કાળું ગુલાબ દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળું ગુલાબ

કાળું ગુલાબ

મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસેન ન્યાયપ્રિય અને પ્રજાપાલક રાજા હતા. તે પોતાની વસ્તીના સુખ-દુઃખ જાણવા વેશપલટો કરીને નીકળતા હતા. જો પોતાના રાજમાં કોઈ પણ માણસ દુઃખી જણાય તો તેમને રાજની તરફથી મદદ મળતી હતી. રાજા ઉદયસેન પોતે ગુપ્તવેશે નગર ચર્ચા તથા લોકોના સુખ દુઃખ જોવા નીકળતા હતા. આમ તેમના રાજ્યની પ્રજા ખૂબ જ સુખી હતી અને પ્રજા પણ રાજા થી સંતોષ હતી. મંગલપુર ની સીમા પણ ખૂબ જ દૂર સુધી ફેલાયેલી હતી, અને રાજનો ખજાનો પણ કાયમને માટે ખીચોખીચ ભરેલો રહેતો હતો. આમ પ્રજા રાજાની રાજ વ્યવસ્થા થી ખૂબ જ સંતોષ હતી. રાજા પણ સારી રીતે રાજી ચલાવતા હતા.

પરંતુ રાજાને એક વાતની ચિંતા સતાવ્યા કરતી હતી. રાજાના લગ્નને દસ વર્ષ થયા હતા પરંતુ તેમને શેર માટીની ખોટ હતી,

રાજા-રાણી વૈદો હકીમો ભુવાઓ દવા દુઆ બધું જ કરી ચૂક્યા હતા, પરંતુ ચારે તરફથી ઘોર નિરાશા મળતી હતી. એક વખત મંગલપુર માં એક ખ્યાતનામ હકીમ આવ્યા. તેમણે દુનિયાના ભયંકર માં ભયંકર રોગો ને પોતાની આવડત અને જડીબુટ્ટી વડે મટાડી દીધા હતા. અને સ્ત્રીઓની નારી જોવામાં પણ આ હકીમ માહિર હતા. આ વાતની જાણ રાજા ઉદયસેન ને થઈ, તેમણે પોતાના પ્રધાન ને બોલાવી ને કહ્યું, આપણા નગરમાં આવેલ હકીમ ને મહેલમાં બોલાવો અને એ પણ પૂરા માન-સન્માન સાથે, પ્રધાન તરત જ નગરના ભુગોળે ગયા જયા હકીમજી એ પોતાનો ઉતારો રાખ્યો હતો. પ્રધાનજી માથું નમાવીને વંદન કરતા બોલ્યા, વેદ જી મહારાજ તમારા દર્શન ઇચ્છે છે. જો તમે મારી સાથે રાજમહેલમાં આવું તો તમારો મોટો થશે. હકીમ જીએ પ્રધાનનું આટલું વિવેક જોતા અનુમાન લગાવ્યું જો પ્રધાન આટલો વિવેકી અને શાંત સ્વભાવનો છે. તો આ રાજ્યનો રાજા કેટલો ગુણવાન અને પરોપકારી હશે. આટલું વિચારીને તેણે પ્રધાનજી ને માન આપતા કહ્યું, હું અવશ્ય તમારી સાથે રાજમહેલમાં આવીશ.પરંતુ આટલા લોકો નો ઈલાજ કરીને.

પ્રધાનજી ત્યાં હકીમની પાસે રોકાઇને તેમની ઈલાજ કરવાની પદ્ધતિ જુએ છે. જ્યારે બધા જ લોકોનો ઇલાજ કરી દરેકને દવા આપીને હકીમજી છુટા થાય છે.અને પ્રધાનજી ની સાથે રાજમહેલમાં આવે છે. રાજમહેલમાં રાજા ઉદય સેન અને રાણી ભાનુમતી હકિમજી નું સ્વાગત કરવા રાજમહેલના દરવાજે ઊભા હોય છે. હકીમ જી પ્રધાનની સાથે રાજમહેલના દરવાજે પહોંચે છે. ત્યાં ખુદ રાજા અને રાણી તેમનું આગતા સ્વાગતા કરે છે. આ જોઈને હકીમ જી ખુબ જ ખુશ થઇ જાય છે.રાજારાણી હકીમ જી ને પોતાના સ્વયમ ખંડમાં લઈ જાય છે ત્યાં રાજા રાણી અને હકીમ સિવાય કોઈ હોતું નથી. રાજા હકીમ ને બધી વાત કરે છે. રાજા ની વાત સાંભળી ને હકીમ વિચારોમાં પડી જાય છે. પછી હકીમ પોતાની જગ્યા પરથી ઊભા થતા રાણીની પાસે જાય છે અને રાણી નો હાથ પકડતા તે હાથની નાડને તપાસે છે. ઘણા સમય સુધી હાથની નાડ તપાસ કર્યા પછી પોતાની જગ્યા પર બેસતા બોલ્યા મહારાજ….

મહારાણી માં કોઈપણ પ્રકારની ખામી નથી.

આટલું સાંભળતા જ રાજા ચોક્યો અને બોલ્યો તો શું મારામાં ખામી….

હકીમ મંદ હસતા હસતા બોલ્યા ના મહારાજ તમારામાં પણ કોઈ જ ખામી નથી. ત્યાં જ ઉતાવળા થતાં રાજા બોલ્યા તો અમારી કિસ્મત માં કેમ બાળક નથી. હકીમ રાજાની સામે જોતા કહ્યું મહારાજા બધું કિસ્મત ના ખેલ છે…..

આ હકીમ દવા ઔષધીઑ ની હારે હારે મંત્ર તંત્ર અને ઘણી બધી દેવ્ય શકિત નો પણ જાણકાર હતો. તેણે રાજા ને કહ્યું, મહારાજ હું જાણી લવ કે તમારી કિસ્મત માં બાળક છે કે નથી…. આટલું કહીને હકીમ પોતાના આસન પર જ બેઠા બેઠા આંખો મીચીને કંઈક ધીમે-ધીમે બોલવા લાગ્યો. થોડા સમય પછી તે આંખો ખોલતા બોલ્યો મહારાજ…. તમારી કિસ્મત માં એક તેજસ્વી અને પરાક્રમી પુત્ર છે.

પરંતુ…..

આટલું કહીને હકીમ જી મૂંઝાઈ ગયા.

પરંતુ શું…… રાજા પોતાની ધીરજ તોડતા બોલ્યાં.

મહારાજ તમારી કિસ્મત માં પુત્ર છે પરંતુ એ પુત્રની પ્રાપ્તિ ત્યારે જ થશે જ્યારે કાળા ગુલાબને વાટીને તેનો રસ મહારાણીને પીવડાવવામાં આવે તો.

આટલું સાંભળતા રાજા ખુશ થઈ ગયા. અને બોલ્યા એમાં શું હકીમજી કાળું ગુલાબ ત્યારે જ મંગાવી અને તેનો રસ અત્યારે જ રાણીને પીવડવીએ,

હકીમ રાજાની વાતને કાપતા બોલ્યા મહારાજ…. તમે જે કાળા ગુલાબ નું કહો છો હું તેવા સાધારણ ગુલાબની વાત નથી કરતો. આતુરતાથી રાજા બોલ્યા તો તમે કયા ગુલાબની વાત કરો છો. હકિમ જી બોલ્યા હું એ કાળા ગુલાબ ની વાત કરું છું જે થરના ડુંગરની તળેટીમાં આવેલું છે. રાજા ચોકતા બોલ્યા શું.? થર ના ડુંગર…..

હકીમ બોલ્યાં, હાં, મહારાજ થરનો ડુંગર….

થરના ડુંગરની તળેટીમાં એક કાળા ગુલાબનો છોડ આવેલો છે. એ છોડ નું આયુષ્ય પણ હજારો વર્ષનો છે અને એ ગુલાબના છોડ ની એક ખાસ વાત એ છે કે તેના પર માત્ર ને માત્ર એક જ ગુલાબ લાગેલું છે. જો તે ગુલાબ કોઈપણ રીતે લાવવામાં આવે અને તેનો રસ મહારાણીને પાવામાં આવે તો તમને પુત્ર પ્રાપ્ત થાય…. આટલું સાંભળતા રાજા બોલ્યા, એમાં શું મોટી વાત છે આજે જ મારા માણસો મોકલીને તે ફૂલ હું મંગાવી લઈશ. રાજાની આ વાત પર હકીમ હાસ્ય અને બોલ્યાં.ના…. મહારાજ……. તમે માનો છો એટલું સહેલું નથી તે ગુલાબ લાવવું……

તે કાળું ગુલાબ છે.

તેને તો કોઈ પરાક્રમી પુરુષ લાવી શકશે. આ સાંભળતા જ બોલ્યા. આનુ કારણ….

હકીમ કહે,કારણ એકજ મહારાજ……. આ કાળા ગુલાબની એક ખાસિયત છે. કે તેના પરથી જ્યાંસુધી એક વખત ફુલ તોડી લેવામાં નથી આવતો ત્યાં સુધીમાં તે છોડ પર બીજું ગુલાબ નથી લાગતું અને આ તો દેવ્ય કાળું ગુલાબ છે. જેને દેવતાઓએ જ પુત્ર પ્રાપ્તિ માટે આ છોડને ધરતી પર મોકલ્યો છે. પરંતુ આ છોડની રક્ષા માટે તે ડુંગર પર એક રાક્ષસ રહે છે. આ રાક્ષસ ધ્યાન ગયેલ કોઈ માણસને જીવતો નથી છોડતો .હક એમની વાત સાંભળીને રાજા ઉંડા વિચારોમાં ખોવાઈ જાય છે. રાજાને વિચારોમાં ખોવાયેલ જોતા જ હકીમ બોલ્યા.

મહારાજ….આનો પણ ઉપાય છે.

હકીમ સામે જોતાં રાજા બોલ્યાં…શું? ઉપાય,

હકીમ બોલ્યા…. તે રાક્ષસ એક આંખ વાળો છે જો તેની આંખ ફોડી નાખવામાં આવે તો તે રાક્ષસ મરી જશે. અને કાળું ગુલાબ આસાનીથી મળી જશે, રાજા ચિંતિત થતાં બોલ્યા પણ રાક્ષસને મારશે કોણ….

હકીમ જી ઉભા થતા બોલ્યાં મહારાજ આવો માણસ તમારે શોધવાનો છે…. અને મળી જાય એટલે મારી પાસે લાવજો. હું તેને ત્યાં જવાનો માર્ગ બતાવીશ…..

આટલું કહીને હકીમ જી રાજા-રાણીની રજા લઈને ત્યાંથી ચાલતા થઈ ગયા.

આ બાજુ રાજા ચિંતિત થઈ ગયા.અને વિચારો માં ખોવાઈ ગયા કે આ કામ કોને સોંપવું.

તેમની ફોજમાં તથા દરબારમાં એક થી એક ચડિયાતા શૂરવીર હતા. એટલે રાજાએ તાત્કાલિક પોતાની સભા બોલાવી અને કાળા ગુલાબ ની વાત સભામાં કરી.રાજાએ સભામાં કહ્યું કે છે કોઈ શૂરવીર જે કાળું ગુલાબ લાવી આપે પરંતુ રાક્ષસની વાત સાંભળતા દરેક ના માથા નીચા થઇ ગયા હતા.

કોઈપણ રાજનો માણસ કાળું ગુલાબ લેવા જવાનું બીડું ઝડપવા તૈયાર ના થયો. અંતે રાજાએ સભા ના બરખાસ્ત કરતા પોતાના મહેલમાં ગયા. મહેલ માં આવીને રાજાએ રાણી ને બધી વાત કરી કે રાક્ષસનું નામ સાંભળતા કોઈ પણ વ્યક્તિ આ કાળું ગુલાબ લાવવા તૈયાર નથી.

આ સાંભળી ને રાણીએ રાજાને એક યુક્તિ બતાવી અને કહ્યું કે આના માટે તમે ઈનામ જાહેર કરાવો. તો કોઈ પણ વ્યક્તિ તૈયાર થશે.

આ સાંભળી રાજા ખુશ થઈ ગયા. બીજા દિવસે રાજાએ પોતાના નગરમાં ઢંઢેરો પિટાવ્યો.

જે કોઈ પણ વ્યક્તિ થડના ડુંગરની તળેટીમાં થી કાળું ગુલાબ લાવશે તેને રાજ તરફથી એક લાખ સોનામહોર ઈનામ માં મળશે.

આમ એક લાખ સોનામહોરો મેળવવાની લાલચ તો ઘણા લોકોને જાગી પરંતુ રાક્ષસની વાત સાંભળતાં દરેક વ્યક્તિ હિંમત હારી જતા.

આજ નગરમાં એક ગરીબ મજૂર રહેતો હતો એને એકનો એક દીકરો હતો. નામ તેનો વિક્રમ હતું. વિક્રમ ની ઉંમર અઢાર વર્ષ ની હતી. આ વિક્રમ તેના માતા-પિતાની સાથે ખેતમજૂરી કરવા જતો હતો. આખો દિવસ તનતોડ મહેનત પછી માંડ ખાવાનું મળતું હતું . વિક્રમે આ ઢંઢેરો સાંભળ્યો. તેને થયું કે આ મજૂરી ની જીંદગી કોઈ જીંદગી કહેવાય ટક નુ કરો અને ટક નું ખાવ.

આના કરતા તો રાક્ષસ ના હાથે મરી જવું શું ખોટું છે. “કાં તો ઇનામ મળશે અને કાં તો આ મજૂરી ની જીંદગી માંથી છુટકારો”

આમ વિચારીને તેણે આ વાત પોતાના માતા પિતાને કહી વિક્રમ ની વાત સાંભળીને તેના માતા-પિતા તો રડવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે દીકરા તું એક જ અમારા ઘડપણની લાકડી છો. જો તને કઈ થઇ ગયું તો અમારું શું,?

વિક્રમે માતા-પિતાની પાસે ખુલાસો કરતા કહ્યું, હું તમારા માટે જ ઇનામ લેવા જાઉં છું. આપણે દરરોજ મજૂરી કરીએ છીએ પરંતુ તકનું રળીને ખાઈએ છીએ. પરંતુ મારી કિસ્મતે સાથ આપ્યો અને તમારા આશીર્વાદ મળ્યા તો હું નક્કી કાળું ગુલાબ લાવીને રાજાને આપીશ.

પરંતુ વિક્રમ ના માતા-પિતા કોઈપણ શરતે વિક્રમ ને જવાબ દેવા માંગતા નહોતા. અંતે વિક્રમે માતા-પિતાને સુતા છોડીને ચાલી નીકળ્યો. વિક્રમ રાજાના દરબારમાં આવીને ઉભો રહ્યો અને રાજાને કહ્યું, મહારાજ હું કાળું ગુલાબ લાવવા માટે તૈયાર છું. પહેલા તો આખી સભા હસવા લાગી કે આ નાનો છોકરો શું કાળું ગુલાબ લાવશે. પરંતુ કોઈ બીજી વ્યક્તિ આ કામ માટે તૈયાર ના થતા રાજાએ વિક્રમને આ કામ સોપ્યું.

રાજા વિક્રમ ને લઈને હકીમ પાસે ગયા અને કહ્યું, આ જુવાન કાળું ગુલાબ લાવવા માટે તૈયાર છે. હકીમ જી વિક્રમ ને પગ થી માથા સુધી નિહાળતા કહ્યું યુવાન તને ખબર છે આ કામ કેટલું કપરું છે. વિક્રમ મક્કમ અવાજે બોલ્યો, હા, હું જાણું છું. આ કામમાં મારો જીવ પણ જઈ શકે છે. પણ હું આ કામ કરવા તૈયાર છું, વિક્રમની વાત સાંભળતા હકીમજી ખુશ થઈ ગયા અને વિક્રમ ને થરના ડુંગર પર જવાનો રસ્તો બતાવ્યો.

સાથે સાથે ચેતવતા કહ્યું કે થરના ડુંગરની તળેટીમાં આ કાળા ગુલાબ નો છોડ આવેલો છે. તે છોડ ની રક્ષા એક આંખવાળો રાક્ષસ કરે છે.પરંતુ આ રાક્ષસનો જીવ તેની એ આંખમાં છે. જોતું તેની આંખ ને ફોડી શક્યો તો તે રાક્ષસ મારી જશે. આટલું કહેતા હકીમ જીએ પોતાના હાથની આંગળી માંથી એક વીંટી કાઢીને વિક્રમને આપતા કહ્યું, યુવાન આ લે વિટી આ તારી રક્ષા કરશે. જ્યારે તું જ્યારે સંકટમાં હો ત્યારે આને તારા મોઢામાં મૂકી દેજે. એટલે તું અદૃશ્ય થઈ જઈશ. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે જો તું અદ્રશ્ય થઈને કાળું ગુલાબ તોડીશ તો તું ત્યાં જ બળીને ખાખ થઈ જઈશ.માટે તારે કોઈપણ રીતે દ્રશ્ય મા જ ફુલ તોડવાનું છે. આટલું કહીને તેમણે વિક્રમને જવા માટે રજા આપી.

રાજાએ પણ વિક્રમને ઘોડો તલવાર અને ખર્ચી માટે થોડીક સોનામહોરો આપી અને તેને વિદાય કર્યો. વિક્રમ ઘોડા પર સવાર થઈને નગર થી દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યો.

ઘણા દિવસોના અંતે તે એક નદીના કિનારે આવીને થોભ્યો. અહીં તેણે ઘોડાને પાણી પાયું અને પોતે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો.

એ દરમિયાન અચાનક થી તેને ભયંકર અવાજ સંભળાવા લાગ્યો. વિક્રમ પોતાની જગ્યા પરથી ઝડપથી ઉભો થઇ ગયો અને પોતાની તલવાર ખેંચતા ચારે તરફ જોવા લાગ્યો.

આ દરમિયાન અચાનક થી એક મોટો અજગર ત્યાં આવી ગયો અને વિક્રમ પર અચાનક હુમલો કરી દીધો. અચાનક હુમલાથી વિક્રમ અને તલવાર બંને અલગ અલગ પડ્યા, જમીન પર પડેલ વિક્રમ પર હવે અજગર ધસી ગયો અને ધીમે ધીમે તે વિક્રમ પર વીટાવા લાગ્યો.

વિક્રમે પણ ઘણું જ જોર કર્યું પરંતુ અજગર પાસે તેનું તમામ બળ નકામુ નીવડ્યું, અજગર વિક્રમના પૂરા શરીર પર ચડી ગયો હતો અને હવે તે ધીમે ધીમે વિક્રમને ગળવા લાગ્યો હતો. વિક્રમ અત્યારે એવી પરિસ્થિતિમાં હતો કે તે જાદુઈ વીંટીને પણ ભૂલી ગયો હતો.

અંતે અજગર વિક્રમને જીવતો ગળી ગયો અને વિક્રમ અજગરના પેટમાં ઊતરી ગયો ત્યાં જ વિક્રમને અચાનક પોતાની કમરે બાંધેલી કટાર યાદ આવી. તેણે અજગરના પેટમાં જ પોતાની કમર માં હાથ નાખીને કટાર કાઢી, હવે અજગર ઝાડ પર ચડવા લાગ્યો.

આ તરફ અજગર ના પેટમાં વિક્રમે કટાર ના ઘા ચાલુ કર્યા. દર્દ ના કારણે અજગર ઝાડ પર ચડતા જ નીચે પટકાયો. હવે વિક્રમે કટાર વડે અજગરનું પેટ કાપી નાખ્યું. પેટ કપાતા જ વિક્રમ અજગરના પેટમાંથી બહાર નીકળી આવ્યો. આમ અજગરના રામ રમી ગયા. વિક્રમ અજગર પરથી ઉભો થતા પોતાની તલવાર પાસે ગયો અને તલવાર ઉઠાવતા નદીમાં ગયો નદીમાં સ્નાન કરીને પોતાના ઘોડો છોડતા આગળ ચાલી નીકળ્યો.

નદી પાર કરતા જ ઘનઘોર જંગલ શરૂ થયું આ જંગલમાં અલગ અલગ પ્રકારના જંગલી પ્રાણીઓ અને અજગરો ની સાથે લડતા વિક્રમ થર ના ડુંગર ની પાસે પહોંચી ગયો.

અહીં તેણે ઘોડાને એક ઝાડ સાથે બાંધી દેતા આગળનો રસ્તો પગપાળા કાપવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તે ડુંગર પર ચડવા લાગ્યો. અત્યારે તે એક અનોખી જ પ્રકારની સુગંધ નો અહેસાસ કરી રહ્યો હતો. આ સુગંધ પેલા કાળા ગુલાબ ની હતી, આમ વિક્રમ ધીમે ધીમે ચાલતા ડુંગરની તળેટીમાં પહોંચી આવ્યો. તેણે ઘણેજ દૂરથી જોયું તો તળેટીની વચોવચ એક ગુલાબનો છોડ હતું અને તેની ચારેબાજુ મેદાન હતું. પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે તે મેદાનમાં એક બે નહીં પરંતુ હજારો સાપ આમતેમ ફરી રહ્યા હતા.

વિક્રમ આ જોતા જ મૂંઝાઈ ગયો પરંતુ ત્યાં જ તેને જાદુઇ વીંટી યાદ આવી ગઈ. તેણે પોતાના હાથ ની આંગળી માંથી વીંટીને કાઢતા મોઢામાં મૂકી ત્યાં જ તે અદ્રશ્ય બની ગયો, આવી રીતે તે સાપના ઝૂંડની વચ્ચેથી થઈને પેલા કાળા ગુલાબ ના છોડ સુધી પહોંચ્યો. તે અદ્રશ્ય બનીને ગુલાબ તોડવા જાય છે. “ત્યાં જ તેને હકીમ ની વાત યાદ આવે છે” જે ચાલવાના સમય એ તેને કહી હતી. જો તે અદ્રશ્ય રૂપે ફૂલ તોડશે તો તે ત્યાં જ બળીને ભસ્મ થઈ જશે. એટલે તે કાળા ગુલાબ ના છોડ ની બાજુમા જ ઉભા રહેતા વિટીને પોતાના મોઢામાંથી કાઢી લીધી.અને આંગળી માં પહેરી લીધી. હવે તે જરા પણ મોડુ કરવા માંગતો નહોતો. તેણે ઝડપથી પેલું કાળા ગુલાબ ને છોડની ડાળ પરથી તોડી લીધું.

અને ત્યાં જ ચમત્કાર થયો ત્યાં ચારેબાજુ દોડી રહેલા સાપો અચાનક ગાયબ થઇ ગયા. આ જોતા જ વિક્રમ ખૂબ જ ખુશ થઈ ગયો પરંતુ તેની ખુશી વધારે ટકી નહીં. સાપ જેવા અદ્રશ્ય થયા ત્યાં જ એક ધુમાડાની જ્યોત પ્રગટી અને અચાનક થી એક આંખવાળો રાક્ષસ કયાંકથી વિક્રમ ની સામે પ્રગટ થયો આ જોતા જ વિક્રમ પહેલા તો ડરી ગયો. પરંતુ પછી પોતાની તલવાર કાઢતા તે રાક્ષસ ની સામે થયો. રાક્ષસ વિક્રમને પોતાના કદાવર પંજામાં ઉપાડતા ત્રાડો પાડવા લાગ્યો. અને પોતાના બીજા હાથ વડે વિક્રમના હાથમાં રહેલું કાળું ગુલાબ વિક્રમ પાસેથી છીનવી લીધું.

વિક્રમ ગુસ્સે થઇ ને તલવારના ઘા રાક્ષસની આંગળીઓ પર કરવા લાગ્યો, આથી ગુસ્સે ભરાયેલો રાક્ષસ વિક્રમ ને ખાઈ જવા માટે તેને પોતાના મોઢા પાસે લઈ આવ્યો. ત્યાં વિક્રમે સમય ઝડપી લેતા પોતાની તલવારને રાક્ષસ ના કપાળ પર રહેલી તેની એક આંખ માં પોરવી દીધી. તલવાર આંખમાં ખૂલતાં જ રાક્ષસ વધુ ત્રાડો પાડવા લાગ્યો. તેના બંને હાથ માંથી વિક્રમ અને કાળું ગુલાબ છૂટી ગયા અને બંને નીચે પડવા લાગ્યા.

નીચે પડતા જ વિક્રમ એ કાળા ગુલાબ ને ધરતી પર ના પડવા દેતા પોતાના બંને હાથ વડે ઝીલી લીધો.

આમ રાક્ષસ ની આંખ ફૂટતા જ તે મૃત્યુ પામ્યો. જમીન પર ઢળી પડતા જ તે અદ્રશ્ય થઈ ગયો, વિક્રમે ઝડપથી પોતાની તલવાર ઉપાડી લેતા ડુંગરની તળેટી થી નીચે ઉતરવા લાગ્યો.

અને જે જગ્યા પર તેણે ઘોડો બાંધ્યો હતો તે જગ્યા પર તે આવ્યો ઘોડા પર સવાર થઈને તે પોતાના રાજ મંગલપુર તરફ ચાલી નીકળ્યો. આ વખતે પણ ઘણાં જ દિવસોના અંતે તે મંગલપુર પહોંચ્યો તે સીધો હકીમ ની પાસે ગયો ત્યાંથી હકીમ અને વિક્રમ બને રાજમહેલમાં ગયા, રાજમહેલમાં હકીમ અને વિક્રમને આવેલા જોતા જ શું આનંદમાં આવી ગયા. હકીમ અને વિક્રમ નું સ્વાગત કરતા રાજા અને રાણી પણ ખૂબ જ ખુશ થયા. હકીમ જી એ કાળુ ગુલાબ રાજાને બતાવતા કહ્યું. “મહારાજ આ ફૂલ લાવવું એટલે સહેલું નહોતું પરંતુ આ બહાદુર અને હિંમતવાન યુવાન ના કારણે આ શક્ય બન્યું છે” ત્યાર પછી હકીમે એ ગુલાબને વાટીને તેનો રસ રાણી ને પાયો.

આ તરફ રાજાએ પણ પોતાના વચન મુજબ બીજા દિવસે વિક્રમ અને તેના પરિવારને બોલાવીને તેમનું સન્માન કરતા એક લાખ સોનામહોરો આપી. હકીમજી ને તેમનું કામ જોતા તેમને રાજના વૈદ તરીકે તેમની નિમણૂક કરી વિક્રમ ની બહાદુરી અને હિંમત જોતા તેને પોતાના રાજ્યની સેનાનો સેનાપતિ બનાવ્યો.


​સમાપ્ત.