નિતુ - પ્રકરણ 16 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 16

.
નિતુ : ૧૬ (લગ્નની તૈયારી)


નિતુએ ઘરની બહાર દરવાજા પાસે તૈય્યાર થઈને ઉભેલી કૃતિને એકલી એકલી મનમાં વિચાર કરીને હસતા જોઈ ટકોર કરી, "રાત્રે સૂતા સૂતા કોઈ હસે તો સમજાય કે સપનું જોતા હશે! પણ દિવસે જાગતા જાગતા કોઈ કારણ વિના એકલા એકલા હસે એને શું કહેવાય? એ મને ખબર નથી."

"દીદી!... શું તમે પણ!"

"સાગરના વિચારોમાં ચડી છે?" તેની મજાક કરતા તે બોલી.

"તમે પણ શું સવાર સવારના પહોરમાં મજાક કરો છો!"

"સારું સાંભળ, સાગર સાથે અગત્યની બધી વસ્તુઓ પસંદ કરી છુટા પડી જવાનું છે. યાદ છેને? સાંજે મમ્મીએ સાથે જવાનું કહ્યું છે."

"હા હા દીદી, યાદ છે મને."

બંને બહેનો સાગરના આવવાની રાહ જોઈને વાતો કરતી હતી કે સાગર તેઓને લેવા માટે ત્યાં આવી પહોંચ્યો. તેઓના ખબર અંતર પૂછતાં તે બોલ્યો, "તમે બંને જ આવવાની છો?"

નિતુ બોલી, "હા અમે બંને જ આવીએ છીએ."

"ના હું વિચારતો હતો કે જો મમ્મીને અને કાકાને પણ આપણી સાથે લેતા જઈએ તો બધા સાથે મળીને પસંદગી કરીએ."

"કાકા તો તેના એક ઓળખીતાને ઘેર ગયા છે. બે દિવસ પછી આવશે. બાકી અમે ત્રણેય સાંજે ફરીથી જઈશું અને જે બાકી રહેશે તે બધું નક્કી કરી લઈશું."

સાગરે કહ્યું, "નિતુ દીદી, આપણે જઈએ છીએ તો પાછા આવીશું અને ફરી સાંજે તમે જશો. એના કરતા એ સારુંને કે મમ્મીને પણ સાથે લેતા જઈએ."

"હા દીદી. સાગરની વાત મને પણ બરાબર છે. આપણે મમ્મીને સાથે જ લેતા જઈએ. આમેય સાગર ગાડી લઈને આવ્યો છે. સાંજે આપણે રિક્ષાના ધક્કા ફેરા ખાવા એના કરતા સાથે જઈએ."

બન્નેએ ભેગા મળી નિતુને મનાવી લીધી અને નક્કી થયું કે શારદાને પણ સાથે લેવી. કૃતિએ અંદર જઈને શારદાને ફટાફટ તૈય્યાર થઈ જવા કહ્યું. ત્રણેય સાથે મળીને સાગર સાથે ખરીદી પર નીકળ્યા. સમય પોતાની ગતિએ પસાર થતો ગયો અને એક પછી એક લગ્નની વસ્તુઓ સિલેક્ટ થતી ગઈ. સાગરને તેના પપ્પાએ બરાબર કહેલું કે કોઈ વાતની તાણ નહિ રહેવા દેતો અને શક્ય તેટલી તેઓને મદદ કરજે. શારદા માટે આજ સુધી તેના ઘરને સંભાળનાર નિતુ જ હતી. તેનો ઋષભ તો હજુ ઘણો નાનો. તેને વ્યવહારનું શું ભાન? પણ આજે તેને અનુભૂતિ થઈ કે સાગર તેના દીકરા કરતા ઓછો નથી. સવારથી નીકળેલા ચારેયમાં સાગરે પોતાની સાનથી તેઓને સાંચવ્યા. તમામ ખરીદીમાં તેઓની મદદ કરી અને પરિશ્રમમાં ફાળો આપ્યો.

તેઓના નિર્ણય પ્રમાણે પહેલા જે જરૂરી છે તે કામ પતાવી દેવાયું. લગભગ નાનું- સૂનું કામ પતી જ ગયેલું. બસ, બાકી હતું તો તેઓના કપડાંનું સિલેક્શન. લગ્નમાં નવદંપતી તરીકે તેઓ કેવા સજશે? તેનો નિર્ણય લેવા સાગર પોતાની જાણમાં આવતા એક મોટા શો-રૂમમાં લઈ ગયો. ત્યાં પગ મૂકવામાં નિતુએ થોડી આના કાની કરી.

"આપણે બીજે કશેક જઈએ." નિતુએ તેઓને અંદર જતા પહેલા કહ્યું.

કૃતિએ પૂછ્યું, "અંહિયા શું વાંધો છે?"

"મને આ જગ્યા બરોબર નથી લાગતી. મને ખ્યાલ છે ત્યાં સુધી આ શો-રૂમ વાળા બરાબર સર્વિસ નથી આપતા."

"દીદી, હું આ શો-રૂમમાં ગયેલો છું. મને એની જાણ છે અને તમે કહો છો એવું કંઈ નથી."

કૃતિએ ફરી પૂછ્યું, "તમને એવું કોણે કહ્યું?"

"મારી કલીગ સાથે એકવાર વાત થયેલી. તેણે જણાવેલુ કે અહિંયા જેવા બતાવવામાં આવે છે તેવા કપડાં નથી આપતા."

સાગર ફરી તેને મનાવતા બોલ્યો, "દીદી! હું કહું છુંને. તમારી કોઈ બીજી જગ્યા માટે વાત થઈ હશે. હું આ શો-રૂમના માલિકને સારી રીતે ઓળખું છું. તમે બસ અંદર ચાલો. અંદર જઈને હું એની સાથે તમારી બધાંની મુલાકાત કરાવી આપું, એટલે કપડાં સારા પણ મળશે અને તમારી પસંદગીના પણ મળશે."

"પણ..." હવે તેની પાસે બીજું કોઈ બહાનું નહોતું રહ્યું. તે આગળ બોલે તે પહેલા કૃતિ અને સાગર અંદર જતા રહ્યા. શારદા તેની આના-કાની સાંભળી બધું સમજી ગઈ. તે તેના ખભા પર હાથ મુકતા બોલી, "નિતુ..., જે થાહે ઈ જોયું જાહે. હાલ, માલીપા જાઈ."

તે આગળ ચાલતી થઈ. નિતુ પાસે હવે આવા મોંઘાદાટ શો-રૂમમાં જવા સિવાય કોઈ રસ્તો ન્હોતો રહ્યો. તે પણ ધ્રુજતા પગે ધીમા ડગલાં ભરતી અંદર તો ગઈ. પણ મનમાં વિચાર ચાલતા હતા કે સાગર તેઓને ઓળખે એટલે થોડો ફાયદો કરી આપશે અને શક્ય હોય તેટલા સસ્તા કપડાં સિલેક્ટ કરવા. તેને અંદર જવામાં ખચકાટ અનુભવાતો હતો તેની પાછળ એક બીજું કારણ પણ હતું. તે સવારથી એ વાત જોઈ રહી હતી કે જે કૃતિ સાગરની સાથે વાત કરવા પણ તૈય્યાર નહોતી તે આજે સાગરનો પડ્યો એક એક શબ્દ શિરોધાર્ય કરતી હતી. સાગર થોડો પૈસાદાર છે. તેને જેવું તેવું નહિ ફાવે. કદાચ જો ઊંચી પસંદગી કરશે તો માત્ર એક દિવસ પહેરવાના કપડાં પાછળ તેના અડધા કે પછી આખા મહિનાની સેલેરી જતી રહેશે.

તે અંદર પહોંચી અને તેઓની સાથે બેસી ગઈ. એક સેલ્સમેન આવ્યો તો સાગરે તેના માલિક અને મેનેજરને મળવાની વાત કરી.

સેલ્સમેન બોલ્યો, " સોરી સર, તે બંનેમાંથી કોઈ અત્યારે હાજર નથી. તમારે જે જોઈએ તે બોલો હું પણ તમારાથી પરિચિત છું."

કૃતિએ પૂછ્યું, "તમે પણ સાગરને ઓળખો છો?"

"હા હા મેં'મ. સર ઘણી વખત આવે છે અને અમારા શો રૂમમાં સૌથી વધારે બ્રાન્ડેડ કપડાં ખરીદવા આવતા જેન્ટલમેન માંથી એક છે. તેઓ પણ કપડાનો વ્યાપાર કરે છે, એટલે અમારા સરને અને અમારા મેનેજરને સારી રીતે ઓળખે છે."

તેની વાત સાંભળી નિતુના મનમાં તુરંત શબ્દો ગુંજવા લાગ્યા, "અરે બાપ રે! આ શો રૂમમાં અને અહીંના સ્ટાફ વચ્ચે તો સાગરે આટલી મોટી ઇમેજ ઉભી કરી છે. હવે તો ભાવ-તાલની વાત જ કઈ રીતે થાય? જો ડિસ્કાઉન્ટ માટે કહીશ તો સાગરને પણ ખરાબ લાગશે."

"આ લોકો કોણ છે?" સેલ્સમેને પૂછ્યું.

સાગરે ઓળખ કરાવતા કહ્યું, " આ મારી મંગેતર છે, કૃતિ અને તેની મોટી બહેન નીતિકા. આ કૃતિના મમ્મી છે, મારા સાસુ."

"ઓહ...હો સર. તો તો તમે બધા સાથે મળીને નક્કી તમારા લગ્નના કપડાં સિલેક્ટ કરવા આવ્યા હશોને?"

"હા."

"એક મિનિટ સર. હું તમને સૌથી યુનિક અને અમારા શો રૂમની સૌથી બેસ્ટ વસ્તુ બતાવું છું."

કહી તે શો રૂમમાં સાંચવીને મુકેલા ઇમ્પૉર્ટેન્ડ કાપડાઓના સ્ટોર તરફ ચાલ્યો. નિતુના મનમાં ફરી આવ્યું, "ઈમ્પોર્ટેડ અને યુનિક? નક્કી હવે તો તે મોંઘાદાટ કપડાં જ લાવશે."

થોડીવારમાં તે ફરી ત્યાં આવ્યો. તેની પાછળ ત્યાં કામ કરતા બે માણસો એક વોલકિંગ હેન્ગર રેઈલ લઈને આવી રહ્યા હતા. તેમાં વિવિધ જાતના કપડાઓ લટકાવેલા હતા. સૂટ, વેસ્ટર્ન કોટ, કુર્તાઓ અને તેની સાથેના પહેરવેશો. તે છોડીને તેઓ બીજી હેન્ગર લઈ આવ્યા જેમાં શેરવાની, જોધપુરી અને લગ્નના કપડાંઓ હતા.

"આ તો ખાલી જેન્ટ્સ છે, કૃતિ માટે?" સાગરે પૂછ્યું.

"ડોન્ટ વરી સર. આ તો શરૂઆતી છે. અમારી પાસે હજુ બીજું કલેક્શન છે. અંદર આવો, હું તમને બતાવું છું." કહેતા તે સેલ્સમેન તેઓને પોતાની સાથે અંદર લઈ ગયો. જ્યાં જઈને સાગર અને કૃતિને ખ્યાલ આવી ગયો કે તેઓને જેવા જોઈએ છે તેવા કપડાં અહીંથી મળી જશે. તેઓ હરખભેર આખા સ્ટોરમાં જોવા લાગ્યા જેમાંથી સફેદ રંગની એક બેસ્ટ શેરવાની પસંદ કરી કૃતિએ સાગરને આપી. તે જોતા જ સાગરને પસંદ આવી ગઈ અને તેણે ટ્રાય કરી. તે સાગરના માપની પણ હતી અને તેના પર ખુબ સારી પણ લગતી હતી. તેનું ફાઇનલ થયું એટલે સાગરે તેની સાથે મેચિંગ થાય તેવા કૃતિના કપડાં બતાવવા કહ્યું. તે સેલ્સમેન અલગ અલગ ત્રણ જોડી લઈ આવ્યો જે ત્રણેય તેની સાથે મેચિંગ થતી હતી.

કૃતિ તેમાંથી એક લઈને સાગરને અને સેલ્સમેનને પૂછી રહી હતી કે કેવી લાગે છે. એટલી વારમાં નિતુએ બાકી પડેલી બે જોડીના ભાવ ચકાસી લીધા. એકનો ભાવ આઠ હજાર હતો જ્યારે બીજીનો ભાવ વીસ હજાર. તેઓએ તેને નીચે મૂકી અને સેલ્સમેને તેઓને વીસ હજાર વાળા પિન્ક શેડના સફેદ રંગના કપડાં આપતા કહ્યું, "સાગર સર, આ બેસ્ટ છે. આથી બીજું અલગ મેચિંગ નહિ થાય. તમારી વાઈટ શેરવાની સાથે આ દુલ્હન વેયર એકદમ પરફેક્ટ બેસે છે."

તેઓએ બંને બાજુ બાજુમાં મૂકી જોયું અને સેલ્સમેનની વાત બરાબર લાગી. તે ફાઈનલ કરવાની તૈય્યારીમા જ હતા કે તેના પહેલા નિતુએ નીચે પડેલા આઠ હજારવાળા મરૂન રંગના કપડાં લઈને કહ્યું, "કૃતિ, મને લાગે છે કે આ પણ ઠીક લાગશે. ટ્રાય કરી જો."

"દીદી મને એના કરતા આ વધારે પસંદ આવ્યા. સાગરની શેરવાની પણ વાઈટ કલરની જ છેને!"

"પણ મને આ ગમે છે."

"દીદી મારે પહેરવાના છે."

"હા પણ હું કહું છુંને! આ ઠીક લાગશે."

"દીદી એ ખાલી ઠીક ઠીક લાગશે. એના કરતા આ બેસ્ટ લાગશે."

"પહેલા તું જો તો ખરી."

તેણે હાથમાં લઈને તે કપડાં તુરંત નીચે પટક્યા. "દીદી તમે ફોર્સ ના કરો. તમને નહિ સમજાય. તમારો જમાનો જતો રહ્યો છે. તમને આમાં શું ભાન પાડવાની? હું આ જ લઈશ."

તેની વાતનો ઇન્કાર કરતા કૃતિ પસંદ કરેલા કપડાં સાથે લઈને ટ્રાય કરવા અંદર જતી રહી. કૃતિના શબ્દોએ નિતુના દિલમાં એક ઊંડો ઘા બેસારી દીધો. સાગરને નિતુનો આ વ્યવહાર થોડો અલગ લાગ્યો. તે તેને ચકાસવા પોતાના ફોનમાં વાત કરવાના ઢોંગ સાથે એક બાજુ જતો રહ્યો અને તે તેના આ ઢોંગમાં ફસાઈ ગઈ. સાગરને એકબાજુ જતા જોઈ તેણે ત્રીજા બાકી રહેલા કપડાં પરનું પ્રાઈઝ ટેગ ચકાસ્યું. પણ તેને એ જાણ નહોતી કે સાગર ત્રાંસી નજરે તેના તરફ મીટ માંડીને ઉભો છે. સાગરને ના સમજાયું કે શું થયું પણ તેને કોઈ ગડબડ હોવાનું અનુમાન આવી ગયું.

કૃતિ કપડાં પહેરીને બહાર આવી કે સાગરે તેને કહ્યું, "કૃતિ આ તારા પર સારા લાગે છે અને શેરવાની સાથે પણ એકદમ મેચ થાય છે. પણ તારા કપડાંનું ડિસિઝન હમણાં પેન્ડિંગ રાખીએ."

"કેમ? શું થયું પાછું?"

"એ બધું આપણે પછી નક્કી કરીશું. ચાલો બીજું કશું બાકી રહેતું હોય તો પહેલા એ કામ પૂરું કરી દઈએ." કહેતા સાગરે સેલ્સમેનને ઈશારો કર્યો.

"નો મેટર સર. તમે ફરી ગમે ત્યારે આવીને ફાઈનલ કરી જજો."

કૃતિ ચેન્જ કરીને આવી અને ચારેય ત્યાંથી ચાલતા થયા. પણ નિતુના કરેલા ફોર્સે કૃતિના મનમાં રોષ ઉત્પન્ન કર્યો. તે બહાર આવી ત્યારથી ના પોતાની મા સાથે કશું બોલી કે ના પોતાની મોટી બહેન સાથે. જો કે પોતાની લાડકીના અરમાન પર પાણી ફેરવવું તેને પણ વસમું લાગી રહ્યું હતું. આખરે તે પણ શું કરે? તેની પરિસ્થિતિ તેને મજબુર કરી રહી હતી. તેઓને તેમના ઘર પર છોડતા સમયે સાગરે શારદાને વિનંતિ કરી, "મમ્મી, મારે કૃતિનું થોડું કામ છે. જો તમે કહો તો અમે... બસ થોડાં જ સમયમાં પાછા આવતા રહીશું."

"આખો દિ' તો હારે હતા. હવે વળી અતારે હુ કામ છે?"

"મમ્મી તેને જવા દે, તેનો જવાબ કૃતિ આવશે એટલે તને મળી જશે."

"ઠીક, હારુ તારે. જાઉં."

તેની હા કહેતા જ કૃતિ પાછી સાગર સાથે બેસીને જતી રહી. ગાડીમાં બેઠેલી કૃતિ તરફ સાગરની નજર હતી અને તેનો રોષ ભરેલો ચેહરો જોઈ તેને પૂછ્યું, "શું થયું કૃતિ?"

"તમે ના જોયું? એ સાવ રુડ બિહેવ કરે છે તે."

સાગર પાસે તેને આપવા માટે કોઈ જવાબ નહોતો. આખરે આખો મામલો છે શું એ જાણવું પડશે એવું તેણે મનોમન નક્કી કર્યું.

"તમારે મારુ શું કામ છે? અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ?"

"કૃતિ તું ખાલી જોયા કર. ભૂલી ગઈને કાલે મેં અને દીદીએ તારી સાથે વાત કરેલી કે તને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે."

"શું છે સરપ્રાઈઝ?"

"બસ તું ખાલી જોયા કર કૃતિ."