શ્રીકાંત Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીકાંત

શ્રીકાંત
- રાકેશ ઠક્કર
રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘શ્રીકાંત’ ને સમીક્ષકો ઉપરાંત વર્ડ ઓફ માઉથથી સારો લાભ થયો હતો. ૨૦૧૮ માં રાજકુમારની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ સફળ રહી હતી. એ પછી આવેલી ૧૦ ફિલ્મોનો એનો અભિનય જરૂર વખણાયો હતો પણ ધંધાકીય રીતે સફળ થઈ શકી ન હતી. હવે અભિનયને કારણે જ ‘શ્રીકાંત’ જોવા માટે દર્શકો ઉમટી રહ્યા છે. રાજકુમાર એવો અભિનેતા છે જેના અભિનય પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય એમ છે. તેની નિષ્ફળ ફિલ્મોની યાદી લાંબી થઈ રહી હતી. એક લડકી કો દેખા તો એસા લગા, જજમેન્ટલ હૈ ક્યા, મેડ ઇન ઈન્ડિયા, શિમલા મિર્ચ, 5 વેડિંગ્સ, રૂહી, બધાઈ દો, હિટ અને ‘ભીડ’ જેવી અનેક ફિલ્મો થિયેટરોમાં ભીડ ભેગી કરી શકી ન હતી. સતત નિષ્ફળ ફિલ્મો પછી પણ રાજકુમાર રાવનો અભિનય જ નવી ફિલ્મો અપાવી રહ્યો હતો. નિર્દેશક તુષાર હીરાનંદાનીની ‘શ્રીકાંત’ માં ખામીઓ છે પણ એમાં રાજકુમારનો અભિનય દર્શકોને ખુશ કરી દે છે.
તુષારે કોમેડી ફિલ્મ ‘મસ્તી’ થી શરૂઆત કરી હતી. છેલ્લે ‘સાંઢ કી આંખ’ ની પ્રશંસા થઈ હતી. અસલમાં એ પહેલાં ‘શ્રીકાંત’ બનાવવા માગતા હતા. બાયોપિક બનાવવાના અધિકાર રાકેશ ઓમપ્રકાશ મહેરા પાસે હોવાથી એ મેળવવામાં સમય લાગી રહ્યો હોવાથી ‘સાંઢ કી આંખ’ બનાવી હતી. જ્યારે શ્રીકાંત બોલાને ખબર પડી કે તુષારે ‘સાંઢ કી આંખ’ બનાવી છે ત્યારે એણે અધિકાર આપી દીધા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હતા ત્યારે કોઈ કલાકારનું નામ મનમાં ન હતું. સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી બધાંએ રાજકુમારનું જ નામ સૂચવ્યું હતું. તુષારે ઈમાનદારીથી નિર્દેશન કર્યું છે અને રાજકુમારે એટલો જ ન્યાય આપ્યો છે.
બાયોપિકમાં યોગ્ય કલાકારની પસંદગી કરીને નિર્દેશક અડધી બાજી પહેલાં જ જીતી શકે છે. રાજકુમારે એટલું સહજતાથી પાત્ર ભજવ્યું છે કે એ શ્રેષ્ઠ પસંદગી કહી શકાય. શ્રેષ્ઠ અભિનય માટે નાના-મોટા એવોર્ડ સહિત તે રાષ્ટ્રીય એવોર્ડનો હકદાર બની રહ્યો છે. એકપણ દ્રશ્યમાં એ શ્રીકાંત નથી એવું લાગતું નથી. પાત્રને તે જીવી ગયો છે. એણે અંધ શ્રીકાંતના માત્ર હાવભાવ જ કર્યા નથી એના જેવી આદતો સાથે પાત્ર જીવી બતાવ્યું છે. અંધ વ્યક્તિનું પાત્ર ભજવવું ઘણું કઠિન હોય છે. ક્યાંય એવું લાગતું નથી કે એનાથી પાત્ર છૂટી ગયું છે. એ સતત પાત્રમય રહ્યો છે.
રાજકુમારને બીજા કલાકારોનો સાથ સારો મળ્યો છે. અલાયા એફ. અને શરદ કેળકરનું કામ પણ લાજવાબ છે. બંને કલાકારો ફિલ્મમાં અભિનયનો ગ્રાફ ઉપર લઈ જવાનું કામ કરે છે. છેલ્લે અજય સાથે ‘શેતાન’ માં દેખાયેલી જ્યોતિકાએ એક ટીચરની ભૂમિકાને જીવી બતાવી છે. અસલમાં જ્યોતિકાએ ‘શેતાન’ પહેલાં આ ફિલ્મ સ્વીકારી હતી. લાંબા સમય પછી એવી ફિલ્મ આવી છે જેમાં કલાકાર ઈમોશનલ થાય ત્યારે દર્શકની આંખમાં આંસુ આવી જાય છે. છેલ્લી કેટલીક બાયોપિકમાં ‘શ્રીકાંત’ વધુ સારી હોવાનો અભિપ્રાય વ્યક્ત થયો છે.
ફિલ્મમાં તકનીકી વાતો બહુ આપી નથી અને મુખ્ય પાત્રના ગ્રે શેડ્સ પણ બતાવ્યા છે. શ્રીકાંત અભિમાનમાં આવી જાય છે ત્યારે પણ રાજકુમાર દ્રશ્યોને ન્યાય આપવામાં ચૂકતો નથી. ફિલ્મનો પહેલો ભાગ વધુ સારો બન્યો છે. એમાં શ્રીકાંતનો સંઘર્ષ પણ મનોરંજન આપે છે. બીજા ભાગમાં સ્ક્રિપ્ટની કેટલીક ખામીઓ નજરે પડશે પણ અંતમાં પ્રેરણા આપી જાય એવી ફિલ્મ જોયાનો સંતોષ આપશે.
આમ તો સવા બે કલાકની જ છે પણ બીજા ભાગની લંબાઈ ઘટાડવા જેવી હતી. કેટલાક પ્રસંગોને ઝડપથી પતાવી દેવામાં આવ્યા છે એવું પણ લાગશે. એક દ્રશ્યમાં કોચ કહે છે કે દેશને તારી જરૂર છે. ત્યારે જર્સી પાછી આપીને શ્રીકાંત કહે છે કે દેશને એની જરૂર નથી અને દ્રશ્ય પૂરું થઈ જાય છે. શ્રીકાંતની સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ બતાવવાની જરૂર હતી. ગીત- સંગીત ફિલ્મના વિષયને અનુરૂપ છે.