ખજાનો - 36 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 36

" રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત છે. અહીના ખરેખર રાજા ક્યાં ગયા હશે ? અને આ નુમ્બાસા કેવી રીતે રાજાના સ્થાને આવ્યો ? એ પણ એક કોયડો છે. " હર્ષિતે કહ્યું.

" ફ્રેન્ડસ હમણાં મારામાં કોઈ કોયડા ઉકેલવાની તાકાત નથી. કેમકે ડર અને થાકની સાથે મને ભૂખ પણ લાગી છે. આ નુમ્બાસા આપણને ખાવાનું આપશે કે આમ, ભૂખ્યા જ મારી નાખશે ?" સુશ્રુતે કહ્યું.

" સુશ્રુતની જઠરાગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ છે. હવે જ્યાં સુધી તે શાંત નહિ થાય ત્યાં સુધી આપણા સૌનું તે માથું ખાશે. " ગંભીર વાતાવરણને હળવું બનાવવા લિઝાએ મજાક કરતા કહ્યું.

સુશ્રુતના ઉતરેલો ચહેરો જોઈ અને લિઝાએ કરેલ કટાક્ષથી જૉની અને હર્ષિત હસી પડ્યા.

"ખોરાક નહીં તો, પાણી તો ક્યાંક જરૂરથી હશે. ચાલો શોધીએ. કદાચ બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ મળી જાય...! બેસી રહેવાથી કંઈ નહીં મળે. પરંતુ હા, આ સાપો થી થોડા સાવધાન રહેજો. આપણે સલામત રીતે બહાર પણ નીકળવાનું છે." આટલું કહેતા લિઝા ઊભી થઈ.

ચારેય મિત્રો ખૂબ જ સાવધાનીથી અંધારામાં ખોરાક પાણીની શોધ કરવા લાગ્યા. કોટડી સામાન્ય ન હતી. વિશાળ હતી, પણ અંધારું ખૂબ જ હતું. છત પરની બારીમાંથી સામાન્ય પ્રકાશ આવતો હતો પરંતુ સ્પષ્ટ કંઈ જ જોઈ શકાતું ન હતું.

"આ...આ..." ખભા પર સાપ પડવાથી લિઝા ડરી ગઈ અને તેનાથી ચીસ પડી ગઈ.

" શું થયું લીઝા...?" તરત જ હર્ષિત બોલ્યો.

" આર યુ ઓકે...?" જોનીએ પૂછ્યું.

" પ્લીઝ...લિઝા.. સાચવીને...!" સુશ્રુત બોલ્યો.

" કંઈ નહીં...! મને શું થવાનું? તમે લોકો સાથે છો ને તો મને કંઈ જ નહીં થાય." પછી જાણે કંઈ બન્યું જ હોય તેમ લિઝા ફરી નોર્મલ થઈ ગઈ.

થોડીવાર પછી ફરીથી કોઈનો નીચે પડી જવાનો અવાજ આવ્યો. બધા જ અવાજ સાંભળી ચોંકી ગયા. બધાના મુખમાંથી એક જ વાક્ય સરી પડ્યું," શું થયું..?"

થોડીવાર નીરવ શાંતિ છવાઈ ગઈ. જાણે કંઈ થયું જ ન હોય તેમ, ને અચાનક કોઈ બોલ્યું.

" ફ્રેન્ડ્સ હું છું. અહીં કોઈ માણસ જેવું બેઠું છે. તેના પગની ઠોકર વાગતા હું ધબ લઈને પડી ગયો. કોઈ મને ઉભો કરો..પ્લીઝ..!" નીરવ શાંતિને ભંગ કરતા ધીમે રહીને સુશ્રુત બોલ્યો.

"સુસ...!" ના ઉચ્ચારણ સાથે લિઝા, હર્ષિત અને જોની ત્રણેય અવાજની દિશા તરફ દોડી ગયા. અંધારામાં કંઈ દેખાતું ન હતું પણ સ્પર્શથી ત્રણેએ સુશ્રુતને શોધીને બેઠો કર્યો.

" શું થયું? તુ ઠીક તો છે ને..? તને વાગ્યું તો નથી ને..? તું શું કહેતો હતો? કોની ઠોકર તને વાગી ?" એક સાથે લિઝાએ ઘણા સવાલો સુશ્રુતને કર્યા.

" સ્પષ્ટ તો હું જોઈ શક્યો નથી પણ મને કોઈનો પગ વાગ્યો હોય ને હું પડી ગયો હોય એવું મને લાગ્યું. તમે જુઓ તો ખરા એ ખરેખર કોઈ માણસ છે કે પેલા નુમ્બાસાએ આપણને ડરાવવા માટે ભૂત પણ રાખ્યા છે ?" સુશ્રુતે કહ્યું.

સુશ્રુતના કહેવાથી જોની અને હર્ષિત તેની આજુબાજુ તપાસ કરવા લાગ્યા. થોડી જ વારમાં ખબર પડી કે ખરેખર કોઈ માણસ દીવાલના ટેકે બેઠેલો હતો. જોની અને હર્ષિત બંનેએ તેને ઢંઢોળ્યો પરંતુ તે સહેજ પણ હલ્યો નહીં.

" જૉની..! આ માણસ જીવતો છે કે મરેલો..? બિલકુલ પણ હિલચાલ થતી નથી. કોણ હશે આ..? સાપના ડંખના ઝેરથી તે મરી તો...?" દિવાલને ટેકે નિષ્ક્રિય થઈ બેઠેલા માણસની સ્થિતિને પારખતા હર્ષિતે જૉનીને કહ્યું.

" ના હર્ષિત..! એવું નથી લાગતું. તે શ્વાસ તો લઈ રહ્યો છે. કદાચ ગાઢ નિંદ્રામાં હોય ?" નાક પાસે બે આંગળી રાખીને તેમજ તે વ્યક્તિના હાથની નાળી તપાસતા જોની એ ખાતરી કરી કે તે માણસ મરેલો નહીં પરંતુ જીવતો છે.

" ભૂખ્યા તરસ્યા કોઈને આવી ગાઢ નિંદ્રા કેવી રીતે આવી શકે ? મને તો શાંતિથી બેસી પણ નથી શકાતું..!" સુશ્રુત બોલ્યો. સુશ્રુતની વાત સાંભળી બાકીના ત્રણે હસી પડ્યા.

To be continue...

( શા માટે ઝહેરીલા સાપ કોઈને ડંખ્યા નથી ? કોણ હશે તે નિષ્ક્રિય માણસ..? શું ચારેય મિત્રો સોમાલિયાના ખરેખર રાજાને મળી શકશે..? શું ચારે મિત્રો આ મુસીબતની બહાર નીકળી શકશે...? આ માટે મારા વાલા વાચક મિત્રો તમારે આગળ નો ભાગ વાંચવો પડશે.)

😊મસ્ત રહો....ખુશ રહો... ખુશહાલ રહો..🤗

😊મૌસમ😊