પ્રતીછાયા Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતીછાયા

સિધ્ધિવિનાયક મંદિરનાં ગેટ પાસે ડ્રાઇવરે કાર ઊભી રાખી અને એમાંથી એક જાજરમાન સ્ત્રી અને સૌને ગમી જાય એવો પુરુષ ઉતર્યો.
એ સ્ત્રી એટલે ૪૫ વર્ષની કવિતા અને પુરુષ એટલે અવિનાશ... બંને પતિ- પત્ની ધીરે-ધીરે મંદિર તરફ જતાં હતાં. સ્વાભાવિક રીતે જેમ પુરુષોની આદત હોય એમ અવિનાશે મંદિર ઉપર બાંધેલી રૂમ અને બદલાયેલા મંદિરનાં બાંધકામ પર ચર્ચા શરુ કરી.
પણ કવિતાનું મન બીજાં જ વિચારે ચડ્યું હતુ. એનાં મનમાં જાણે તોફાન મચ્યું હતું. આજે ૨૧ વર્ષે કવિતાએ આ મંદિરમાં પગ મૂક્યો હતો. બધું જ બદલાયેલું હતું. મંદિરની આજુબાજુનું વાતાવરણ, મંદિર પણ કેટલું બદલાઈ ગયું હતું અને એ પોતે પણ તો...
૨૧ વર્ષ પહેલાં એ આ મંદિરમાં આવતી ત્યારે એક મસ્તી હતી, ચાલ દોડાદોડીથી ભરેલી હતી અને સાથે વિનયને મળવાની ઉતાવળ રહેતી હતી. આટલાં વર્ષોમાં એણે એક-એક દિવસ વિનય અને અવિનાશની સરખામણીમાં જ કાઢ્યો હતો.
કવિતાનાં લગ્ન જયપુર થયા હતા, થયા હતા ન કહેવાય... એણે આવેલા માગામાંથી કંઇ વિચાર્યા વગર અવિનાશ પર ‘હા’ની મોહર લગાડી હતી. અને એને ખબર હતી કે એ મોહર અવિનાશ પર નહીં, પણ જયપુર પર હતી.
કારણ એને આ શહેરમાં રહેવું ન હતું... મુંબઈ એને હંમેશા વિનયની યાદ તાજી રખાવશે એવી એની માન્યતા થઈ ગઈ હતી. અને એ આ શહેરથી દૂર ભાગવા માંગતી હતી, પણ એ મંદિરમાં જતાં-જતાં પણ એ વિચારતી હતી કે જયપુર જઈને શું એ વિનય ને ભૂલી શકી હતી?
એવુ નહોતું કે એ અવિનાશ સાથે ખુશ ન હતી. સુખ સમૃદ્ધિથી ભરપૂર ઘર હતું. ઘરે કોઇ વાતની કમી ન હતી. અને કહેવાય છે ને કે મનને બધી વાત વિચારવાની છૂટ હોય છે એમ એ ક્યારેક છૂપી રીતે વિચારી પણ લેતી કે શું વિનય સાથે એ પરણતે, તો એને આ બધું મળતે?
અને પછી એ વિચારતી હતી કે કેવાં છે આપણે કે જ્યારે જે ગમે એનાં વિષે વિચારીએ અને જ્યારે જે યાદ આવે એની સોડમાં છુપાઈ જઈએ.
વિનય એ કવિતાનો પ્રથમ પ્રેમ. પ્રથમ પ્રેમ ભૂલાતો નથી એમ કહેવાય છે, પણ કવિતા બહુ વાર વિચારતી કે કેમ ન ભૂલાય પ્રથમ પ્રેમ. કદાચ એક વિજાતિય આકર્ષણ એક વિજાતિય વ્યક્તિનો સ્પર્શ અને એ સ્પર્શનાં કારણે જ ભૂલાતો નથી આ પ્રથમ પ્રેમ. આ સ્પર્શનાં સંબંધની જાણકારી કરાવે છે પ્રથમ પ્રેમ. કવિતા પણ માનતી હતી કે વિનય પણ એટલે જ નહોતો ભૂલાતો, કારણ એ પ્રથમ સ્પર્શની અનુભૂતિ એણે જ તો એને કરાવી હતી.
મંદિરનાં ગેટથી કરીને બાપાની મૂર્તિ સુધી પહોંચતા પહોંચતા એને જાણે એનો આખો ભૂતકાળ નજર સમક્ષ દેખાઈ ગયો હતો. ત્યાં બાપાની મૂર્તિ પાસે એ લોકો પહોંચી ગયા. ત્યાં પહોંચીને અવિનાશે ૧૦૦૧ રૂ. આપ્યા. પૂજારીએ પેટીમાં ધરાવ્યા અને સરસ પૂજા કરાવી. ત્યાંથી તેઓ બહાર આવ્યાં એટલે અવિનાશે જોયું તો મોટા ઉંદરની બનાવેલી મૂર્તિ પાસે લાઇન લાગી હતી અને બધા ત્યાં એના કાનમાં કંઇક કહેતા હતા. એક કાન હાથથી બંધ કરતા હતા અને એક કાનમાં કંઇક કહેતા હતા... અવિનાશે અચરજથી કવિતા સામે જોયું.
કવિતા એના બાળક જેવા ભાવ સામે જોઇને હસી પડી અને એણે કહ્યું, "અવિનાશ, અહીંયાં ઉંદર મામાનાં કાનમાં આપણી ઇચ્છા કહેવાથી એ આપણી ઇચ્છા બાપાને કહે અને એમની વાત બાપાએ પુરી કરવી જ પડે. એટલે બધાં પોતાની ઇચ્છા એમને કહે અને બીજાં હાથે બીજો કાન ઢાંકી રાખે કે બીજા કાનમાંથી એ ઇચ્છા બહાર ન નીકળી જાય. આવી અહીંની માન્યતા છે."
અવિનાશે હસીને કહ્યું, "ઓકે... એટલે જેમ મને મળવા માટે બધાં આપણાં નીરજભાઈને પટાવતા હોય છે એમ જ ને."
નીરજભાઈ એટલે અવિનાશના વર્ષો જૂના સેક્રેટરી.
અવિનાશે કવિતાનો હાથ પકડીને કહ્યું, "ચાલને, આપણે પણ કાંઇક માંગી આવીએ."
કવિતાએ કહ્યું, "ના અવિનાશ એમ કંઇ પૂરું ન થાય. આ તો એક અંધશ્રધ્ધા છે લોકોની."
પણ અવિનાશ તો જીદે ભરાણો હતો એને તો માગવુ જ હતું.
એણે કહ્યું, "જા, તું ન આવે તો કંઇ નહીં, હું જાઉ છું."
અને એ લાઈનમાં ઊભો રહી ગયો.
કવિતા ધીરે પગલે જઈને પગથિયાં પર બેસી ગઈ અને પાછી વિચારે ચડી ગઇ કે કેમ સમજાવું અવિનાશને કે એણે અને વિનયે કેટલી વાર અહીંયાં એકબીજાંનાં થઈ જવા માટે માગ્યું હતું, પણ, ક્યાં એ લોકો થયા હતા એકબીજાનાં...
ત્યાં એની આગળનાં પગથિયે બેઠેલાં એક માતા અને દિકરાની વાત સંભળાણી.
દિકરાએ કહ્યું, "મમ્મી, હું આ ઉંદરમામાને કહીશ કે મને મારા દસમાંનાં રિઝલ્ટમાં ૯૦ % અપાવો તો આવી જશે ને?"
મમ્મીએ હસીને જવાબ આપ્યો, "બેટા મગાય એવું કે જે વ્યાજબી હોય, તું પરીક્ષા આપી આવ્યો છે. હવે બે દિવસમાં રિઝલ્ટ છે અને એમની પાસેથી માર્ક્સ ન મગાય. બુદ્ધિ મગાય. તું એમ માગેને કે હવે હું જે ભણું એ ખૂબ સરસ ભણું એવી બુદ્ધિ આપજો."
અને કવિતાએ વિચાર્યું શું પોતાની માગ વ્યાજબી નહોતી?
… હા નહોતી જ તો, એની માગ ક્યાં વ્યાજબી હતી. પણ જો એ વ્યાજબી ન હતી તો ભગવાને એ બંનેને હેરાન કરવા મળાવ્યાં જ શું કામ હતા...
આમ આપણે બધા વડીલોનાં મોઢે બોલતાં સાંભળ્યું છે કે પ્રભુ જે કરે એ સારું.
તો આમાં કેમ એ જ નિયમ બદલાવી નાંખ્યો?
આ વડીલો પણ પોતાની મરજી પ્રમાણે નિયમ બદલાવતા રહે અને એટલે જ તો એનું મન બગાવત પોકારી ઉઠ્યું હતુ કે હવે તો તું જાણે પ્રભુ... હવે તો મને વિનય જોઈએ જ.
પણ કોઇને એની બગાવતની નહોતી ચિંતા. બસ બધા ફકત એનાં પર ગુસ્સો જ કરતા હતા. અને એ આગળ વિચારે એની પહેલાં અવિનાશ ત્યાં આવી ગયો. કવિતાને અવિનાશનું આવવું ગમ્યું નહીં, પણ કંઇ ઇલાજ ન હતો. અને અવિનાશ બોલ્યો, "કવિ તને ખબર છે મેં શું માગ્યું?"
અને કવિતાએ એનાં મોંઢા પર હાથ મુકી દીધો અને કહ્યું, "ના અવિનાશ કંઇ જ ના બોલતો. તારી ઇચ્છા તમારાં ત્રણ વચ્ચે જ રહેવી જોઈએ. કોઇને કહીશ તો એ ઇચ્છા પૂરી નહીં થાય."
અને અવિનાશ હસવા લાગ્યો અને બોલ્યો, "પોતે આવી તો નહીં માંગવા ત્યારે કહે કે આ બધી અંધશ્રધ્ધા છે અને હવે આ વાત કહે છે. તું પણ ગજબની ન સમજાય એવો કોયડો બનતી જાય છે અહીંયાં આવીને, પણ તું કહે છે એમ હોય તો હું તને પણ નહીં કહુ બસ."

કવિતાએ એની સામે જોયું... અવિનાશ પ્રેમથી કવિ સામે જોતો હતો. કવિને એનું આમ જોવું ખૂબ મીઠું લાગ્યું.

અવિનાશે એનો હાથ પકડ્યો અને એ બંને કાર તરફ જવા લાગ્યાં.

એમની કાર જૂહુ તરફ જવા લાગી. એ લોકો બરોબર બીચની સામે સન એન્ડ સેન્ડમાં ઉતર્યાં હતા.

હોટેલ પર પહોંચીને તે લોકો થોડીવાર લોનમાં બેસીને બીચને જોતા રહ્યાં.

અવિનાશ ધીરેધીરે રોમેન્ટીક થતો હતો.

તેઓ જમીને પોતાની રૂમમાં ગયા. હવે એને ખબર હતી કે આગળ શું થશે?

એટલે એણે થોડી વાર માટે વિનયને મગજમાંથી બહાર કાઢવાની કોશિશ કરી. અને એણે પોતાનાં શરીરને અવિનાશને સમર્પિત કરી દીધું, પણ મન સમર્પિત ન કરી શકી.

અવિનાશને નિંદર આવી એટેલે તે ઊભી થઈને બાલ્કનીમાં રાખેલા સોફા પર બેઠી અને પાછી ભૂતકાળમાં સરી પડી. આ જ એ જુહુ બીચ હતો. હમણાં પણ સમુદ્ર સામે જે ઘૂઘવાટા મારતો હતો. એને લાગતું હતું જાણે સમુદ્ર એની સામે જોઇને, ના એને વિનય વગર જોઇને એની પર હસતો હતો. કારણ એણે અને વિનયે કસમ ખાધી હતી કે જ્યાં સુધી આ સમુદ્રમાં પાણી હશે એ લોકો એકબીજાનો સાથ નહીં છોડે અને એકબીજાને પ્રેમ કરશે અને હંમેશ સાથે રહેશે. પણ આજે એ સમુદ્રનું પાણી જ હતું, બીજુ કાંઇ ન હતુ. એટલે એને એમ થતું હતું કે એ સમુદ્ર એની પર હસતો હતો કે જો હું તો છું. ક્યાં છે તમારો પ્રેમ અને ક્યાં છે તારો વિનય? એની પાસે કોઈ જ જવાબ ન હતો, કારણ એ કહી નહોતી શક્તી કે મનમાં હજી વિનય છે, પણ સાથે અવિનાશ પણ હતો.

એને યાદ આવ્યું કે એક વાર ભુલથી વિનયનો હાથ એનાં હાથ પર આવી ગયો હતો અને પછી એને એ સ્પર્શનું જે વ્યસન લાગ્યું હતુ. એ દિવસ પછી એણે પોતાને વિનયને સર્મપિત કરી દીધી હતી. વિનયનાં ખભા પર માથું રાખીને સૂઇ જતી હતી ને પહેલાં વિનયનો હાથ એનાં વાળ પર ફરતો, પણ પોતે જ એનો હાથ ધીરેધીરે પોતનાં શરીરનાં બીજા અંગ પર ફેરવવા માંડ્યો... પછી તો વિનયે ક્યાં કોઇ સીમા જ રહેવા દીધી હતી? પોતાને પણ એ ગમતું જ હતું ને? કઈ સ્ત્રીને ન ગમે પુરુષનો હાથ ફરે એ...

ત્યાં અવિનાશે પાછળથી આવી કહ્યું, "અરે કવિ, શું કરે છે અહિયાં બેઠા બેઠા. સૂઇ જા, નહીં તો બીમાર પડીશ." આજે હવે અવિનાશનો પ્રેમ પણ એને નહોતો ગમતો, કારણ એને રહેવું હતું એની ભુતકાળની યાદમાં અને અવિનાશ દર વખતે વચ્ચે આવી જતો હતો.

એણે અવિનાશને કહ્યું, "તમે સુઇ જાવ, મને નિંદર આવશે એટલે હું પણ સૂઇ જઇશ.

પણ અવિનાશ માને એ બીજો. આખરે એ કવિતાની બાજુમાં બેસી ગયો અને કહ્યું, "ઠીક છે ચલ, આપણે બંને જાગીએ."

આ વિચારોમાં એને અવિનાશનો સાથે નહોતો જોઈતો. એટલે એણે પરાણે ઊભું થવુ પડ્યું અને એ સૂઇ ગઈ અવિનાશની બાહોમાં...

ત્યારે એને પણ ન ખબર પડી પણ વિનય પોતે જ ચુપચાપ વિચારોમાંથી દૂર જતો રહ્યો.

- સવારે બંનેની નિંદર મોડી ઉડી. ઊઠીને તૈયાર થઈ. અવિનાશને ગમતો ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો. એને યાદ આવ્યું વિનયને મરુન કલર ગમતો હતો.

જેવો અવિનાશ દૂર થયો વિનય ચોર પગલે ક્યારે પાછો મનમાં આવીને વસી ગયો ખબર ના પડી.

આજે એમને અવિનાશનાં કાકીને મળવા જવાનું હતું. પેડર રોડ પર સ્મૃતિ બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા. કાકી એકલાં જ હતાં.

એમનાં બંને દીકરાઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયાં હતા. કાકી પણ હવે લગભગ ૭૦ની આસપાસનાં હતાં. તેઓ એમનાં ઘરે પહોચ્યાં.

કાકીએ રસોઇયા પાસે બધું બનાવડાવી રાખ્યું હતું. અવિનાશને જોઇને તેઓ ખૂબ રાજી થયાં. અડધો દિવસ એમને ત્યાં જ વાતોમાં વીતાવ્યો.

વિનય ત્યારે પણ થોડી-થોડી વારે ડોકિયાં કાઢતો હતો મનનાં ખૂણામાં, પણ હમણાં એણે વિનયનું રાજ ન ચાલવા દીધું.

હમણાં એ કાકીનો પ્રેમ લેવામાં અને એમને પ્રેમ દેવામાં વ્યસ્ત રહેવા માંગતી હતી.

આખો દિવસ ત્યાં માણીને તેઓ ત્યાંથી નીકળીને ક્યાં ફરવા જવું એનો પ્રોગ્રામ બનાવવા લાગ્યા.

ત્યાં અવિનાશે કહ્યું, "તારું બચપણ તો અહીંયાં જ વીત્યું છે, તારી કોઇ ખાસ ગમતી જગ્યા હોય તો કહે ને, તો ત્યાં જઈએ."



કવિતાએ કહ્યું, "અવિનાશ, મારી માટે આખું મુંબઇ ગમતી જગ્યા હતી. કોઇ એવી એક જગ્યા નથી.’’ એ વાતને ટાળવા માંગતી હતી.

પણ અવિનાશ જેનું નામ. એણે પાછું પૂછ્યું, "કવિ, તમે લોકો અહીંયાં જ રહેતા હતા, તો પછી તારા મમ્મી લોકો આવું મુંબઈ જેવું શહેર મૂકીને કેમ અહીંથી નાશિક ચાલ્યા ગયાં?"

કવિતાએ કહ્યું, "અવિનાશ, પપ્પાને એટેક આવ્યો હતો. પછી એમને અહીંની હાયવોયવાળી જિંદગી નહોતી જીવવી. એટલે આપણાં લગ્ન થયા પછી તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયાં. આમ પણ સંતાનોમાં હું અને ભાઈ તો છીએ.

અવિનાશે પુછ્યું, "કવિતા, એટેક આવવાનું કોઈ ખાસ કારણ હતું કે એમ જ આવી ગયો હતો?"

કવિતા હવે ચીડાઈ ગઈ, "અવિનાશ, તને એ બધા મળશે ને ૧૦ દિવસ પછી, ત્યારે એમને જ પૂછી લે જે ને... મને શું કામ આટલાં સવાલો પૂછે છે?"

અવિનાશને બહુ અચરજ થયું કે એવું તો કાંઇ ન હતું સવાલમાં કે કવિતા ચિડાઈ જાય, પણ કવિતાનો ખરાબ મુડ જોઇને એણે ચુપ રહેવું જ વ્યાજબી સમજ્યું.

"ઓકે, ચાલ મને હવે એ તો કહે કે ક્યાં જશું? આપણે મુંબઈ ફરવા માટે વહેલાં આવ્યા તો તારું મુંબઈ તો બતાવ મને."

કવિતાએ કહ્યું, "એવું કંઇ ખાસ નથી મુંબઈમાં, પણ ચાલ આજે આપણે મહાલક્ષ્મી મંદિર જઈ આવીએ અને માતાનાં દર્શન કરી આવીએ."

અવિનાશ માની ગયો.

તેઓ ત્યાં જવા રવાના થયાં. દર્શન કરીને કવિતાએ કહ્યું "ચાલો આપણે હવે નીચે પથરાં પર બેસવા જઈએ."

પણ નીચે ગયાં તો ત્યાં હવે બેસવા દેતા નહોતા. બધે બાજુ જાળી બંધાઈ ગઈ હતી. એવી જ જાળી કે જેવી હવે અવિનાશનાં પ્રેમે વિનયનાં પ્રેમ પર બાંધી દીધી હતી!

કવિતા થોડી નારાજ થઈ ગઈ, પણ પછી અવિનાશ સાથે બેસીને મહાલક્ષ્મીના ભજિયાં ખાધા. એ સ્વાદ નહોતો બદલાયો.

ત્યાંથી નીકળીને તેઓ હોટેલ પર જવાનું વિચારી રહ્યાં હતાં.

ત્યાં અવિનાશે કહ્યું, "ચાલ ને કવિ, આપણે થોડી વાર કિનારા પર ચાલીએ."

કવિતાએ કહ્યું "ઓકે, ચાલ ચાલીએ."

અને તે લોકો હાજીઅલીની શરૂઆતથી કિનારા પર ચાલવા લાગ્યા.

ત્યાં અવિનાશની નજર હાજીઅલીની દરગાહ પર જવાના રસ્તા પર પડી.

ઓચિંતાનો એ બોલ્યો, "ચાલ ને કવિ, આપણે પણ ત્યાં જઈયે. અંદર પાણીની વચ્ચે બનેલા એ રસ્તા પર."

કવિતાએ કહ્યું, "ના અવિનાશ, મને ત્યાં જવામાં બહુ બીક લાગે, આપણે દૂરથી જોઇએ."

પણ અવિનાશને તો જાણે મુંબઈને બરોબર માણવું હતું.

એ તો કવિતાનો હાથ પકડીને બોલ્યો, "કેમ મારા પર ભરોસો નથી? હું તને બરોબર સંભાળીશ."

પછી કવિતા કંઇ ન બોલી શકી.

અવિનાશે બહારથી ફૂલની ચાદર લીધી અને તો પણ કન્ફોર્મ કરવા એણે એ ફૂલવાળાને પૂછી લીધું, "સાહબ, એક બાત પૂછું?"

ફૂલવાળો તો રાજી થઈ ગયો કે કોઇ મોટા સાહેબે એને સાહેબ કહ્યું.

એણે કહ્યું, "હા ભાઈજાન, બોલીએ ના"

અવિનાશને પણ એ ભાઈજાન બોલ્યો એ બહુ ગમ્યું.

અવિનાશે પૂછ્યું, "હમ હિંદુ હૈ,પર હમે વહાં જાના હૈ, તો હમ જા સકતે હૈ ના?"

ફૂલવાળો કહે, "ભાઈજાન, યહાં સબ ધર્મ કે લોગ આતે હૈ. ખ્વાહીશ પૂરી હોતી હો ઇસલીયે યા ફિર યે બના હૈ ઐસી જગહ પે ઇસલીયે, વો તો પતા નહીં, પર ભાઇજાન આપ કિસલીયે જાના ચાહતે હો યે તો બતાઓ હમે."

અવિનાશે કહ્યું, "જૂઠ નહીં બોલુંગા પર યે પાની કે રાસ્તેમેં સે જાના હૈ તો વો દેખને કે લીએ હી જાના હૈ"

ફૂલવાળો હસ્યો અને કહ્યું, "અચ્છા લગા, સચ બોલા ઇસલીયે, જાઓ સાહેબ, પર મન્નત ભી માનના, યહા માગા હુઆ પૂરા હોતા હૈ."

અવિનાશ વિચારવા લાગ્યો કે મુંબઇ આમ તો માયાવી નગરી કહેવાય પણ આટલો ભરોસો મુંબઈવાસીને ભગવાન પર છે એટલે જ મુંબઈ ટક્યું છે. મંદિર કે મસ્જીદ કે દરગાહ જ્યાં જઈયે ત્યાં જે માગીએ એ પૂરું થાય એની લોકો ગેરેંટી પણ આપે છે. અવિનાશ આ બધું વિચારીને થોડું હસી પડ્યો.

એ અને કવિતા અંદર જવા લાગ્યાં.

અવિનાશે કહ્યું, "કવિતા મારો હાથ પકડી લે જે, કંઇ નહીં થાય. આટલાં લોકો જાય જ છે ને."

કવિતાએ વિચાર્યું કે અવિનાશને કેમ સમજાવે કે એ અને વિનય કેટલી વાર આવી ગયાં હતા. આ રસ્તો એની માટે એક પરિચિત રસ્તો હતો... એક યાદ હતી અને હવે એક દર્દ હતું.

પણ અવિનાશ આ બધી વાતોથી બેખબર કવિતા સાથે ચાલતો હતો અને એને સંભાળતો હતો.

એક એક પગલું જાણે કવિતાને ભારી લાગતું હતું.

પણ અવિનાશને એ કંઇ કહી શકે એમ નહોતી.

ત્યાં જઈને તેઓ બહાર આવ્યા. અવિનાશ બહુ જ ખુશ હતો.

અવિનાશ બોલ્યો, "આટલું સરસ તારે માણવું નહોતું... પાગલ જ છો."

કવિતાએ વિચાર્યું કે એ અવિનાશને કેમ સમજાવે કે એનાં હૃદયનાં કેટલાં ટુકડા થાય છે.

પણ એવું કંઇ બોલવાનું ન હતું.

ત્યાંથી નીકળીને તેઓ એમ્બેસેડરમાં જમવા ગયાં અને પછી હોટેલ તરફ રવાના થયા.

આજે અવિનાશ બહુ થાક્યો હતો એટલે રૂમ પર જઈને શાવર લઈને તે સૂઇ ગયો.

કવિતાને થયું એને ઉઠાડે અને કહે મને એકલી ન મૂક, પાછો વિનય મને હેરાન કરશે. મને તારી બાહોમાં જકડીને સૂઈ જા.

પણ ૯૦% ભારતીય સ્ત્રી એ કદી નથી કરતી. સામેથી પતિને કદી નહીં કહે કે મને તમારી બાહોમાં છુપાવી લ્યો... કારણ એને એમ જ થાય છે કે પતિને કેવું થશે કે આ રહી નથી શકતી મારા વગર અને એ દૂર જ રહે છે.

આખરે વિનયએ પાછો એનાં મન અને મગજ પર કબજો જમાવી લીધો.
મુંબઈ એનાં મમ્મી-પપ્પાએ એને લીધે જ તો છોડ્યું હતું.



પણ હમણાં વિનય એ વિચારવા દે એમ ન હતો. હમણાં તો એનું રાજ હતુ.

એને યાદ આવ્યું જ્યારે તેઓ બીચ પર બેસતાં. ત્યારે વિનય થોડો ગભરાતો કે કોઇ જોઈ જશે તો.

પણ કવિતાને દુનિયાની કોઈ ફિકર ન હતી. એની માટે તો આખી દુનિયા જાણે વિનય જ હતો. વિનયનો સ્પર્શ મેળવવો એટલે એની માટે દુનિયાનું પરમ સુખ હતું.

એ દિવસ એને યાદ આવ્યો જ્યારે વિનયે એને કહ્યું હતું કે એણે ૫ દિવસ માટે બહારગામ જવાનું છે અને એ કેટલું રડી હતી અને કહેતી હતી કે ના અહીંયાં હું એકલી નહીં રહું મને પણ લઈ જા સાથે.

વિનય એની વાતો સાંભળીને હસતો હતો અને કહ્યું હતું, "આટલી અધીરી ન થા કવિ... હું ત્યાં રહેવા નથી જતો... પાછો આવીશ..."

પણ કવિથી એનું દૂર જવું સહન જ નહોતું થતું.

અને એ દિવસે વિનયે એને ચુંબનનાં વરસાદથી ભીંજવી નાખી હતી.

અને બીજે દિવસે એ ચાલ્યો ગયો હતો.



કવિતા પાંચ દિવસ કોલેજ નહોતી ગઈ. એને કંઈ કરવું ગમતું જ નહોતું.

એને તો બસ વિનય અને એનો સ્પર્શ જોઈતો હતો.

એ દિવસે એને ખબર પડી કે એને જો વિનય નહીં મળે તો એ પાગલ થઈ જશે.

કેટલું પાગલપણું હતું ત્યારે એ સ્પર્શનું... આખરે તો વાસના જ હતી ને... પણ કવિતા એમાંથી બહાર નહોતી આવવા માંગતી.

વિનય પાસે રહેતી ત્યારે એને એક ડર હંમેશ રહેતો કે શું આ બંધન એનાં માતા-પિતા એનો સમાજ સ્વીકારશે?

વિનય તો ચોખ્ખી ના પાડતો અને કવિતાને કહેતો કે "આ સંબંધ કોઈ શરતે આગળ નથી વધવાનો. હજી જોઈએ તો આપણે પાછાં ફરી જઈએ.

પણ કવિતા કહેતી, "વિનય, તું મારી સાથે ભાગી ન શકે? આપણે બંને ભાગી જશું."

અને વિનય જરા હસીને ચુપ થઈ જતો.

એની આ ભાષા એને સમજાતી જ નહીં. કે એ કેમ હસીને ચુપ થતો, પણ વિનય વાતને ટાળવા કહેતો, "કવિ, હમણા એ ચિંતા કરીને કંઈ જ નહીં મળે. હમણાં ચાલ, જિંદગીની મજા માણી લઈએ." અને એ પોતાને એને સમર્પિત કરી દેતી.

આજે એ વિચારતી હતી કે શું એ સાચ્ચી હતી? પણ, ત્યારે જોબન પૂરબહારમાં ખીલવા જ માંગતું હતું અને એનો પોતાનો એની પર કોઈ કાબૂ નહોતો.

અને આખરે એ વાત ઘરવાળાઓને ખબર પડી ગઈ.

અને ઘરમાં- આખાં કુટુંબમાં તોફાન મચી ગયું.

બધાં જ બોલતા હતા. કોઇ એવું ન હતું કે એ ચુપ હોય. આજે ૨ વર્ષે ઘરમાં આ વાતની ખબર પડી હતી.

અને ખબર પડે ત્યારે આ થવાનું જ હતું. એ પણ ખબર હતી. બધાંનું માથું ફરેલું હતું.

બધાં બંને પર ગુસ્સો કરતા હતા.

શું જવાબ આપવો એ અમને પણ નહોતું સમજાતું. વિનય તો નીચું મોઢું કરીને ઊભો હતો.

એ પોતે હજી કંઇક ચર્ચામાં ઉતરતી હતી.

વિનય એનાં સગા માસીનો દીકરો હતો.

પણ જુવાનીએ કાંઇ વિચાર્યા વગર આ પગલું ભર્યું હતું.

એની માસી પણ રડતા હતાં.

અને એનાં પપ્પા પણ રડતા હતાં. એમનાથી સહન નહોતી થતી આ વાત...

એની મમ્મી અને એનાં માસા બંને ખૂબ ગુસ્સો કરતાં હતાં.

કવિતાએ તેમ છતાં પણ બધાને સમજાવવાની કોશિશ કરી હતી કે "મમ્મી હવે આવું બધું નથી રહ્યું કે માસીનાં દીકરા સાથે લગ્ન ન થાય. હવે જમાનો બદલાઇ ગયો છે."

અને મમ્મી નાં હાથનો જોરથી તમાચો મોંઢા પર પડ્યો હતો.

અને કવિતા સુન્ન થઈ ગઇ હતી.

એને એમ થયું કે જો હવે એ કંઇ પણ બોલશે તો અનર્થ થઈને જ રહેશે.

એનાં માસા અને માસી વિનયને લઈને ચાલ્યા ગયાં. પછી પણ મમ્મીનું ચાલુ જ હતું. એનાથી સહન જ નહોતું થતું.

રાતનાં ઘરમાં રંધાણું જ નહીં. બધા ભૂખ્યાં સૂઇ ગયાં.

રાતનાં એનાં પપ્પા એની પાસે આવ્યા.

બાજુમાં બેઠા અને કહ્યું "જો કવિતા આપણાં સમાજની કોઈક મર્યાદા બાંધેલી છે કે જેમાં મામા, માસી, ફુઇ, કાકા એમ એકબીજાંનાં છોકરાઓ એકબીજાંને ન પરણી શકે. અને એ સમાજનાં નિયમોથી આપણે અલગ નથી રહેવાતું. અને તને ખબર છે, વિનયને બહુ ગુસ્સો કર્યો તો વિનયે એનાં મમ્મીને શું કહ્યું... એણે, કહ્યું કે હું શું કરું કવિતા મને છોડતી જ ન હતી."
કવિતાની આંખો અચરજથી મોટી થઈ ગઈ એને એ વાતનું બહુ દુખ થયું.

હવે કવિતાને એમ થયુ કે આ એણે શું કર્યું... એક કાયર માણસને પ્રેમ કરી બેઠી હતી અને એણે એને ભુલવાનુ નક્કી કર્યું.

આજે એનાં સ્પર્શ વિષે વિચારીને પણ જાણે આખાં શરીરમાં એને એમ લાગતું હતું કે જાણે વીંછી ડંખ મારતા હતા.

હવે એને યાદ આવતું હતું એનું હસવું કે એ કેવો હસીને ચુપ રહી જતો હતો અને કહેતો કે હમણાં એ વાત જવા દે ને કવિતા, હમણાં જિંદગીની મજા માણી લઇએ અને એણે હકીકતમાં ફકત એની સાથે મજા જ માણી હતી.

એનું મુંબઈ આવવાનું કારણ પણ એ જ હતો. વિનયની જ દીકરીનાં લગ્ન હતાં. અને એમને ત્યાંથી કાર્ડ આવ્યું.

અવિનાશે કહ્યું, "ચાલને કવિતા, એ બહાને મુંબઈ જોઈ અવાશે. કેટલા વર્ષો થઇ ગયા આપણે મુંબઈ જોયાને.’’

એણે વિચાર કર્યો હતો કે કેટલાં વર્ષો થઇ ગયાં હતા વિનયને જોયે...

એ પણ તૈયાર થઈ ગઈ હતી. તેઓ અઠવાડિયાં પહેલાં આવ્યા હતા જેને લીધે તેઓ મુંબઈ ફરી શકે, પણ જેમજેમ એને મળવાના દિવસો નજીક આવતા હતા એની ધડકન તેજ થતી હતી કે કેવો લાગતો હશે? કેવી હશે એની પત્ની? કેવી હશે એની દીકરી? હજારો સવાલ એની આજુબાજુ વીંટળાઈ વળ્યા હતા.

આખરે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે એની સામે થવાનું હતું. પહેલાં તેઓ મમ્મી-પપ્પાને મળ્યા પછી બધાં સાથે લગ્નમાં ગયાં. એની નજર એને શોધતી હતી કે ક્યાં છે વિનય? ત્યાં એક સ્ત્રી એની મમ્મી પાસે આવી અને મમ્મીને પગે લાગી.

મમ્મીએ ઓળખાણ કરાવી, "કવિતા આ વિનયની પત્ની સુધા છે અને બંનેની નજર મળી. અને સુધા બોલી, "ઓહ! તમે કવિતા છો? તમારી બહુ વાતો સાંભળી છે.’’

અને કવિતા જાણે ધડકન ચૂકી ગઈ. એણે તરત વિનય તરફ જોયું પણ વિનયનું ધ્યાન ન હતું એ તો બધું જોવામાં મશગુલ હતો.

સુધાની નજર એના ડરને પારખી ગઇ. એણે કવિતાના હાથ પર હાથ રાખ્યો ને બસ નજરથી કંઇક કહ્યું અને ચાલી ગઇ.

ત્યાં બેઠેલા એનાં મમ્મી-પપ્પા બધાને ખબર હતી કે ત્યાં શું ચર્ચા થઈ અને કોણ શું બોલ્યું, પણ બધા એવી રીતે વર્તવા લાગ્યા જાણે કાંઈ થયું જ ન હતું.

થોડી વાર થઇ ત્યાં વિનય આવ્યો. મમ્મી-પપ્પાને પગે લાગ્યો અને પછી તે અવિનાશને મળ્યો અને એમનો લગ્નમાં આવવા માટે આભાર પ્રદર્શિત કર્યો.

પછી એણે કવિતા સામે જોયું અને કેમ છો- કેમ નહીંની આપ-લે થઈ. પણ આંખોની ભાષામાં જાણે વર્ષો એક મિનિટમાં એમની વચ્ચેથી પસાર થઈ ગયાં.

કામ છે... એમ કરીને એણે ત્યાંથી વિદાઈ લીધી.

કવિતાનું મગજ અને મન પાછું એ જ બધા વિચારોમાં દોડવા લાગ્યું. ત્યાં મમ્મીએ કહ્યું, "જાવ, તમે પણ બંને માસી-માસાને મળી આવો."

...કવિતાએ અવિનાશને પૂછ્યું, "જઈએ મળવા?"

અવિનાશ તરત જ ઊભો થયો અને કહ્યું, "હા, ચાલ કવિ."

તેઓ માસી-માસાને મળવા ગયાં.

આ એ જ માસા હતા કે જેઓ જેમ મનમાં આવે તેવું બોલ્યા હતા. તેનાથી પપ્પાની તબિયત બગડી ગઈ હતી. હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા.

અને જેવા પપ્પાને દાખલ કર્યા એણે નક્કી કર્યું હતું કે હવે તે લગ્ન કરી લેશે.

એણે એની મમ્મીને કહ્યું હતું, "મમ્મી, મારે માટે છોકરાઓ જોવાનું કરો. મારે લગ્ન કરવા છે, હું અહીં રહીશ એટલા દિવસ તમે બંને આમ જ હેરાન થશો.’’

અને શરૂ થયું હતું છોકરાઓનું લિસ્ટ આવવાનું. અને વધારે પડતા છોકરાઓ મુંબઈનાં હતા.

પણ કવિતાએ અવિનાશ પર મોહર મારી હતી, કારણ એને અહીં રહેવું જ ન હતું.

તેઓ માસીને મળવા ગયાં. ત્યાં જોયુ તો માસાની તબિયત બિલકુલ સારી નહોતી. જાણે બેઠા હતા માંડ માંડ. તેઓ માસી અને માસાને પગે લાગીને ત્યાંથી નીકળી ગયાં.

પછી હવે કવિતાને તાલાવેલી હતી વિનયની દીકરીને જોવાની. એણે અવિનાશને કહ્યું, "જરા ચાલશો આપણે જેનાં લગ્ન છે એને જોઇ તો આવીએ.’’



અવિનાશ એ કહ્યું, “તું જા કવિતા, હું મમ્મી પપ્પા સાથે બેઠો છું ત્યાં હું ક્યાં આવું?"

વિનય સાસુ- સસરા પાસે બેસવા ચાલી ગયો. કવિતા એક પછી એક રૂમમાં વિનયની દીકરીને શોધતી હતી. એ એક રૂમ પાસે પહોચી તો ત્યાં એને વિનયનો અવાજ સંભળાણો.

વિનય એની પત્નીને કહેતો હતો, "જો જોઇ તે કવિતાને, એક સમયે એ આ બાહોમાં રહેવા તડપતી હતી અને આજે કહું તો આજે પણ એ સમાઇ જાય."

ત્યાં સુધાએ કહ્યું, "આમ ન બોલો, આમ બોલીને તમે એનું અને મારું બંનેનું અપમાન કરી રહ્યાં છો.’’

વિનય જોર-જોરથી હસવા લાગ્યો અને કવિતાને એમ થયું કે એણે કેવા માણસને પ્રેમ કર્યો હતો કે જેને સ્ત્રીનું અપમાન ન કરાય એ ખબર નહોતી.

એ ત્યાંથી નીકળી ગઈ. પણ એનું માથું ફાટફાટ થતું હતું.

માંડ માંડ લગ્ન પુરા કર્યા અને જવા માટે રવાના થતા હતા. બધાં મળવા આવ્યા એમને.

નીકળતા વખતે માસી અને સુધાને ખુબ પ્રેમથી મળી અને આવજો કહ્યું. અને વિનય સામે એણે જોયું જ નહી. બે વાર વિનયે એને આવજો કહ્યું, પણ એણે કંઈ જ જવાબ ન આપ્યો.

એ સુધા સાથે જ વાત કરતી હતી અને એણે ત્યારે સુધાની આંખોમાં ચમક જોઈ.

અને એને પોતાને પણ એમ થયું કે એણે એક સ્ત્રીનું માન વધાર્યું હતું. હવે વિનય કોઇ દિવસ એને કંઈ કહીં નહી શકે.

કારમાં બેસતા સુધી એણે વિનય સામે જોયું પણ નહીં અને કાર ચાલવા લાગી. તેઓ હોટેલ તરફ રવાના થયાં અને કવિતાએ પોતાનું માથું અવિનાશની છાતી પર રાખી દીધું.

એણે જોયુ ત્યાં ક્યાંય વિનય ન હતો હવે...