ખજાનો - 40 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 40

" નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મને અહીં સાપોની કોટડીમાં કેદ કરી મારું નગર હડપી લીધું છે." રાજાએ કહ્યું.

" અહીં તમે કેટલા સમયથી કેદ છો? આ ઝેરીલા સાપોની વચ્ચે તમે સલામત કેવી રીતે રહ્યા ? " સુશ્રુતે પૂછ્યું.

"અહીં હું એક અઠવાડિયાથી છું. નુમ્બાસાને એમ હતું કે આ ઝહેરીલા સાપોની વચ્ચે મને રાખવાથી હું મરી જઈશ. પરંતુ સર્પપ્રેમ અને ઝહેરી તેમજ બિનઝહેરી બધા જ પ્રકારના સાપોના જ્ઞાનને કારણે આજે હું અહી જીવિત છું તથા તમે પણ...! બસ અઠવાડિયાથી માત્ર પાણી પર છું આથી હવે શરીરમાં સ્ફૂર્તિ કે તાકાત રહી નથી."

" તમે આટલા બધાં સાપોની વચ્ચે કેવીરીતે જીવિત રહ્યાં ? અમને પણ એ વાત નવાઈ પમાડે છે કે આટલા ઝહેરીલા સાપ કરડતાં નથી ને એમની વચ્ચે અમે હજુએ જીવિત છીએ ?" જૉનીએ પૂછ્યું.

" સાપ પણ આપણા જેવો જીવ જ છે. દરેક જીવ પોતાનો જીવ બચાવવા માટે જ ડંખે છે. જેમ આપણે આત્મ રક્ષા હેતુ હથિયાર ઉઠાવીએ છીએ એમ. બાળપણથી મારા પિતાએ મને દરેક નિર્દોષ જીવ પ્રત્યે દયા દાખવવાનું શીખવ્યું હતું. નાનો હતો ત્યારે સાપથી ખૂબ ડરતો. મારો ડર દૂર કરવા મારા પિતા રોજ મહેલમાં નવા નવા સાપ મંગાવતાં અને મને તેની સાથે રમતાં રમતાં તેના સ્વભાવ અને ગુણો વિશે શીખવાતા. બસ બાળપણમાં લીધેલ આ જ્ઞાન મને અહીં ઉપયોગી થઈ ગયું. મારી પાસે જે કોઈ પણ સાપ આવતો હું તેને પ્રેમથી પંપાળતો અને ધીમે રહીને તેનો ડંખ મારવાનો દાંત તોડી દેતો. જેથી કરીને ભૂલથી અંધારામાં મારાથી તેને ભય લાગે અને મને ડંખે તો મને તેનાં ડંખનું ઝહેર લાગે નહિ. અને જાણે એક અઠવાડિયાથી મારી સાથે રહીને આ સાપોને પણ માનવોથી મિત્રતા થઈ ગઈ છે." રાજાએ હસીને કહ્યું.

"કદાચ એટલે જ તેઓએ અમારી સાથે સારો વ્યવહાર કર્યો." સુશ્રુતે કહ્યું.

" હા હો...ખૂબ સારો વ્યવહાર કર્યો. હમણાં તારા પગ પર સાપ તને ભેટવા ચડતો હતો...!" લિઝાની વાતથી સૌ ખડખડાટ હસી પડ્યા.

"આદરણીય રાજાજી...! અમે છત પરની બારીમાંથી બહાર નીકળવાની યોજના બનાવી છે. આપશ્રી અહીંના માનનીય રાજાજી છો. આપને આ મહેલના નકશા અને ભૂગોળ વિશે વધુ માહિતી હશે. તો શું અમારી આ યોજના અહીંથી બહાર નીકળવામાં સફળતા અપાવશે ?" જૉનીએ પૂછ્યું.

" આમ તો જોવા જઈએ તો કોટડીની છત મહેલની પાછળની બાજુએ આવે છે. પણ મહેલની ચારેય બાજુએ પહેરેદારની ચોકી હોય છે જો પહેરેદાર મારા જ સૈનિકો હશે તો વાંધો નહીં આવે તેઓ મને ઓળખી જશે, પણ જો નુમ્બાસાના માણસો હશે તો થોડું અઘરું થઈ પડે."

"તો હવે આપણે શું કરવું જોઈએ ?" હર્ષિતે પૂછ્યું.

"સૌથી પહેલાં હું બહાર જોઈને ખાતરી કરી લઉ કે સૈનિકો કયાં છે ? રાજાએ કહ્યું.

"જો નુમ્બાસાના સૈનિકો હશે તો ?" સુશ્રુતે પૂછ્યું.

"તો પાસે એક સુરંગ છે. સાહસ કરીને આપણે તે સુરંગ સુધી પહોંચવું પડશે. એ સુરંગ વિશે કદાચ નુમ્બાસાને ખબર નહીં હોય. આ સુરંગ આપાતકાલીન સુરક્ષા માટે બનાવી હતી. તેના વિશે માત્ર હું અને મારો સેનાપતિ જ જાણીએ છીએ."

"એ સુરંગ આપણને ક્યાં લઈ જાય ?" સુશ્રુતે પૂછ્યું.

"બેટા એ પછી વિચારશું. પહેલાં એ ખાતરી કરી લઈએ કે બહાર સૈનિકો છે કે નહીં ? અને છે તો કોના સૈનિકો છે ?" જૉનીએ કહ્યું.

ચારેય મિત્રોએ મહારાજને ફરી પાણી આપીને તેઓને ઊભાં કર્યા અને લાકડાં અને વેલાઓથી બનાવેલ નિસરણીથી છત સુધી પહોંચવામાં મદદ કરી. રાજાએ છતની બહાર ડોકાચિયું કરી જોયું. બહારનું દ્રશ્ય જોઈ રાજાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયાં. રાજાના હાવભાવ જોઈ ચારેય એકબીજા સામે જોવા લાગ્યાં.

To be continue.....

( શું રાજા સાથે ચારેય મિત્રો કોટડીમાંથી બહાર નીકળવામાં સફળ થશે ? રાજાએ એવું તે શું જોયું કે તેમનાં હાવભાવ સાવ બદલાઈ ગયાં ? તે જાણવા માટે મારા વ્હાલા વાચક મિત્રો આપશ્રીએ આગળનો ભાગ વાંચવો પડશે.)

😊 મસ્ત રહો...ખુશ રહો...ખુશહાલ રહો..🤗

😊 મૌસમ😊