નારદ પુરાણ - ભાગ 25 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 25

શ્રી સનક બોલ્યા, “હે વિપ્રવર, ભગવાન વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન ફરીથી સાંભળો. વિષયભોગમાં પડેલા માણસો તથા મમતાથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા મનુષ્યોનાં સઘળાં પાપોનો નાશ ભગવાનના એક જ નામસ્મરણથી થાય છે. ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહીને જેઓ સર્વ મનુષ્યો ઉપર અનુગ્રહ રાખે છે ને ધર્મકાર્યમાં સદા તત્પર રહેતા હોય છે, તેમને સાક્ષાત વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના ચરણના ઉદકનું એક ટીપું પણ પી લે છે, તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે. આ વિષયમાં પણ જ્ઞાની પુરુષો આ પ્રાચીન ઈતિહાસ કહેતા હોય છે.

        ગુલિક નામનો એક પ્રસિદ્ધ વ્યાધ હતો. તે પારકી સ્ત્રી અને પારકું ધન હરી લેવા માટે હંમેશાં તત્પર રહેતો. તે સદા લોકોની નિંદા કર્યા કરતો. તેણે અનેક ગાયો અને બ્રાહ્મણોની હત્યા કરી હતી. એક દિવસ તે મહાપાપી વ્યાધ સૌવીનરેશના નગરમાં ગયો. સંપૂર્ણ ઐશ્વર્યોથી ભરપૂર તે નગરના ઉપવનમાં ભગવાન વિષ્ણુનું સુંદર મંદિર હતું. તેના પર સુવર્ણના કળશ ચડાવેલા હતા. ગુલિકે તે ચોરી જવાનો નિશ્ચય કર્યો અને મંદિરમાં પ્રવેશ્યો. ત્યાં તેણે પરમ શાંત, તત્વાર્થજ્ઞાનમાં નિપુણ ઉત્તંક નામના બ્રાહ્મણને જોયા. તેઓ ભગવાન વિષ્ણુની સેવાપૂજા કરી રહ્યા હતા. વ્યાધે તેમને પોતાના કાર્યમાં વિઘ્ન નાખનારા માન્યા.

        ગુલિક અત્યંત સાહસી લૂંટારો હતો અને મદથી ઉન્મત્ત થયેલો હતો. મુનિને ભોંય પણ પછાડી તેમની છાતી પણ પગ મૂકીને એક હાથે તેમની જટા પકડીને મારી નાખવાનો વિચાર કર્યો. આ અવસ્થામાં વ્યાધને જોઇને ઉત્તંકે કહ્યું, “અરે ઓ સાધુ પુરુષ, તમે વ્યર્થ જ મને મારી રહ્યા છો. હું નિરપરાધ છું. હે મહામતે, મને કહો તો ખરા, મેં તમારો શો અપરાધ કર્યો છે? લોકમાં શક્તિશાળી પુરુષો અપરાધીઓને દંડ આપે છે, પરંતુ સત્પુરુષો પાપીઓને કારણ વગર નથી મારતા. અનેકવાર સતાવવામાં આવ્યા છતાં જે માણસ ક્ષમા કરે છે, તેને ઉત્તમ કહેવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુને તેઓ હંમેશાં પ્રિય હોય છે. જે મનુષ્યો સદા પારકાઓનું ભલું કરવામાં રચ્યાપચ્યા રહે છે, તે સાધુ પુરુષો કોઈની સાથ વેર ધરાવતા નથી.

        આ માયા ભારે પ્રબળ છે, તે સમસ્ત જગતને મોહમાં નાખી દે છે, તેથી જ માણસો પોતાના પુત્ર-મિત્ર અને સ્ત્રીની ખાતર બધાંને દુઃખી કરતા હોય છે, તમે બીજાઓનું ધન લૂંટીને પોતાની સ્ત્રીનું પોષણ કર્યું, પરંતુ અંતકાળે મનુષ્ય બધું છોડીને એકલો જ પરલોકની યાત્રા કરે છે. મારી માતા, મારા પિતા, મારી પત્ની, મારા પુત્ર અને મારી આ વસ્તુ-આ પ્રમાણેની મમતા પ્રાણીઓને વ્યર્થ પીડા આપ્યા કરે છે. પુરુષ જ્યાં સુધી કમાતો-ધમાતો હોય છે, ત્યાં સુધી જ ભાઈ-ભાંડુઓ તેની સાથે સંબંધ રાખે છે, પરંતુ આ લોક અને પરલોકમાં કેવલ ધર્મ અને અધર્મ હ સદા તેની સાથે રહે છે, ત્યાં બીજું કોઈ સાથી હોતું નથી. ધર્મ અને અધર્મથી કમાવેલા ધન દ્વારા જેણે જેમનું પાલનપોષણ કર્યું હોય છે, તેઓ જ તે મરી ગયા પછી આજ્ઞા મુખમાં નાખી દઈને પોતે ઘૃતયુક્ત અન્ન જમે છે. પાપી માણસોની કામના રોજ વધે છે અને પુણ્યાત્મા પુરુષોની કામના પ્રતિદિન ક્ષીણ થતી હોય છે. ‘જે થવાનું હોય છે, તે થઈને જ રહે છે અને જે થવાનું નથી, તે કયારેય થતું નથી.’ જેની બુદ્ધિમાં આવ્યો નિશ્ચય હોય છે, તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. મનુષ્યે કમાયેલા સર્વ ધનને ભાઈ-ભાંડુઓ ભોગવે છે, પરંતુ તે મુર્ખ પોતાનાં પાપોનું ફળ પોતે એકલો જ ભોગવે છે.”

        મહર્ષિ ઉત્તંગની આવી વાતો સાંભળીને ગુલિકે તેમને છોડી દીધા અને પછી વ્યાકુળ થઈને હાથ જોડીને કહેવા લાગ્યો, “મારો અપરાધ ક્ષમા કરો. હે વિપ્રવર, મેં ઘણાં ભારે અને અતિભયંકર પાપ કર્યાં છે. તે બધાં આપના દર્શનથી નષ્ટ થઇ ગયાં. અરેરે! મારી બુદ્ધિ પાપકર્મ કરવામાં જ લાગેલી રહી અને હું શરીરથી પણ હંમેશાં મોટાં પાપો જ કરતો રહ્યો. હવે મારો ઉદ્ધાર કઈ રીતે થઇ શકવાનો છે? હે ભગવન, હું કોને શરણે જાઉં? પૂર્વજન્મમાં કરેલાં પાપોને લીધે વ્યાધ કુળમાં મારો જન્મ થયો. હવે આ જીવનમાં પણ ઢગલાબંધ પાપ કરીને હું કઈ રીતે ગતિ પામીશ? આ બધાં પાપો હું કેટલા જન્મ સુધી ભોગવીશ?”

        આ પ્રમાણે પોતે જ પોતાની નિંદા કરીને આંતરિક સંતાપના અગ્નિથી દગ્ધ થઈને તે વ્યાધે તરત પ્રાણ છોડી દીધા. વ્યાધને મરણ પામેલો જોઇને મહર્ષિ ઉત્તંકને દયા આવી અને તે મહાજ્ઞાનીએ ભગવાન વિષ્ણુના ચરણોદકથી તેના શરીરને સીંચ્યું. ભગવાનના ચરણોદકનો સ્પર્શ થવાથી તેનાં પાપ નષ્ટ થઇ ગયાં અને વ્યાધ દિવ્ય શરીર અને દિવ્ય વિમાનમાં બેસીને મુનિને કહેવા લાગ્યો, “હે મુનિશ્રેષ્ઠ, આપ મારા ગુરુ છો. આપની કૃપાથી હું મહાપાતકોમાંથી મને છુટકારો મળ્યો છે. આપે મારા ઉપર ભગવાનનું ચરણોદ છાંટ્યું છે, તેના પ્રભાવથી મને આપે ભગવાન વિષ્ણુના પરમપદે પહોંચાડી દીધો. આપે મારો ઉદ્ધાર કર્યો છે, તેથી હું આપના ચરણોમાં મસ્તક નમાવું છું.”

        એટલું કહીને ગુલિક વિમાનમાંથી ઉતરીને ઉત્તંગમુનિની ત્રણવાર પરિક્રમા કરીને તે દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુના ધામમાં ગયો. આ બધું જોઇને તપોનિધિ મુનિ ઉત્તંક ભારે નવાઈ પામ્યા અને તેમણે માથા ઉપર અંજલી બાંધીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. આથી ભગવાન વિષ્ણુએ તેમને આપેલા વરદાનના પ્રભાવથી ઉત્તંક મુનિ પરમપદને પ્રાપ્ત થયા.”

                શ્રી સનક બોલ્યા, “હે વિપ્રવર, હવે ફરીથી ભગવાન વિષ્ણુનું મહાત્મ્ય સાંભળો. તે સર્વ પાપોને દૂર કરનારું, પવિત્ર તથા મનુષ્યોને ભોગ અને મોક્ષ આપનારું છે. અહો! સંસારમાં ભગવાન વિષ્ણુની કથા અદ્ભુત છે, તે શ્રોતા, વક્તા તથા ભક્તજનોના પાપોનો નાશ કરનારી અને પુણ્ય આપનારી છે. દર્શન, સ્મરણ, પૂજન, ધ્યાન અથવા પ્રણામ માત્ર કરવાથી ભગવાન ગોવિંદ દુસ્તર ભવસાગરથી ઉદ્ધાર કરી દે છે.

        હે વિપ્રવર નારદ, જાણીને કે વગર જાણીને જે માનાન્સો ભગવાનની પૂજા કરે છે, તેમને અવિનાશી ભગવાન નારાયણ અવશ્ય મોક્ષ આપે છે. સર્વ ભાઈ-ભાંડુઓ અનિત્ય છે, ધન-વૈભવ પણ સદા રહેનારો અંતહી અને મૃત્યુ તો હંમેશાં બાજુમાં ઊભેલું જ હોય છે-એમ જાણીને ધર્મનો સંચય કરવો જોઈએ. મૂર્ખ માણસો મદથી ઉન્મત્ત થઈને વ્યર્થ ગર્વ કર્યા કરે છે. જયારે શરીરનો જ વિનાશ નજીક છે ત્યારે ધન વગેરેની તો વાત જ કરવાની ક્યાં રહી? તુલસીની સેવા દુર્લભ છે, સાધુ પુરુષોનો સંગ દુર્લભ છે અને સર્વ પ્રાણીઓ પ્રતિ દયાભાવ પણ કોઈ વિરલ પુરુષને જ સુલભ થાય છે. દુર્લભ એવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કર્યા પછી વિદ્વાન પુરુષે તે વેડફી નાખવું નહીં.

        હે બ્રહ્મન, ભવસાગર તરી જવાની ઇચ્છાવાળા માણસે ભગવાનનું ભજન કરવું. ને અ ઘરમાં તુલસી પૂજાય છે, ત્યાં પ્રતિદિન સર્વ પ્રકારના શ્રેયની વૃદ્ધિ થતી હોય છે. જ્યાં શાલગ્રામશિલા વિદ્યમાન હોય છે, તે સ્થાન તીર્થ છે. પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર તથા અંગો સહિત છ વેદ આ બધાંને વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.

        જેઓ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની ચાર વાર પરિક્રમા કરે છે, તેઓ પણ તે પરમપદને પ્રાપ્ત થાય છે કે જ્યાં સર્વ કર્મબંધનોનો નાશ થઇ જાય છે.

भक्त्या कुर्वन्ति ये विष्णो: प्रदक्षिणचतुष्टयम् ।

तेऽपि यान्ति परं स्थानं सर्वकर्मनिबर्हणं ॥

ક્રમશ: