવમાં કોણ હતો ?' જવાબમાં કમલ જોશી સ્મિત ફરકાવીને રહી ગયો.
'તારે મારા આ સવાલનો જવાબ આપવો જ પડશે કમલ...' નાગરાજને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, 'એ માણસે તને પોતાને શો પરિચય આપ્યો હતો, તે તારે મને જણાવવું જ પડશે.'
'આ વાત જાણવા માટે તારે મને ફરીથી ટોર્ચર કરે પડશે!!'
'ના, એની કંઈ જરૂર નથી. હું, તને સોફા પર મહેમાનની જેમ બેસાડીને આરામથી મારા સવાલનો જવાબ મેળવી લઈશ ! તું તારી રાજી-ખુશીથી જ મારા સવાલનો જવાબ આપીશ !'
'એમ...?'
'હા..'
'તો પછી કઈ વાતની ઢીલ છે.... ? શું ગોર મહારાજ પાસે શુભ મુહૂર્ત જોવડાવવાનું બાકી છે ? '
'ના...'
'તો પછી... ?'
'મારો ખાસ મહેમાન બે-ચાર કલાકમાં જ વિશાળગઢ એરપોર્ટ પર ઊતરશે ! સિકંદર, કે જેનો પરિચય તમે રતનલાલ પાસેથી જાણી જ ચૂક્યા છો. એના આગમન પછી જ બધું થશે.’
કમલ જોશીના ચહેરા પર મક્કમતાના હાવભાવ છવાઈ ગયા. જ્યારે મોહિની સ્થિર નજરે શૂન્યમાં તાકી રહી હતી. નાગરાજન આગળ વધીને અજીત પાસે પહોંચ્યો.
' અજીત...' એ કટાક્ષભર્યું સ્મિત ફરકાવતાં બોલ્યો, “તું તારી જિંદગીની મોટામાં મોટી થાપ ખાઈ ચૂક્યો છો. હું તારા મૃતદેહના નાના નાના ટૂકડા કરીને સમુદ્રની માછલીઓને ખવડાવી દઈશ.”
'હું...હું તમારી સાથે વાત કરવા નથી માંગતો !” અજીતે કહ્યું.
'કેમ...?'
“એટલા માટે કે મને એવું કહેવામાં આવ્યું છે!' અજીત ત્રાંસી નજરે મોહિની તથા કમલ સામે જોતાં બોલ્યો, 'હું કંઈ જ કહેવા નથી માંગતો.’
અજીતની વાત સાંભળીને નાગરાજનનાં ગળામાંથી લોહી થીજાવી મૂકતું પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું.
અછતના દેહમાં ધ્રુજારી ફરી વળી.
“અજીત...!' નાગરાજને અજીતને હચમચાવતાં કહ્યું, 'તને મોતનો ભય નથી લાગતો...એટલા માટે નથી લાગતો કે, તે સલામતી ખાતર પેલા ઓગણત્રીસ ફોટા એવા સ્થળે પહોંચાડયા છે કે, જો તારા પર ઉની આંચ પણ આવશે, તો તરત જ એ ફોટા દોડીને સરકારના હાથમાં પહોંચી જશે... ખરું ને...? સલામતીની આ વ્યવસ્થાના જોરે જ તેં સિન્ડિકેટને બ્લેક મેઈલ કરી હતી ને ?'
'હું આ બાબતમાં કોઈ જાતની દલીલ કરવા નથી માંગતો !’
અજીતે નીચું જોતાં કહ્યું. 'સાલ્લા કમજાત...' નાગરાજન વાળ પકડીને તેને ચહેરો
ઊંચો કરતાં ઉગ્ર અવાજે બોલ્યો, 'હું તારા રાઈ રાઈ જેટલા ટૂકડા કરીશ... સિન્ડિકેટ સાથે તે જે કંઈ કર્યું છે, એનાથી મારા જેવા માણસને પણ પાઠ ભણવા મળ્યો છે અને તે પાઠ એ છે કે તારા જેવા લબાડને તો ભયંકરમાં ભયંકર સજા કરવી જોઈએ.. તારી હાલત બદ કરતાંય બદતર થવી જોઈએ...જેથી કરીને સિન્ડિકેટની તાકાતનો તને ખ્યાલ આવે..! તારી હાલત જોઈને, જો તારા જેવા કોઈ અન્ય કમજાતે સિન્ડિકેટ સાથે અથડામણમાં ઊતરવાનો વિચાર કર્યો હોય તો એ માંડી વાળીને સિન્ડિકેટના પડછાયાથી પણ સો ફૂટ દૂર રહેવામાં જ પોતાનું કલ્યાણ સમજે !!
‘મેં કહ્યું તો ખરું કે હું વાત કરવા નથી માંગતો...!” વળતી જ પળે નાગરાજનના રાઠોડી હાથનો તમાચો અજીતના ગાલ પર ઝીંકાયો.
તમાચો એટલો જોરદાર હતો કે અજીતની આંખોમાં આંસુ ધસી આવ્યાં. મોં લાલઘુમ થઈ ગયું. એના ગાલ પર નાગરાજનના આંગળાંની છાપ ઉપસી આવી.
'નાગરાજન...!' એ કાળઝાળ રોષથી બોલ્યો, ‘હવે પછી ક્યારેય મારા પર હાથ ઉગામવાનો પ્રયાસ કરીશ નહીં !'
એની વાત પૂરી થતાંની સાથે જ નાગરાજને દાંત કચકચાવીને વધુ એક તમાચો તેના ગાલ પર ઝીંકી દીધો.
'નાગરાજન !' અજીતે ચીસ જેવા અવાજે કહ્યું, “હું તારી સિન્ડિકેટનાં છોતરાં ઉડાવી દઈશ ! તું શું મને મૂરખ માને છે.. ? મારો એક સાથીદાર તારો બાપ બનીને બહાર મોજૂદ છે...! પેલા ઓગણત્રીસ ફોટા પણ એની પાસે જ છે ! એ તારી સિન્ડિકેટની હાલત ચિચોડામાં પીલાયેલી શેરડી જેવી કરી નાખશે."
'એમ...?' નાગરાજને ઠાવકા અવાજે પૂછયું.
'હા..'
'એ ફોટા દેવરાજ કચ્છી નામના માણસ પાસે જ છે ને!” અજીતે હાંફતા હાંફતા હકારાત્મક ઢબે માથું હલાવ્યું'. નાગરાજન ખડખડાટ હસી પડયો. એના હસવાનું કારણ અજીત ન સમજી શક્યો. એને પોતાના ધબકારા અટકતા લાગ્યા. 'દેવરાજ મારો માણસ છે બેવકૂફ...!' નાગરાજનના મોંમાંથી ઝેરી સર્પના ફૂંફાડા જેવો અવાજ નીકળ્યો. ‘શું...?' અજીતે નર્યાનિતર્યા અચરજથી પૂછયું. એના ચહેરા પર દુનિયાની આઠમી અજાયબી છવાઈ.
કમલ તથા મોહિની પણ ઉત્સુક નજરે નાગરાજન સામે તાકી રહ્યા હતા.
'હા..'
'અશક્ય...' અજીતને હજુ પણ જાણે કે નાગરાજનની વાત પર ભરોસો નહોતો બેસતો.
'આ દુનિયામાં કશું જ અશક્ય નથી, મૂર્ખ માણસ...! તારે દેવરાજને મળવું છે...? તે એને સાચવવા આપેલા ઓગણત્રીસ ફોટા જોવા છે તારે...?'
અજીતે હકારમાં માથું હલાવ્યું.
'અંદર આવ દેવરાજ...!' નાગરાજને પ્રવેશદ્વાર તરફ જઈને જોરથી બૂમ પાડી.
વળતી જ પળે દેવરાજ અંદર પ્રવેશ્યો. અત્યારે એના પડછંદ દેહ પર શાનદાર સૂટ હતો. એના વાળ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા. એનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક લાગતું હતું.
એ ખૂબ જ શાનથી નાગરાજન પાસે પહોંચ્યો.
'દેવરાજ... દેવરાજ...' અજીતે ઉત્તેજીત અવાજે કહ્યું, 'આ બધું શું છે દેવરાજ...?'
'આને તું વિશ્વાસઘાત કહી શકે છે અજીત...!' દેવરાજ બીજી તરફ જોઈ જતાં બોલ્યો, 'પરંતુ હું આને સમજદારી માનું છું ! હું સિન્ડિકેટનો સભ્ય બની ગયો છું ! મારાથી હવે દોડાદોડી નથી થતી...લોકોના આટ આટલાં કામોના બદલામાં મને શું મળ્યું છે...? આ સવાલનો હું વિચાર કરું છું, ત્યારે મને મારી જાત પર તિરસ્કાર છૂટે છે ! કાશ...હું પહેલાંથી જ આ સિન્ડિકેટમાં સ્થાન મેળવી શક્યો હોત તો મારે આટલાં વર્ષો સુધી ગુજરાન ચલાવવા માટે જ્યાં ત્યાં ચોરના માથાની જેમ ન ભટકવું પડત ! ખેર, જાગ્યા ત્યાંથી સવાર એ કહેવતનો અમલ કરીને મેં ઓગણત્રીસ ફોટાની સાથે સાથે મારી જિંદગી પણ સિન્ડિકેટને હવાલે કરી દીધી છે.'
'દેવરાજ...!' અજીત રોષભર્યા અવાજે બોલ્યો, “તે મારી પીઠ પાછળ ઘા કર્યો છે...મારો વિશ્વાસઘાત કર્યો છે. મેં તારી પાસેથી આવી દગાબાજીની આશા નહોતી રાખી.'
'શટ અપ...' નાગરાજન જોરથી બરાડ્યો, 'દેવરાજને કારણે જ તમે ત્રણેય અત્યાર સુધી જીવતાં છો, બાકી તો ક્યારનાય તમારા મૃતદેહોને જળસમાધિ મળી ગઈ હોત! દેવરાજ મારો સેક્રેટરી છે ! એની સલાહથી જ મેં તમને લોકોને સજા કરવા માટે એક ખાસ, શાનદાર સમારંભનું આયોજન કર્યું છે...! આ સમારંભ જોઈને મારો મહેમાન સિકંદર પણ ખુશ થઈ જશે.’
'દેવરાજ... સાલ્લા બેઈમાન...તને તો નર્કમાંય સ્થાન નહીં મળે…! તે.. તે મારી દોસ્તી સાથે દગો કર્યો છે...! હું તને શું માનતો હતો ને તું શું નીકળ્યો...! તું માણસ નહીં, પણ માણસના રૂપમાં ઝેરી નાગ છે...! કોઈકે સાચું છે કે સાપને ગમે કેટલું દૂધ પીવડાવો તો પણ, એ ઝેર જ ઓકે છે ! મેં તને દૂધ પીવડાવ્યું હતું અને તું અત્યારે ઝેર ઓકે છે ! '
'તારે જેમ માનવું હોય તેમ માન...!' દેવરાજે કહ્યું. એનો અવાજ સ્થિર હતો.
અજીતે આગ્નેય નજરે દેવરાજ સામે જોયું.
મોહિની તથા કમલ જોશીના ચહેરા પર પણ દેવરાજ પ્રત્યે તિરસ્કારના હાવભાવ છવાયેલા હતા.
તેઓ ચૂપ હતા. પરંતુ તેમની નજર જ ઘણું બધું કહી જતી હતી. ત્યારબાદ નાગરાજન તથા દેવરાજ એ ત્રણેય પર એક ઊડતી નજર ફેંકીને બહાર ચાલ્યા ગયા.
************
મેઘદૂત બિલ્ડીંગની ગગનચુંબી ઈમારતના ભોંયરાના હોલમાં સિન્ડિકેટના ગુપ્ત અને મહત્ત્વના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશાળ થિયેટર જેવા હોલની ડાબી તરફ એક મંચ હતો. મંચ પર સફેદ રંગનો કીમતી ગાલીચો પાથરેલો હતો અને એ ગાલીચા પર પગ મૂકવો, એ પણ ગર્વ લેવા જેવી વાત હતી.
મંચ પર રાજમહેલ જેવી શાહી સિંહાસન જેવી ઊંચી ખુરશી હતી. અને એ ખુરશી પર અત્યારે પ્રસન્ન ચહેરે નાગરાજન બેઠો હતો.
નાગરાજનની બાજુમાં આજ્ઞાંકિત ઢબે દેવરાજ બંને હાથની અદબ વાળીને તત્પર મુદ્રામાં ઊભો હતો.
એના કમ્મરપટ્ટામાં ભરાવેલા હોલસ્ટરમાંથી રિવોલ્વરની મૂઠ ચમકતી હતી.
મંચની નીચે કતારબંધ ગોઠવાયેલી આલિશાન ખુરશીઓ પર સિન્ડિકેટના સભ્યો ઉપરાંત કમલ જોશી અને અજીત બેઠા હતા. અજીત હજુ પણ ક્રોધથી સળગતી નજરે દેવરાજ સામે જોતો હતો.
જ્યારે કમલ જોશી એકદમ શાંત હતો. નાગરાજનની સલાહકાર બધા માટે ડ્રીંકની વ્યવસ્થા કરવા માટે મંચની પાછળના ભાગમાં આવેલાં એક ખંડમાં ગઈ હતી.
' મિત્રો...' સહસા નાગરાજન ખુરશી પરથી ઊભો થઈને મને ગંભીર અવાજે બોલ્યો, 'સિન્ડીકેટ સાથે દગાબાજી રમનાર રતનલાલ અને રહેમાન પોતાની કરણીનું ફળ ભોગવી ચૂક્યા છે... અલબત્ત, તેનો બધો યશ દેવરાજને ફાળે જાય છે. દેવરાજ ન હોત તો ભગવાન જાણે એ કમજાતો મારી શી ગતિ કરત! પરંતુ એક વાતની મને ખૂબ જ નવાઈ લાગતી હતી કે દેવરાજ તો રતનલાલ અને રહેમાનનો સાથીદાર હતો, તો પછી એણે તેમને શા માટે મારી નાખ્યા ? મેં જ્યારે આ સવાલ દેવરાજને પૂછ્યો, ત્યારે એણે જે જવાબ આપ્યો, તેને માટે ખરેખર એના પ્રત્યે માન ઉપજ્યું. સાંભળો...એણે જવાબ આપ્યો કે સિન્ડિકેટ એટલે સિન્ડિકેટ...! એમાં કોઈનેય પોતાના બોસ પર હુકમ ચલાવવાનો કે અવિશ્વાસ દાખવવાનો જરા પણ હક નથી ! સિન્ડિકેટના સભ્યોએ, પછી ભલે એ ભાગીદાર હોય, એણે પોતાના બોસના હુકમને શિરોમાન્ય રાખીને તેનું પાલન કરવું જોઈએ...! સિન્ડિકેટમાં આંતરિક ફૂટફાટ કે બોસ સાથે દગો કરવાનો વિચાર સુધ્ધાં ન હોવો જોઈએ...
રતનલાલ અને રહેમાન જેવા માણસોને કારણે જ સિન્ડિકેટ નેસ્ત-નાબૂદ થાય છે ! દેવરાજની આ વાત મને ખૂબ જ ગમી ! ઉપરાંત રતનલાલની વાત પરથી પણ મને એક પાઠ ભણવા મળ્યો છે.... અને આ પાઠ ભણાવવા બદલ હું સ્વ. રતનલાલનો ખૂબ જ આભારી છું. એ પાઠના પરિણામરૂપે મેં સિન્ડિકેટની સલામતીની વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો છે. સિન્ડિકેટની કુલ સાત સિક્રેટ ડાયરીઓ છે, જેમાંથી વરલી મટકાની ડાયરીના પાનાના ફોટા પાડીને બળદેવ નામના માનવીએ આપણને થોડા દિવસો માટે ઉપાધિમાં મૂકી દીધા હતા. એ વખતે જો સમયસર જ મારી નજર એના પર ન પડી હોત તો એ ધીમે ધીમે એક પછી એક એમ સાતેય ડાયરીઓના ફોટા પાડીને સિન્ડિકેટને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેત! એને ફોટા પાડીને નાસી છૂટેલો જોયા પછી મને વિચાર આવ્યો હતો કે એ ડાયરી લઈ જઈ શકે તેમ હતો. એમ છતાંય એણે ફોટા શા માટે પાડયા? પરંતુ ઘણું વિચાર્યા પછી જ આમ કરવાનું કારણ મને સમજાયું. એનો ઈરાદો સાતેય ડાયરીઓના ફોટા પાડવાનો હતો. જો તે એક વરલી મટકાના એક બિઝનેસની જ ડાયરી લઈને ચાલ્યો જાત તો હું સાવચેત થઈ જાત અને પછી બાકીની છ ડાયરીઓનો પડછાયો પણ એના હાથમાં ન આવત! ખેર, મારી જૂની વ્યવસ્થા મુજબ એ સાતેય ડાયરીઓ એક સાથે એક જ તિજોરીમાં રહેતી હતી. પરંતુ હવે એ સાતેય ડાયરીઓ અલગ અલગ સાત સ્થળે રાખવામાં આવશે. એમાંથી જો કોઈ એક ડાયરી કોઈ ખોટા માણસના હાથમાં પહોંચી જાય તો સિન્ડીકેટનો સંપૂર્ણ રીતે નાશ થતો અટકી જશે. એ સાતેય ડાયરીઓ ક્યાં રાખવી એ વાત સિન્ડીકેટના સાત ચુનંદા, વિશ્વાસુ સભ્યો જ નક્કી કરશે અને આ સ્થળ વિશે હું અને એ સાતેય સિવાય બીજું કોઈ જ નહીં જાણતું હોય ! હા મારા નિવૃત્ત થયા પછી આ ખુરશી પર બેસનારને જરૂર તેની ખબર પડશે.'
સૌએ તાળીઓ પાડીને નાગરાજનના આ પ્રસ્તાવને વધાવી લીધો.
'દેવરાજ... !' નાગરાજને પોતાની બાજુમાં ઊભેલા દેવરાજને ઉદ્દેશીને કહ્યું.
'યસ સર...!' દેવરાજ તત્પર અવાજે બોલ્યો.
નાગરાજને પોતાની ખુરશીને અર્ધ વૃત્તાકારે જમણી તરફ ફેરવી, પરિણામે મંચની બરાબર વચ્ચેના ભાગમાં જમીનમાંથી લોખંડની એક મજબૂત તિજોરી બહાર નીકળી આવી.
દેવરાજે આશ્ચર્યથી તિજોરી સામે જોયું.
જ્યારે સિન્ડિકેટના ચુનંદા સભ્યો આ ચમત્કારથી વાકેફ હોવાને કારણે તેમના ચહેરા ભાવહિન હતા.
નાગરાજને પોતાના કોટના અંદરના ગજવામાંથી એક લાંબી ચાવી કાઢીને દેવરાજના હાથમાં મૂકી. પછી બોલ્યો, 'તિજોરીમાંથી ડાયરીઓ કાઢી લે !'
દેવરાજ સહમતીસૂચક ઢબે માથું હલાવીને તિજોરી પાસે પહોંચ્યો. એણે કી-હોલમાં ચાવી ભરાવીને તેને ફેરવીને હેન્ડલ નીચું કર્યું. વળતી જ પળે તિજોરીનું બારણું ઉઘડી ગયું. અંદર સફેદ કવરવાળી સાત ડાયરીઓ પડી હતી.
દેવરાજે સાતે ય ડાયરી કાઢીને નાગરાજનની સામે ટેબલ પર મૂકી દીધી. નાગરાજને ખુરશી ફેરવીને તિજોરીને પુન: મંચની નીચે પહોંચાડી.
આ સાતેય ડાયરી અનુક્રમે વરલી મટકાનો બિઝનેસ, સોના- ચાંદીની દાણચોરી, માદક પદાર્થો, ખૂન, ભ્રષ્ટાચારી ઑફિસરો અને નેતાઓ, સિન્ડિકેટની મિલકત અને ગુપ્ત અડ્ડાઓ, સિન્ડિકેટના વિદેશી એજન્ટો વિગેરે સાથે સંકળાયેલી હતી.
ટૂંકમાં, એ તમામ ગોરખધંધાઓ ડાયરીઓના રૂપમાં મેજૂદ હતા.
આપણા ખાસ મહેમાન સિકંદર સાહેબ આ ડાયરીઓ સિન્ડિકેટના સાત સભ્યોને સોંપીને આજના સમારંભની પૂર્ણાહુતિ કરશે...!” નાગરાજને ગર્વભર્યા અવાજે કહ્યું, 'સિન્ડિકેટને મુશ્કેલીમાં મૂકનાર ગુનેગારને સજા મળશે.’ ત્યારબાદ એ કમલ જોશીને ઉદ્દેશીને બોલ્યો, “કમલ તારે મારા સવાલનો જવાબ આપવો પડશે !
બળદેવ નામના જે માણસે તને કેમેરો સોંપ્યો હતો, તે વાસ્તવમાં કોણ હતો, એ તારે કહેવું જ પડશે.’ કમલ ચૂપ રહ્યો.
નાગરાજને નાટકીય ઢબે ત્રણ વખત તાળી પાડી. વળતી જ પળે મંચની સામેના ભાગમાં દેખાતો પડદો એક તરફ ખસી ગયો. પડદાની પાછળ કાચની એક દીવાલ હતી. પારદર્શક કાચની એ દીવાલની બીજી તરફ મોહિની દેખાતી હતી. એના બંને હાથ લોખંડની ચેન વડે છતમાં લટકતાં કડાં સાથે જકડાયેલા હતા.
કડાંને કાંડામાં ખૂંચતા અટકાવવા માટે તેને પોતાના પગના પંજા પર ઊભું રહેવું પડતું હતું.
એનું શરીર પરસેવાથી રેબઝેબ હતું. ચહેરા પર અસીમ પીડાના હાવભાવ છવાયેલા હતા.
' કમલ...' નાગરાજન બોલ્યો, “તારાથી મોહિનીની વેદના સહન ન થાય ત્યારે તું મારા સવાલનો જવાબ આપી દેજે. સામે જે કાચની પારદર્શક દીવાલ દેખાય છે, તે વાસ્તવમાં વનવે મિરર છે. એ રૂમમાંથી આ તરફ નથી જોઈ શકાતું પરંતુ અહીંથી એ જ રૂમનું દૃશ્ય જરૂર જોઈ શકાય છે. તારે એ દૃશ્ય જોવું પડશે.. જોવાની ઇચ્છા નહીં હોય તો પણ જોવું પડશે!”
સૌની નજર પારદર્શક કાચની દીવાલ પર સ્થિર થઈ ગઈ અને પછી કાચની બીજી તરફના ખંડનું બારણું ઊઘડ્યું.
સૌએ જોયું-
સિકંદર નામનો માણસ રૂમમાં પ્રવેશ્યો. એના હાથમાં વ્હીસ્કીની બોટલ જકડાયેલી હતી. સિકંદર આશરે સાડા છ ફૂટ ઊંચો, તામ્રવર્ણી ચહેરો અને ભીમકાય દેહ ધરાવતો માનવી હતો.
અત્યારે એના દેહ પર ફક્ત અંડરવીયર જ હતો. એનો ચહેરો પરસેવાથી તરબતર હતો. તે એકસરસાઇઝ રૂમમાંથી સીધો જ ત્યાં આવ્યો હોય એવું જ લાગતું હતું. સિકંદરે બોટલમાંથી ચાર-પાંચ ઘૂંટડા ભરીને મોહિની સામે જોયું. એની આંખોમાં વાસનાભરી ચમક પથરાઈ ગઈ. મોહિનીના ચહેરા પર ગભરાટ છવાયો. હવે પછીના ભયંકર દશ્યની કલ્પના કરતાં જ કમલની આંખો બીડાઈ ગઈ.
અજીતે પણ તેનું અનુકરણ કર્યું.
‘બોસ...' સહસા દેવરાજ બોલી ઊઠ્યો, ‘આ બધી ડાયરીઓને હાથ અડકાડતાં મને ઈલેકટ્રીક કરંટ જેવું શા માટે લાગ્યું હશે...?'
‘ઈલેકટ્રીક કરંટ...?' જાણે કંઈ ન સમજાયું હોય તેમ આટલું કહીને નાગરાજન દેવરાજ સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. હા...તિજોરીમાંથી ડાયરીઓ બહાર કાઢતી વખતે જાણે ઈલેક્ટ્રીક શોક લાગ્યો હોય એવી ઝણઝણાટી મને થઈ હતી અને હજુ તેની અસર છે. આમ કેમ થયું હશે ? ' કહેતાં કહેતાં દેવરાજે તેના ગજવામાં હાથ નાખ્યો.
દેવરાજે આ નવો ફટાકડો શા માટે ફોડ્યો હશે, એ જાણવા કમલ તથા અજીતે આંખો ઉઘાડીને વારાફરતી નાગરાજન અને દેવરાજ સામે જોયુ.
'અલ્યા દેવરાજ...! તારા સ્વભાવ પ્રમાણે તેં આ શું નવું ડીડવાણું ઊભું કર્યું, એ સમજાતું નથી.' નાગરાજને મૂંઝવણ ભર્યા અવાજે કહ્યું.
'એક કામ કરો...' દેવરાજ નાગરાજન સામે જોતાં બોલ્યો, 'તમે પોતે જ ટેબલ પર પડેલી ડાયરીને હાથ લગાડી જુઓ... તરત જ તમને શોક લાગશે. મારું નામ દેવરાજ છે ને જિંદગીમાં ક્યારેય હું ખોટું નથી બોલતો. તમે ખાતરી કરી લો.'
'એમાં કઈ મોટી વાત છે ? ’ કહીને નાગરાજને હસતાં હસતાં ટેબલ પર પડેલી ડાયરી તરફ હાથ લંબાવ્યો. એની આંગળીઓ અને એ ડાયરીઓ વચ્ચે અડધા ઈંચ જેટલું અંતર હતું.
પછી એ આંગળીઓ ડાયરીને સ્પર્શ કરે તે પહેલાં જ સૂસવાટા મારતી, સાઈલેન્સરયુક્ત રિવોલ્વરમાંથી ગરમાગરમ ગોળી છૂટી અને વળતી જ પળે જાણે હજાર હજાર વીંછીઓએ એકઠાં થઈને એક સાથે ડંખ માર્યા હોય તેમ વિજળી વેગે નાગરાજનનો હાથ ડાયરીને સ્પર્શ કર્યા વગર પાછો ખેંચાયો.
'કેમ, બેટમજી...!' દેવરાજે નાગરાજન સામે જોતાં તિરસ્કારભર્યું હાસ્ય કર્યું, 'શોક લાગ્યો ને...? મેં તો પહેલાં જ કહ્યું હતું પણ તેં વળી મારી વાતને ડીંડવાણામાં ખપાવી. હવે તો તને ખાતરી થઈ ગઈ ને કે આ ડીંડવાણું નહોતું.'
એના એક એક શબ્દમાંથી વિષ ટપકતું હતું.
પોતાના કથનની નાગરાજન પર શું અસર થાય છે, એ જોવાની દરકાર નહીં રાખતા દેવરાજના હાથમાં જકડાયેલી રિવોલ્વરમાંથી ઉપરાઉપરી ચાર ગોળીઓ છૂટી.
ચારે ચાર ગોળીઓ સામે દેખાતા વન વે મિરરના કાચનો ભુક્કો બોલાવતી, માતેલા ગેંડાની જેમ મોંમાંથી સિસકારા બોલાવતા સિકંદરના દેહના જુદાં જુદાં અંગોમાં પ્રવેશી ગઈ.
રૂમમાં એક કારમી ચીસ ગુંજી ઊઠી અને સિકંદરનો લોહી નિતરતો દેહ ત્યાં જ ઢગલો થઈ ગયો.
એનો દેખાવ ખૂબ જ બિભત્સ અને અંગો ક્ષત-વિક્ષત થઈ ગયા હતા. લોહીમાં તરફડતો સિકંદર જોનારાઓને કમકમાટી ઉપજાવતો હતો. નાગરાજનની આંખે અંધારાં વળતાં હતાં. એની મતિ બહેર મારી ગઈ હતી. બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હતી. સમગ્ર દેહ જાણે લકવાની અસર નીચે આવી ગયો હોય એમ સ્થિર હતો.
દેવરાજ આગળ વધીને નાગરાજન સામે પહોંચ્યો. ત્યારબાદ એની ખોફનાક આંખો, નાગરાજનની પીળી આંખોમાં, બાણમાંથી
છૂટેલાં ઝેરી તીરની જેમ સીધી જ પરોવાઈ ગઈ.
નાગરાજનની આંખોમાં સમગ્ર જીવનમાં કદાચ આજે પહેલી જ વાર ભયનાં કુંડાળાં ઉપસી આવ્યાં. એને દેવરાજનો ખૂબ જ ભય લાગવા માંડયો હતો.
શું કરવું ને શું નહીં, એનો વિચાર કરવા માટે મગજના જ્ઞાનતંતુઓ એકદમ ક્રિયાશૂન્ય થઈ ગયા હતા.
આ દરમિયાન અજીત તથા કમલ જોશી ઊભા થઈને જોસેફ અને ગુપ્તાની રિવોલ્વરો કબજે કરી ચૂકયા હતા. પછી કમલ જઈને મોહિનીને બંધનમુક્ત કરી લાવ્યો. એ જ વખતે ભોંયરાના દ્વાર પર ટકોરા પડયા, દેવરાજના સંકેતથી કમલે આગળ વધીને દ્વાર ઉઘાડયું. વળતી જ પળે એક પોલીસ ઇન્સ્પેકટર ચાર સિપાહીઓ સાથે અંદર દાખલ થયો. દેવરાજ પાસે પહોંચીને એણે ખૂબ જ સન્માનસૂચક ઢબે સલામ ભરી.
ત્યારબાદ દેવરાજના સંકેતથી એણે નાગરાજન તથા સિન્ડિકેટના અન્ય સભ્યોના હાથ-પગમાં બેડી પહેરાવી દીધી. 'દેવરાજ... દેવરાજ...” નાગરાજન નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ' આ બધું શું છે ?'
“નાગરાજન...' દેવરાજના અવાજમાંથી નફરતની આંધી ફૂંકાતી હતી, 'હું દેવરાજ નહીં, પણ તમારા સૌનો કાળ છું ... વાસ્તવમાં હું સી.આઈ.ડી. વિભાગનો ચીફ ઈન્સ્પેકટર મેજર નાગપાલ છું...!' કહેતાંની સાથે જ દેવરાજે પોતાનો હાથ શર્ટના કોલરમાં પાછળથી ભરાવીને આંચકો માર્યો અને પછી રબ્બરની બનાવટને ચામડીના કલરનો નકલી ચહેરો એના હાથમાં ઝૂલવા લાગ્યો.. જી, હા...એ નાગપાલ જ હતો.
એ વિશાળ હોલમાં વિસ્ફોટ પછીની ખામોશી છવાઈ ગઈ. સિન્ડિકેટના તમામ સભ્યોની જીભ જાણે કે લકવાથી અચેત બની ગઈ.
તેમના ચહેરા પર નર્યાનિતર્યા ભયમિશ્રિત ગભરાટ અને આશ્ચર્યના હાવભાવ છવાઈ ગયા. કારણ કે તેઓ નાગપાલના નામ અને કામથી બરાબર રીતે પરિચિત હતા.
નાગપાલના રૂપમાં નાગરાજનને પોતાનું મોત સામે આવીને ઊભેલું દેખાતું હતું.
'નાગરાજન..' નાગપાલ પૂર્વવત્ અવાજે કહેતો ગયો, 'કમલને કેમેરો સોંપનાર બળદેવ નામનો માનવી વાસ્તવમાં કોણ હતો, એમ જ તે પૂછયું હતું ને ? તો સાંભળ તારા આ સવાલનો જવાબ હું તને આપું છું... બળદેવનું સાચું નામ રાજેશ હતું અને તે સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ હતો. આજે બબ્બે વર્ષથી હું તારી સિન્ડિકેટની પાછળ પડ્યો હતો. રાજેશે જે સફળતા મેળવી હતી, તે અધૂરી હતી નાગરાજન...! મારે તારી સિન્ડિકેટની એક નહીં, સાતે સાત ડાયરીઓ જોઈતી હતી. રાજેશે જે મિશનને અધૂરું મૂક્યું હતું, તે મેં આ રિપોર્ટર કમલ જોશીની મદદથી પૂરું કર્યું છે. મારે તારી સિન્ડિકેટનું એક અંગ નહીં, પણ આખું શરીર જોઈતું હતું. મરતી વખતે રાજેશે કમલ જોશીને જે બટન કોડવર્ડ તરીકે આપ્યું હતું, એ કોડવર્ડના આધારે કમલે દિલ્હી ફોન કર્યો હતો અને દિલ્હીથી તાબડતોબ મને આ બાબતમાં તાત્કાલિક સક્રિય થવાનો આદેશ મળ્યો. મેં કમલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં એ વિશાળગઢની બહાર નીકળવાના ચક્કરમાં સિન્ડિકેટની ચુંગાલમાં ફસાઈ ગયો હતો. મેં અજીતને મોહિની પાસે મોકલ્યો. મોહિનીએ તેને કેમેરાનો ભેદ જણાવીને સિન્ડિકેટની ચુંગાલમાંથી કમલને મુક્ત કરાવવા માટે તેની મદદ માગી. આ રીતે મોહિની સાથે મારો સંપર્ક થયો. કમલને છોડાવવાની મિલન સોસાયટીવાળી યોજના મારી જ હતી.... ગોલ્ડન ક્લબને ઉડાવવામાં પણ મારો જ સાથ હતો. તારી સિન્ડિકેટમાં સ્થાન મેળવવા માટે જ મારે રતનલાલના, ફાંસીના માંચડે પહોંચી ચૂકેલા ભાઈને નિર્દોષ છોડાવવો પડયો હતો. તમારા જેવા માણસોને વિશ્વાસમાં લેવા ખાતર વિભાગ તરફથી મને આવો સહકાર મળ્યો હતો. અને આજે... આજે મારું મિશન પૂરું થયું છે... આ સાતેય ડાયરી મારા કબજામાં આવી ગઈ છે...! મારા મિશનમાં મદદ કરવા બદલ હું મોહિની, કમલ જોશી અને અજીતનો ખરા અંતઃકરણપૂર્વક આભાર માનું છું.' ત્યારબાદ એણે ઇન્સ્પેકટરને ઉદ્દેશીને કહ્યું, “વામનરાવ, તું હેડકવાર્ટરે ફોન કરીને વધુ ફોર્સ મંગાવી લે...હું તાબડતોબ આઈ.જી. સાહેબને મળીને નાગરાજનના અડ્ડાઓ પર દરોડા પાડવાની તૈયારી કરું છું....'
વામનરાવે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.
ત્યારબાદ નાગપાલ કમલ, મોહિની અને અજીતને લઈને ચાલ્યો ગયો.
વામનરાવે આગળ વધીને પોલીસ હેડકવાર્ટરનો નંબર મેળવ્યો.
'હલ્લો.. કોણ...?'
'હું ઇન્સ્પેકટર કદમ બોલું છું.' સામે છેડેથી તેને જવાબ મળ્યો.
'કદમ...હું વામનરાવ બોલું છું...'
'બોલ...'
'વિશાળગઢના પોલીસ બેડા માટે એક આનંદના સમાચાર છે...!'
'શું...?'
‘નાગરાજન અને તેની સિન્ડિકેટના માણસો પકડાઈ ગયા છે.'
'એમ...?'
‘તું મશ્કરી તો નથી કરતો ને?’ સામે છેડેથી આવતા અવાજમાં શંકાનો સૂર હતો.
'કદમ...હું ફરજ પર હોઉં ત્યારે કદાપિ મશ્કરી નથી કરતો એ તો તું જાણે જ છે ! '
'આ તે ખરેખર આનંદની વાત છે...!'
'તું તાબડતોબ ચાર સિપાહીઓને લઈને અહીં આવ...અને એક એમ્બ્યુલન્સ પણ લેતો આવજે.’
'અહીં ક્યાં...?'
વામનરાવે તેને મેઘદૂત બિલ્ડીગનું સરનામું જણાવી દીધું. પછી પૂછ્યું', 'તું કેટલી વારમાં આવે છે?'
'પંદર-વીસ મિનિટમાં જ આવું છું'...'
'ઠીક છે...' કહીને વામનરાવે રિસીવર મૂકી દીધું.
ત્યારબાદ તે એક સિગારેટ સળગાવીને લિજ્જતથી તેના કસ ખેંચતો કદમની રાહ જોવા લાગ્યો.
નાગરાજનના પકડાઈ જવાથી જાણે પોતાના માથા પરનો મોટો ભાર હળવો થઈ ગયો હોય એમ તેને લાગતું હતું.
પંદર મિનિટમાં જ ભોંયરાનું દ્વાર ઉઘાડીને પહેલાં ચાર સભ્ય સિપાહીઓ અને એકાદ મિનિટ પછી ઇન્સ્પેકટર કદમ અંદર આવ્યો..
કદમે નાગરાજન વિગેરે સામે જોયું.
સિકંદરના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રવાના કરી દીધો.
ત્યારબાદ બે જીપમાં સિન્ડિકેટના ભાગીદારો તથા નાગરાજનને બેસાડવામાં આવ્યા.
સાવચેતી ખાતર વામનરાવે નાગરાજનને એકલો જ ચાર સશસ્ત્ર સિપાહીઓની વચ્ચે કદમની જીપમાં બેસાડ્યો હતો.
ત્યારબાદ આખો કાફલો પોલીસ હેડકવાર્ટર તરફ રવાના થયો.
પરંતુ થોડે દૂર ગયા પછી અચાનક જ વામનરાવની જીપનું ટાયર બ્લાસ્ટ થઈ ગયું.
કદમે પણ પોતાની જીપ ઊભી રાખી. પછી તે નીચે ઊતરીને વામનરાવ પાસે પહોંચ્યો. વામનરાવ ચિંતાતુર ચહેરે બ્લાસ્ટ થયેલા ટાયર સામે તાકી રહ્યો હતો.
'વામનરાવ...!' કદમ ગંભીર અવાજે બોલ્યો, 'અહીં સડક પર નાગરાજન જેવા ખતરનાક ગુનેગાર સાથે થોભવું હિતાવહ નથી. તારી સલાહ પડતી હોય તો હું એને લઈને નીકળી જઉં...’
'જરૂર...પણ સાવચેત રહેજે. અહીં તો ટાયર બદલવામાં પણી વાર લાગી જાય તેમ છે.' વામનરાવે કહ્યું.
'હું સાવચેત જ છું...' કદમ જીપ તરફ આગળ વધ્યો.
તેના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરકતુ હતું. એની આંખોમાં સફળતાભરી ચમક પથરાઈ ગઈ હતી.
કદમે પોતાની જીપ સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.
એણે એક હાથેથી સ્ટીયરીંગ પકડીને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.
રાતના સાડા બાર વાગી ગયા હતા.
જાન્યુઆરી મહિનાની હાડ થીજાવતી ઠંડી પડતી હતી.
સડક ઉજ્જડ હતી.
દૂર દૂર સુધી કોઈ જ નહોતું દેખાતું.
થોડે દૂર ગયા પછી અચાનક જ એણે જીપને ઊભી રાખી દીધી. જીપથી થોડે દૂર સડકને કિનારે એક લાલ રંગની મારૂતી કાર ઊભી હતી.
‘શું થયું સાહેબ...?' એક સિપાહીએ પૂછયું. એનું નામ નાસિરખાન હતું'.
'નાસિર...તું જરા નીચે ઊતર તો...!'
'કેમ...?'
'આપણે નાગરાજન સાહેબને માનભેર જવા દેવાનાં છે...'
'કેમ...?'
'એટલુંય ન સમજ્યો...?”
'સમજ્યો સાહેબ.. મને બધું જ સમજાઈ ગયું છે.'
‘શું સમજાયું છે તને...?'
'એ જ કે તમે નાગરાજને ફેંકેલું પૈસારૂપી હાડકું ચાવનારા કૂતરા છો...! તમને દર મહિને એના તરફથી હપ્તાઓ મળે છે...!'
બીજે દિવસે પોલીસે નાગરાજનના તમામ અડ્ડાઓ પર દરોડા પાડીને ત્યાંથી પુષ્કળ માલમત્તા કબજે કરી.
સેંકડો માણસોની ધરપકડ કરવામાં આવી.
આમ નાગપાલની હિંમત, રાજેશની શહાદત અને મોહિની, અજીત, માઈકલ તથા કમલ જોશીના સહકારથી અંધારી આલમના બાદશાહ ગણાતા નાગરાજનનો અંત તો નહોતો આવ્યો પરંતુ એના સામ્રાજ્યનો અંત તો જરૂર આવી ગયો હતો.
એક મહિના પછી મોહિની તથા કમલ જોશીએ લગ્ન કરી લીધાં.
બંનેના અનહદ આગ્રહથી નાગપાલને પણ તેમના લગ્નપ્રસંગમાં હાજરી આપવી પડી હતી.
[ સમાપ્ત ]