થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું ભોજન સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં.
“અરે યાર એક દિવસ ખાધા વિના કેવી રીતે ચાલશે..?” સુશ્રુતે કહ્યું.
“એમ સમજવાનું કે એક દિવસનો આપણે ઉપવાસ કર્યો છે..!” હર્ષિતએ હસીને કહ્યું.
“ના હોં મારાથી એક દિવસ શું એક ટંક પણ ખાધા વિના ન ચાલે..! આટલું મોટું મારું શરીર ખાધા વિના કેવી રીતે ચાલે..!” સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું.
“જો સૂસ આમ તો તું ડાયટ ફોલો કરતો નથી. ઉપવાસના બહાને શરીર થોડું ઓછું થશે..!”લિઝાએ હસીને કહ્યું.
“સુશ્રુત જેવી મારી પણ હાલત છે. વધારે નહીં તો થોડું તો ખાવા જોવે જ.. સુશ્રુત ચિંતા ન કર.. હું કંઈક ઉપાય શોધું છું.” આટલું બોલી જોની અંદર ગયો અને માછલી પકડવાનો આંકડો લઈ આવ્યો.
“અહીં માછલી મળી રહેશે..?” સુશ્રુતે દરિયામાં જોતા કહ્યું.
“હા, હું નીચે પેરિસ્કોપમાં જોઈ આવ્યો. વધારે નહીં પણ ક્યાંક ક્યાંક થોડી થોડી નાની નાની માછલીઓ ફરે છે.” જોની એ માછલી પકડવાનો આંકડો દરિયામાં નાખતા કહ્યું.
જોની અને સુશ્રુત માછલીઓ પકડવામાં લાગી ગયા. જ્યારે જહાજના એક ખૂણે ઉભા રહી, લિઝા અને હર્ષિત દરિયાના ખૂબસૂરત નજારાને માણી રહ્યા હતા અને ચોરી છુપે એકબીજાને તીરછી નજરે જોઈ લેતા હતા. ત્યાં ચોરી ચોરી જોતાં જોતાં બંનેની એકબીજા સાથે નજર મળી ગઈ. તો બંને ભોંઠા પડ્યાં અને દરિયા સામે જોવા લાગ્યા.
" આ દરિયો કેટલો શાંત અને સુંદર છે..! " લિઝાએ પોતાની મુસ્કાનને છુપાવવા દરિયા સામે જોઈ કહ્યું.
" હા, તારી જેમ..!" હર્ષિતે કહ્યું.
" શું કીધું..?" લિઝાએ હર્ષિતની વાત તો સાંભળી પણ કંઈ ન સાંભળ્યું હોય તેમ તે અજાણી બની.
“કંઈ નહીં, તારી વાત સાચી છે દરિયો શાંત અને સુંદર છે. મને પણ શાંત અને સુંદર વસ્તુ બહુ ગમે..!” હર્ષિતએ દરિયા સામે જોઇ કહ્યું. ધીમે ધીમે હર્ષિત લિઝાની પાસે આવ્યો. પોતાના હાથની આંગળીઓના ટેરવાથી લિઝાની આંગળીઓને સ્પર્શ કરવા લાગ્યો. લિઝાને પણ આ સ્પર્શ ગમતો હતો. બંને આંગળીઓથી રમવા લાગ્યા. તેઓની નજર દરિયા સામે હતી. હોઠો પર મુસ્કાન હતી. અને પ્રકૃતિના સાનિધ્યમાં ખોવાયેલા હતા. ત્યાં તે બંને ઉપર સુશ્રુતની નજર પડી. લિઝા અને હર્ષિત બન્નેને નજીક ઉભેલા જોઇ, સુશ્રુત દોડતો આવ્યો. બંનેને ખસેડીને વચ્ચે ઊભો રહી ગયો.
“તમે બંને શું જુઓ છો..? મને તો કંઈ દેખાતું નથી..?” સુશ્રુતે ડફેરા મારતા કહ્યું.
“અરે કંઈ નહીં..! ત્યાં ડોલ્ફિન જેવું કંઈક લાગતું હતું.. તે જોતા હતા, હેને..લિઝા..?” ભોંઠા પડેલા હર્ષિતએ લિઝા સામે જોઈ કહ્યું.
“હા ત્યાં માછલી જેવું કંઈક દેખાતું હતું..! બસ એ જ જોતા હતા..!” લિસાએ હર્ષિતની વાતને ટેકો આપતા કહ્યું.
“માછલી જેવું કંઈક દેખાતું હતું..? તો જોની આ બાજુ આવ, અહીંથી માછલી પકડીએ..!” બૂમ પાડીને જોનીને બોલાવતા સુશ્રુતે કહ્યું.
સુશ્રુતના આવવાથી લિઝા અને હર્ષિતના રંગમાં ભંગ પડ્યો. બંને એકબીજા સામે જોઈ હસી રહ્યા હતા ત્યાં જોની તેઓની પાસે આવ્યો.
“જોની ફિશ મળી કે નહીં..? ”લિઝાએ પૂછ્યું.
“વધારે નહિ..,ત્રણ માછલીઓ મળી છે.!” જોનીએ કહ્યું.
" બહુ થઈ ગઈ.. તમારા બંને માટે પૂરતી છે.!" લિઝાએ કહ્યું.
" મને થયું બીજી બે -ત્રણ મળે તો બધાને ચાલે..!" માછલી પકડવાની કોશિશ કરતો જોની બોલ્યો.
" મારે આજ કંઈ જ નથી ખાવું..!" લિઝાએ કહ્યું.
" મને પણ ખાવાની ઈચ્છા નથી..!" તરત હર્ષિતે કહ્યું.
જોની અને સુશ્રુતે માછલી રાંધીને ખાધું ને દિવસ પૂરો કર્યો. છેવટે ચારેય પોતાનું જહાજ લઈ સોમાલિયા પહોંચ્યા. સુંદર દરિયા કિનારો હતો. પણ રાજાનો મહેલ અને રહેણાક વિસ્તાર કિનારાથી ઘણો દૂર હતો. આથી આજની રાતે કિનારા પર જ રહેવાનું બધાએ નક્કી કર્યું. કિનારા પર પર્વતો હતા. દરિયાનાં મોજાંઓથી પર્વતોમાં ઘસારો થયો હતો,આથી પર્વતોએ ગુફાઓનું સ્વરૂપ ધારણ કરેલું.કિનારા પર રહેવાનો વાંધો નહોતો પણ જમવાનો હતો. માછલી અને સૂકો નાસ્તો કરી સૌ કંટાળેલા. આથી જોનીએ દરિયા કિનારાના તળિયે રહેલા જીવજંતુઓને પકડી લાવવાનું વિચાર્યું.
" મિત્રો તમે અહીં રહેવાની તૈયારી કરો ત્યાં સુધી હું દરિયાઈ ખોરાક શોધીને હમણાં જ આવું છું." આટલું કહી જોનીએ પુરી તૈયારી સાથે દરિયામાં ઝંપલાવ્યું.
કિનારા પર રહેલા પર્વત પાસે લિઝા,સુશ્રુત અને હર્ષિત રહેવાની વ્યવસ્થા કરવા લાગ્યા. એકાદ કલાકમાં બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, પણ જોની હજુ પણ દરિયામાંથી પાછો આવ્યો નહિ.
" સૂસ..! જોનીને ગયે ઘણો સમય થયો. તે હજુ આવ્યો નથી..? અત્યાર સુધીમાં તો તેણે આવી જવું જોઈએ...?" લિઝાએ કહ્યું.
" તારી વાત સાચી છે લિઝા..! અત્યાર સુધીમાં તો તેણે આવી જવું જોઈએ.મને જોનીની ચિંતા થાય છે." સૂસએ કહ્યું.
" હું પાણીમાં ઉતરી તપાસ કરું છું. તમે બન્ને ક્યાંય દૂર ન જતાં. સોકોટ્રા ટાપુ જેવી કોઈ મુસીબત ન આવે તેનું ધ્યાન રાખજો." આટલું કહી હર્ષિતે દરિયામાં કૂદકો માર્યો.
પંદર વીસ મિનિટ દરિયામાં ગોતા લગાવી હર્ષિત ખાલી હાથે પાછો ફર્યો. તેને કયાંય જોની દેખાયો નહિ.
" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની વાત સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં.
To be continue...
( ક્યાં ગયો જોની..? શું થયું હશે તેને..? શું ચારમાંથી એક મિત્ર ઓછો થશે કે કંઈક બીજી જ ઘટના બનશે..? તે માટે તમારે next પાર્ટ વાંચવો પડશે.)
ખૂશ રહો..ખુશહાલ રહો..😃🤣
મસ્ત રહો..સ્વસ્થ રહો..😂☺️
🤗 મૌસમ 🤗