ખજાનો - 61 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 61

"વાત તારી બરાબર છે, પરંતુ મને કંઈક અજીબ ફીલિંગ થઈ રહી છે.મને અંદરથી એવું થાય છે કે આપણે કિનારા પર ચાલ્યા જવું જોઈએ. કિનારો બહુ દૂર નથી તો આજની રાત ત્યાં રોકાઈ જવામાં શું હર્જ છે...?" અબ્દુલ્લાહીએ કહ્યું.

એવામાં જહાજના નીચેના ભાગમાંથી કંઈક અવાજ આવ્યો. આ સાંભળી બધા જ મિત્રો જહાજની નીચેના ભાગ તરફ ગયા અને ત્યાં જઈ બધાએ જે દ્રશ્ય જોયું તે જોઈ બધાં ચોકી ગયા.

જહાજના નીચેના ભાગમાં એક બાજુ એન્જિન અને બીજી બાજુ ખાલી પડેલ જગ્યામાં અનાજનો કોઠાર હતો. બે-ત્રણ મહિના સુધી ચાલે તેટલું અનાજ તેમજ ડ્રાયફ્રુટ ભરેલા હતા. અનાજની બાજુની દિવાલ પાસે એક તિરાડ પડી હતી. જેમાંથી લાંબી પાતળી પાણીની ધાર છૂટી રહી હતી. ધીમે ધીમે પાણીની તે ધારની માત્રા વધી રહી હતી. પાણી ફર્શ પર બે આંગળ સુધી ફેલાઈ ગયું હતું. અનાજનો નીચેનો ભાગ પલળી ગયો હતો. કેટલાક વસ્ત્રો પણ હતા જે પાણીમાં ભીંજાયા હતા. લિઝા ફટાફટ તે વસ્ત્રોને ઊંચે મુકવાનો પ્રયત્ન કરી રહી હતી. ઈબતીહાજ પાણીની ધારને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે તે અસફળ રહેતો હતો.

સુશ્રુત જે અનાજ પલળ્યું નહોતું તેને ઝડપથી ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો, જેથી કરીને અનાજ બગડી ન જાય. ઈબતીહાજ હજુ પણ પાણીને રોકવાની મથામણ કરી રહ્યો હતો. હર્ષિતે ઉપર જઈને જૉનીને આ વાત કહી. હર્ષિતની વાત સાંભળીને તરત જ જૉનીએ પોતાના જહાજની સ્પીડ વધારી.. જેથી કરીને ઝડપથી કિનારા સુધી પહોંચી જવાય. પરંતુ જહાજની સ્પીડ વધતા નીચેના ભાગમાં પાણીની ધાર....પાણીનો પ્રવાહ... વધુમાં વધુ તીવ્ર બનતો ગયો. ધીમે ધીમે તે તિરાડ વધી રહી હતી. તેને રોકવી મુશ્કેલ જ નહીં નામુમકીન બની રહી હતી.

ઈબતીહાજ એકલા હાથે તે પાણીને રોકી શકવા સક્ષમ ન હતો. તેણે સુશ્રુતને સામે પડેલા એક લાકડાના ટુકડાને પોતાની તરફ ફેંકવા ઇશારો કર્યો. સુશ્રુતે લાકડાનું પાટિયું ઈબતીહાજને આપ્યું. ઈબતીહાજ તે લાંબા પાટિયાને તિરાડ પર ગોઠવી પાણીના પ્રવાહને રોકવા મથી રહ્યો. ત્યાં જ હર્ષિત નીચે આવ્યો. ઈબતીહાજને આમ પાણીને રોકતો જોઈ તે ખીલી હથોડો લઈને પાટિયાને ફીટ કરવા લાગ્યો. પરંતુ આ શું..? જેમ તેણે ખીલી હથોડા માર્યા, તે તિરાડ વધારે ને વધારે પહોળી થતી ગઈ.

"ઈબતીહાજ...! પાણીના આ પ્રવાહને રોકવો તો ઘણો મુશ્કેલ છે. એમાં પણ સ્પીડમાં જતાં જહાજ ને કારણે પાણીનો પ્રવાહ પણ ખૂબ તીવ્ર બની ગયો છે. મને નથી સમજાતું કે હવે આપણે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવીશું..? કિનારે પહોંચતા હજુ દસેક મિનિટ તો લાગી જ જશે...!"ગભરાયેલા અને રઘવાયા સ્વરે હર્ષિતે ઈબતીહાજને સંબોધીને કહ્યું.

"મિત્ર....! એમ હાર માને કંઈ નહીં થાય..! આપણે માત્ર આપણો જીવ નથી બચાવવાનો... આ જહાજને પણ સલામત રાખવું જ પડશે.. જો માઈકલ સુધી પહોંચવું હોય તો...! આથી જો, આ પાણીના અવરોધને રોકીશું નહીં તો પ્રવાહ વધારે તીવ્ર થઈ જશે અને તિરાડ પણ મોટી થતા વાર નહિ લાગે.અને જો આમ થયું તો કિનારા સુધી પહોંચતા પહેલા જ આપણું જહાજ ડૂબી જશે. આથી શક્ય એટલા પ્રયત્નો તો કરવા જ જોઈએ."ઈબતીહાજએ સામે પડેલ બીજા લાકડાના પાટીયા તરફ જોઈએ હર્ષિતને કહ્યું. હર્ષિત ઈબતીહાજનો ઈશારો સમજી ગયો અને તે પાટીયું લઈ આવ્યો. બંને મિત્રો પાણીને રોકવાની ઘડમથલમાં હતા. શક્ય તેટલા દરેક પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ સંપૂર્ણપણે તેઓ પાણીને રોકવા સક્ષમ ન હતાં. જહાજના નીચેના ભાગમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયું હતું.સૌ વધતાં જતાં પાણીથી ગભરાઈ રહ્યાં હતા.

To be continue...

મૌસમ 😊