નિતુ : 19 (લગ્નની તૈય્યારી)
અગાસીમાં બેસીને કૃતિ ફોન પર સાગર જોડે વાત કરી રહી હતી. આજ- કાલ ઘરમાં શું ચાલી રહ્યું છે તેનું તેને ભાન જ નહોતું. આ પ્રેમ પણ ગજબ છે. ક્યારેક ક્યારેક એવી ભાન ભુલાવી દે છે કે દુનિયાની ખબર જ નથી રહેતી. બસ, પોતાની મસ્તીમાં મસ્ત અને પોતે કહ્યું તે સાચું. એના સિવાય બીજું કશું સુજવા જ નથી દેતો. હમણાંથી કૃતિ પણ એ રોગનો શિકાર બની બેઠી હતી. બસ જે હતું એ સાગર, એના સિવાય કશું નહિ. એક તો એટલી જલ્દી નીકળેલી લગ્નની તારીખ અને એમાંય અધીરું બનેલું તેનું મન. એ તો કલ્પના જ કરવી પડે કે તેના દિવસો કઈ રીતે પસાર થઈ રહ્યા હશે?
"બીજો શું પ્લાન છે?"
"બસ કૃતિ, બીજું તો કશું ખાસ મેં વિચાર્યું નથી. તું બોલ, કાલનું તારું શું પ્લાનિંગ છે?"
"શું હોય? આ દીદી મને પણ કશું સુજવા નથી દેતી."
"શું થયું પાછું?"
"એ જ, એનું પોતાનું ધારેલું. તને ખબર છેને સાગર? તે દિવસે તેણે કેવું ધતિંગ કરેલું? એટલે હું કહું છું કે કાલે માત્ર આપણે બે જઈ આવીયે અને તેની જાણ બીજાને નથી કરવી. મેં સવારે મમ્મીને વાત કરી દીધી છે."
"અને દીદીને?"
"એમાં દીદીને શું કહેવાનું? હું જાગીને નીચે ગઈ એટલીવારમાં તો એ જતી રહેલી. એની સાથે વાત કરવાનું મારુ મૂડ નથી."
"કૃતિ!... તને ખબર છેને કે દીદીને પૂછ્યા વગર આપણે કશું નથી કરવાનું? તે દિવસે જે થયું એ મેં પપ્પા સાથે શેર કર્યું, એણે પણ કહ્યું કે નીતિકા દીદી જેમ કહે છે એમ જ કરવાનું."
"એ બરાબર છે પણ તે જોયુંને કે તેનું બિહેવિયર કેવું રુડ છે? બસ પોતાનું ધાર્યું કરે છે."
"અચ્છા, ચાલ મને એક વાત કહે કે શું દીદી તારી પસંદને સદા અવગણે છે?"
"ના એવું નથી..., પણ એ અલગ વસ્તુ છે. અહીં વાત આપણા લગ્નની છે અને એમાં જો મારી પસન્દની એક વસ્તુ ના થવા દે તો કેમ કરીને ચાલે?"
"ના ચાલે. તારી વાત બરાબર છે. પણ જો મારા માટે થઈને તું એક વખત, માત્ર એક વખત તેને પૂછી શકે કે તે આવું શું કામ કરે છે?"
"ના. મેં કહ્યુંને મને એની સાથે વધારે વાત કરવાનું મન નથી થતું."
"ઠીક છે, જો કૃતિ ધ્યાનથી સાંભળ. તું પૂછી ના શકે તો કંઈ નહિ, મારા માટે થઈને તું એ તો જાણી શકેને કે તે અત્યારે શું કરે છે?"
કૃતિએ કોઈ જવાબ ના આપ્યો એટલે સાગરે તેને કહ્યું, "ઠીક છે જા અને જઈને એકવાર જો કે તે શું કરે છે? જે થયું હોય તે મને આવીને સાચે સાચું કહેજે."
"તું કહે છે એટલે હું જાઉં છું."
ફોન મૂકીને તે નીચે આવી. એક દાદર ઉતરી તો તેને ચાલી રહેલી શારદા અને ધીરુભાઈની વાતોનો અવાજ આવ્યો. એ ત્યાંજ ઉભા ઉભા તેઓની વાતો સાંભળવા લાગી.
"ભાભી, હવે એમાં આપણે તો હુ કરી હકવાના? મેં તો એને કીધું પણ નો માની. આ નિતુએ હાવ નકામી જીદ્દ કરે છે."
"હાચુ કઉં ધીરૂભાઈ તો મને તો બૌ ચિન્તયા થયા કરે છે. તમી જોયુંને એણે આવીને ખાધું પણ નય અને સીધી એના ઓરડામાં જતી રહી."
"એણેય કાંઈક વિચાર કઈરો હશે! એને ..." તેનું ધ્યાન વાતમાંથી હટીને દાદરમાં ઉભેલી કૃતિ તરફ ગયું.
"અરે દીકરા ન્યાં કેમ ઉભી છે?"
"એમ જ. હું તો નીચે આવતી હતી. દીદી આવી ગઈ?"
શારદા બોલી, "હા, ઈ એના રૂમમાં ગઈ છે."
કૃતિ પણ એના રૂમ તરફ ગઈ. તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો. તે અંદર ના જઈ શકી પણ દરવાજા બહાર સંતાઈને તે તેની હરકતો જોવા લાગી. નિતુ પોતાની અલમારીમાં કંઈક સરખું કરી રહી હતી. એટલામાં એના ફોનમાં રિંગ વાગી. તેણે જઈને ફોન ઊંચક્યો. તેના નાના ભાઈ ઋષભનો ફોન હતો.
"કેમ છે દીદી?"
"એક દમ મજામાં. તું ક્હે, શું કરે છે?"
"બસ હમણાં થોડો ફ્રી થયો, તારી યાદ આવી એટલે તને કોલ કર્યો."
"અચ્છા, અચાનક મારી યાદ કેમ આવી? કોઈ દિવસ સામેથી કોલ નથી આવતો. મારે જ તને કરવો પડે છે અને આજે તે કોલ કર્યો! કઈ દિશામાંથી સૂરજ ઉગ્યો છે?"
"આ કોનો કોલ હશે?" દરવાજે ઉભેલી કૃતિના મનમાં સવાલ જાગ્યો.
નિતુની વાતનો જવાબ આપતા ઋષભ બોલ્યો, "સાચું કહું દીદી, મને તારી બૌ ચિંતા થાય છે. કૃતિદીદીનાં આટલી જલ્દી લગ્ન નક્કી થઈ ગયા એમાં તું એકલા હાથે કેટલું મેનેજ કરીશ? હું એક કામ કરું છું, થોડા દિવસની લિવ લઈને ત્યાં આવી જાઉં છું."
"એની જરૂર નથી. મને લાગશે તો હું સામેથી તને બોલા લઈશ. આમેય અહીંની ચિંતા ના કર. તું ખાલી તારા ભણવામાં ધ્યાન આપ. હું છું, મમ્મી છે અને ધીરુકાકા પણ અહીં જ રોકાયા છે. અમે બધા કરી લઈશું."
"ઠીક છે દીદી, જેવી તમારી મરજી. બાય."
"બાય." કહેતા તેણે ફોન મુક્યો અને કપબાર્ડમાંથી ટાવલ લઈને બાથરૂમ તરફ જવા લાગી કે મેસેજ આવ્યો. મેસજનો જવાબ આપીને તે ફરી બાથરૂમ તરફ જવાની તૈય્યારી કરી રહી હતી કે એના ફોનમાં બીજો મેસેજ આવ્યો. કૃતિએ જોયું કે પહેલા મેસેજનો તેણે શાંતિથી જવાબ આપ્યો, પણ બીજા મેસજેનો જવાબ ગુસ્સાથી આપ્યો. ફરી મેસેજ આવ્યો અને આ વખતે તે રીપ્લાય આપ્યા વિના જ જતી રહી. તે બાથરૂમમાં પહોંચી કે સંતાયેલી કૃતિ અંદર પ્રવેશી. તેણે જઈને સીધો તેનો ફોન ચેક કર્યો.
રિસેન્ટ કોલમાં ઋષભનું નામ; "અચ્છા, ઋષભનો ફોન હતો."; મેસેજ બોક્સ ચેક કર્યું:
અનુરાધા અને નિતુનો મેસેજ;
"લોન થઈ ગઈ?"
"હા"
"પુરી?"
"ના"
"એક્સ્પેક્ટેશન કરતા ઓછી થઈ."
"હું કાલે મેડમ સાથે વાત કરી લઈશ."
"ઓકે."
તેણે બીજો મેસેજ જોયો. જોતાંની સાથે તેને આશ્વર્ય થયું, "મયંક જીજુનો મેસેજ? તે ડિવોર્સ પછી પણ દીદીને મેસેજ કરે છે?" તેણે મેસેજ ઓપન કર્યો;
"નિતુ હું તને હેલ્પ કરવા માંગુ છું. તું સમજતી કેમ નથી?"
"મયંક પ્લીઝ, હું તને કહું છુંને કે હવે મને મેસેજ ના કર."
"વારંવાર ના પાડવા છતાં તું મારી સાથે વાત કરે છે."
"સોરી ડિયર, બટ કૃતિના લગ્ન છે અને તેના માટે સવારે મેં પૈસા મોકલાવ્યા તો તે લીધા નહિ."
જોકે તેની આ વાતનો નિતુએ કોઈ જવાબ નહોતો આપ્યો. કૃતિએ તેનો ફોન જેમ હતો તેમ પાછો મુક્યો. પાછળ ફરીને જોયું કે તેનો કપબાર્ડ ખુલ્લો હતો અને તેના લોકરમાં ચાવી લગાવેલી. તે ત્યાં ગઈ અને ચાવી ઘુમાવી તો લોકર પહેલાથી ખુલ્લું હતું. તેણે અવાજ ના આવે એ રીતે ધીમેથી લોકર ખોલીને ચેક કર્યું. થોડા ઘણા છુટ્ટા પૈસા અને બાજુમાં બેન્કના કાગળ. તેણે કાગળ અને તેની સાથે પડેલું પરબીડિયું ખોલ્યું, અંદર એક બેન્ક લેટર હતો. કૃતિએ તે વાંચ્યો, "દીદીએ બેન્કમાંથી લોન ઉપાડી છે? એ પણ પર્સનલ લોન?!..." પરબીડિયું ખોલ્યું, "ત્રણ લાખનો ચેક ?" તેણે તે હતું એમ જ પાછું રાખ્યું અને બાજુમાં પડેલ પૈસાનું એક બંડલ લીધું. તેના પર એક ચિઠ્ઠી લગાવેલી હતી. "નીતિકાને તેના ગીરવે મુકેલા ત્રણ લાખના દાગીના વતી શેઠ ચંદ તરફથી બે લાખની લોન..." બાથરૂમમાં પાણી પાડવાનો અવાજ બંધ થયો કે કૃતિએ બધું જેમ હતું એમ રાખી ફટાફટ બહાર નીકળી ગઈ. અગાસીમાં પહોંચી તેની આંખોમાંથી અશ્રુધાર નીકળી. આ બાજુ નિતુએ બહાર આવીને જોયું તો તેને કોઈ અંદર આવ્યુ હોવાનો આભાસ થયો. પણ વધારે વિચાર ના કરી તે પોતાના કાર્યમાં લાગી ગઈ.
પોતાના હાથમાં એક પુસ્તક લઈને હરેશ ઉપર આવ્યો તો કૃતિને રડતા જોઈ પોતાનું પુસ્તક એકબાજુ મેલી તેની પાસે પહોંચ્યો.
"એય... શું થયું? કેમ રડે છે?"
"કંઈ નહિ."
"અરે બોલ. હું ક્યારે કામ આવીશ? શું થયું એ તું મને કહી શકે છે."
પોતાના આંસુ લૂછતાં તેણે તેનો ફોન કાઢ્યો અને સાગરને કોલ કર્યો.
"હેલ્લો!"
"સાગર, હવે મને સમજાય છે, કે દીદી આવું બિહેવિયર શું કામ કરતી હશે?"
"તો તે પૂછ્યું એને?"
"ના. પણ મેં એને ઓબઝર્વ કરી. સાગર હું મારી પોતાની મસ્તીમાં એ વિચારવાનું જ ભૂલી ગઈ કે અંતે બધું મેનેજ તો દીદીએ જ કરવાનું છે. તે લગ્નના ખર્ચ માટે આટલા પૈસા ક્યાંથી લાવશે? યુ નો, તેણે પ્રસંગ માટે લોન ઉપાડી છે અને પોતાની બધી જેવેલરી પણ ગીરવે મૂકી દીધી છે."
"શું વાત કરે છે?"
"હા, મેં દીદીની ગેરહાજરીમાં એની તાપસ કરી. આ સાચું છે."
"જોયું કૃતિ? મેં તને કહેલુંને? કે એની કોઈ મજબૂરી કે ચિંતા તો હશે જ."
"સાચું, કાલે આપણે જઈશું અને એણે જે સિલેક્ટ કરેલા કપડાં છે, એ ફાઈનલ કરીશું."
તેઓની વાતમાં વચ્ચે હરેશ બોલ્યો, "જો તમારે લોકોએ મારી કોઈ હેલ્પ જોઈએ તો કહી શકો છો."
ઉપર અગાસીમાં હરેશ, સાગર અને કૃતિ એ ત્રણેય એ વાતનો નિર્ણય લઈ રહ્યા હતા કે નિતુને એની જાણ બહાર મદદ કઈ રીતે કરી શકાય. તેના કહ્યા વિના જ કૃતિ બધુ જાણી ગઈ અને તેણે ઘરમાં ચાલી રહેલા સંઘર્ષમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. પણ એવા નસીબ નિતુના ક્યાં? કે બે ઘડી શાંતિ પમાય. એકબાજુ એવું વાતાવરણ બની રહ્યું હતું કે નિતુ માટે કૃતિ એનું કહ્યું બધું કરે, તો બીજીબાજુ આ તમામથી અજાણ શારદાનું મન વિચારોના હિલોળે ચડ્યું. બંને બહેનો વચ્ચે વધતી ખટપટ અને કૃતિની નાદારી એ તેની ચિંતામાં અનેક ગણો વધારો કરી દીધો. એક બાજુ પૈસાની ચિંતા, તો બીજી બાજુ ઘરમાં આવતો પ્રસંગ. શું થશે? એનો તેને કોઈ ઉકેલ નહોતો મળતો. ધીમે ધીમે તમામ વિચારો એક સાથે ભેગા થયા અને ચિંતા એટલી વધી કે તેના કપાળમાં પરસેવો બાજ્યો, હાથ પગ ઢીલા પાડવા લાગ્યા. શરીરમાં અશક્તિ જાગી અને ચિંતાએ ચારેય બાજુથી તેને ઘેરી લીધી.
ધીરુભાઈની નજર તેના પર પડી અને તેને કોઈ ગડબડ હોવાનો અંદેશો આવ્યો. તે નિતુ અને કૃતિના નામની બુમાબુમ કરવા લાગ્યા. તેનો અવાજ સાંભળી નિતુ બહાર આવી, "શું થયું કાકા?"
"બેટા જો, ભાભીને કાંઈક થઈ ગયું. તે જવાબ નથી આપતા."
એ "મમ્મી!... મમ્મી!..." નો સાદ કરતી ત્યાં પહોંચી. પણ શારદાએ કોઈ જ જવાબ ના આપ્યો. આ ઘમાસાણ ઉપર સંભળાય અને કૃતિ અને હરેશ બંને ત્યાં આવી પહોંચ્યા.
"શું થયું કાકીને?"
"ખબર નહિ હરેશભાઈ તે કોઈ જવાબ નથી આપતી." રડતી નિતુએ તેને કહ્યું.
"હું હમણાં જ ગાડી લઈને આવું છું. તમે કાકીને લઈને બહાર આવો. આપણે હોસ્પિટલ જઈએ." કહેતો તે ત્યાંથી દોડી ગયો.