ભાવ ભીનાં હૈયાં - 37 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 37

આટલું સાંભળી અભિલાષા શશાંક સામે જોઈ થોડી મલકાઈ અને ઉતાવળે પગલે હોટેલની બહાર નીકળી ગઈ. તેનાં રોકી રાખેલા આંસુ પૂરની જેમ વહેવા લાગ્યાં. તેણે પોતાનો સામાન ટ્રાવેલમાં ગોઠવ્યો અને પોતાની જગ્યા પર બેઠી. ટ્રાવેલ ચાલુ થઈ ને તરત કોઈએ ટ્રાવેલને ઉભી રાખી. કોઈ ટ્રાવેલમાં ચડ્યું.

" અભિલાષા મૅમ..!" પોતાના નામનો અવાજ સાંભળીને અભિલાષાએ પોતાના કેબિનમાંથી ડોકિયું કરી બહાર જોયું.

" જી..હું છું..! શું કામ હતું ?"

"મૅમ..! હોટેલ તરફથી તમને આ ગિફ્ટ ઑફર થઈ છે. માફ કરજો અમે તમને પહેલાં આપવાનું ભૂલી ગયા." આટલું બોલતા વેઇટરનાં કપડાંમાં સજ્જ તે છોકરાએ અભિલાષાના હાથમાં ગિફ્ટબોક્સ પકડાવી ફટાફટ નીચે ઉતરી ગયો.

ટ્રાવેલમાં બેઠેલા સૌની નજર અભિલાષા પર હતી. અભિલાષાએ ટ્રાવેલમાં બેઠેલા બધા મુસાફરો તરફ નજર ફેરવી તો સૌએ અભિલાષા પર ટેકવેલી નજર ફેરવીને પોતપોતાના કેબિનમાં વ્યવસ્થિત બેસી ગયા. અભિલાષાએ ગિફ્ટબોક્સ બેગમાં મૂક્યું અને સ્લાઇડર બંધ કરી લાંબી થઈ.
ટ્રાવેલએ તેની સ્પીડ પકડી. એક એક કરી સૌ નિશ્ચિંત થઈ ઊંઘવા લાગ્યા. લોકોનો વાતો કરવાનો આવજ આવતો બંધ થઈ ગયો. લોબીમાં પણ ચહલપહલ બંધ થઈ ગઈ. આખી ટ્રાવેલમાં નીરવ શાંતિ છવાઈ હતી.

અભિલાષાને ઊંઘ આવતી નહોતી. તેનું અતીત તેને સુવા દેતું નહોતું. શશાંકના બદલાયેલા વ્યવહારનો વિચાર આવતાં તે વ્યાકુળ થઈ જતી. આમથી તેમ પડખાં ફેરવતી હતી ત્યાં ટ્રાવેલને અચાનક બ્રેક લાગતાં આંચકો આવ્યો. ટ્રાવેલ ઉભી રહેતા અભિલાષા બેઠી થઈ. સ્લાઇડ ખોલી બહાર જોયું.

" 10-15 મિનિટનો હોલ્ડ છે. જેને ફ્રેશ થવું હોય તે થઈ આવે." મોટા અવાજે કંડકટરે કહ્યું.

અભિલાષાએ પોતાના વાળ સરખા કર્યા અને ધીમેથી ટ્રાવેલની નીચે ઉતરી. નીચે ઊતરીને જોયું તો ટ્રાવેલ દુકાનની બહુ જ નજીક ઊભી રાખી હતી. તેને થોડી નવાઈ લાગી પણ પછી તે આગળ વધી. એક દુકાન પાસે જઈ તેણે કોલડ્રિન્કની એક બોટલ ખરીદી અને ટ્રાવેલમાં જઈ પોતાના કેબીનમાં જઈ બેસી ગઈ. બોટલ ખોલી એક એક ઘુંટડો પીવા લાગી ત્યાં જ તેને ગિફ્ટબોક્સનો વિચાર આવતાં તેણે બેગમાંથી ગિફ્ટબોક્સ બહાર કાઢ્યું. અડધી વધેલી બોટલને ઢાંકણું વાખી બંધ કરી બાજુમાં મૂકીને ગિફ્ટબોક્સ હાથમાં લીધું.

અભિલાષાએ બોક્સનું રેપર તોડ્યું. બોક્સ ખોલીને અંદર જોયું. તેમાં એક પીળા રંગનો બોલ હતો. તેની પર 'always keep a smile' લખેલું હતું ને તે લખાણની બિલકુલ નીચે સ્માઈલની ઇમોજી દોરેલી હતી.

" નાઈસ..! Always keep smile..! Nice ..!" આટલું વાંચતાં અભિલાષાના ચહેરા પર પ્યારી મુસ્કાન આવી ગઈ. તેણે ફરી બોક્સમાં નજર કરી તો અંદર કોઈ ચિઠ્ઠી જેવું કંઇક લાગ્યું. અભિલાષાએ બોલ બાજુમાં મૂકીને બૉક્સમાંથી ચિઠ્ઠી બહાર કાઢી અને ખોલીને જોયું.

" અભિલાષા,આપણા અતીત અને વર્તમાન સાવ જુદા છે. આ વાતને તેં અને મેં સ્વીકારી લીધી છે અને આપણે એકબીજાથી દુર ઘણા આગળ નીકળી ગયા છીએ. જે સારી વાત છે. ભવિષ્યમાં ક્યારેય આપણે ફરી મળશું કે નહીં તેની તો ખબર નથી મને, પણ એક માત્ર મિત્રના નાતે જો તને મારી કોઈ જરૂર પડે તો મને આ નંબર પર કોલ કરજે. હું પ્રોમિસ આપું છું કે હું તારા લગ્ન જીવનમા ક્યારેય આડો નહિ આવું. મને એક મિત્ર તરીકે તારા જીવનમાં સ્થાન આપવું કે નહીં તે પૂરો નિર્ણય માત્ર ને માત્ર તારો રહેશે."
આટલા લખાણ બાદ શશાંકએ પોતાનો મોબાઈલ નંબર લખ્યો હતો.

" ઓહ...! શશિ...!" આટલું બોલતાં અભિલાષાની આંખો ભરાઈ ગઈ. હૃદયના ધબકારા વધી ગયા.

" આ તે કેવી વિમાસણ પ્રભુ..? મને અને શશિને એક કરવા જ નહોતા તો અમને મળાવ્યા જ કેમ..? અમારી વચ્ચે પ્રેમ થયો જ કેમ ?" શશિની ચિઠ્ઠીને છાતીએ લગાવી અભિલાષાએ થોડું રડી લીધું. થોડીવાર થઈને તે સ્વસ્થ થઈ. બાજુમાં પડેલી કોલડ્રિન્કની બોટલ ખોલી તેને ગટગટાવી ગઈ. ત્યાં ટ્રાવેલ આંચકા સાથે ચાલુ થઈ.

To be continue...