સુસાઈડ - એક હકીકત Hadiya Rakesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુસાઈડ - એક હકીકત

નિક,નિક... શું થયું છે નિક ને, રીયા ચીસો પાડતી પાડતી હોસ્પિટલ મા દોડતી દોડતી આવી... અને ઓપરેશન રૂમ ના દરવાજા માં અંદર ઘૂસવા ગઈ.. જેવી જ તે અંદર ઘૂસે એ પહેલાં જ તેને તેના મિત્રો રામ , નિશા, અને મુકુંદ દ્વારા રોકી લેવામાં આવી અને તેને સામેનાં જ બાકડા પર બેસાડી દીધી... યાર કેમ કરતાં થયું આ બધું, રડતાં રડતાં રીયા ના મુખ માંથી શબ્દો સરી પડ્યાં... કાલે તો બધું સારું જ હતું તો આજે કેમ તેણે અચાનક આવું પગલું ભરી લીધું... હજું કાલે સાંજે જ તો અમે શાસ્ત્રી મેદાન માં જોડે બેઠાં હતાં, તે મને ખૂબ જ હસાવતો હતો અને આજે એ આટલો બધો કેમ રડાવે છે... તેટલી જ વાર માં રામ ઊભો થઈ ને રીયા માટે એક પાણી નો ગ્લાસ ભરી ને આવ્યો અને રીયા ને આપ્યું.. ના યાર મારે નથી પીવું, જ્યાં સુધી નિક ની તબિયત નહી સુધરે ત્યાં સુધી હું મારા મોંઢામાં કોળિયો કે પાણીનું ટીપું પણ નહી નાખું... ત્યાં જ રામ બોલ્યો...જો રીયા જીદ ન કર તું ખાલી એટલું વિચાર કે જો નિક અત્યારે અહીં હોત તો તને આવી પરિસ્તીથી માં જોઈ શકે? જોઈ તો એને હું પણ નથી શકતી આવી પરિસ્તીથી માં , સાલું ખબર જ નથી પડતી કે એને આવું પગલું કેમ ભરવું પડ્યું, આપણે બધાં શું મરી ગયાં તા તો આમાંથી બેસેલા એક પણ ન એ કહી ન શક્યો? રીયા એટલી જ વાર મા ગુસ્સે ભરાઈ ગઈ.. સાલો એવું તો શું થઈ ગ્યું, એવું તો શું કરી નાખ્યું એનાં જીવન માં રહેલા લોકોએ કે એને સુસાઈડ કરવાનો વારો આવ્યો , એ જ ખબર નથી પડતી કે એને કોઈ તકલીફ હતી તો કેવી હતી ને, એનાં જીવન માં શું લોકો ઓછા હતાં, એનાં મિત્રો ઓછાં હતાં? એનાં ગમતાં લોકો ઓછાં હતાં કે એક પણ માણસ ને ન કીધું ને બસ ખોટું પગલું ભરી દીધું...

શાંત થા રીયા શાંત થા હવે તો ગુસ્સો ના કર, મુકુંદ એ પોતાનું મૌન તોડ્યું... તો શું ના કરું હું, સાલું આવું કોઈ કરતું હશે? કંઈ દુઃખ હોય કે, ભાઈ પોતે દુઃખી હતાં તો કંઈ દેવું હતું ને કોઈક ને પણ તો એની સમસ્યા નું નિવારણ આવે .... જો રીયા એણે આવું પગલું ભર્યું એમાં વાંક હકીકત માં તો એનો નથી પણ આપણો છે... ત્યાં જ નિશા બોલી હે શું બોલે છે તું, તને ભાન છે ખરી??

હા મને બરાબર ની ભાન છે કે હું શું બોલી રહ્યો છું અને જે બોલું શું એ સાચું જ બોલું છું, કોઈ વ્યક્તિ આવું પગલું ભરે તો એમાં હકીકત માં વાંક એનો નહી પણ આપણો જ હોઈ છે કારણ કે, એટલાં બધાં લોકો માંથી આપણે એનાં જીવન નાં એક એવાં વ્યક્તિ ન બની શકયાં કે જેને એ પોતાની સમસ્યા દિલ ખોલીને કહી શકે, ખોટ તો આપણામાં જ રહી ગઈ હોવી જોઈએ કે એનાં હસતાં ચહેરાં ને જોઈને ક્યારેય એની પાછળ એક હમેશાં રડતો, એકલો રહેતો ચહેરો પણ છે એ જાણી ન શક્યાં , એનું દુઃખ ક્યારેય આપણે જાણી ન શક્યાં, વાંક તો આપણો જ ગણાય ને કે આપણે એની નજીક નાં વ્યક્તિઓ હતાં તો પણ એને ક્યારેય પુરેપૂરો ઓળખી ન શક્યાં, એની જીવની ને ક્યારેય જાણી નહી, ક્યારેય માણી નહી... તો વાંક તો આપણો જ ગણાય ને ?

તને ખબર છે નિશા ખાલી ભારત દેશ માં ૨૦૨૧ ના વર્ષ માં દર દિવસે ૩૬ વિદ્યાર્થીઓ એ આત્મહત્યા કરેલી છે, તો શું એમાંથી બધાંય નો વાંક હશે કે એને કોઈને કંઈ કીધું નહી હોય ને બસ આવું પગલું ભર્યું હશે? મારું તો સાલું એવું કહેવું છે કે આ લોકોથી વધું જીગર વાળા લોકો શોધવા બહું જ મુશ્કેલ થઈ જાય કારણ કે, જો આપણા માં આવી સુસાઈડ કરવાની તાકાત હોત ને તો આપણે જીવન માં ઘણું ખરું હાંસિલ તો કરી ચૂક્યા હોત, પણ આ લોકો એ તો સુસાઈડ કરીને બતાવી દીધું છે કે પોતે નબળાં તો નથી જ , બાકી તો પોતાનાં જ હાથેથી પોતાની જાન લેવી બહું અઘરું કામ છે બોસ !!!

અને એમાં પણ આ ડિપ્રેશન એ એક એવી વસ્તું છે જેને આપણે મજાક કંઈ રહ્યાં છીએ પણ એ ઘણી વાર લોકો નાં જીવ પણ લઈ લે છે, દુઃખ ની વાત તો ત્યાં જ છે કે આપણો જ ખાસ મિત્ર ડિપ્રેશન માંથી પસાર થતો હતો અને એની આપણને ખબર જ ન પડી, આપણે આપણાં પર્સનલ જીવન માં એટલાં વ્યસ્ત થઈ ગયાં છીએ કે આપણી આજુ બાજું આવા કેટલાંય લોકો ફરતાં હશે પણ એની આપણને ખબર પણ નહીં હોય, કદાચ કાલે આપણાં માંથી જ બીજું કોઈક હશે અને આપણે બસ આ ડિપ્રેશન ની અવસ્થા નો મજાક બનાવતાં રહી જશું અને વ્યક્તિ જતું રહેશે...

દુઃખ તો સાલું ત્યાં થયું કે આપણે વર્ષો થી નિક જોડે છીએ પણ આપણે એવાં વ્યક્તિઓ ન બની શક્યાં કે જેને એ બધું કહી શકે, એ બિચારો દરરોજ અંદર થી મૂંઝાતો હશે એનું મન રાડો પાડતું હશે, રડતું હશે, પણ અફસોસ છે કે એને આપણે ક્યારેય સાંભળી ન શક્યાં...કદાચ આપણી આજુ બાજું આવા હજારો વ્યક્તિઓ ફરતાં હશે જે પોતે એનાં સગા વ્હાલાઓને, એનાં મીત્રો ને, એનાં ઘર નાં લોકો ને ક્યારેય પણ કહી નહી શકે અને એનાં નજીકનાં લોકો આપણી જેમ જ ક્યારેય જાણવાની કોશિષ પણ નહિં કરે, ક્યાંથી કરે ? એને તો સામે વાળા વ્યક્તિ તરફ થી સમય,માન, વિશ્વાસ, પ્રેમ બધું જ સમયસર મળી જ જાય છે ને... પણ સામે વાળા ના મન નાં ભાર નું શું ? એનાં વિશે તો આપણે ક્યારેય સામે વાળા વ્યક્તિ ને કંઈ પૂછતાં નથી અને પૂછીએ તો એવી રીતે કે સામે વાળો વ્યક્તિ આવું પગલું ભરવાનું પસંદ કરશે પણ આપણને કહેવાનું નહી...

આપણે એ સમય માં જીવી રહ્યા છીએ જ્યાં કોણ ક્યારે જતું રહે એનું કંઈ જ નક્કી નથી હોતું, મારા રામ ને પ્રાર્થના છે કે નિક બચી જાય પણ જો એને કંઈ પણ થયું તો એનાં ગુનેગાર આપણે ખુદ હોઈશું દોસ્ત ! ... એનાં પરિવાર પછી નાં જો નજીક ના વ્યક્તિઓ હોય તો એ આપણે છીએ, કદાચ એનામાં પાછો જીવ આવી જાય ને એ પહેલાંની જેમ જ હસતો કૂદતો દોડતો થઈ જાય તો બીજું કંઈ જ નથી જોઈતું પણ આજે આપણે બધાં એક સંકલ્પ કરી શકીએ કે, આપણાથી થઈ શકે એટલાં લોકો નું આપણે સુખ તો માણીશું જ પણ સાથે સાથે એનું દુઃખ પણ જાણીશું, એને દુઃખ માંથી બહાર નીકળવામાં મદદરૂપ થઈશું અને થતી બધી જ મદદો પુરી પાડીશું અને જ્યારે કોઈ દુઃખી માણસ દેખાઈ ત્યારે એને ભેંટીને એટલું કહેશું કે ચિંતા ન કરો દોસ્ત હું છું ને તમારી સાથે, આનાથી કદાચ સામે વાળા વ્યક્તિ ની અડધી ચિંતાઓ જતી રહે !!!

હજું મુકુંદ પોતાનાં મીત્રો ને સમજાવી જ રહ્યો હતો કે ત્યાં જ ઓપરેશન રૂમ માંથી ડોક્ટર મેહુલ બહાર નીકળ્યાં અને એને જોઈને રીયા દોડી, કેમ છે હવે સર એને, મારો નિક બચી શકશે કે નહીં ? જવાબ આપો ડોક્ટર તમે કેમ કંઈ બોલતાં નથી કંઈક તો કહો કંઈક તો બોલો ... ડોક્ટર મેહુલ એ પૂછ્યું કે એનાં મમ્મી પપ્પા ને તમે બોલાવી લીધાં છે ? રામ એ કીધું કે હા રસ્તા માં જ છે પણ કેમ શું થયું એ તો કહો ?
ડોક્ટર મેહુલ એટલું જ બોલ્યાં કે, માફ કરજો પેશન્ટ નો જીવ અમે બચાવી નથી શક્યાં... આટલું સાંભળતા જ રીયા ત્યાં જ ઢળી પડી ... પણ નિક નું સૂસાઈડ કરવાનું કારણ હજુય અકબંધ છે !!!


(આ રચના લખતી વખતે મારી સામે જ એક સુસાઈડ કરેલાં યુવાન ના પપ્પા બેઠાં હતાં, એનું દુઃખ તો હું અનુભવી નહી શકું પણ આ રચના નું હાર્દ એનાં લીધે જ લખાણું હશે , અને આવી તો ઘટનાઓ દરરોજ ની આપણી આસ પાસ બનતી હશે પણ કદાચ આપણાં એક પ્રયાસ નાં લીધે ઓછી પણ થઈ શકે છે !!!)