ખજાનો - 65 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 65

"એક મિનિટ..! આ હાડપિંજર પરના સ્ક્રેચીઝ તો પક્ષીઓની ચાંચના છે અને છિદ્રો..છિદ્રો રેતીમાં રહેલ ક્ષારનાં કારણે પડ્યા છે. આ હાડપિંજર તો...!" હાડપિંજરનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરતા જૉની બોલતા બોલતા અટકી ગયો.

" જોની શું બોલતા બોલતા અટકી કેમ ગયો? હાડપિંજર તો શું...?" એકીટ હશે હાડપિંજરના દરેક ભાગ ઉપર હાથ તેમજ પોતાની તીક્ષ્ણ નજર ફેરવતા જોનીના હાવ ભાવ જોઈ હર્ષિતે જોનીને પૂછ્યું.

" એકાદ મહિના પહેલા જ મૃત્યુ પામેલ વ્યક્તિનું આ હાડપિંજર છે. તેના રંગ અને સ્ટ્રક્ચર ઉપરથી હું કહી શકું છું કે જે તે વ્યક્તિ તંદુરસ્ત હોવો જોઈએ." ખૂબ જ ઝીણવટ ભર્યો અભ્યાસ કરતા જોનીએ કહ્યું.

"મતલબ આ વ્યક્તિ અકાળે મૃત્યુ પામેલ હોવો જોઈએ. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ ટાપુ મને કોઈ મોટા સંકટનો અણસાર આપી રહ્યો હતો. આ ધરતી પર પગ મુકતા જ કોણ જાણે કેમ મને એ કોઈ સંકટ કોઈ મોટી આફત આવશે તેવી અનુભૂતિ થઈ રહી હતી. આ હાડપિંજર જોતા મને એવું લાગે છે કે આપણે અહીં વધારે સમય ન રોકાવવું જોઈએ." અબ્દુલ્લાહિએ ચારે બાજુ નજર ફેરવતા કહ્યું.

"તો ચાલો ભાઈ..!ફટાફટ જહાજમાં ગોઠવાઇ જઈએ.મારે હાડપિંજર બનવું નથી. મારે તો હજુ હિન્દુસ્તાન જઈને સરસ મજાની રેસ્ટોરન્ટ ખોલવાની છે." ગભરાતા સ્વરે સુશ્રુત પાછો પડીને બોલ્યો.

"પરંતુ એવું તો શું કારણ હોઈ શકે કે સાવ તંદુરસ્ત અને નિરોગી માણસનું આ રીતે મૃત્યુ થયું હોય..? આપણે જે સંકટ... આફતનું અનુમાન કરીને ડરી રહ્યા છીએ શું ખરેખર આ ટાપુમાં કોઈ એવું રહસ્ય છુપાયું હશે કે જે જીવતા માણસોને ભરખી જાય...? મને નથી લાગતું. બની શકે આ હાર્ડ પિંજર ધરાવતા મનુષ્યનું મૃત્યુ કોઈ બીજા કારણે પણ થયું હોય...?" પોતાના સ્વતંત્ર વિચારો ધરાવતી લિઝાએ કહ્યું.

"મેં ઑસ્ટિયોલોજીનો અભ્યાસ કરેલો છે. આ હાડપિંજરને જોતા હું 99% કહી શકું છું કે આ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઝેરી ગેસ શ્વાસોશ્વાસમાં જવાથી થયું છે." જોની બોલ્યો.

"ઓસ્ટિયોલોજિસ્ટ જોનીની વાતથી હું સહમત છું. બની શકે કે આ ટાપુ પર કોઈ એવા ઝેરી વાયુઓનું ઉત્પાદન થતું હોય..! જે સજીવો માટે ઘાતક હોઈ શકે. જો પેલા વૃક્ષ પર ઉડતા અને ભયાનક અવાજ કરતા પક્ષીઓને તું જો. તેઓનું વર્તન વ્યવહાર પણ કંઈક વિચિત્ર લાગી રહ્યું છે." ટાપુ પર રહેલા વૃક્ષોની ઉપર ઉડી રહેલા પક્ષીઓ અને તેઓના વિચિત્ર અવાજ તરફ લિઝાનું ધ્યાન દોરતા ઈબતીહાજએ કહ્યું.

"મારો અનુભવ કહી રહ્યો છે કે તે પક્ષીઓનું વર્તન કોઈ અણધારી મુસીબતના એંધાણ લાગી રહ્યા છે. મને લાગે છે કે આપણે વધારે સમય રાહ ન જોતા ફટાફટ જહાજમાં બેસીને કિનારાથી દૂર ચાલ્યા જવું જોઈએ." પરિસ્થિતિનો તાગ મેળવતા અબ્દુલ્લાહીજીએ સૌને ચેતવ્યા. અબ્દુલ્લાહીજીની વાત સાંભળી યુવાનો તેમની સાથે જહાજમાં જઈને બેઠા.

જોની અને અબ્દુલ્લાહીજીએ જહાજના એન્જિનને સંભાળ્યું અને પૂર જોશે તેઓ કિનારાથી દૂર ચાલ્યા ગયા. થોડી જ ક્ષણોમાં તે ટાપુ પર મોટો ધડાકો થયો અને કાળા રંગનો ધુમાડો ખૂબ ઊંચે સુધી ઉછડ્યો. તે ધમાકા સાથે જ પક્ષીઓનો વિચિત્ર અવાજ બંધ થઈ ગયો.

ધમાકાનો અવાજ સાંભળી સૌ જહાજના ટેરેસ પર આવ્યા અને તે ટાપુને ભય અને આશ્ચર્યથી એકીટશે જોવા લાગ્યા.

"અબ્દુલ્લાહી મામુની સુઝબુઝ અને ઓસ્ટિયોલોજિસ્ટ જોનીના અનુભવને કારણે આજે આપણે આ ભયાનક ટાપુ થી પોતાનો જીવ બચાવી શક્યા છીએ. ખરેખર તમને બંનેને ધન્ય છે." ભાવુક થતા હર્ષિતે જોની અને અબ્દુલ્લાહીનો આભાર વ્યક્ત કર્યો.

"અરે એમાં આભાર શાનો..? આપણે સૌ મિત્ર છીએ. એક ચોક્કસ હેતુ સાથે આપણે આ ખતરનાક સફરે નીકળ્યા છીએ. આપણા સૌની અંદર કંઈક ને કંઈક સૂઝબુઝ અને વિશિષ્ટ તાકાત છે. બસ આ જ તાકાત અને અનુભવો સાથે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. માઈકલ અંકલને સલામત ઘરે પાછા લાવવાના છે. તેમજ સોમાલીયાના રાજા ને ખજાનો બતાવી તેની ગરીબ પ્રજાને સમૃદ્ધ બનાવવાની છે. બસ આ બંને લક્ષ્ય શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય એવી જ પ્રભુને તો મારી પ્રાર્થના છે." જોનીએ કહ્યું.

To be continue...

મૌસમ😊