અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા. આજુબાજુ નજર ફેરવતા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન વર્તાઈ રહ્યો હતો કે,"ગાડીને શું થયું..?" ડ્રાઇવર પણ સમજી ન શક્યો કે," અચાનક ગાડીને શું થયું...?" ચારે બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલની વચ્ચોવચ ગાડી ઉભી રહી ગઈ હતી. અંધકારની સાથે જંગલની ભયાનકતા પણ એટલી હતી કે ગાડીની બહાર નીકળવાની કોઈની હિંમત થતી ન હતી.
"ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું કે શું...?" હર્ષિતે પૂછ્યું.
"પંચર તો નથી થયું ને...?" ઈબતિહાજ બોલ્યો.
" કોઈ ટેક્નિકલ ખામી થઈ કે શું ભાઈ...?" જૉનીએ પૂછ્યું.
એક સાથે સૌ પોતાના મનમાં ઉદ્દભવતાં પ્રશ્નો પૂછી રહ્યાં હતાં. જ્યારે સુશ્રુત કંઈક જુદી જ વિમાસણમાં હતો.
"પેટ્રોલ તો બરાબર છે. ટેક્નિકલ ખામી પણ થઈ હોય એવું જણાતું નથી. પરંતુ પંચર પડી શકે છે." ડ્રાઇવરે કહ્યું.
" તો હવે શું કરશું ભાઈ...?" લિઝાએ આતુરતાથી પૂછ્યું.
"ટાયર બદલવું પડશે..!" ડ્રાઇવર બોલ્યો.
"સ્ટોકમાં ટાયર છે ?" હર્ષિતે પૂછ્યું.
"હા ટાયર તો છે પણ...!"
"પણ...પણ..શું ભાઈ..?" જૉની બોલ્યો.
"ટાયર બદલવું કેવીરીતે..? ગાઢ જંગલ છે. અહીં આટલા અંધારામાં બહાર નીકળવું જોખમ ભરેલું છે. આ જંગલમાં હિંસક પ્રાણીઓનો ટોટો નથી." ડ્રાઇવરે મૂંઝવણમાં કહ્યું.
"હવે કિનારો કેટલોક દૂર છે ?" લિઝાએ પૂછ્યું.
"અંદાજે એકાદ કલાકના અંતરે હશે. પણ અત્યારે શું કરવું તે સમજાતું નથી." સ્ટેરીંગ પર બંને હાથ ટેકવી લટકાવેલ ચહેરે ડ્રાઇવરે કહ્યું.
"તો શું સવાર સુધી આમ બંધ ગાડીમાં બેસી રહેવાનું..? મને તો ગૂંગળામણ થાય છે. અને ભૂખ તો એવી લાગી છે કે ના પૂછો વાત. ભૂખ અને ગૂંગળામણ ને કારણે મારું તો માથું ફાટી રહ્યું છે." પોતાનું પેટ દબાવીને વીલા મોઢે સુશ્રુતે કહ્યું.
સુશ્રુતની વાત સાંભળીને બધા તેનાં દયામણાં ચહેરાને જોવાં લાગ્યાં. કેમકે સુશ્રુત જેવી દરેકની સ્થિતિ થઈ ગઈ હતી. પણ કોઈને એ સમજાતું નહોતું કે હવે શું કરવું ?
"શું કરશું..? બહાર નિકળશું..? કોઈ ખાવા લાયક ફળ ફૂલ ખાવા મળી જાય તો પેટમાં પ્રગટેલ જ્વાલાગ્નિ શાંત થાય..!" સુશ્રુતની દયનિય સ્થિતિ જોઈ જૉનીએ ડ્રાઇવરને પૂછ્યું.
"મારી તો ટાંકી ભરાઈ ગઈ છે. ખાલી કરવા જવું પડશે. ડ્રાઇવરને જરા પૂછને બહાર નીકળાય કે નહીં..? કેમકે બરાબરની ઇમર્જન્સી આવી પડી છે." ઇબતિહાજે જોનીને કાનમાં કહ્યું.
ઇતિહાસની હાલત જોઈ પહેલા તો જોનીને હસવું આવી ગયું. પછી હકારમાં મોઢું હલાવી તેણે આગળની સીટ પર બેઠેલા ડ્રાઇવરને કાનમાં કહ્યું. જોનીની વાત સાંભળી ડ્રાઇવરે સૌ પહેલા પાછળ વળીને ઇબતિહાજના દયનીય ચહેરાને જોયો પછી હકારમાં મોઢું હલાવી જાણે કહેતા હોય કે કંઈક કરીએ છીએ એવો ભાવ દર્શાવ્યો.
"આપણી ગાડી બંધ પડી છે સવાર પડતા હજુ અઢીથી ત્રણ કલાક થઈ જશે, ત્યાં સુધી બંધ ગાડીમાં પુરાઈ રહેવું યોગ્ય નથી. જંગલમાં મુસાફરી કરવાનો મને તો ખાસ અનુભવ નથી પરંતુ મેં સાંભળ્યું છે કે આગથી જંગલી પ્રાણીઓ દૂર રહે છે. તો આપણે હિંમત કરીને આવી કોઈક વ્યવસ્થા કરવી પડશે. જેથી કરીને આપણે ગાડીની બહાર પણ નીકળી શકીએ અને જંગલી પ્રાણીઓથી સ્વ બચાવ પણ કરી શકીએ." હર્ષિતે કહ્યું.
"તારી વાત એકદમ સાચી છે. આપણે આગ તો સળગાવી લઈએ. આપણી પાસે માચીસ પણ છે અને લાઇટર પણ છે. પરંતુ મને ડર એ છે કે આટલા મોટા અને ગાઢ જંગલમાં જો પવનથી આગ ફેલાઈ જશે તો..? આથી આપણે જમીન પર તાપણા જેવું ન કરી શકીએ કેમ કે પવનથી ઉડેલો એક તણખો પણ આખાય જંગલને બાળી નાખવા માટે સક્ષમ હોય છે. મને લાગે છે કે આજુબાજુ આપણે નજર કરીને કોઈ ઝાડની ડાળીનો જાડો ટુકડો મળી જાય તો તેનો એક છેડો સળગાવીને બહાર નીકળી શકીએ." અબ્દુલ્લાહિજીએ કહ્યું.અબ્દુલ્લાહીજીની વાત સાંભળી બધાએ ગાડીમાં બેઠા બેઠા બારીમાંથી આજુબાજુ સળગાવી શકાય તેવો લાકડાનો લાંબો ટુકડો શોધવા લાગ્યા. અંધારું ગાઢ હતું.સરળતાથી એમ લાકડાનો ટુકડો મળી જાય કે દેખાઈ જાય તેવી કોઈ શક્યતા ન હતી. તેમ છતાંય બધાય નિરર્થક પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે જોનીએ પોતાની સુઝ વાપરી પોતાની બેગમાંથી લાઇટર કાઢ્યું. લાઇટરમાં આગ પ્રજ્વલિત કરી નાના અમથા પ્રકાશને સહારે તે ગાડીમાંથી બહાર ઉતર્યો. બહાર નીકળી તેણે ચારેય બાજુ જોયું અંધારું હતું પરંતુ કોઈ જંગલી પ્રાણીઓનો અણસાર કે હલનચલન વર્તાઈ રહ્યા ન હતા. જંગલમાં પોતાની સલામતીને ખાતરી કર્યા બાદ જોની ગાડી ની આજુબાજુ ફરવા લાગ્યો અને લાકડાનો એક લાંબો દંડો તેણે શોધી જ દીધો.
To be continue..
મૌસમ😊