ભાવ ભીનાં હૈયાં - 25 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 25

" પછી શું થયું અભિ..? તું શશિને ભૂલી ગઈ ? તેં પ્રીતમને લગ્ન માટે ના કેવીરીતે કહી..? તારા પિતાનું શું રીએક્સન હતું ?" અભયે વધુ જાણવાની ઉત્સુકતા બતાવી.

" ત્યારબાદ ક્યારેય શશિ સાથે મારી વાત ન થઈ. તેને હું ભૂલી જાઉં તે તો અશક્ય હતું. પણ પપ્પાની વાતનું માન જાળવવા મારે પ્રીતમ સાથે લગ્ન કરવા જરૂરી હતા. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ."

" લગ્નના લગભગ પંદર દિવસ બાકી હતા ને ઘરમાં મારા પપ્પાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ઘરમાં તૈયારી કરવાવાળા અમે બે જ પ્રાણી. એમાંય મને પ્રીતમ સાથે લગ્ન કરવામાં સહેજે રસ નહોતો. આથી બસ પપ્પા કહે એટલું જ હું કરતી. હું ને પપ્પા જ્યારે બગીચામાં બેઠાં બેઠાં કોને કોને કંકોત્રી આપવી તેનું લિસ્ટ બનાવી રહ્યા હતાં ત્યારે એક મારવાડી સ્ત્રી આવી. તેના ઘૂંઘટને કારણે તેનો ચહેરો દેખાતો નહોતો.

" હું શશિકલા..! " તે સ્ત્રીએ કહ્યું. તેનું નામ સાંભળતાં હું ચોંકી.

"સાંભળ્યું છે કે આ ઘરમાં કોઈ દીકરીના લગ્ન લેવાયાં છે..! હું કામની શોધમાં છું. મારવાડથી આવી છું. રસોઈ સિવાય ઘરના બધા જ કામ હું સારી રીતે કરી લઉં છું." તે સ્ત્રીએ કહ્યું.

" એક સ્ત્રી થઈ તને રસોઈ બનાવતાં નથી આવડતું..?" મેં અમસ્તા જ પૂછી લીધું.

" બેબીજી રસોઈ બનાવતાં તો આવડે છે પણ તમે ગુજરાતના લોકો ગુજરાતી ખાવાનું ખાવા ટેવાયેલાં હશો આથી તમને મારા હાથનું ભોજન કદાચ ન ફાવે.બીજા બધા કામ હું સરસ કરી લઉં છું બેબીજી..!" શશિકલાએ ખચકાતા કહ્યું. તેની વાત સાંભળી પપ્પા મનમાં મલકાયા. તેઓએ મારી સામે જોઇ કહ્યું, " શું કરવું છે બેટા..! શશિકલાને કામે રાખી લઈશું..? "

" હા, રાખી લો..!" મેં બસ એટલું જ કહ્યું. ત્યાં તો શશિકલાએ કામ કરવાનું શરૂ કરી દીધું. શશિકલાએ મારા હાથમાંથી નોટ પેન લઈ લીધી.

" સરજી..! આપ નામ બોલો હું લિસ્ટ બનાવી દઉં છું."

" તને લખતાં આવડે છે..? " પપ્પાએ પૂછ્યું.

" હા, થોડુંઘણું ભણી હતી મારા દેશમાં." એવામાં પપ્પાને કૉલ આવ્યો.

" શું કીધું..? ગોટાળો થયો છે..? બની જ ન શકે..! તે જમીનનો સોદો થઈ ગયો છે. પાર્ટીને મેં વીસ ટકા પેમેન્ટ કરી દીધું છે તો હવે શાનો ગોટાળો થયો..? સારું ચલો હું આવું છું..! પાર્ટીને મળવા આવું છું." ચિંતિત સ્વરે પપ્પાએ આટલું કહી ફોન મૂકી દીધો.

" શું થયું પપ્પા..! બધું બરાબર તો છે ને ?" મેં પૂછ્યું.

" હા, ચિંતા જેવું કંઈ નથી પણ મારે અત્યારે એક પાર્ટીને મળવા જવું પડશે. શશિકલા..! તું અભિલાષા સાથે બજારમાં જજે તેને થોડી શોપિંગ કરવાની છે. અભિ બેટા..! આજ તારે શશિકલા સાથે શોપિંગ કરવી પડશે, મારાથી નહિ અવાય. " આટલું કહીને પપ્પા કોઈને મળવા ચાલ્યાં ગયાં.

" બેબીજી..! તમારે શાની શાની શોપિંગ કરવાની છે..?" શશિકલાએ પૂછ્યું.

" મારે કોઈ શોપિંગ કરવી નથી. તમે તમારું કામ કરો."

" પણ સરજીએ કહ્યું છે તો શોપિંગ તો કરવી પડશે ને ? લગ્નના બહુ થોડાં જ દિવસો બાકી છે બેબીજી..!"

" કીધું ને..! મારે શોપિંગ કરવા નથી જવું..! "

" એક વાત કહું બેબીજી..! તમારાં વ્યવહાર પરથી એવું લાગી રહ્યું છે કે તમે આ લગ્નથી ખુશ નથી. આ સાચું છે..?"

" કોણે કહ્યું હું ખુશ નથી..! હું ખુશ જ છું..બહુ બધી ખુશ છું."

" તો ચાલો..! તમારા લગ્નની શોપિંગ કરવા..!"

" અરે યાર..! આ તો ચિંગમની જેમ ચોંટી જાય છે. શું કરવું આનું..!" હું મનમાં જ બબડી.

" ગુસ્સે ન થાઓ મારા પર..! હવે લગ્ન કરવાનું નક્કી કરી જ દીધું છે તો ખુશી ખુશી લગ્ન કરો બેબીજી..! ભગવાને આટલી સરસ જિંદગી આપી છે તો તેની કદર કરો અને ખુશીથી જીવો.!" શશિકલાએ મને કહ્યું.

To be continue