અંધારી આલમ - ભાગ 15 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી આલમ - ભાગ 15

૧૫ : ગોલ્ડન કલબ...!

ઉપરોકત બનાવના ત્રણ દિવસ પછી... દેવરાજ કચ્છીના કહેવાતા નિવાસસ્થાને અત્યારે એ પોતે, મોહિની, અજીત, કમલ જોશી ઉપરાંત એક અજાણ્યો માનવી બેઠાં હતાં. એનું નામ માઈકલ હતું. માઈકલને મોહિની જ ત્યાં લાવી હતી.

' મિત્રો...!' દેવરાજ કચ્છીએ સૌને ઉદ્દેશીને કહ્યું, ‘નાગરાજન પાસેથી પચાસ લાખ રૂપિયાનું સોનું આપણા કબજામાં આવી ગયું છે. હવે આપણે આવતી કાલે જ તેની સિન્ડિકેટ પર હુમલો કરવાનો છે. આપણા બદલાની શરૂઆત આ હુમલાથી જ થશે. અલબત્ત, આ હુમલો મામૂલી હશે.’

'મિસ્ટર દેવરાજ !' સહસા મોહિનીએ પૂછયું, 'તમે કોઈ યોજના ઘડી કાઢી છે ?'

'હા...પરંતુ એ પહેલાં તું એક વાતનો જવાબ આપ...' મોહિનીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'નાગરાજનના માદક પદાર્થોનો બિઝનેસ જોસેફ સંભાળે છે, એમ તે કહ્યું હતું ને ?'

'હા..'

'આ જોસેફ ક્યાં રહે છે એની તને ખબર છે ? '

'એનો બંગલો તો બંદર રોડ પર છે. પરંતુ વાસ્તવમાં તમામ જાતના ગેરકાયદેસર બિઝનેસ તેની ગોલ્ડન કલબમાંથી થાય છે!'

'તું ક્યારેય એ ક્લબમાં ગઈ છો ? '

'હું માત્ર એક જ વખત ત્યાં ગઈ છું. પરંતુ માઇકલ આજથી બે વર્ષ પહેલાં એ ક્લબમાં નોકરી કરતો હતો. એ જમાનામાં માઈકલ, જોસેફનો કુશળ બોટમેન અર્થાત્ નાવિક ગણાતો હતો. કલબ વિશે બધી માહિતી મને માઈકલ પાસેથી મળી હતી.’

દેવરાજે માઈકલ સામે જોયું.

માઈકલ પૂર્વવત્ રીતે માથું નીચું રાખીને બેઠો હતો.

'ક્લબની ઈમારત ચાર માળની છે !' મોહિની બોલી, ‘ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરન્ટ અને જુગારખાનુ છે. આ જુગારખાનામાં માત્ર પત્તાંનો જ જુગાર રમાય છે. બાકી સાચો જુગાર તો પહેલા માળ પર જ રમાય છે. ત્યાં લાખો રૂપિયાની હારજીત થાય છે. પહેલા માળ પર સ્થિત આ જુગારધામમાં એ લોકો જ જઈ શકે છે કે જેઓ ત્યાંના જૂના અને વિશ્વાસુ ગ્રાહકો હોય છે. અથવા તો પછી અખાતના દેશોમાંથી આવેલા આરબો ત્યાં જાય છે ! પહેલા માળ પર માત્ર જુગાર રમાય છે એટલું જ નહીં, ત્યાંથી કાયમી ગ્રાહકોને મદ્ય ૫દાર્થો ૫ણ સપ્લાઈ કરવામાં આવે છે. માદક પદાર્થો અને જુગારને પણ એ અડ્ડા સુધી કોઈ અજાણ્યો કે સામાન્ય માણસ ન પહોંચી શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાંની સલામતીની વ્યથા પણ ખૂબ જ મજબૂત છે.'

‘શું વ્યવસ્થા છે ત્યાં...?’ દેવરાજે ગંભીર અવાજે પૂછ્યું. ‘તમારા આ સવાલનો જવાબ માઈકલ જ આપશે મિસ્ટર દેવરાજ !' મોહિનીએ કહ્યું.

દેવરાજની પ્રશ્નાર્થ નજર માઈકલ પર સ્થિર થઈ ગઈ. માઇકલે માથું ઊંચું કરીને દેવરાજ સામે જોયું. પહેલા માળ પર જવા માટે કલબની ઈમારતમાંથી ફક્ત એક જ માર્ગ છે. ગુપ્ત લીફટ... !' માઈકલનો અવાજ એકદમ ગંભીર હતો. 'અલબત્ત, આ લીફટ કોઈ અજાણ્યા માણસની નજરે જ ચડે તેમ નથી. અને કદાચ ચડે, તો પણ લીફટ સુધી પહોંચવું અશક્ય છે.

'કેમ....?'

*કારણ કે લીફટ જે લોબીમાં છે, એ લોબીના ખૂણા પર કેશિયરની રૂમ છે. લિફ્ટ સુધી પહોંચવા માટે કેશિયરના રૂમની સાથે બનેલા એક અન્ય ખંડમાંથી પસાર થવું પડે છે અને આ ખંડમાં ચોવીસેય કલાક જોસેફના પાંચ જલ્લાદ જેવા ગાર્ડ મોઝુદ હોય છે. આ પાંચેય સાક્ષાત શયતાન જેવા છે. જે કોઈ અજાણ્યો માણસ એ તરફ ફરકે તો પહેલાં એને ગોળી ઝીંકી દેવી અને પછી તેના મૃતદેહને પૂછપરછ કરવી હોય તો કરવી, એવી કડક સૂચના તેમને આપી છે.'

'એમ...?'

'હા... પહેલા માળ પર પહોંચવાનો એ માર્ગ એક મિનિટ પણ આ પાંચેયની નજર બહાર નથી રહેતો.' માઈકલે જવાબ આપ્યો.

'પરંતુ માઈકલ...ઉપરના માળ સુધી પહોંચવા માટે આ સિવાય પણ કોઈક બીજો માર્ગ જરૂર હશે જ ! ત્યાં માદક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેનો સ્ટોક બીજા અથવા ત્રીજા માળ પર રાખવામાં આવતો હશે એમ હું માનું છું.'

'હા…તમારી વાત એકદમ સાચી છે મિસ્ટર દેવરાજ !'

'માઈકલ...!' સહસા કમલ જોશી વચ્ચેથી બોલી ઊઠયો, 'એક વાતનો જવાબ આપીશ?'

'પૂછો.'

'તું અમને શા માટે મદદ કરવા તૈયાર થયો છે?' કમલની વાત સાંભળીને માઈકલના ચહેરા પર વિષાદના હાવભાવ છવાઈ ગયા.

'મિસ્ટર કમલ !' એણે ઉદાસ અવાજે કહ્યું, 'હું તેમની સાથે બદલો લેવા માગું છું. બબ્બે વર્ષથી હું જે તકની રાહ જોતો હતો, એ મને મળી ગઈ છે. સાંભળો. લગભગ અઢી વર્ષ પહેલા જોસેફના માણસોએ મારી બહેનની આબરૂં લૂંટી લીધી. બહેને જિંદગીથી કંટાળીને આપઘાત કરી લીધો. ત્યારથી જ તેમની સાથે વેર લેવાની આગમાં મારું રોમેરોમ સળગે છે. પરંતુ હું એકલો કંઈ જ કરી શકું તેમ નહોતો. મોહિની સાથે મારે આ જ ચાર વર્ષથી પરિચય છે. પરમ દિવસે જ્યારે એણે મારી મદદ માંગી ત્યારે મને લાગ્યું કે હું જે વખતની રાહ જોતો હતો, તે આવી પહોંચ્યો છે.’

' ઓહ…' કમલ ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

'હવે હું મુદ્દાની વાત પર આવું છું. ' દેવરાજ બોલ્યો, 'તારા કહેવા મુજબ માદક પદાર્થોનો સ્ટોક બીજા માળ પર રાખવામાં આવે છે, તો ત્યાં સુધી સ્ટોક કેવી રીતે પહોંચાડવામાં આવે છે, આ સ્ટોક કંઈ ગ્રાઉન્ડ ફલોરના જુગારખાના વચ્ચેથી પસાર થઈને તો નહીં જ પહોંચાડવામાં આવતો હોય !'

'ના...'

'અર્થાત્ કોઈક બીજો માર્ગ પણ છે ખરું ને? તું “હા……એ માર્ગ ક્લબની ઈમારતના પાછળના ભાગમાં જે આશરે પાંચસો વાર જમીનમાં ફેલાયલ તળાવ જેવું પરંતુ ખૂબ જ ઊંડું સ્નાનાગાર છે. આ સ્નાનાગાર પ્રાઇવેટ છે.'

'એનો માલિક કોણ છે ?'

'નાગરાજન સિવાય બીજું કોણ હોય ?' 'ઓહ..!' દેવરાજે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, 'એનો અર્થ એ કે આગળના ભાગ કરતાં પાછળના ભાગમાં સલામતીની વ્યવસ્થા વધુ મજબૂત હશે ખરું ને ?"

'હા... એ તરફથી તો કોઈ માણસ ક્લબની ઈમારત પાસેય ફરકી શકે તેમ નથી. એ પ્રાઈવેટ સ્નાનાગારમાં કોઈને પણ પ્રવેશવાની સખત મનાઈ છે. સિન્ડિકેટના માણસો સિવાય બીજું કોઈ ત્યાં જઈ શકતું નથી. બંને તરફ ચેતવણી આપતાં બોર્ડ છે. અને ત્યાં સશસ્ત્ર ગાર્ડ ઉપરાંત ત્રણ જર્મન શેફર્ડ અને ડોબરમેન કૂતરાઓ પણ હંમેશા મોઝુદ રહે છે.'

'ઓહ... તો તો પછી એ માર્ગેથી જવાનો સવાલ જ ઊભો નથી થતો !’ કમલ નિરાશાભર્યા અવાજે બોલ્યો.

'એ તરફથી જવાની કંઈ જરૂર પણ નહીં પડે કમલ ! ' દેવરાજે ગંભીર અવાજે કહ્યું.

સૌએ ચમકીને દેવરાજ સામે જોયું.

'આપણું કામ કલબના આગળના ભાગ તરફથી જ પતી જશે. હાલ તુરંત આપણે ક્લબના પહેલા માળનું કંઈ કામ પણ નથી, આપણે એ તરફ જવાનું પણ નથી.’

'એટલે ? હું સમજ્યો નહીં...?' કમલે મુંઝવણભર્યા મવાજે પૂછ્યું.

'સાંભળો...કાલે રાત્રે આપણે ગોલ્ડન ક્લબમાં જઈને શું કરવાનું છે, હું તમને સમજાવું છું…!' કહીને દેવરાજ ધીમા અવાજે તેમને પોતાની યોજના સમજાવવા લાગ્યો. સૌ ધ્યાનથી તેની વાત સાંભળવા લાગ્યા.

**********

મોહિની ગોલ્ડન કલબની ઈમારતમાં આવેલી લોબીમાં થઈને આગળ વધી.

એ હજુ કેશિયરની ઑફિસ પાસે પણ નહોતી પહોંચી ત્યાં જ જરા પણ અવાજ થયા વગર બાજુના રૂમનું બારણું ઉઘડ્યું અને તેમાંથી ચહેરા પરથી બદમાશ જેવો દેખાતો એક માણસ બહાર નીકળીને સ્ફૂર્તિથી મોહિનીની સામે આવીને ઊભો રહી ગયો.

જાણે કોઈક જાદુગરે જાદુના જોરે તેને આ માણસના રૂપમાં ઉત્પન્ન કર્યો હોય એમ તે ઊભો હતો. મોહિનીના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

બદમાશ જેવો દેખાતો એ માનવી ગાર્ડની વર્દીમાં સજ્જ છે! એના કમ્મરપટ્ટામાં ભરાવેલા હોલસ્ટરમાંથી રિવોલ્વર દેખાતી હતી.

'અહીં આવવાની સખત મનાઈ છે મેડમ..!' એ નરમ અવાજે બોલ્યો.

મોહિની એકલી જ હોવાને કારણે જ તેનો અવાજ નરમ હોય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. જો મોહિનીની સાથે કોઈક હોત તો એની વર્તણૂંક જુદી જ હોત!

'હું.. હું..' મોહિની કૃત્રિમ ગભરાટથી બોલી, ' હું બાથરૂમ શોધતી હતી. સોરી...' કહીને એણે પીઠ ફેરવી.

'જુઓ...આ લોબીમાં આગળ ચાલ્યા જાઓ...ત્યાં જમણી તરફ વળશો એટલે આવી જશે. બહાર બોર્ડ પણ મારેલું હશે.'

'થેંકયૂ...' મોહિનીએ પીઠ ફેરવીને તેની સામે જોતાં કહ્યું..

'મેડમ...કલબના આ ભાગમાં ભૂલેચૂકેય આવશો નહીં.'

'કેમ...? એવું તે શું છે અહીં…? શું તમે લોકોએ આ ભાગમાં કોઈ ખજાનો છૂપાવી રાખ્યો છે ?'

'મેડમ...મારે તમારી દલીલ નથી સાંભળવી, પ્લીઝ, અહીંથી જાઓ...!'

‘જરૂર... જરૂર...' કહીને મોહિનીએ મોહક સ્મિત ફરકાવ્યું'.

એની સ્મિત ફરકાવવાની રીત કંઈક એવી હતી કે ગાર્ડ પાણી પાણી થઈ ગયો. મોહિની પોતે હળવા નશામાં હોવાનો અભિનય ચાલુ રાખીને આગળ વધી.

પછી અચાનક જ એના પગ લથડયા અને તે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરતી ગાર્ડ પર જઈ પડી. ગાર્ડે તરત જ તેને સંભાળી લીધી. મોહિનીના શરીરનો સ્પર્શ થતાંની સાથે જ એના દેહમાં મીઠી ધ્રુજારી ફરી વળી. આ દરમિયાન મોહિનીએ પોતાનું કામ પતાવી લીધું હતું. મોહિનીના હાથમાં જકડાયેલો નાનકડો, સેલ જેવા આકારનો બોંબ ક્યારે પોતાના ગજવામાં પહોંચી ગયો, એની પણ એ ગાર્ડને ખબર નહોતી પડી. એનું મન તથા દિમાગ મોહિનીના યૌવનમાં જ ખોવાઈ ગયાં હતાં.

કામ પતાવીને મોહિની તેનાથી અલગ થઈ ગઈ.

જાણે હાથમાં આવેલું સ્વર્ગ સરકી ગયું હોય એવો ભાસ ગાર્ડને થયો.

‘થેંકયૂ...’ મોહિનીએ ફરીથી સ્મિત ફરકાવ્યું, ‘જો તમે મને ન સંભાળી હોત તો હું ચોક્કસ જ જમીન પર ઉથલી પડત !'

'કંઈ વાંધો નહીં...' ગાર્ડ પ્રત્યક્ષમાં બોલ્યો, પરંતુ અંદરખાનેથી તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.

'બાથરૂમ કઈ તરફ હોવાનું જણાવ્યું હતું તમે?'

'જમણી તરફ...!'

મોહિની ફરીથી તેનો આભાર માનીને રવાના થઈ ગઈ. એ જમણી તરફ ન વળી ગઈ ત્યાં સુધી ગાર્ડ તેની પીઠ પાછળ એકદમ એકીટશે તાકી રહ્યો. લેડીઝ અને જેન્ટ્સ ટોઈલેટ બાજુ બાજુમાં જ હતાં. જેન્ટ્સ ટોઈલેટના દરવાજા પાસે દેવરાજ ઊભો હતો. મોહિની ત્યાં પહોંચી કે તરત જ દેવરાજે પ્રશ્નાર્થ નજર આ સામે જોયું. જવાબમાં મોહિનીએ ધીમેથી હકારમાં માથું હલાવીને કામ પતી ગયાને સંકેત કર્યો.

ત્યારબાદ તે લેડીઝ ટોઈલેટનું બારણું ઉઘાડીને અંદર પ્રવેશી ગઈ. બીજો બોંબ તેણે લેડીઝ ટોઈલેટમાં જ મૂકવાનો હતો.

બહાર જેન્ટ્સ ટોઈલેટના બારણા પાસે ઊભેલા દેવરાજે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. રાતના દસ વાગ્યા હતા. બંને બોંબ ફૂટવામાં હજુ પાંચ મિનિટ વાર હતી.

એ આગળ વધીને જુગારખાનામાં પહોંચ્યો. ત્યાં એક ટેબલ પાસે કમલ જોશી ઉત્સુક નજરે પત્તાંનો જુગાર રમી રહેલા ચાર માણસો સામે તાકી રહ્યો હતો. થોડી વાર પછી જાણે એ પોતે પણ એકાદ બાજી રમવા માંગતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા. દેવરાજ તેને ધીમેથી કોણી મારીને રેસ્ટોરન્ટવાળા હોલ તરફ આગળ વધી ગયો.

એક મિનિટ પછી કમલ પણ તેની પાસે પહોંચી ગયો. રેસ્ટોરન્ટમાં ચિક્કાર ભીડ હતી. બંને કાઉન્ટરથી થોડે દૂર જઈને ઊભા રહ્યા. 'મોહિનીએ પોતાનું કામ કરી નાખ્યું છે ! ' દેવરાજ ધીમા અવાજે બોલ્યો.

'વેરી ગુડ...!' કમલે પણ એવા જ અવાજે કહ્યું, ' પરંતુ પેલો કમજાત કક્યાંય દેખાતો નથી.'

:કોણ...?'

'જોસેફ...!'

'આજે તે અહીં હોય કે ન હોય, એનાથી આ૫ણને કશો ફર્ક નથી પડવાનો કમલ ! આજે તો આપણે આ નાનકડી હિલચાલથી લડાઈની શરૂઆત કરવા માટે આવ્યા છીએ. એ જ્યાં હશે ત્યાં તેને આ બનાવની ખબર તો જરૂર પડશે જ !'

કમલે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

‘બોંબ ફૂટવામાં હવે માત્ર ત્રણ જ મિનિટની વાર છે ! " દેવરાજ ધીમેથી બોલ્યો.

'હા...પરંતુ મોહિની હજુ સુધી ન આવી !'

' એ આવે જ છે !'

કમલે જોયું તો મોહિની તેમની તરફ જ આવતી હતી. થોડી પળોમાં જ તે તેમની પાસે આવી પહોંચી.

એ જ વખતે એક વેઈટર તેમની પાસે આવ્યો.

દેવરાજે સમય બચાવવાના હેતુથી તાબડતોબ તેને ત્રણ થમ્સઅપ લાવવાની સૂચના આપી.

વેઈટર તરત જ તેમને થમ્સઅપની બોટલ આપી ગયો. દેવરાજે ઘડિયાળ સામે જોયું.

પાંચ મિનિટ પૂરી થવામાં હવે માત્ર ચાલીસ સેકંડની જ વાર હતી. ત્રણેય કાઉન્ટરથી દૂર સરકી ગયાં. થોડી સેકડો પછી બોંબ ફૂટવાનો હતો અને એ પછી તરત જ તેમને ફરીથી કામે લાગી જવાનું હતું.

તેઓ ધબકતા હૃદયે બાકી રહેલી સેકંડો પૂરી થવાની રાહ જોવા લાગ્યા.

—અને પછી લેડીઝ ટોઈલેટમાં મોહિનીએ ફીટ કરેલો બોમ્બ કાનના પડદા ફાડી નાખે એવા ભયંકર ધડાકા સાથે ફૂટયો. વિસ્ફોટનો અવાજ કલબની ઈમારતને ભયંકર શોરથી ધણધણાવી ગયો.

અલબત્ત, એ બોંબનો ધડાકો મોટો થશે પરંતુ નુકસાન ઓછું, તે વાત દેવરાજ અગાઉથી જ મોહિની તથા કમલ જોશીને જણાવી ચૂક્યો હતો.

પરંતુ ધડાકાને કારણે ક્લબમાં જે નાસભાગ શરૂ થઈ, તે ધડાકાથી પણ વધુ ભયંકર હતી.

લેડીઝ ટોઈલેટને દરવાજો તૂટી ગયો હતો. ક્લબની ઈમારતની તમામ દીવાલો હચમચી ઊઠી હતી.

રેસ્ટોરન્ટ તથા જુગારખાનામાં મોઝુદ લોકો બૂમો પાડતાં બહાર નીકળવાના દરવાજા તરફ ધસ્યા.

આ દરમિયાન કોઈનીયે નજર ન પડે એ રીતે દેવરાજે પોતાના ગજવામાંથી સ્મોકબોંબ કાઢી લીધો હતો. ત્યારબાદ એણે એ બોંબને સાવચેતીથી કાઉન્ટર તરફ ફેંકયો. સ્મોકબોંબ ફૂટતાની સાથે જ જુગાર રમાતો હતો, એ હોલમાં ધુમાડો ફેલાવા લાગ્યો. બીજી તરફ મોહિની તથા કમલ જોશીએ ટીયરગેસના સેલ ફોડયા હતા.

ગ્રાહકોની નાસભાગ વધી ગઈ. ટીયરગેસને કારણે સૌની આંખોમાં પાણી આવી ગયાં હતાં. દેવરાજ, કમલ અને મોહિનીએ પોતાની આંખો પર ટીયરગેસની અસર ન થાય એવા ચશ્મા ચડાવી લીધા હતા.

ક્લબમાંથી બહાર નીકળવાના દરવાજા તરફ તો ખૂબ જ ખરાબ હાલત હતી. બૂમો પાડતો, ચીસો નાખતા ગ્રાહકો એકબીજાને ધક્કા મારીને બહાર નીકળવા માટે પડાપડી કરતા હતા.

ક્લબમાં ગભરાટનો પાર નહોતો. દેવરાજ હવે બીજો બોંબ ફુટવાની રાહ જોતો હતો. ગાર્ડના ગજવામાં મોહિનીએ સરકાવેલો બોંબ હજુ સુધી શા માટે નથી ફૂટયો, એની તેને ખૂબ જ નવાઈ લાગતી હતી.. કારણ કે બોંબમાં સમય નક્કી કર્યા મુજબ બંને બોંબ એક સાથે જ ફૂટવા જોઈતા હતા. બહુ બહુ તો થોડી સેકંડોનો ફર્ક પડે તેમ હતો.

એ હજુ વિચારતો હતો ત્યાં જ કેશિયરની ઑફિસ તરફ બોંબ ફૂટવાનો ધડાકો ગુંજી ઊઠ્યો.

દેવરાજ તરત જ, પળનોય વિલંબ કર્યા વગર એ તરફ દોડયો. ધુમાડાને કારણે કોઈનીયે નજર એના પર પડી શકે તેમ નહોતી.

ચારે તરફ ધુમાડાના આવરણો વચ્ચે નાસભાગ કરતા લોકે અથડાતા-કુટાતા ધક્કામુક્કી કરતા હતા.

દેવરાજના હાથમાં રિવોલ્વર ચમકતી હતી.

બીજી તરફ પહેલો ધડાકો સાંભળતાની સાથે ઑફિસના, બાજુના ખંડમાં બેઠેલા પાંચેય ગાર્ડ એકદમ ચમકી ગયા. ‘અરે...બહાર કોઈકે ગોળી છોડી લાગે છે!' એક ગાર્ડ અનિશ્ચિત અવાજે બોલી ઊઠ્યો.

‘એ અવાજ ગોળી છૂટવાનો નથી મૂરખ, બોંબ ફૂટવાનો છે. બહારના હોલમાં બોંબ ફૂટ્યો લાગે છે!' બીજા ગાર્ડે કહ્યું. પછી તે ઊભો થઈને જુગાર રમાતો હતો એ હોલ તરફ ઝડપથી દોડયો.

એની પાછળ પોતાની રાયફલ લઈને બીજા બે ગાર્ડે પણ દોટ મૂકી.

દેવરાજે એ ત્રણેયને જતાં જોયા. તેઓ હોલમાં પહોંચીને ધુમાડાના આવરણમાં ગુમ થઈ ગયા. એ જ વખતે ગાર્ડના રૂમમાં ધડાકો થયો.

મોહિનીએ જે ગાર્ડના ગજવામાં બોંબ મૂક્યો હતો, એ જોગાનુજોગ ખંડમાં જ હાજર હતો, અને એ બોંબ જ ફૂટયો હતો. બોંબ બહુ જોખમી નહોતો, પરંતુ છેવટે તો એ બોંબ જ હતો. બોંબના અસંખ્ય છરાઓ ગાર્ડના દેહના નીચેના ભાગમાં પણ ખૂચી ગયા.

વળતી જ પળે એ બૂમો પાડતો, લોહીલુહાણ હાલતમાં જમીન પર ઉથલી પડીને તરફડવા લાગ્યો.

ખંડમાં મોઝુદ એક માત્ર ગાર્ડ ભય અને ગભરાટભરી નજરે તેની સામે તાકી રહ્યો. ત્યારબાદ તે કશું, સમજે કે વિચારે એ પહેલા જ ખંડમાં પહોંચી ગયેલા દેવરાજની રિવોલ્વરની નળી તેની છાતી તરફ સ્થિર થઈ ગઈ. દેવરાજને રિવોલ્વર સાથે જોઈને ગાર્ડનું મોં આશ્ચર્ય અને દહેશતથી પહોળું થઈ ગયું.

‘કેશિયરની ઑફિસનું બારણું ઉધડાવ!' દેવરાજે દાંત કચકચાવીને, ઝેરી સર્પના ફૂંફાડા જેવા અવાજે કહ્યું.

"હું.. હું..'

‘હું હું.પછી ફરજે...! અત્યારે તો હું કહું છું એમ જ કર નહીં તો તારી હાલત તારા સાથીદાર કરતાંય વધુ ખરાબ થશે. એ તો કદાચ બચી જશે, પણ તું નહીં બચી શકે.

'વિશાલગઢની ગોળી તને કાયમને માટે સૂવડાવી દેશે.’ ગાર્ડે ભયભીત નજરે જમીન પર તરફડીને બેભાન થવાની હાલતમાં પહોંચી ગયેલા પોતાના સાથીદાર સામે જોયું.

'તું કેશિયરની ઓફિસનું બારણું ઉઘડાવે છે કે પછી ટ્રેગર દબાવવા માટે મારી આંગળીને તકલીફ આપું ?' દેવરાજે કઠોર અવાજે કહ્યું.

'ન...ના...' એ ઝડપથી બોલ્યો, ‘ગોળી છોડશો નહીં.’

'તો જલ્દી કર...અને એ પહેલાં તારી રાઈફલને ફેંકી દે !' ગાર્ડે પોતાના ખભા પર લટકતી રાઈફલ ઉતારીને એક ખૂણામાં ફેંકી દીધી.

ત્યારબાદ તે કેશિયરની ઓફિસના બારણા પાસે પહોંચ્યો. દેવરાજ તેની પાછળ જ હતો.

‘જેકસન...!' ગાર્ડે બારણું ધમધમાવતાં ઊંચા અવાજે કહ્યું. 'કોણ?' અંદરથી પૂછવામાં આવ્યું.

'કોણ છે... ?'

'હું છું. શંકર. બારણું ઉઘાડ...'

'બહાર શું થઈ રહ્યું છે..?' અંદરથી જેકસનને કંપતો અવાજ સંભળાયો.

'બહાર બોંબ ફૂટ્યા છે...!'

‘બ...બોંબ...!' જેકસનનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાયેલો હતો.

'હા.. બારણું ઉઘાડ...!'

'કેમ....?'

શંકર નામધારી ગાર્ડે લાચારીભરી નજરે દેવરાજ સામે જોયું. ‘બારણું ઉઘડાવ...ગમે તેમ કરી ઉઘડાવ... નહીં તો હમણાં જ હું તને ગોળી ઝીંકી દઈશ !' દેવરાજે એની પીઠ પર રિવોલ્વરની નળીનું દબાણ વધારતા ધીમા પણ સૂચવતા અવાજે કહ્યું. એની ધમકીની તરત અસર થઈ.

‘જેક્સનના બચ્ચા .જલ્દી બારણું ઉઘાડ...!' શંકર જોરથી બરાડયો, ' મૂરખ માણસ, કેશ સંભાળવામાં તને મદદ કરવાનો એણે મને આદેશ આપ્યો છે. કલબમાં જરૂર ધાડપાડુઓ ઘુસી ગયા લાગે છે. કેશ લઈને તારે ઉપર જવાનું છે.'

'ઠીક છે... ઠીક છે... ઉઘાડું છું...' વળતી જ પળે બારણું ઉઘડ્યું.

ત્યાં આશરે પાત્રીસેક વર્ષનો એક ચશ્માધારી યુવાન ઊભો હતો.

દેવરાજ ગાર્ડના ભારે ભરખમ શરીર પાછળ છૂપાઈ ગયો હોવાને કારણે જેકસનની નજર તેના પર નહોતી પડી.

પછી અચાનક જ દેવરાજે શંકરના માથામાં રિવોલ્વરની મૂઠનો જોરદાર ફટકો ઝીંકી દીધો.

શંકરના મોંમાંથી પીડાભરી ચીસ નીકળી. એના પગ જમીન પરથી ઉખડી ગયા. વળતી જ પળે એ બેભાન થઈને ઢળી પડ્યો.

—અને ત્યારે જ જેકસન નામના કેશિયરની નજર દેવરાજ પર પડી હતી. એના મોંમાંથી સિસકારો નીકળી ગયો. એણે બારણું બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. દેવરાજે પોતાનો એક પગ ઉંબર પર મૂકી દીધો હતો. એણે જોરથી જેકસનને ધક્કો માર્યો. જેકસન પાછળના ભાગમાં ઉથલી પડયા. દેવરાજ બારણાને પૂરેપૂરું ઉઘાડીને અંદર પ્રવેશ્યો. એના હાથમાં જકડાયેલી રિવોલ્વર જેકસન સામે સ્થિર થઈ ગઈ. જેકસનના ચહેરાનો રંગ ઊડી ગયો.

તેનો દેહ સૂકાં પાંદડાની જેમ કંપવા લાગ્યો. દેવરાજે ઑફિસના કાઉન્ટર સામે જોયું.. કાઉન્ટર પર પચાસ, સો અને પાંચસો રૂપિયાવાળી નોટોના બંડલ અવસ્થિત રીતે ગોઠવેલાં પડયાં હતાં. એ એાછામાં ઓછા આઠ-દસ લાખ રૂપિયા તો જરૂર હશે એવું અનુમાન એણે કર્યું.

એણે તરત જ કાઉન્ટર તરફથી નજર ખસેડી લીધી. અત્યારે તેને પૈસામાં જરા પણ રસ નહોતો.

'હું અહીં શા માટે આવ્યો છું, એની તને ખબર છે જેક્સન ! ' એણે જેકસન સામે જોતાં પૂછયું.

જેકસને ભયભીત હાલતમાં હકારાત્મક ઢબે માથું હલાવ્યું. "શા માટે આવ્યો છું……!'

આ રકમ લૂટવા માટે...!' જેકસને કાઉન્ટર તરફ સંકેતમાં કહ્યું.

દેવરાજે સ્મિત ફરકાવીને તેની સામે જોયું. ત્યારબાદ તે આગળ વધીને કાઉન્ટર પાસે પહોંચ્યો. એણે બધાં બડલો ઊંચકીને જમીન પર ઢગલો કરી દીધો. જેકસન મુંઝવણભરી નજરે તેની કાર્યવાહી તાકી રહ્યો. દેવરાજે પોતાના ગજવામાંથી એક નાનકડી બોટલ કાઢીને તેમાં કરેલું તરલ પ્રવાહી નોટોના બંડલો પર રેડ્યું.

વળતી જ પળે વાતાવરણમાં પેટ્રોલની ગંધ ફેલાઈ ગઈ. દેવરાજ શું કરવા માંગે છે, એ જેકસનને તરત જ સમજાઈ ગયું. 'અરે અરે...' એ ગભરાઈને બેલી ઊઠ્યો, “આ શું કરો છો તમે...?'

'ભાઈ, જેકસન.. હું અહીં, આ રકમ લૂંટવા માટે આવ્યો હોઉં, એમ તું હમણાં કહેતો હતો ને?'

'હા..'

'તો લે...’ દેવરાજે ગજવામાંથી માચીસ કાઢી, પેટાવીને નોટોના ઢગલા તરફ ફેંકતાં કહ્યું.

જેકસન ફાટી આંખે નોટોનો ઢગલો સળગતો જોઈ રહ્યો. થોડી મિનિટમાં જ નોટોનાં બંડલો રાખમાં ફેરવાઈ ગયા. 'આ.. આ તમે શું કર્યું....?'

'ભાઈ જેકસન !' દેવરાજ ટાઢા માટલા જેવા અવાજે કહ્યું, 'મેં જે કર્યું, એ સગી આંખે જોઈ ચૂકયો છતાં પણ આવું પૂછે છે ? ખેર, સાંભળ નોટોનાં આ બંડલ પાપની કમાણીનાં હતાં. આ પાપી પૈસાનો મેં નાશ કરી નાખ્યો છે. બોલ, હું શા માટે આવ્યો છું, એ કંઈ તને સમજાય છે ?'

'ના...'

‘હું અહીં આ રકમ લૂંટવા માટે નથી આવ્યો એટલું તો તને સમજાઈ ગયું છે ને ? '

'હા..'

'ખેર...પહેલા માળ પર જવાનો માર્ગ કઈ તરફ છે ?' દેવરાજે ઓફિસમાં ચારે તરફ નજર ફેરવતાં પૂછ્યું.

એની વાત સાંભળીને જેકસનના ચહેરા પર નર્યા-નિતર્યા ભય સાથે ગભરાટ અને આશ્ચર્યના મિશ્રિત હાવભાવ છવાઈ ગયા.

'સાંભળ્યું નહીં તે...?’ દેવરાજ જોરથી બરાડયો.

‘તમે...તમે આ ખોટું કરો છો મિસ્ટર...!' જેકસન હિંમત એકઠી કરીને બોલ્યો, ‘તમે અત્યારે ક્યાં ઘુસી આવ્યા છો, એની તમને ખબર નથી લાગતી.’

'ખબર છે...હું નાગરાજનની સિન્ડિકેટનો, માદક પદાર્થોનો બિઝનેસ સાંભાળતા જોસેફ નામના એક શયતાનની ગોલ્ડન કલબમાં આવ્યો છું.'

'તમે આ બધું જાણતા હોવા છતાંય અહીં આવવાની હિંમત કરી?'

"હા...અને હવે પછી હું આનાથી પણ વધુ જગ્યાએ જઈશ !' - દેવરાજે ક્રૂર અવાજે કહ્યું, 'ખેર, હવે વાતોમાં સમય વેડફયા વગર બકી નાંખ કે ઉપર જવાનો માર્ગ કઈ તરફ છે ?'

જેકસન પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવીને રહી ગયો.

'કે પછી ટ્રેગર દબાવવા માટે મારી આંગળીને તકલીફ આપું ? '

દેવરાજની આ ધમકીની ધારી અસર થઈ. 'ક..કહું છું...' જેકસન થોથવાતા અવાજે બોલ્યો.

'જલ્દી બક..'

જેકસને હકારમાં માથું હલાવ્યું.

પછી તે ઓફિસની પાછળની દીવાલ તરફ આગળ વધ્યો. 'ખબરદાર...' દેવરાજ ધમકીભર્યા અવાજે બોલ્યો, ‘કોઈ તીડીબાજીનો પ્રયાસ કરીશ નહીં.'

'નહીં કરું..!' જેકસને દીવાલ પર રહેલા એક સ્વીચ બોર્ડ તરફ સંકેત કરતાં કહ્યું, 'આ સ્વીચ બોર્ડ પર ત્રણ બટન છે. લીલા રંગનું બટન દબાવવાથી લીફટની લોબીનું બારણું ઉઘડશે.

‘ઉઘાડી બતાવ…..અને સાંભળ...તું ઉપરના માળ પર માદક પદાર્થો ભરેલા ગોદામમાં ચોકી કરતા ગાર્ડને સાવચેત કરવાનો પ્રયાસ કરે છે, એવું મને લાગશે, તો તેઓ તને બચાવવા માટે અહીં આવશે ત્યારે તેમને તારી લાશ જ મળશે એટલું યાદ રાખજે.'

'હું એવું કશું જ કરવા નથી માંગતો.’

'ન કરે એમાં જ તારું હિત છે.'

'મારું હિત હું બરાબર સમજું છું.'

'વેરી ગુડ... તારા જેવા સમજદાર માણસોની ખૂબ જ જરૂર છે...! હવે તું જલદીથી બારણું ઉઘાડ.' જેકસને લીલા રંગનું બટન દબાવ્યું.

વળતી જ પળે દીવાલ સ્લાઈડીંગ ડોરની જમણી તરફ સરકી ગઈ. દીવાલની બીજી તરફ એક નાનકડી લોબી હતી અને આગળના ભાગની બરાબર સામે જ લીફટ હતી. દેવરાજે દીવાલ પાસે પહોંચીને ત્યાં ઊભા ઊભા જ લીફટનું નિરીક્ષણ કર્યું.

પછી તે પાછળ ખસી ગયો.

‘હવે ફરીથી બારણાને બંધ કરી દે! ' એણે આશા વધુ અવાજે કહ્યું. જેકસને સફેદ બટન દબાવ્યું. દીવાલ યથાસ્થાને સરકી ગઈ.

'આ લાલ બટન શેનું છે?’ દેવરાજે સ્વીચ બોર્ડમાં રહેલ ત્રીજાં બટન તરફ સંકેત કરતાં પૂછયું.

જેકસનના ચહેરા પર ખમચાટના હાવભાવ છવાઈ ગયા.

'એ બટન જોખમનું સિગ્નલ આપવા માટેનું જ છે ને?'

'હા...' જેકસને માંડ માંડ જવાબ આપ્યો.

“તેં ખરેખર ઈમાનદારી બતાવી છે જેકસન! તીડીબાજીનો પ્રયાસ ન કરીને તે તારો જીવ બચાવી લીધો છે. તું ખરેખર સમજદાર છો...વારુ, હવે એક વાતનો જવાબ આપ!'

જેકસને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'નીચે આટલા ધડાકા થયા છતાંય ઉપર કોઈને ખબર ન પડી ! '

'ના...ખબર પડવાનો સવાલ જ ઊભો નથી થતો.’

'કેમ?'

'એટલા માટે કે ઉપરના ત્રણેય માળ સાઉન્ડપ્રૂફ છે !'

'ઓહ..! સાલું... મને ક્યારનુંય એમ થતું હતું કે એ ભાગમાંથી હજુ સુધી કેમ કોઈ સજ્જન પોતાના દર્શન આપવા માટે નથી આવ્યું ? ખેર, આ કવર રાખ...' દેવરાજે ગજવામાંથી એક ખાખી કલરનું કવર કાઢીને જેકસનના હાથમાં મૂકતાં કહ્યું.

'આમાં શું છે...?'

'આ કવર તારા બોસ ગણાતા જોસેફને આપી દેજે એટલે એ સમજી જશે.’

જેકસન આશ્ચર્યચકિત નજરે ક્યારેક કવર તરફ તો ક્યારેક અવાજ સામે તાકી રહ્યો.

દેવરાજ એની સામે રિવોલ્વર રાખીને અવળે પગે ચાલતો બહાર નીકળી ગયો.

બહાર નીકળીને એણે સ્ફૂર્તિ'થી બારણું બંધ કરીને સ્ટોપર લગાવી દીધી.

ત્યારબાદ તે આગળ વધીને રેસ્ટોરન્ટવાળા ભાગમાં આવ્યો. ત્યાં કાઉન્ટર પાછળ બેઠેલા માનવીને કમલ જોશીએ રિવોલ્વરના ઘેરે કવર કરી રાખ્યો હતો.

રેસ્ટોરન્ટની હાલત કબાડીખાના જેવી થઈ ગઈ હતી. ટેબલ તથા ખુરશીઓ આડા-અવળી પડી હતી. ગ્લાસ, ડીશો તથા અન્ય ક્રોકરીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દરવાજાની બાજુમાં રહેલું કાઉન્ટર તૂટી ગયું હતું.

હોલની હાલત જોઈને દેવરાજે સંતોષથી માથું હલાવ્યું. ‘બધાં ગાર્ડ ક્યાં છે ? ' એણે કમલની નજીક પહોંચીને પૂછયું. ‘એ લોકોને મોહિનીએ જેન્ટસ ટોઈલેટમાં પૂરી દીધાં છે.'

કમલે જવાબ આપ્યો.

'વેરી ગુડ... આનું શું કરવાનું છે, એ તે એને કહી દીધું છે ? ' દેવરાજે કાઉન્ટર પાછળ બેઠેલાં માનવી તરફ જોઈને પૂછયું.

'હા... તે જોસેફને આપણા આગમનની સૂચના આપી દેશે. 'સરસ...ચાલ હવે..આપણું આપનું કામ પૂરું થઈ ગયું કહી, બંને કલબની ઈમારતમાંથી બહાર નીકળ્યા.

બહાર એક એમ્બેસેડરની ડ્રાયવીંગ સીટ પર બેસીને મોહિની જાણે કે તેમની જ રાહ જોતી હતી. બંને પોતપોતાની રિવોલ્વરને ગજવામાં મૂકીને કારમાં બેસી ગયા. મોહિનીએ કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી. રસ્તામાં તેમણે એક પોલીસ જીપ તથા ફાયરબ્રિગેડના બંબાના બંબા ગોલ્ડન કલબ તરફ જતાં જોયા. પરંતુ હવે તેઓ જોખમની બહાર હતા.

રાજીવ ગાંધી માર્ગ પર પહોંચીને તેમણે પોતાનો મેકઅપ કાઢીને એમ્બેસેડરના ડેશ બોર્ડમાં મૂકી દીધો. થોડે દૂર એક ફીયાટ કારમાં અજીત મોઝુદ હતો. ત્રણેય એમ્બેસેડરને ત્યાં જ પડતી મૂકીને ફિયાટમાં બેસી ગયા. અજીતે કારને દેવરાજના કહેવાતા નિવાસ-સ્થાન તરફ દોડાવી મૂકી. રસ્તામાં મોહિનીએ કલબમાં કરેલી કાર્યવાહી વિશે તેને જણાવી દીધું.

થોડી વારમાં જ તેઓ દેવરાજના નિવાસસ્થાને પહોંચી ગયા. ત્યાં માઈકલ વ્યાકુળતાથી તેમની રાહ જોતો હતો. 'મિસ્ટર દેવરાજ...!' બધી વાતો સાંભળ્યા પછી એણે આશ્ચર્ય ભર્યા અવાજે પૂછયું, ' તમે કેશિયરની ઑફિસ સુધી પહોંચ્યા તો ઉપર ન ગયા ? '

'ના ..મારી પાસે એટલે સમય નહોતો. મામલો શું છે, એ કાઉન્ટરમેન તથા ગાર્ડ સિવાય બીજું કોઈ નહીં સમજી શક્યું હોય !” દેવરાજ બોલ્યો, ‘આપણે જેટલી યોજના બનાવી હતી તેનો બરાબર યોગ્ય રીતે અમલ કરીને પૂરેપૂરી સફળતા મેળવી છે.”

'મિસ્ટર દેવરાજ, તમે હવે ફરીથી ગોલ્ડન કલબ પર હુમલો કરી શકશો એમ માનો છો ?'

'એટલે...?'

'એટલે એમ કે આ વખતે તો તમે કોઈની રોકટોક વગર બોંબ વિગેરે લઈને ક્લબમાં દાખલ થઈ ગયા હતા. કારણ કે ક્લબમાં આવો કોપ વરસવાનો છે, એવી તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે એ ક્લબમાં બોંબ તો ઠીક, તમે નાની સરખી ખીલી પણ નહીં લઈ જઈ શકો.’

'હા...” દેવરાજે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, 'હવે કલબની સલામતી માટે વધુ કડક વ્યવસ્થા કરવામાં આવશે. તલાશી લીધા વગર કોઈનેય અંદર જવા દેવામાં નહીં આવે.'

'કદાચ એ કલબ જ હંમેશને માટે બંધ કરી દેવામાં આવશે.’ અજીત બોલ્યો.

'ના.. એવું નહીં થાય ...!'

'એટલા માટે કે જો કલબ બંધ થાય તો એનો અર્થ એ કે નાગરાજનની સિન્ડિકેટે હાર કબૂલી લીધી અને જો આમ થાય, અર્થાત કલબને બંધ કરી દેવામાં આવે, તો એનાથી નાગરાજનની પ્રતિષ્ઠાને ધક્કો નહીં પહોંચે ? બસ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા ખાતર એ કલબ બધ નહીં કરે ! ઉપરાંત આપણે બીજું કર્યું પણ શું છે ? બહુ બહુ તો દસ-પંદર લાખનું નુકસાન પહોંચાડયું છે અને આટલું પણ આપણે તેને પડકાર ફેકવા માટે કર્યું છે. નાગરાજનને ભડકાવવા માટે આટલું પૂરતું છે. હવે આપણું સાચું નિશાન ગોલ્ડન કલબમાં પહેલાં તથા અન્ય માળ પર આવેલ માદક પદાર્થોના ગોદામ છે ! આપણે એ ગોદામોનો નાશ કરીશું પણ કલબના આગળ-પાછળના ભાગમાંથી નહીં....! આપણે બીજા માર્ગેથી તેનો નાશ કરીશું.”

'મિસ્ટર દેવરાજ...આ કામ માટે તમે કોઈ યોજના બનવી છે?' મોહિનીએ પૂછયું.

'હા...” દેવરાજને અવાજ ગંભીર હતો.

‘અમને એ યોજના જણાવો...”

'જરૂર... પરંતુ મારી આ યોજનામાં માત્ર એક જ માણસ આપણને મદદ કરી શકે તેમ છે.’

'કોણ...?'

‘માઈકલ...!' કહીને દેવરાજે માઈકલ સામે જોયું. 'મિસ્ટર દેવરાજ...!' માઈકલ મક્કમ અવાજે બોલ્યો, “ તમે યોજના જણાવો...હું મદદ કરવા માટે તૈયાર જ છું. જો જોસેક જેવા શયતાનોને ઉછેરીને મોટાં કરતાં નાગરાજનની બરબાદીમાં મારે કદાચ મારો જીવ ગુમાવવો પડે તો પણ મને વાંધો નથી.’

‘શાબાશ માઈકલ...!' દેવરાજ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, 'મેં તારી પાસેથી આવા જ શબ્દોની આશા રાખી હતી.’ સૌ પ્રશંસાભરી નજરે માઈકલ સામે તાકી રહ્યા. થોડી પળો બાદ દેવરાજ તેમને પોતાની યોજના સમજાવવા લાગ્યો.