પ્રેમ સમાધિ - પ્રકરણ-73 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-73

પ્રેમ સમાધિ
પ્રકરણ-73

રાજુ નાયકો અચાનક બંગલે આવી ચઢ્યો... આવીને તરતજ વિજયને મળ્યો વાતચીત કરી. વિજયની આંખો ઉપર ચઢી ગઇ થોડીવાર માટે ચહેરો બદલાઇ ગયો ચિંતા સાથે ગુસ્સો આવ્યો પણ બે પળમાં સ્વસ્થ થયો પછી રાજુની સામે જોયું બોલ્યો “આપણે અત્યારેજ શીપ પર જઇએ છીએ.”
રામુએ કહ્યું “બોસ વાત ટેન્શનની છે છતાં તમે સ્વસ્થ થઇને હસ્યાં શું વાત છે ? મને તો ખૂબ ચિંતા થઇ છે હું પોરબંદરથી લાગલો અહીં આવી ગયો મને તો વહેમ છે કોઇ મારાં કોલ પણ હેક થાય છે કોઇ બીજું સાંભળે છે સાધુને તો પતાવી દીધો પણ એનાં ગૂર્ગા પેલાં મધુ સાથે... “
વિજયે કહ્યું “તું ચિંતા ના કર બધુ હું ગોઠવી દઊં છું મને આટલાં ટેન્શનમાં પણ હસુ આવ્યું કારણ કે દરિયાદેવે કૃપા કરી મને સમજણ પાડી દીધી કે મેં જેને વરસોથી સાચવ્યાં છે એમાં મેં બધાને મારાં સમજ્યાં છે ખૂબ પ્રેમ સગવડ પૈસા આપ્યાં છે માન લૂંટાવ્યા છે હવે એમાં મારાં સાચેજ કોણ છે અને મારાં શત્રુ કોણ અંદરખાને બની બેઠાં છે એ ખબર પડી ગઇ..”
“રાજુ એ લોકોને ખબર નથી હું જીવનની બીજી ઇનીંગ ખેલવા જઇ રહ્યો છું હું હારીશ નહીં કાયમજ દરિયાનો લાલ અને સાગર સમ્રાટ બની રહીશ.. હું જુવાન છોકરાઓને સાથે જોડી રહ્યો છું તાલિમ આપીશ સાચવીશ બહાદુર બનાવીશ. “મારાં” જ જે સાબિત થયાં છે એમનો વિશ્વાસ વધુ દૃઢ બનાવીશ.... ચાલ હું તૈયાર થઊં પછી નીકળીએ.. “
વિજયે રાજુને ગાડી તૈયાર કરવા કહ્યું પાછો અંદર આવ્યો કાવ્યા, કલરવ અને સુમન ડાઇનીંગ ટેબલ પર નાસ્તો કરી પાછા અંદર આવી ગયાં હતાં ગાર્ડનમાંથી એ લોકોએ જોયું કે પાપા અટવાયા છે.
વિજયે એક નજર કાવ્યાની સામે જોયુ અને બોલ્યો “દીકરાં હું એક અગત્યનું કામ પતાવી હમણાં પાછો આવું છું અને સુમન તું તૈયાર થઇ જા મારી સાથે શીપ પર તારે આવવાનું છે” એણે કલરવ સામે જોયું પણ નહીં અને ઉપર એનાં રૂમમાં તૈયાર થવા જતો રહ્યો.
કલરવ અને કાવ્યાએ એકબીજા સામે જોયું.... સુમને કહ્યું “હાં મામા હમણાંજ તૈયાર થઇ જઊં છું “ એમ કહી એ પણ તૈયાર થવા ગયો. કાવ્યા કલરવની મનોસ્થિતિ સમજી ગઇ એણે કહ્યું “હવે પપ્પા હમણાં આવું છું કહીને જાય છે પણ તરત પાછા નહીં આવે. તેઓ સ્વસ્થ છે એવું બતાવવામાં એ પકડાઇ જાય છે કે ચોક્સ કોઇ ટેન્શન છે એટલેજ રાજુભાઇ અચાનક પોબંદરથી આવ્યાં છે.”
કલરવે કહ્યું “તું તારાં પાપાનું જો કંઇ આપવાનું હોય.. હું ગાર્ડનમાં બેઠો છું” એમ કહી એ ગાર્ડનમાં જતો રહ્યો. કાવ્યા કંઇ વિચારે એ પહેલાં વિજય અને સુમન તૈયાર થઇને આવી ગયાં. વિજયે કહ્યું “બેટા હું આવું છું તું... ટેઇક કેર..”. કાવ્યાએ કહ્યું “પાપા યુ ટેઇક કેર. તમે કોઇ ટેન્શનમાં નીકળી રહ્યાં છો. આઇ હોપ બધુ બરાબર હોય... “
વિજયે હસી કાવ્યાનું કપાળ ચૂમીને કહ્યું "દીકરા તું અહીં મારી પાસે આવી ગઇ એટલે બધુજ બરાબર રહેશે રાત પડી છે હું મોડો વહેલો આવી જઇશ અહીં સીક્યુરીટીને બધાં છે નીંદર આવે સૂઇ જજે. લવ યુ” એમ કહીને એ અને સુમન બહાર નીકળ્યાં.
સુમને કાવ્યા તરફ જોઇ સ્માઇલ કર્યુ અને થમ્બ બતાવ્યો કાવ્યાએ બેસ્ટ લક કહ્યું રાજુ એ ગાડી સ્ટાર્ટ કરી વિજય અને સુમન બેસી ગયાં. ગાડી ઝડપથી બંગલાની બહાર નીકળી ગઇ વિજયે પાછળ તરફ જોઇ નજર ફેરવી લીધી.
વિજય અને સુમનનાં ગયાં પછી કાવ્યા દોડીને ગાર્ડનમાં આવી એણે કહ્યું “કલરવ આમ ઓછું ના લાવીશ મને ખબર છે તને પાપા સાથે ના લઇ ગયાં એટલે ખરાબ લાગ્યુ છે પણ મને મારાં પાપા પર પૂરો વિશ્વાસ છે કે બધુ ખૂબ વિચારીને કરે છે. “
કલરવે કહ્યું “અંકલે જે કંઇ વિચાર્યું હોય પણ એમણે મારી સામે પણ ન જોયું... હું સમજું છું તેઓ શીપ પર ફરવા નથી ગયાં ચોક્કસ કોઇ કામથી ગયાં છે પણ સુમનને સાથે લીધો મતલબ એ શીપ પર સેટ કરવાનાં છે એટલે લઇ ગયાં.”
કાવ્યાએ કહ્યું “સુમનનું પહેલેથીજ લક્ષ્ય નક્કીજ હતું. એને પાપા સાથે શીપ પરજ જવું હતું... એટલે પાપાએ એને નાનપણથી કહી રાખેલું હું તને મારી સાથે રાખીશ”. કલરવે કહ્યું “સાચીવાત છે મે તારાં પાપા સાથેની વાતમાં કનફ્યુઝન ઉભું કરેલું. પ્રથમવાર મારે વાત થઇ ત્યારે મેં કીધેલું મારે આગળ ભણવું છે કોઈ સારી કોલેજમાં એડમીશન લઇ આગળ ભણીને સરસ જોબ કરવી છે કદાચ એટલે મને સાથે નહીં લીધો હોય..”.
કાવ્યાએ કહ્યું “ચોક્કસ જ એ કારણ હશે. પાપાની યાદશક્તિ ખૂબ તેજ છે એમણે તારી ઇચ્છાને ધ્યાનમાં રાખી હશે. મારે તો આગળ ભણવાનું નથી હું કંઇક બીજું શીખીશ... અથવા પાપા કહે તેમ કરીશ... અમારામાં છોકરીઓ બહુ ભણતી નથી 16 આસપાસની થાય એટલે લગ્નજ થઇ જાય. હું 12 સુધી ભણી એ પણ મારી મંમીને કારણે.. જોઇએ મારાં નસીબમાં શું લખ્યું છે. “
કલરવે કહ્યું “હું પણ બધી સ્થિતિ સંજોગ જોઇને કન્ફ્યુઝ છું હું સમજું છું તમારી જ્ઞાતમાં જે રીતે રીવાજ હશે એમજ વિજય અંકલ કરશે.. મને વિચાર થાય છે મારે પાપાની શોધ કરવી છે. મારાં પગ પર ઉભા રહેવું છે કોઇનાં પર બોજ નથી બનવું. ભણવાનું નક્કી કરવામાં હું ખર્ચા કરાવીશ. સમય જશે.. તારાંથી દૂર.... હું પણ વિજય અંકલને કહી શીપ પર જ જઇશ.”
કાવ્યા કલરવની સામે જોઇ રહી... એણે કહ્યું “મારાં કલરવ તને જે ઠીંક લાગે એમ કર હું તારાં સાથમાં જ છું” ત્યાં ઘરનો લેન્ડલાઇન રણક્યો.. કાવ્યા દોડીને અંદર આવી ફોન લીધો સામેથી નારણ ટંડેલની વહુ મંજુનો ફોન હતો. મંજુએ કહ્યું "કેમ છે કાવ્યા દીકરા... તું તારા પાપા પાસે આવી ગઇ બહુ સારું કર્યું.. વિજયભાઇને પણ સારું લાગશે. માયા પણ તને યાદ કરે છે અમે લોકો તને મળવા આવશું દીકરા.. તારે અહીંથી શું જોઇએ છે કહેજે માયા અને સતિષ તને મળવા તલ પાપડ છે.. પછી હસીને બોલ્યાં અમે આવતાં પહેલાં જણાવીશું”. કાવ્યાને ફોન પર લાંબી વાત કરતાં જોઇ કલરવ ઉપર એનાં રૂમમાં ગયો કાવ્યા બસ સાંભળી રહી હતી હોંકારા કરતી રહી પછી એ બોલી “માસી આવવાના હોય ત્યારે કહેજો હું ફોન મૂકું..”. કહી ફોન મૂકી દીધો..

વધુ આવતા અંકે ---- પ્રકરણ-74