નારદ પુરાણ - ભાગ 24 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 24

સનક બોલ્યા, “હે નારદ, જેમણે યોગ દ્વારા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સરરૂપી છ શત્રુઓને જીતી લીધા છે અને જેઓ અહંકારશૂન્ય અને શાંત હોય છે એવા જ્ઞાની મહાત્માઓ જ્ઞાનસ્વરૂપ અવિનાશી શ્રીહરિનું જ્ઞાનયોગ દ્વારા યજન કરે છે. શ્રીહરિના ચરણારવિંદોની સેવા કરનારા તથા સંપૂર્ણ જગત પર અનુગ્રહ ધરાવનારા તો કોઈ વિરલ મહાત્મા જ દૈવયોગે જ ઉત્પન્ન થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઉદાહરણ આપવામાં આવે છે તે હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો.

        હે નારદ, પ્રાચીન કાળની વાત છે. રૈવત મન્વંતરમાં વેદમાલી નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ થઇ ગયા છે, જે વેદ અને વેદાંગોના પારદર્શી વિદ્વાન હતા. સર્વ પ્રાણીઓ પ્રત્યે તેમના મનમાં દયા ભરેલી હતી. તેઓ સદા ભગવાનની પૂજા કરતા; પરંતુ પાછળથી તેઓ સ્ત્રી, પુત્ર અને મિત્રો માટે ધન કમાવાના કામમાં લાગી ગયા. ન વેચવા યોગ્ય વસ્તુને પણ તેઓ વેચવા લાગ્યા. તેઓ રસ (દૂધ, દહીં, ઘી) વગેરે પબ વેચવા માંડ્યું. તેઓ ચાંડાલ આદિ સાથે પણ વાતો કરવા લાગ્યા અને તેમનું આપેલું દાન પણ સ્વીકારવા લાગ્યા. તેમણે ધન લઈને તપશ્ચર્યા અને વ્રતોનો વિક્રય કર્યો અને તીર્થયાત્રા પણ પારકાંઓ માટે જ કરતા. આ બધું તેમણે કેવળ પોતાની સ્ત્રીને સંતુષ્ટ કરવાને માટે જ કર્યું. કેટલોક સમય વીત્યા પછી તે બ્રાહ્મણને બે જોડકા પુત્ર થયા. તેમનાં નામ યજ્ઞમાલી અને સુમાલી રાખવામાં આવ્યાં.

        વેદમાલીએ અનેક પ્રકારનાં સાધનોથી તે બંનેનું પાલનપોષણ કરવા માંડ્યું. વેદમાલીએ અનેક ઉપાયોથી એકત્ર કરેલા ધનને જોઇને વિચાર્યું ‘જોઉં તો ખરો! મારી પાસે કેટલું ધન છે!’ વિપુલ ધન જોઇને તેમનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. સાથે સાથે અર્થની ચિંતા પણ થવા લાગી. તેને લીધે વેદમાલીને ભારે વિસ્મય થયું, તેઓ વિચાર કરવા લાગ્યા કે ‘મેં નીચ માણસો પાસેથી દાન લઈને ન વેચવા યોગ્ય વસ્તુઓ તેમ જ તપશ્ચર્યા વગેરેને પણ વેચીને ઘણું ધન પેદા કર્યું છે, તે છતાં મારી તૃષ્ણા હજી મટી નથી. હું તો એમ માનું છું કે આ તૃષ્ણા એ ભારે કષ્ટ છે; સર્વ કલેશોનું કારણ પણ આ જ છે. વૃદ્ધાવસ્થાએ મારી ઇન્દ્રિયોને શિથિલ કરી દીધી છે એ સર્વ શક્તિઓને હણી દીધી છે, પરંતુ મારી તૃષ્ણા તરુણી થઈને પ્રબળ બની ગઈ છે.

        આ તૃષ્ણા વિદ્વાનને મૂર્ખ, પરમ શાંતને ક્રોધી, બુદ્ધિમાનને મૂઢમતિ બનાવી દે છે. તેથી હવે હું ઉત્સાહપૂર્વક પરલોક સુધારવાનો યત્ન કરીશ.’

        હે વિપ્રવર, આવો નિશ્ચય કરીને વેદમાલી ધર્મના માર્ગ ઉપર ચાલવા લાગ્યા. તે જ ક્ષણે તેમણે તે ધનના ચાર ભાગ કરી નાખ્યા. તેમાંના બે ભાગ પોતાના માટે રાખ્યા અને બાકીના બે ભાગ બંને પુત્રોને આપી દીધા. ત્યારબાદ પોતે કરેલાં પાપોનો નાશ કરવાની ઈચ્છાથી તેમણે ઠેકઠેકાણે વાવ, કૂવા, તળાવ, બગીચા અને દેવમંદિરો બનાવરાવ્યાં ને ગંગાજીના તટ ઉપર અન્ન આદિનું દાન પણ કર્યું. આ પ્રમાણે સંપૂર્ણ ધનનું દાન કરી ભગવાન વિષ્ણુના ભક્તિભાવથી યુક્ત થઈને તેઓ તપશ્ચર્યા માટે નરનારાયણના આશ્રમ બદરી વનમાં ગયા. વેદમાલીને ત્યાં જાનન્તિ નામના મુનિનાં દર્શન થયાં. તેઓ શિષ્યોને પરમબ્રહ્મતત્વનો ઉપદેશ આપી રહ્યા હતા. તે મુનિ મહાતેજના પુંજ જેવા જણાતા હતા. તેમનામાં શમ, દમ આદિ સર્વ ગુણો રહેલા હતા. તેમનામાં રાગ આદિ દોષોનો સર્વથા અભાવ હતો. તેઓ સૂકાં પાંદડાં ખાઈને રહેતા હતા. આવા મુનિને જોઇને વેદમાલીએ પ્રણામ કર્યા.

        જાનન્તિ મુનિએ તેમનો યોગ્ય અતિથિસત્કાર કર્યો. ત્યારબાદ વેદમાલીએ પોતાને જ્ઞાન આપવા માટે મહર્ષિને વિનંતી કરી તો જાનન્તિમુનિએ કહ્યું, “બ્રહ્મન, તમારે પ્રતિદિન ભગવાન વિષ્ણુનું ભજન અને ચિંતન કરવું. કોઈની ચાડીચૂગલી કરવી નહિ, સદા પરોપકારમાં લાગ્યા રહેવું. મૂર્ખ માણસોની સોબત કરવી નહિ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો ત્યાગ કરીને લોકને પોતાના આત્મા સમાન ગણવો. કોઈની ઈર્ષ્યા કે નિંદા કરવી નહિ. દોષદ્રષ્ટિ રાખવી નહિ. પાંખડપૂર્ણ આચાર, અહંકાર અને ક્રૂરતાનો સર્વથા ત્યાગ કરવો. પોતે કરેલાં ધર્મકાર્યો વિષે પૂછવામાં આવે તો પ્રકટ કરવાં નહીં. પોતાના કુટુંબનો વિરોધ ન થાય તે પ્રમાણે હંમેશાં અતિથિઓનાં સ્વાગત સત્કાર કરવાં. દેવતાઓ, ઋષીઓ તથા પિતૃઓનું વિધિપૂર્વક તર્પણ કરવું. વિધિપૂર્વક અગ્નિની સેવા પણ કરવી. વેદાંતનો સ્વાધ્યાય કરવો. આમ કરવાથી તમને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન પ્રાપ્ત થતાં પાપોનું નિવારણ થઈને મોક્ષ પ્રાપ્ત થાય છે.”

        જાનન્તિમુનિના ઉપદેશ પછી વેદમાલી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી વેદમાલી વારાણસીમાં જઈને મોક્ષ પ્રાપ્ત થયા.”

        હે નારદ, હવે હું વેદમાલીના પુત્રોએ તેના ગયા પછી શું કર્યું તે વિષે જણાવું છું. તે બંને ભાઈઓમાંના યજ્ઞમાલીએ પિતાએ એકત્ર કરેલા ધનના બે ભાગ કર્યા અને તેમાંનો એક ભાગ નાના ભાઈ સુમાલીને આપ્યો. સુમાલી વ્યસનોમાં ફસાઈને ધન વેડફવા લાગ્યો. તે હંમેશાં ગીત અને વાજિંત્રો સાંભળ્યા કરતો ને દરરોજ મદ્યપાન કરી, વેશ્યાઓના હાવભાવથી મોહિત થઈને પરસ્ત્રીગામી થઇ ગયો. પિતા તરફથી વારસામાં મળેલું સઘળું ધન વપરાઈ ગયું ત્યારે એ બીજાઓનું ધન અપહરણ કરી વેશ્યાગમન કરવા લાગ્યો. સુમાલીનું આ દૃષ્ટ આચરણ જોઇને મહામતિ યજ્ઞમાલી ખિન્ન થઇ ગયો. તે સુમાલીને કહેવા લાગ્યો. “હે અનુજ, તારા આ વ્યવહારથી મને ઘણું દુઃખ થાય છે, તેથી હવે દુરાચારથી નિવૃત્ત થા. આપણા કુળમાં એક તારું જ ચિત્ત આવું દુષિત થયું છે! તું ઘોર પાપમાં પડતો જાય છે.”

        આવું વારંવાર સમજાવતાં સુમાલીએ યજ્ઞમાલીને મારી નાખવાનો વિચાર કરી એક હાથમાં તલવાર લીધી અને બીજા હાથથી તેની શિખા પકડી. આથી નગરમાં ભયંકર કોલાહલ થયો અને નાગરિકોએ કુપિત થઈને તેને બંધનમાં નાખ્યો. ઉદાર ચિત્તના યજ્ઞમાલીએ ભાઈ પ્રત્યેના સ્નેહથી નગરજનોને પ્રાર્થના કરીને તેને છોડાવ્યો અને ફરીથી પોતાના ધનના બે ભાગ પાડ્યા. તેમાનું અડધું પોતે રાખ્યું અને બાકીનું અડધું ધન પોતાના નાના ભાઈને આપી દીધું.

        પરંતુ હે નારદ, સુમાલી અત્યંત મૂર્ખ હતો તેથી તે ધન પણ તે પાખંડીઓ અને ચાંડાલોમાં ફાવે તેમ વેડફવા લાગ્યો અને મદ્યપાનમાં આસક્ત રહી તથા ગોમાંસ આદિ ભક્ષણ કરવા લાગ્યો. આથી તેના સર્વ બાંધવોએ તેઓ ત્યાગ કર્યો અને રાજાએ પણ તેને સજા કરી. આ પ્રમાણે કષ્ટમાં આવી પડવાથી તે પોતાની ચાંડાલ સ્ત્રી સાથે નિર્જન વનમાં આવી ગયો.

        હે વિપ્ર, યજ્ઞમાલીની બુદ્ધિ સારી હતી તેથી તે સદા ધર્મપરાયણ રહેતો હતો. સત્સંગ કરવાને લીધે તેનાં પાપ નાશ પામ્યાં. તેણે અન્નદાન કરવાનો આરંભ કર્યો અને પિતાએ બંધાવેલા તળાવ આદિ જળાશયો અને ઉદ્યાનોનું રક્ષણ કરતો. કાળના વીતવા સાથે તે બંને-યજ્ઞમાલી અને સુમાલી વૃદ્ધ થઈને એક જ સમયે મરણ પામ્યા. વિષ્ણુપૂજામાં પરાયણ મહાત્મા યજ્ઞમાલી માટે વિષ્ણુભગવાને પાર્ષદો સાથે વિમાન મોકલ્યું. ગંધર્વોના ગાન અને અપ્સરાઓના નૃત્યથી સેવિત તે વિમાનમાંથી વિષ્ણુલોકમાં જતી વખતે માર્ગમાં પોતાના નાના ભાઈને જોયો. યમદૂતો તેને મારતા હતા; તે ભૂખ્યો અને તરસ્યો હતો; શરીરે નગ્ન હતો. પ્રેતદેહમાં પાશથી જકડાયેલો હોવાથી દુઃખી થઇ રહ્યો હતો. તે વિલાપ કરી રહ્યો હતો. તેને આ અવસ્થામાં જોઇને યજ્ઞમાલી વ્યથિત થયો અને પછી પોતાની પાસે ઊભા રહેલ વિષ્ણુદૂતોને હાથ જોડીને પૂછ્યું, “આ યમદૂતો જેને પીડી રહ્યા છે, તે કોણ છે?”

        હરિના દૂતોએ યજ્ઞમાલીને કહ્યું, “આ પાપાત્મા આપના ભાઈ સુમાલી છે.”

        તેમની વાત સાંભળીને ખિન્ન થયેલ યજ્ઞમાલીએ પૂછ્યું, “એનાં સંચિત પાપોનો નાશ કરી રીતે થઇ શકે તેનો ઉપાય આપ મને બતાવો, આપ મારા બાંધવ છો, ધર્મને જાણનારા કહે છે કે સજ્જનો સાથે સાત પગલાં ચાલવાથી મૈત્રી થાય છે અને સત્સાધુઓની મૈત્રી ત્રણ પગલાં ચાલવાથી થઇ જાય છે અને જેઓ સંત હોય તેમની સાથે એક પગલું ચાલવાથી મિત્રતા થઇ જાય છે. મારો ભાઈ જે રીતે મુક્ત થઇ શકે તેવો કોઈ ઉપાય બતાવો.”

        વિષ્ણુદૂતો બોલ્યા, “હે મહાભાગ્યશાળી યજ્ઞમાલી, સુમાલીને મુક્તિ અને પ્રસન્નતા આપનારો ઉપાય અમે કહીએ છીએ. આપના પૂર્વજન્મો વિષે ટૂંકમાં વર્ણન કરીએ છીએ તે સાંભળો.

        પૂર્વજન્મમાં આપ વિશ્વંભર નામના એક વણિક હતા. તે જન્મમાં આપે અસંખ્ય મહાપાપ કર્યાં. સુકર્મની આપમાં વાસના જ ન હતી. માબાપ સાથે પણ આપ વિરોધ ધરાવતા હતા. એક સમયે બાંધવોએ પણ આપનો ત્યાગ કરી દીધો તેથી શોકસંતાપથી અને ભૂખની જ્વાળાથી પીડિત આપ વિષ્ણુમંદિરમાં જી પહોંચ્યા. ત્યાં વરસાદ પડવાથી કાદવ થયો હતો. તે સ્થળે નિવાસ કરવાની ઈચ્છાથી એકઠો થયેલો કાદવ તમે સાફ કર્યો. આથી વિષ્ણુમંદિરનું તે સ્થાન લીંપાઈ ગયું. હે દ્વિજ, તે દેવાલયમાં એક રાત્રે સાપ કરડવાથી આપનું મરણ થયું, પરંતુ તે સ્થાન લીંપવાને લીધે પ્રાપ્ત થયેલ પુણ્યને લીધે વિપ્રયોનિમાં જન્મ અને અચલ હરિભક્તિ પ્રાપ્ત થઇ છે. હે મહાભાગ, જો આપ ભાઈ પર કૃપા કરવા ચાહતા હો તો આપ એને એક ગોચર્મમાત્ર (દશ હાથ સમચોરસ) ભૂમિ લીંપ્યાનું ફળ આપી દો, તેથી તેનો ઉદ્ધાર થઇ જશે.”

        વિષ્ણુદૂતોએ જણાવ્યા પ્રમાણે યજ્ઞમાલીએ ગોચર્મમાત્ર ભૂમિ લીંપ્યાનું ફળ આપી દીધું. તે પુણ્યથી સુમાલી નિષ્પાપ થઇ ગયો, તેથી યમદૂતો તેને છોડીને નાસી છૂટ્યા. ત્યારબાદ બંને ભાઈઓ વિમાનમાં બેસીને વિષ્ણુલોકમાં ગયા. તેઓ વિષ્ણુલોકમાં એક કલ્પ સુધી રહ્યા પછી યજ્ઞમાલી તો ત્યાં જ મુક્ત થઇ ગયો અને સુમાલી વિપ્રયોનિમાં જન્મ ધારણ કરી પૃથ્વી પર ઉત્પન્ન થયો.

        હરિનું પૂજન કરનારા અને હરિના નામસ્મરણમાં મગ્ન રહેનારાઓની સેવા કરનારા પાપીઓ પણ પરમગતિને પામે છે.”

ક્રમશ: