દવા વગર તંદુરસ્ત રહો - 1 Suresh Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દવા વગર તંદુરસ્ત રહો - 1

(૧) એક મહલ હો સપનોં કા: પહેલું સુખ તે...

 

‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત એટલી જાણીતી છે કે દરેક જણ તે જાણે છે. જોકે આ કહેવતના અર્થ મુજબ તંદુરસ્તીના નિયમોનું પાલન કરીને આ પહેલું સુખ મેળવવાના પ્રયત્નો બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે. પરંતુ જો સાચે જ પ્રયત્નો કરે અને દિલથી કરે, તો પછી સપનાના મહેલમાં રહેતા હોય એવો જીવનનો આનંદ જરૂર પ્રાપ્ત કરી શકે.   

 

જીવનમાં સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું સુખ પોતાની તંદુરસ્તી છે, એ હકીકત એટલી સર્વમાન્ય છે કે તેના વિષે વધુ ચર્ચા જરૂરી નથી. માણસ પાસે ગમે તેટલી દોલત, એશોઆરામ, માન-અકરામ, હોદ્દો, સત્તા, પ્રતિષ્ઠા, કુટુંબ, સગાંવહાલાં, મિત્રો, નોકરચાકર, અનુયાયીઓ, એવાં દુનિયાભરનાં સુખ અને સવલત હોય, પણ જો પોતે તંદુરસ્ત ના હોય, તો આમાંથી કોઈપણ સુખ તેને સારું લાગતું નથી. બીમાર વ્યક્તિ આમાંથી એક પણ સુખની ચીજનો સાચો અને પૂરેપૂરો આનંદ લઇ શકતો નથી. એટલે પહેલું સુખ તે જાતે નર્યા એ નિસંદેહ સત્ય હકીકત છે.

 

તંદુરસ્તી પછીના ક્રમે આવતાં જીવનનાં અન્ય સુખોની કલ્પના પણ આપણા અનુભવી પૂર્વજોએ આ મુજબ કરેલી છે:  

પહેલું સુખ તે જાતે નર્યા,  

બીજું સુખ તે ઘેર દીકરા,

ત્રીજું સુખ તે કોઠીએ જાર,  

ચોથું સુખ તે ગુણવંતી નાર.

 

તંદુરસ્તી પછીના બીજા સુખની કલ્પના ઘેર દીકરા હોય તેવી છે. આ દીકરા શબ્દમાં દીકરીનો પણ સમાવેશ થઇ જાય છે. પરંતુ ફક્ત દીકરા-દીકરી હોય એટલું પૂરતું નથી, તે સુપાત્ર પણ હોવાં જોઈએ. કારણ કે નાલાયક અને કુપાત્ર એટલેકે કપાતર સંતતિ માબાપ માટે મોટા દુઃખનું કારણ બને છે. 

 

ત્રીજું સુખ તે કોઠીએ જાર, અર્થાત્ ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ હોય અને ખાવા-પીવાની તકલીફ ના પડે એટલી સંપત્તિ કે આવક હોય. અહીં એક વસ્તુ નોંધવાલાયક છે કે કવિએ વધારે સંપત્તિની આકાંક્ષા કરી નથી. સુખી થવા માટે કે સુખી રહેવા માટે ફક્ત રોટી, કપડાં અને મકાનની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય એટલી સંપત્તિ હોય તો તે પૂરતું છે.  

 

ચોથા સુખમાં ગુણવંતી નાર એટલે કે સમજદાર પત્ની કે પતિની ઈચ્છા વ્યક્ત કરેલ છે. જોકે આ સુખને છેક ચોથું સ્થાન મળ્યું છે તે વાત હજમ થાય તેવી નથી. મારી દ્રષ્ટીએ સમજદાર પત્ની કે પતિ મળે એ બીજા નંબરનું સુખ હોવું જોઈએ, સંતતિની વાત તો તેના પછી આવે.

***

હવે આપણી મૂળ વાત પર પરત આવીએ. નર્યા એટલે કે તંદુરસ્ત રહેવા માટેના ઉપાયો ઘણા પ્રકારના હોઈ શકે છે, પરંતુ આ પુસ્તકમાં કોઈપણ જાતની દવા કે ઓસડિયાંના ઉપયોગ સિવાયના ફક્ત કુદરતી ઉપાયો જ બતાવેલ છે. એલોપથી, આયુર્વેદ કે હોમિયોપેથી જેવી કોઈપણ પ્રકારની દવાના પ્રયોગ અહીં સૂચવેલ નથી.

 

અત્યારના સમયમાં દરેક મીડિયામાં તંદુરસ્તીને લગતી ટીપ્સનો ફેલાવો ખૂબ વધ્યો છે. તમે કોઈ પણ છાપું કે મેગેઝીન હાથમાં લો અથવા ટીવી પર થોડી ચેનલ આમતેમ ફેરવો અથવા વોટ્સ એપ કે ફેસબુકના બેચાર મેસેજ જુઓ અથવા નેટ પર થોડું સર્ફિંગ કરો, તો તમને તંદુરસ્ત રહેવા માટેની કેટલીય ટીપ્સ અને અગણિત નુસખા નજરે પડે છે. અરે, બેચાર માણસો ભેગા થઈને સામાન્ય વાતો કરતા હોય, એમાં જો કોઈ બીમારીની વાત નીકળે તો દરેક જણ કેટલીય જાતની દવાઓ અને નુસખાઓની ભલામણ કરી નાખે છે. તો પછી આ હાથવગા શંભુમેળામાં મારે થોડો ઉમેરો કરવાની કેમ જરૂર પડી, તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. એટલે આ બાબતનો ખુલાસો કરવો જરૂરી છે.

 

મોટાભાગના લોકો બીજા લોકોને તંદુરસ્તીનું પહેલું સુખ આપવા માટે એટલા બધા તત્પર હોય છે કે તેઓ કશું જોયા કે સમજ્યા વગર, કોઈ જાતની મેડીકલ  કે વૈદકીય લાયકાત કે અનુભવ વગર તેમજ કોઈ જાતની ચોકસાઈ કે ખરાઈ કર્યા વગર, માત્ર પોતાને ઘણું જ્ઞાન છે તેવું સિધ્ધ કરવા માટે આવા નુસખાઓની ભલામણ કરી દેતા હોય છે. વળી આવા લોકો પોતાના માટે તો આ નુસખાઓનો અમલ કરતા નથી, એ પણ એક નોંધવા જેવી હકીકત છે ! 

 

પૂરી ચોકસાઈ કર્યા વગર આવી ભલામણોનો અમલ કરીએ તો શું થાય, તે વાત એક જોકથી સમજીએ:

 

છગને મગનને પૂછ્યું: તારો બળદ માંદો પડ્યો ત્યારે તે શું કરેલું?

મગન: મેં તો તેને કેરોસીન પાયેલું.

 

છગને આ માહિતી મુજબ પોતાના બળદને કેરોસીન પાયું. એ પછી બળદ મરી ગયો. એટલે છગને મગનને જણાવ્યું કે કેરોસીન પીવરાવ્યા પછી તેનો બળદ તો મરી ગયો. ત્યારે મગને ચોખવટ કરી કે મારો બળદ પણ મરી ગયો હતો!    

***

બીજી વાત એ છે કે દાદીમાના કેટલાક નુસખા અસરકારક અને અનુભવસિદ્ધ હોય છે, પરંતુ તે દરેક વ્યક્તિને એક સરખી રીતે ફાયદો કરી શકતા નથી. કોઈપણ દવા કે ઈલાજની અસર થવા માટે દર્દીની ઉંમર, પ્રકૃતિ, શરીરનો બાંધો, જીવનશૈલી, પ્રતિકારક શક્તિ અને રોગની તીવ્રતા જેવાં ઘણાં પરિબળ ભાગ ભજવે છે. ઉપરાંત અમુક નુસખા રોગના શરૂઆતના સ્ટેજમાં થોડોઘણો ફાયદો કરે, પણ રોગની તીવ્રતા વધી ગઈ હોય ત્યારે તેનો પ્રયોગ સલાહભર્યો ના કહેવાય. વળી દરેક ઈલાજની સાથે યથાયોગ્ય ચરી (આહાર અને વિહારના અમુક નિયમો) પાળવી જરૂરી હોય છે.

 

આથી કોઈ નુસખાનો અમલ કરતા હોઈએ, ત્યારે ફક્ત યોગ્ય લાયકાતવાળા અથવા અનુભવી વ્યક્તિની સલાહ પર જ ભરોસો કરવો જોઈએ. ફક્ત છાપામાં કે વોટ્સ એપ પર આવે, એટલા પરથી તેનો અમલ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ.

***

ત્રીજી વાત એ કે દાદીમાના નુસખા અને આયુર્વેદ બંનેમાં અતિશયોક્તિ ભરેલી પડી છે.  હકીકતમાં આયુર્વેદનું જ્ઞાન એ આપણા મહાન ઋષિઓ તરફથી સમગ્ર માનવસમાજને મળેલી બહુ મોટી ભેટ છે, પરંતુ  અતિશયોક્તિને લીધે આયુર્વેદની સારી અસરો ભૂલાઈ જાય છે અને નબળાઈઓ યાદ રહી જાય છે.

 

આયુર્વેદને લગતા કોઈ પણ લેખનો અભ્યાસ કરશો તો તેમાં હળદર કે હિંગ, કેળું કે કેરી, આમળાં કે અનાનસ, તુલસી કે તજ એવી અનેક ઘરગથ્થુ ચીજો કેટલીય જાતના રોગો મટાડે છે એવાં વર્ણન જોવા મળશે જ. આ દરેક ચીજ શરદીથી માંડીને સનેપાત, ટીબીથી માંડીને ટાઈફોઈડ, ઉધરસથી લઈને ઊટાંટિયું અને કમળાથી લઈને કેન્સર સુધીના કેટલાય રોગમાં કેટલો બધો ફાયદો કરે છે તેનું લાંબુલચક લિસ્ટ પણ જોવા મળશે. વળી દરેક લેખક આ લિસ્ટ વધુ ને વધુ લાંબુ થાય તેમ પ્રયત્નો પણ કરતો રહે છે. 

 

અરે ભાઈ! લોકો સામાન્ય રીતે દરરોજ ઉપયોગ કરતા હોય તેવી ચીજોથી આટલા બધા રોગ મટી જતા હોય, તો પછી માનવજાતને આટલા બધા દવાખાનાઓની જરૂર જ ના પડી હોત ને! ટૂંકમાં અતિશયોક્તિ ભરેલાં વર્ણન કરવાની નબળાઈને લીધે આયુર્વેદની સારી અને સાચી અસર ઢંકાઈ જાય છે.        

***

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તકમાં કોઈપણ જાતની દવાઓના પ્રયોગ સિવાય, કોઈપણ જાતના નુસખા બતાવ્યા સિવાય, ફક્ત સીધાસાદા, એલર્જી, આડઅસર કે અન્ય નુકસાન ન કરે તેવા અને દરેક જણ આસાનીથી અપનાવી શકે તેવા પ્રેક્ટિકલ અને કુદરતી ઉપાયો મારફત તંદુરસ્ત બનવાના અને તંદુરસ્ત રહેવાના અનુભવસિધ્ધ ઉપાયો રજૂ કર્યા છે.

 

 પંચામૃત:

તમારું આદર્શ વજન જાણો:

પુખ્ત પુરુષ: ફોર્મ્યુલા: ઊંચાઈ (સે.મી.) બાદ ૧૦૦

                       ઉદાહરણ: ઊંચાઈ ૫ ફૂટ ૬ ઇંચ = ૧૬૮ સે.મી.

                                  આદર્શ વજન = ૧૬૮ – ૧૦૦ = ૬૮ કિલો

પુખ્ત સ્ત્રી: ફોર્મ્યુલા: ઊંચાઈ (સે.મી.) બાદ ૧૦૫

                     ઉદાહરણ: ઊંચાઈ ૫ ફૂટ ૬ ઇંચ = ૧૬૮ સે.મી.

                                આદર્શ વજન = ૧૬૮ – ૧૦૫ = ૬૩ કિલો