નીકળ્યા પછી શામજી મુંબઈ જવું કે પછી બીજે ક્યાંય જવું તેની દીર્ધામાં પડ્યો હતો. એક વિચાર તો તેને પોતે મુંબઈ જઈને રાધા માટે મનમાં વિચારેલી યોજના અમલમાં મુકવાનો આવ્યો .પરંતુ રાધાના ભોળા ને નિર્દોષ ચહેરાને તેનો જોતાં જ તેનો વિચાર ફરી ગયો. તે વિચારવા લાગ્યો પોતે મરવાની ઘડીયો ગણતો હતો .એવા કપરા સમયે પોતાને ,માતાની મમતા, પત્ની નો પ્રેમ ,અને બહેનનું હેત ત્રણે એક સાથે આપનાર આવી અપ્સરા જેવી રૂપાળી સ્ત્રીને તરછોડીને પોતે કયા ભવ સુખી થશે ?' ને એને મુંબઈ જઈને વેચવાની માત્ર મનમાં યોજના જ બનાવી હતી, એમાં ભગવાને તેને એની આટલી મોટી સજા આપી. તો ખરેખર પોતે તેને વેચી દેશે તો તેની સજા શું હશે ?' માટે એક શું અનેક પાપ કર્યા હશે .તો પણ હું રાધાને હવે નહીં તરછોડુ .એવો મનમાં નિર્ણય કર્યો. ને વડોદરામાં જ એક રૂમ ભાડે રાખીને બંને ત્યાં રહેવા લાગ્યાં .પરંતુ લગ્ન કર્યા વગર એક પથારીમાં રાત્રે સૂવાનું શાસ્ત્રો અને ધર્મ વિરુદ્ધ હોવાથી રાત્રે રાધા ઘરમાં સુતી હતી. જ્યારે શામજી ઓસરીમાં અલગ પથારીમાં સૂતો હતો. શામજી હોશિયાર બુદ્ધિશાળી અને મહેનત તો હતો જ ,ઉપરાંત પાંચ ચોપડી ભણેલો પણ હતો .તેથી થોડા સમયમાં તેને ફર્ટિલાઇઝર્સ કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ. ટૂંક સમયમાં તો શામજીના મળતાવળા સ્વભાવને લીધે ત્યાં તેનો બહોળો મિત્ર વર્ગ પણ ઉભો થઈ ગયો. તે બધાએ ભેગા મળીને શામજી અને રાધા ના હિન્દુ ધર્મની શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ધામધૂમથી લગ્ન પણ કરાવી દીધાં .અને હવે બંને પતિ -પત્ની તરીકે સાથે રહેતા હતાં .
એક ખુશનુમા સાંજે રાધા અને શામજી તેમના ઘેર ઓસરીમાં પલંગ ઉપર બંને એકલા બેઠાં હતાં .ઠંડી હવા લહેરાઈ રહી હતી .બંને તેમના જીવનની સુખ-દુઃખની વાતો કરી રહ્યાં હતાં . ઘણા સમયથી શામજીના મનમાં એક સવાલ સતત ધોળાયા કરતો હતો. પરંતુ તેની કહેવાની હિંમત ચાલતી ન હતી. એ જ સવાલ અત્યારે પણ મનમાં ઉછળી આવ્યો. શામજીના ચહેરાનો રંગ સહેજ પીળો પડેલો રાધા ને લાગ્યો .આખરે હિંમત એકઠી કરીને થોથવાતા સ્વરે શામજી બોલ્યો.' રાધા ...!'
' હાં ....આ...!' 'એક વાત પૂછું ?' ખોટું તો નહીં લાગે ને ?'. 'હજુ પણ મારા ઉપર વિશ્વાસ નથી. તે' આમ કહેવું પડે છે ?' રાધા ની આંખો એ શામજી ને ઠપકો આપ્યો . ને શામજી થોથવાતા - થોથવાતા બોલ્યો. 'તું તો જાણે છે ,કે 'આજ સુધી આપણે બંને એ કોઈ દિવસ દેહ જ અભડાવ્યા નથી. તો પછી તારા પેટમાં રહેલ એ બાળક કોનું છે ?' શામજીને હતું કે પોતાની વાતથી રાધાને મોટો આઘાત લાગશે. એને બદલે રાધા જોરથી ખડખડાટ હસી પડી. અને બોલી. ' કયું બાળક ?'
શામજી ખાસિયાળો પડી ગયો. 'કયું, તે તારા પેટમાં છે એ ! જેને લીધે તો આપણે બંને ને બદનામ થઈને ભાગવું પડ્યું એ .' શામજી એટલું તો માંડ - માંડ બોલ્યો .
રાધા ખડખડાટ હસવું ખાળતાં બોલી .'અરે મારા ભોળા ભગવાન. કોનું બાળક, કેવું બાળક ,ને કોની વાત ?'કહીને રાધા ફરીથી જોરસી હસી પડી. રાધા ના આવા વર્તનથી શામજી અકળાઈ ઉઠ્યો. 'ના કહેલું હોય તો કંઈ નહીં , હવે ફરી વખત નહીં પૂછું .આ તો ઘણા દિવસથી મનમાં મૂંઝાતો હતો એટલે પૂછ્યું .'
'વાહ ભલા મનેખ ,તે પણ મને એવી ધારી લીધી હતી ?'ને રાધા એ પોતાના પેટ ઉપરની ચુંદડી હટાવી સમથળ પેટ બચાવતા બોલી.' આ પેટ ચીરીને જોઈ લેતો અંદર. કંઈ છે ખરું ?' ને પછી કેટલોક સમય શામજીની આંખોમાં ટગર - ટગર જોતી રહી .ને પછી ગંભીર સાદે બોલી. 'શામજી તમને યાદ છે ?' એક વખત તમે જ કહ્યું હતું કે,આ દુનિયામાં દરેક માણસ ને પોતાની શક્તિ પ્રમાણેનું નાટક કરતાં આવડતું જ હોય છે .એ જ રીતે મેં પણ આ એક 'નાટક 'કર્યું હતું. મારી પો'ચ (શક્તિ) પ્રમાણેનું નાટક. શામજીને પગ તળેથી ધરતી ખસતી લાગી.એને કંઈ સમજ પડતી ન હતી. ' હે. સાચું કહે છે ?' પણ શા માટે તારે આવું ખોટું નાટક કરવું પડે ?'એના મોમાંથી આશ્ચર્ય અને આનંદના ઉદગારો એકી સાથે નીકળી પડ્યા .
ને પછી રાધાએ માંડીને વાત કરી. જે દિવસે આપણે ભાગી જવાનું નક્કી કર્યું તે દિવસે જ ,કનુભા એ મારા ઘેર આવીને ,આપણા બંનેની બધી જ વાત ઘરવાળાને કહી દીધી હતી. તે દિવસે ઘરવાળા એ તેને ખૂબ માર-ઝૂડ પણ કરી હતી .અને તે દિવસથી ઘરવાળા તેને સતત નજર કેદ જ રાખતાં હતાં . ને કેવો શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં એ બધું જ કઈ સંભળાવ્યું. ને તે દિવસથી કનુભાના પોતાના ઘર તરફના આંટા - ફેરા એકદમ વધી ગયા હતા. ને કનુભા દ્વારા પોતાની ઈજ્જત પોતાના જ ઘરમાં ગમે ત્યારે લુંટાઇ શકે તેમ હતી.ને પોતાની આ વાત પોતે કહેવા જાય તો ,ઘરવાળા તે વાત સાચી માનવા તૈયાર થાય તેમ ન હતાં .તેથી પોતાની ઈજ્જત બચાવવા પોતે લોકોમાં બદનામ થવાની પરવા કર્યા વિના ,પોતાને મહિના (ગર્ભ) રહ્યા છે એવી ખોટી વાત પોતે જ સામેથી ફેલાવી હતી. ને વાત પૂરી કરતાં રાધાએ કહ્યું. ' હા શામજી, હું પહેલાં હતી એવી જ, આજે પણ પવિત્ર છું. અને તારા વિના કોઈ પણ બીજા પુરુષને આ શરીરને સ્પર્શ પણ થવા દીધો નથી. હું માત્ર તારી જ હતી,અને આજે પણ તારી જ છું .' સામજી પોતે ખુશીમાં પાગલ તો નહીં થઈ જાય ને, એની જ એને બીક લાગી. ' નાટક !' હા. જિંદગીના નાટકમાં રાધા એ પોતાને હાર આપી હતી. તે ઉભો થઈને રાધાને પ્રેમથી ભેટી પડ્યો. અને ચુંબનો ઉપર ચુંબનો ચોડીને તેને નવડાવી દીધી .અને ઉભો થતાં બોલ્યો 'રાધા ,મને માફ કરીશ ?'તારા વિશે તો મેં મનમાં કેવા કેવા હલકા વિચારો કર્યા હતા. અને તને મુંબઈની રંડિ બજારમાં વેચી દેવાનો ખોટો વિચાર પણ કર્યો હતો. શામજી ફરી વખત રાધાને ભેટી પડ્યો .અને અલગ થતાં બોલ્યો .
'રાધા, તારી જગ્યાએ કોઈ પણ બીજી સ્ત્રી હોત તો આવી પરિસ્થિતિમાં તે જરૂર હારી ગઈ હોત . અને તારા આ પ્રેમને હું ખરેખર લાયક છું, કે કેમ' એ વિશે જ હવે તો મને મારા ઉપર જ શંકા ઉપજે છે.' ' એવું શું કહેતા હશો ? કહેતાં રાધાએ શામજીના હોઠ ઉપર આંગળી મૂકીને તેને બોલતો બંધ કરી દીધો. ને આજે પૂરા ત્રણ માસ પછી શામજીના ચહેરા ઉપર એ જ પુરાણું તેજ, અને મુક્ત હાસ્ય ઊભરી આવ્યાં.રાધા નો ચહેરો પણ ખુશીમાં રતુબડો થઈ ગયો .ને હલકી શી શરમની લાલાશેય તરી આવી. ને જિંદગીમાં પ્રથમ વખત પ્રેમના ફળ સ્વરૂપને પામવા, બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં.
* *. *. * *
અહીં રંગપુરમાં ઘણું નવા- જૂનું થઈ ગયું હતું. ગામમાંથી કોઈ છોકરો -છોકરી ભાગી ગયાં હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. તેથી ઠીક- ઠીક સમય સુધી ગામમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ અને ઉત્તેજના પણ ફેલાયેલી રહી.ને ગામ લોકોને 24 કલાક વાતો કરવાનો નવો વિષય પણ મળી ગયો. ગામના સમજુ માણસોએ અને આગેવાનોએ બંને પાર્ટીઓ વચ્ચે મધ્યસ્થી થઈને સમાધાન કરવાની એક બે વખત કોશિશ કરી .પરંતુ જીવા ભોપા , ભાણજી પાવળિયા અને કનુભા ની ત્રિપુટી એ પોતાનું અંગત વેર વાળવા, બંને બાજુ કાન ભંભીરણી કરીને ,સમાધાન થવા ન દીધું .ને આખું ગામ એક જગ્યાએ ભેગું બેસે એવું થવા ન દીધું. શામજી અને રાધા ને ભાગી ગયા બાદ ,આ લોકોએ પહોંચાય એટલી જગ્યાએ તેમની તપાસ કરી હતી. પરંતુ ક્યાંય પતો લાગ્યો ન હતો .અને આખરે થાકીને પહેલાં બંને ક્યાં ગયાં છે .એ જાણવા માટે માતાએ પાટ મંડાવીને જીવા ભોપા પાસે દાણા જોવડાવ્યા હતા . ભોપાએ ધૂણતા -ધૂણતા દાણા જોઈને કહ્યું કે, બંને' ઉગમણા (પૂર્વ) દિશા માં ભાગી ગયાં છે . પરંતુ એ જ વખતે એક 15 વર્ષનો છોકરો બોલી ઊઠ્યો હતો કે , ભોપા બા એતો આખી દુનિયા જાણે છે, કે 'એ ટાઈમે ગાડી એ ઉગમણી (પૂર્વ) દિશામાં જ જાય છે એટલે એ દિશામાં જ ગયાં હશે .પરંતુ ગામનું નામ કહો તો જ કાંઈક સાચી ખબર પડે . બીજા ત્રણ- ચાર યુવાનોએ પણ એ છોકરાની વાતને ટેકો આપ્યો હતો. ને જીવો ભોપા અંદરથી ધ્રુજી ગયા હતા. કારણ કે આજ દિવસ સુધી કોઈએ આવો તર્ક કરીને પોતાની સામે, દલીલ કરી ન હતી . આજ સુધી બધાંએ પોતાની હા માં હાજ ભણી હતી .અને અનુભવી ભોપાએ 'માતા કહેવડાવશે તો એ ગામનું નામ પણ એક દિવસ ચોક્કસ કહીશ .' એમ કહીને એ વાતને તે સમય પૂરતી ટાળી દીધી હતી.
પે'લાં ભાગેડુંઓનો કોઈ પતો ન મળવાથી સમાજે ભેગા થઈને, પુનાના ઘરને નાતની બહાર મૂક્યું હતું .રાધા તો ભાગી ગઈ પણ તેના ભાઈ સોના અને ભાભી નું ઘર પણ ભાંગતી ગઈ હતીઃ અને તેની સાથે સગાઈ થયેલા ચુના ને પણ રખડાવતી ગઈ હતી . તો સમયની સાથે આ પણ બધું ધીમે- ધીમે વિસારે પડી ગયું હતું.