Featured Books
શ્રેણી
શેયર કરો

વીનસ અને સેરેના વિલીયમ્સ - રીચર્ડ વિલીયમ્સ

"ઓહ ગોડ ! એક ટેનિસ ટુર્નામેન્ટ જીતવાનું ઇનામ 40,000 ડોલર ! આટલા તો હું આખા વર્ષમાં નથી કમાતો !"

ઘરના ટેલિવીઝન પર ટેનિસની એક મેજર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોઈને, જીતેલી ટેનિસ પ્લેયરને મળેલ આ ઇનામી રકમ જાણીને રીચર્ડ વિલીયમ્સનો આ ઉદગાર હતો. આ કિસ્સો બન્યો 1980 માં. આ પછી તરત જ રીચર્ડને નિર્ણાયક વિચાર આવ્યો "આવનારા વર્ષોમાં મારી દિકરીઓ પણ ટેનિસ રમશે":.

રીચર્ડની પ્રકૃતિ 'તરત દાન ને મહાપુણ્ય' પ્રકારની હશે, એણે તો એની દિકરીઓ ટેનિસમાં આગળ કઈ રીતે વધશે એનો પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ ને 78 પાનાનો દસ્તાવેજ બનાવી દીધો. અમેરીકાના કેલિફોર્નિયા સ્ટેટના કોમ્પટન શહેરમાં આ લોકો રહે. એ સમયે રંગભેદની સમસ્યા બહુ ઘેરી હતી. અમેરીકામાં કાળ-ગોરા વચ્ચે સીધો જ પક્ષપાત કરાતો. આ કોમ્પટન વિસ્તારમા કાળાઓના બની બેઠેલા ગુડાઓનો બહુ ત્રાસ હતો. ધમાલ કરે ને મારપીટ કરે. રીચર્ડ પોતે પણ બ્લેક ખરા પણ, આ બધાથી દુર રહે. એના મગજમા તો હવે બસ એક જ રટણ ચાલ્યા કરતું - ટેનિસ. જો કે, એને ટેનિસ વિશે કોઇ જ માહિતી ન હતી. કયાં ટ્રેઈનીંગ મળે એની જાણ નહીં. એટલા પૈસા પણ નહોતા એની પાસે કે એ દિકરીઓને યોગ્ય ટ્રઈનીંગ અપાવી શકે. આમ પણ આ ખર્ચાળ રમત ગણાતી. આ બધુ જ બરાબર, સ્વાભાવિક રીતે સમજાય એવૂં છે. હવેની જે સૌથી અજુગતી લાગે એવી બાબત એ છે કે આ વિચાર-પ્લાન એ દિકરીઓ માટે હતો કે જે હજી જન્મી જ ન હતી ! રીચર્ડ પર આટલી મોટી અસર હતી પેલા જીતન વિઝ્યુઅલ્ની અને એના પરીણામ રૂપે પાક્કી યોજના પણ બનાવી લીધેલી. જ્ન્મ પહેલા જ એ જન્મનારે શું કરવનું એ નક્કી થઈ ગયેલુ.

આ પછીના પાંચ વર્ષ રીચર્ડ ટેનિસની જાણકારી અને એની ટ્રઈનીંગ પાછળ જ ગાળ્યા. ટેનિસની રમત વિશેના જેટલાં મેગેઝીન્સ મળે એ લઈ લે અને એનો અભ્યાસ કરે. જેટલી વિડીયો કેસેટ્સ મળે એ જુએ રમત ઓન કોર્ટ કઈ રીતે રમાય એનુ નિરીક્ષણ કરે. ટ્રેઈનીંગ આપવા માટે પહેલા જાતે ટેનિસની ટ્રેઈનીંગ લીધી. ટુંક્માં, પોતાના પાક્કા પ્લાનને, પાક્કે પાયે અમલી બનાવવા એ મચી પડ્યો. આ ભેખધારી માણસે પ્લાન શરૂ કર્યાના પાંચમા વર્ષના અંતે એની દિકરીઓના હાથમાં એક સરખા રેકેટ્સ મુકી દીધા. પોતે જ ટ્રેઈનીંગ આપવાની શરૂ કરી. પિતા અને કોચ બન્નેની જવાબદારી નિભાવી.

રીચર્ડ પાસે માત્ર ટ્રેઈનીંગના પૈસા ન હતા એવું ન હતૂં. ટેનિસ માટે જરૂરી સાધનો અને સુવિધાઓનો ખર્ચ પણ એને પોસાય એમ ન હતો. એ સ્થાનિક ટેનિસ ક્લબમાં જાય. ડસ્ટબીનમાં પડેલા વપરાયેલા ટેનિસબોલ એમાંથી ઉઠાવે અને નાની લારીમાં ભરીને ઘરે લઈ આવે. એ પછી દિકરીઓને લઇને ગામમા આવેલી સાર્વજનિક ટેનિસ કોર્ટમા જાય અને સઘન પ્રેકટીસ કરાવે.

રીચર્ડ બન્ને દિકરીઓનું બહુ ધ્યાન રાખતો. પેલા ગામના ગુંડાઓ દિકરીઓને હેરાન ન કરે એ માટે એ ઢાલ બનીને ઉભો રહેતો. શરીરે મજબૂત હતો એટલે કદાચ પેલા મારામરી પર ઉતરી પડે તો એનો સામનો કરે ને ક્યારેક પોતે માર ખાય પણ, દિકરીઓને ઉની આંચ પણ ન આવવા દે. એક્વાર તો ગુંડાઓએ એને એટ્લો માર માર્યો કે નાક અને જડબું તોડી નાખ્યા. એક મુક્કો એટલો જોરદાર વાગ્યો કે એના દાંત પડી ગયા. આ ધમાલનું કારણ હતું કે આ લોકોને ટેનિસ કોર્ટ છોડીને જતા રહેવા પેલા ગુંડાઓ દબાણ કરવા આવ્યા હતા. રીચર્ડે માર ખાધો પણ, ટેનિસ કોર્ટ અને પ્રેકટીસ ન છોડ્યા. રીચર્ડ viલીયમ્સ પોતાની ડાયરીમાં આ કિસ્સો નોંધતા લખે છે "આજે જે કંઇ બન્યું એ પછી ઇતિહાસ આ 'દાંત વગરના માણસ' ને હિંમતના પર્યાય રૂપે કાયમ યાદ કરશે.

કેટલાયે લોકોની ઘણી મથામણ પછી પણ અમેરીકામાં આ રંગભેદ,કાળા લોકો માટે ધિક્કારનું અને વલણ હજી એવું ને એવુ જ હતું.  એમાં આ ટેનિસ તો 'ગોરાઓ'ની જ રમત કહેવાતી, રીચર્ડ અને એની દિકરીઓ ઘણીવાર આ અસ્માનતાને કારણે અપમાનનો ભોગ બનતા. જુનિયર લેવલની ટુર્નામેન્ટ રમવા એક થી બીજા શહેરમાં અલગ-અલગ કોર્ટ પર જતા, ત્યારે ગોરાઓ આ ફેમીલીને તાક્યા કરે, કારણ વગર એ લોકો સામે બૂમો પાડે. આ નિત્યક્રમ બની ગયેલો. આ બધાથી નવાઇ પામીને અણસમજ છોકરીઓ પુછે પણ ખરી "આ બધા આપણને આટલી ખરાબ રીતે તાકી-તાકીને કેમ જુએ છે ? - ત્યારે રીચર્ડનો જવાબ બહુ સરસ હોય "એ લોકોએ આ પહેલા આટલા દેખાવડા માણસો જોયા જ ન્થી એટ્લે જોયા કરે છે"

આ પ્છી તો સમયનું ચક્ર અચાનક અનેકગણી ઝડપે ફરવા લાગ્યું. દિવસો-મહીનાઓ-વર્ષ કેલેન્ડરના પાનાની જેમ ફરફરાટ ઉડવા લાગ્યા. રીચર્ડની દિકરીઓ પણ એક પછી એક નાની-મોટી ટુર્નામેન્ટ્સ જીતીનેટેનિસ કોર્ટ્સ ગજવવા લાગી. બધુ જ પસડસડાટ ચાલવા લાગ્યું.. ને એ સુવર્ણ ક્ષણ આવીને ઉભી રહી.. ઇ.સ.2000. ગ્રેન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ્સમાની એક એવી પ્રતિષ્ઠીત - વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ છે. એક લાંબી અને પાતળી છોકરી મેચ જીતવાને આરે છે... પોતાના ઘરથી હજ્જારો માઇલ દુર, લંડન શહેરમાં કેટલાયે અવરોધો પાર કરીને પહોંચી છે... મગજમાં એક જુનુન છે, આંખમાં અનેરી ચમક છે. પિતા રીચર્ડ આ બધું જોઇ રહ્યા છે. એના કરખની સીમા નથી. એની દિકરી. બ્લેક ફેમીલીની દિકરી આજે લંડનની હસ્તીઓ, પ્રતિષ્ઠીત અને ધનવાન લોકો અને રાજવી પરીવારની હાજરીમાં રમી રહી હતી અને ઇતિહાસ સર્જવાની તૈયારીમાં હતી..

.. ભાવવિભોર રીચર્ડ સહિત આ મેચ જોઇ રહેલા સહુને લાગતું હતું કે આ યુવાન છોકરી કંઇક અજબ તાકાતથી રમી રહી છે. એની એક-એક સર્વિસની ઝડપ, ચિત્તાની ઝડપ જેવું ફુટવર્ક આ પહેલાં કોઇએ જોયા ન હતા. એક-એક શોટ મારે અને એનો જે અવાજ આવતો હતો એ અલગ નાદ હતો જાણે. દરેક શોટ મારતી વખતે રેકેટ સાથે પેલું વર્ષોથી ધર્બાયેલું નફરત સામેનું ખુન્નસ પણ ભળતું, એની આકરી પીડા પણ ભળતી...એટલે આ અલગ નાદ ગુંજતો હતો કોર્ટ પર.

આ અસામાન્ય તાકાતથી રમતી છોકરીમાંથી ડરનું લખલખું પસાર થઈ ગયું .. જીતની ક્ષણ વેંત જેટલી જ દુર હતી.. મેચ પોઇન્ટ હતો.. અને એણે પ્રેક્ષકોમાં સ્ટેન્ડમાં ઉભેલા પિતા રીચર્ડ સામે જોયુ, એ ચિચિયારીઓ પાડી એને પ્રોત્સાહિત કરતા હતા.. કમ ઓન.. બક અપ.. ! એ દિકરીઓને કાયમ કહેતા કે એક દિવસ એવો આવશે કે આપણે વિમ્બલ્ડન ફાઇનલ જીતીશું જ. એ જીત માત્ર આપણી નહીં હોય. એ અમેરીકામાં વસતા આપણી જેવા અનેક કલાચાર-ગરીબ લોકોની જીત હશે.

.. દિકરીનુ ધ્યાન પાછુ રમત પર આવ્યુ... .. ... વધ એક પાવરફુલ સર્વ... અને .. અને પ્રતિસ્પર્ધીનો શોટ.. બોલ .. નેટમાં ભરાઇને નીચે...ગઈમ.સેટ.. મેચ.. એન્ડ વિમ્બલ્ડન ટાઇટલ ગોઝ ટુ વિનસ વિલીયમ્સ .. ધીસ ઇઝ અ હિસ્ટરી. ... આટલું બોલાય છે ને કેમેરા સીધો જ એક વ્યક્તિ પર ફોકસ થાય છે... એ વ્યક્તિની આંખમાં હરખનાં આંસું છે... એ ઝુમે છે .. કુદે છે... 20 વર્ષ પહેલાં જોયેલું એ સ્વપ્ન.. સાકાર થઈને સામે ઉભું હતું ... સંઘર્ષનો સુખદ અંત આવ્યો.. વિનસ વિલીયમ્સે જીતેલા કુલ સાત ગેન્ડ સ્લેમ ટેનિસ ટાઈટલ્સમાં આ પહેલું હતું. આ સફળતાની સફર હજી તો ઘણી આગળ ચાલી.. રીચર્ડની સૌથી નાની ફિકરી સેરેના વિલીયમ્સે એની બેસુમાર સફળ કારકિર્દીમાં 23 મોટી ટુર્નામેન્ટ્સ જીતી. લાંબા સમય સુધી રેન્કીંગમાં No. 1 રહીને ટેનિસ ક્ષેત્રે આખા વિશ્વમા ખુબ જ પ્રસિધ્ધી મેળવી.

આપણે સહુ જે બન્ને બહેનોને એમની અત્યંત સફળ ટેનિસ કારકિર્દીને કારણે જાણીએ છીએ એ વિનસ-સેરેનાની ટેનિસ કોર્ટ પહોંચવા સુધીની સફર કેવી રસપ્રદ, ઉત્તેજના સભર અને સંઘર્ષથી ભરપૂર છે ! આ સંઘર્ષમાંથી જ શીખીને વિલીયમ્સ બહેનોએ ટેનિસ કોર્ટ ઉપરની સફળતાથી જે ચાહના મેળવી છે એ તો છે જ, ટેનિસ કોર્ટની બહાર એ બહેનોએ જે કામ કર્યું એ વધારે પ્રભાવક છે. એમના પિતા હંમેશા કહેતા કે " આપણી સાથે જે કંઇ અન્યાયો થયા એનો જવાબ ટેનિસ કોર્ટ પર જઈ, પુરી તાકાતથી રમી, ટાઇટલ જીતીને જ આપવાનો" - આ બહેનોએ રંગભેદને નાથવા ઘણું જ કામ કર્યું અને એ કારણે કેટલા બધા બ્લેક્સ રંગભેદ ભૂલી ખેલકુદના મેદાનમા ઉતર્યા અને સફળ થયા.

ટેલીવીઝન પર જોયેલી એક જીત .. કેટલી બધી જીત .. કેટલા વિજય લઈને આવી શકે.. !