સાટા - પેટા - 4 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાટા - પેટા - 4

અને સ્ત્રી, પ્રકૃતિના નિયમને આધીન ,પોતાના રૂપ, રંગ અને દેખાવ ક્યારે બદલી લે ,તેની માનવીને ખબરેય રહેતી નથી .વૈશાખ મહિનામાં ખાવા ધાતો સૂકોભઠ વેરાન વગડો, અષાઢનું એકાદ ભારે ઝાપટું આવે, ને શ્રાવણનાં સરવડા ચાલુ થાય કે તરત જ લીલુડા રંગની ચાદર ઓઢીને ધરતી એવી સજીધજી જાય, કે આપણને ખબર પણ ન પડે કે આ એ જ બે મહિના પહેલા ખાવા ધાતો વેરાન વગડો જ છે .
એવી જ રીતે ચૌદમા વર્ષમાં બાલિકા લાગતી સ્ત્રી પંદરમા વર્ષમાં પ્રવેશતાં જ પોતાનું રૂપ બદલવાનું ચાલુ કરે. તેના હરવા -ફરવા, ઉઠવા- બેસવા અને બોલવા- ચાલવામાં અચાનક નું પરિવર્તન આવી જાય. બચપણમાં બિન્દાસ અને બે ફીકર ફરતી છોકરી, યુવાનીમાં ડગ માંડતા જ બચપણમાં સાથે ખેલતા -કૂદતા બાળગોઠિયા યુવાનથી શર્માવા પણ લાગે, અને એ જ યુવાન જો એકાંતમાં સામે મળે તો તેનાથી મનોમન ડરે પણ ખરી . ને સોળમા વર્ષમાં પ્રવેશતાં તો તે પોતાની જાત પ્રત્યે પૂરી સભાન થઈ જાય. તેના શરીર અને વર્તન બંનેમાં આમૂલ પરિવર્તન આવી જાય. તે પોતાના પડછાયા થી પણ ક્યારેક ડરીને ચાલે.તેને એકાંતમાં મળે ત્યારે એ દર્પણમાં કે માંજેલા વાસણમાં તે પોતાના ચહેરાને અને રૂપને નિહાળે પણ ખરી અને મનોમન શરમાય પણ ખરી.તો ક્યારેક અવનવી વિચાર સૃષ્ટિમાં પણ ખોવાઈ જાય .ને એનું યૌવન એવું ખીલી ઉઠે કે, ઘડીભર તો તમે ઓળખી પણ ન શકો ,કે 'બે વર્ષ પહેલા જોયેલી તેજ આ માસૂમ બાળા છે .રંગપુરમાં રાધા ના અંગોમાં પણ યુવાની એ પ્રવેશ કરી લીધો હતો. અને એ બાબતે એ પૂરી સભાન હતી ને આખા ગામમાં તેની, ડાહી છોકરી તરીકેની છાપ હતી .
આજે બળેવનો દિવસ હતો. રોટલા ટાણા ( સવારના 10) પછી માતાના મઢે ઘણી ગીરદી થઈ જશે એમ સમજી, રંગપુરના માણસોએ વહેલાં - વહેલાં વધામણા તૈયાર કરી નાખ્યાં હતાં.ને દરેક ઘેરથી સ્ત્રીઓ અને તેમાંય ખાસ કરીને કુમારીકાઓ ,થાળીમાં વધામણાં લઈને બે- બે કે ત્રણ- ત્રણના ટોળામાં માતાને વધામણું ચડાવવા માટે આવી રહી હતી .માતાના મઢ ની અંદર પાટ પાસે જ યુવાન ભારો ભોપો પલાઠી વાળીને બેઠો હતો . જે આવી રહેલ વધામણાં માંથી ધૂપ કરીને વધામણું (સુખડી ) પાછી આપી રહ્યો હતો .પરંતુ એની નજર તો વારે ઘડીએ, મુખ્ય માર્ગ પર જઈને અથડાઈને પાછી આવતી હતી. સજી- ધજી ને પરવારીને થાળીમાં વધામણું લઈને બે -ત્રણ નાની બાલિકાઓ સાથે મઢ તરફ આવતી રાધા ને જોઈને ભારાના ચહેરા ઉપર તાજગી તરી આવી .દરવાજે આવીને રાધા એ જોયું કે મઢની અંદર ફક્ત ભારો ભોપો એકલો જ બેઠો છે ,તેથી સાથે આવેલી બાલિકાઓ ભેગુ પોતાનું વધામણું પણ ધૂપ કરવા મોકલ્યું ,ને તે મઢની બહાર જ ઊભી રહી . "આ કોનું વધારાનું છે ? અંદર આવીને માતાને પગે લાગશો કે પછી માતા એમને એમ બહાર ઉભા ઉભા જ વધામણું માનશે ખરુ ? ' રાધા ના વધામણાની થાળી, હાથમાં લેતાં ભારો ભોપો ઇરાદાપૂર્વક બોલ્યો.
રાધા ને થોડો ડરતો હતો જ ,કારણ કે ભારા ભોપાની આંખો સારી ન હતી. છતાં અંદર બે -ત્રણ નાની છોડીઓ હતી એટલે તેણી છાતી કઠણ કરીને મઢની અંદર આવી. ભારાનુ હ્દય જોરથી ધબકવા લાગ્યું. આટલા નજીકથી રાધાનું આવું રૂપ જોઈને ,તેને ચૂમી લેવાનું ભારાને મન થયું. પરંતુ સાથે બે -ત્રણ બાલિકાઓ હતી તેથી તે લાચાર હતો. "આમ માતા ને પગે લાગવા નીચે તો નમો..! કહેતાં ભારો રાધા કાંઈ પણ સમજે એ પહેલા રાધાનું માથું પકડીને માતા તરફ નમાવ્યું. બેબાકળી થયેલી રાધા એ ભારા તરફ જોયું તેની આંખો માં વાસનાના સાપોલિયો સળવળી રહ્યા હતા. રાધા કંઈ બોલે કે સમજે તે પહેલાં તો ભારાએ રાધાની સાથળ ઉપર એક ચૂંટલી પણ ભરી દીધી. અને બીજી જ પળે વીંછીએ ડંખ માર્યો હોય તેમ રાધા ઠેકડું મારીને મઢની બહાર દોડી ગઈ . સાથેની નિર્દોષ બાલિકાઓને રાધા ઝડપથી બહાર કેમ નીકળી ગઈ તેની સમજ ન પડી . ને બારણે ઊભેલી નવ વર્ષની સંતુને રાધા એ કહ્યું." તું મારું વધારાનું લેતી આવજે, હું મોરે ઉભી છું ..! ને તે સડસડાટ ચાલતી થઈ .ભારો ભોપો તેને જતી લોલુપ નજરે જોઈ રહ્યો.
માતાના મઢેથી રાધા ઘેર તો આવી, પરંતુ આજે એને ક્યાંય ચેન પડતું ન હતું. ભોપાની પદવી પામેલો ભારો ભોપો આટલો બધો મેલો અને હલકટ હશે તેની તો તેણીને કલ્પના પણ ન હતી .રાધા મનોમન વિચારી રહી .હા ..આ!હવે જ ખબર પડી, લુચ્ચો ભારિયો તે દાડે રમેલમાં પોતાની સામે ધૂરી-ધૂરી ને કેમ જોતો હતો તે ! તે વિચારી રહી .શું આ વાત ઘરવાળાને જઈને કહી દેવી ? કે ભારા ભોપાએ પોતાની છેડતી કરી છે તે ? કે પછી ચૂપ રહેવું ? ને ભારો ભોપો હોવાથી ગામમાં તેનું માન પણ ધણું હતું . એ છેડતી કરે એવી વાત ગામમાં કોઈ માનવા પણ તૈયાર ન થાય અને પોતાની પાસે ભારાએ છેડતી કરી છે એવો પુરાવો પણ શું હતો ? ઊલટાનું જાતે કરીને ગામમાં બદનામ થવા નું થાય એના કરતાં આ વાત ને હવે મનમાં જ ભારી દેવી ,ને એ લુચ્ચા ભારીયા થી હવે ચેતતા રહેવું. એવું મનમાં નક્કી કરીને રાધા એ ઘરકામમાં મન પરોવ્યું.
કનુભા એ એક મહિના પહેલાં કાનુડા (જન્માષ્ટમી )માથે રાધાને તાલબદ્ધ અને લયબદ્ધ ચાલે ,રૂમઝૂમ નાચતી અને ઞાતી જોઈ હતી ,તે દિવસથી જ તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી . રાધા ના ઘાટીલા અને સપ્રમાણ અંગોની અદાઓ , તેણીની રમવાની છટા અને ઝડપ ઉપર તે ફિદા થઈ ગયો હતો. રાધા ના રૂપાળા ચહેરાએ અને નાજુક નમણાં અંગોએ તેના ઉપર એવો જાદુ કર્યો હતો કે લાખ ઉપાય કરવા છતાં રાત- દિવસ તે ભૂલી શકતો ન હતો .તે દિવસથી રાધા ને નજરે જોતા જ કનુભા મનોમન એક પ્રકારનો રોમાંચ અનુભવી ઉઠતો. રાધા ક્યાંક પોતાને સામે એકલી મળે તો પોતાના દિલથી વાત કરવાની મનોમન ગોઠવણ કરી રાખતો પરંતુ કંઈ કહેવાની હિંમત કરી શકતો નહીં. રાધા તેને સામે મળે ત્યારે તે મટકું માર્યા વિના રાધાના રતુબડા રૂપાળા મોં સામે એકીટશે જોઈ રહેતો.પરંતુ રાધા તો તેની તેની નોંધ શુધ્ધા લીધા વિના ,એ જ નીચી નજર ઢાળીને ઝડપથી ચાલી જતી .ને રાધા ના આ વર્તનથી તો કનુભા તો મનમાં ઔર મુંઝાતો . તો આનો અર્થ શું સમજવો ? તે ક્યારેક પોતાના મનોમન જવાબ મેળવતો 'ગમે તેમ તોય જુવાન જોધ કોઈ રૂપાળી છોકરી સામે ચાલીને કોઈથી આંખ મિલાવે ખરી ?
અને એ તર્ક થી કનુભા માં આત્મવિશ્વાસ જાગતો .આમેય પોતે રૂપાળો ક્યાં ઓછો છે ! રંગપુર ની કેટલીય છોડી'ઓ પોતાની નજીક આવવા ફાંફાં મારે છે .પરંતુ કાશ તે પોતે, રાધા માટે તરસે છે. ને આમ પણ આખા રંગપુર ગામમાં પોતાની સામે પડનાર ,છે પણ કોણ ? તેને પોતાની જાત ઉપર અને શક્તિ ઉપર થોડું અભિમાન પણ આવી ગયું .આ બાબતમાં પોતે આંખોં મીંચીને કાંઇક કરી નાંખે.
ને જો છતુ થાય ,અને રાધા ના ઘરવાળા જો સામે થાય તો લાકડી- ધોકે (મારા -મારી)અને કાયદા-કાનૂન અને પૈસે -ટકે બધી બાબતોમાં માં પોતે સામે વાળા ને પહોંચી વળે એમ છે . પરંતુ લોકોમાં આબરૂ નો ધજાગરો ઉડવાનો ભય મનમાં ઊંડે- ઊંડે સામે આવીને ઊભો રહ્યો.પરંતુ એ સામે રાધા નું અલ્લડ રૂપ,માદક અદાઓ, અને તેણીનાં અણીયાળી આંખોનાં તીર જ એ ભયને હટાવી નાખવા માટે પૂરતાં હતાં.
સાંજના પાંચેક વાગ્યા હતા. પોતાની ભાભી પાસે માથું(વાળ) ગુંથાવીને રાધા ઊભી થઈ. ને પછેડો (ચૂંદડી )માથા ઉપર ઓઢતા દા'ડા તરફ નજર કરતાં બોલી 'ભાભી ,હું ને મંગુ બેય ઈંધણા( બળતણ) ના ભારે લઈને આવતી રહીએ ! 'જો બુંન દા'ડો તો ઘેર જવા બેઠો છે. ટાણાસર આવતી રહેજો !' રાધાની ભાભીએ તેને ભલામણ કરી .રાધાએ ખીટીએ ટિંગાળેલ અછોડો (દોરડું) ને ખૂણામાં પડેલ કુહાડી હાથમાં લીધી ને મંગુ ના ઘરે તરફ ચાલતી થઈ .
'મંગુ ...ઉ..એ... મંગુ.! ઇંધણા લેવા આવવું છે...એ.? મંગુ ના ઘર પાસે પહોંચીને ઝાંપે ઉભા- ઉભા જ રાધા એ બૂમ પાડી . 'એ... એ તો ! ખેતરે ચાર લેવા ગઈ છે.' મંગુ ના બદલે તેની મા એજવાબ આપ્યો. 'ચીયા.. ડેલા વાળા ખેતરે ગઈ છે ? રાધા એ પૂછ્યું . ' આંયથી તો ત્યાંનું જ કહીને ગઈ છે .પછી રામ જાણે ! મંગુની મા રાધા પાસે આવતા બોલી. ' સારું ત્યારે લ્યો. હું એ જ કોરા( દિશા)માં જાઉં છું. સંગાથ થઈ જશે. કહેતીક ને રાધા પીઠ ફેરવી ગઈ .ને ઝડપથી ખેતરો તરફના રસ્તે પડી. 'આ જુઓને ! મુઇઓના બેયના જીવ જ એવા મળી ગયા છે કે ,એક-બીજા વગર ઘડીએ ચાલતું જ નથી.' શબ્દોમાં હેત વરસાવતી મંગુની મા પોતાના ઘર તરફ વળી.
બરાબર આ જ સમયે કનુભા ઘોડા ઉપર સવાર થઈને સીમમાંથી ગામ તરફ આવી રહ્યો હતો .ડાબા હાથમાં કુહાડી અને જમણા હાથમાં અછોડો (દોરડું ) ધુમાવતી -ધુમાવતી પોતાના વિચારોમાં લીન રાધા કનુભાને ગોદરે (પાદર) જ સામે મળી . અચાનક કનુભા ને સામે આવતો જોઈને રાધા એ માથા ઉપરથી અર્થ સર્કેલી ઓઢણી માથા ઉપર સરખી ઓઢી લીધી, ને રસ્તાની સહેજ એક બાજુ ખસીને કનુભા ને ચાલવા માર્ગ આપ્યો. કનુભા ઘોડા ઉપર બેઠાં -બેઠાં એકી નજરે મટકું માર્યા વિના રાધા ના ઞોરા મોં સામે જોઈ રહ્યો. પરંતુ રાધા એ તો નજર ઊંચી કર્યા વિના જ ખેતરો તરફ ચાલતી પકડી. રાધા પસાર થઈ ગયા પછી પણ કનુભાઈ બે -ત્રણ વખત ડોકું ગુમાવીને પાછળ રાધા તરફ નજર કરી, પરંતુ રાધા તો સદસડાટ આડુ- અવળું જોયા વિના સીમ તરફ ચાલી જતી હતી .
કનુભાના મગજમાં ધમસાણ ઊપડ્યું ને મનમાં કંઈક પાકો નિર્ણય કરીને તેણે ઘોડાને રેવાલ ચાલે ઘર તરફ દોડાવ્યો ઘોડા ઉપરથી ઉતરીને ઘોડાને વાડામાં બાંધ્યો ન બાંધ્યો કર્યો ,ને ઝડપી ચાલે ચાલતા જ ગામ તરફ બહાર નીકળી ગયો. દરરોજ ઘોડા ઉપર જ સીમમાં કે બહાર ફરવા જતા કનુભા ને પગપાળા સીમ તરફ જતો જોઈ સામે મળનાર બે -ચાર જણને થોડું આશ્ચર્ય પણ થયું. પરંતુ નાના બાપુ નજીકમાં જ ક્યાંક ઉતાવળનું કામ હશે એટલે જતા હશે, એમ મન મનાવીને એમની ધાક આગળ' કઈ બાજુ જાઓ છો' એમ પૂછવાની હિંમત પણ ન કરી શક્યા. જ્યારે ઉત્તેજિત થયેલા કનુભા ની આંખો આગળ તો અત્યારે રાધા નો મસ્તી ભર્યો, રૂપ ભર્યો, યૌવન ભર્યો ગોરો ચહેરો જ તરવરી રહ્યો હતો. તે પોતાની ધૂનમાં ને ધૂનમાં એવાં ઝડપથી ડગલા ભરતો હતો કે, આજુબાજુ કોણ આવે છે અને કોણ જાય છે એનુંય એને ભાન ન હતું.
રાધા એ ડેલાવાળા ખેતરે પહોંચીને મંગુ ને શોધવા બધીએ બાજુ નજર દોડાવી, પરંતુ તેણી ક્યાંય ન દેખાણી. એક નાના ઢુવા (ઝાડ) ઉપર ચડીને તેણી એ મોટા સાદે બૂમ પાડી.' મંગુ.... ઓ... મંગુ...! પરંતુ તો પણ મંગુનો પતો ક્યાંય ન લાગ્યો.' તો શું તેણી કોઈ બીજા ખેતરે ગઈ હશે? એમ મનોમન રાધા બબડી . ને પછી પાસેની વાડેથી કુહાડી વડે ઇંધણા( બળતણ ) લેવા લાગી. પોતાની ધૂનમાં જ મનમાં કંઈક ગીત ગણગણતી રાધા એ ઇંધણા ના ચાર- પાંચ નાના ઢગલા કરી નાખ્યા, ને સુરજ તરફ નજર કરતાં સ્વગત બબડી 'આ જુઓ ને ! દા'ડો તો આથમવા બેઠો છે, આ એક ઢગલો થઈ રે એટલે ભારો બાંધીને ચાલતી થાઉ'. બરાબર એ જ વખતે ગામ તરફના રસ્તેથી કનુભા ને આવતો જોયો. રાધા ના મનમાં ભય અને શંકા ની અનેક વાદળીઓ એકી સાથે દોડી ઉઠી. કનુભા એકદમ પાસે આવી ગયો હતો. રાધા એ બને એટલું શરીર ને સંકોચીને રસ્તાની એક બાજુ ઉભી રહીને તેને ચાલવા માટે રસ્તો કરી આપ્યો. ' કેમ રાધા, એકલી જ ઈંધણા લેવા આવી છો ? સાવ લગોલગ આવીને ,સહેજ રોકાઈને વાસના ભરી નજર નાંખતાં કનુભા બોલ્યો .પરંતુ રાધા તો કંઈ પણ બોલ્યા વિના એમ જ નીચું મોં કરીને ઊભી રહી. ઉત્તેજિત થયેલા કનુભા ને રાધા ને બાઝી પડવાનું મન થઈ આવ્યું. પરંતુ કોઈ અગમ્ય કારણસર તે તેમ ન કરી શક્યો. ને હોઠ ઉપર જીભ ફેરવતો તે રસ્તામાં થોડી આગળ નીકળી ગયો. હોલડાની જેમ ફફડતા રાધા ના હૈયામાં માંડ જીવ આવ્યો.
રસ્તામાં થોડો આગળ નીકળેલો કનુભા મનોમન વિચારી રહ્યો 'પોતાને આવો મોકો મળવા છતાં રાધા ઉપર પોતાનો હાથ કેમ નથી ઉપડતો .શું કોઈ માતાનું તેને રક્ષણ તો નહીં હોય ને ? તે જે હોય તે ,આવો લાઞ વારે ઘડીએ થોડો મળવાનો છે ? જે થાય તે ખરું, પરંતુ આજે તો તેને નથી જ છોડવી. એમ વિચારીને તે ઝડપથી રસ્તામાં પાછો ફર્યો.
રાધા નો જીવ માંડ હેઠો બેઠો હતો ત્યાં તો રસ્તામાં ઝડપથી પાછા ફરતા કનુભા ને જોઈને તેને મનમાં ફાળ પડી આવનાર આપતી નો રાધા ને ખ્યાલ આવી ગયો. કનુભા નું આ વખતનું રૂપ કંઈક જુદા જ પ્રકારનું હતું.પોતાને શું કરવું એવો કંઈ નિર્ણય લે તે પહેલા તો પાસે આવેલા કનુભાએ ઝડપ દઈને રાધા નો હાથ પકડ્યો ,અને કડક સાદે બોલ્યો 'એ રાધાડી ! મોઢામાં મગ -બગ ભર્યા છે કે શું?સાંભળતી નથી ?' રાધા ના શરીર માં ઝણઝણાટી વ્યાપી ગઈ .તેનું શરીર ભયથી કાંપવા લાગ્યું . 'ના બોલવાનું નીમ (વ્રત)લીધું છે ?'કહેતા બીજા હાથે તેણે રાધાની છાતીએ હાથ નાખવાની કોશિશ કરી.
અને ત્રીજી જ પળે એક જોરદાર આંચકો મારીને રાધા એ પોતાનો હાથ છોડાવી દીધો .અને બે ડગલા પાછળ હટી ગઈ ને ક્રોધ ભરી નજરે તાડૂકી. ' આઘો હટ નલાજા..! આવો મોટો મને'ખ થઈને ગામની બેન -દીકરીઓ માથે નજર બગાડતાં શરમ નથી આવતી ? '
'શરમ ...!હે.. હે એ..! શાની શરમ..? કહેતાં કનુભા હસતો- હસતો બે ડગલાં રાધા તરફ આગળ વધ્યો 'ખબરદાર કુતરા..! જો એક ડગલું પણ આગળ ભર્યું તો આ કુહાડી તારી મા સગી નહીં થાય !'રાધા ક્રોધ થી કાંપતા ત્રાડ જેવા સાદે બોલી . ને રાધા નું આ અચાનક નું બદલાયેલું રૂપ જોઈને કનુભા ચકરી ખાઈ ગયો. હેબતાઈ ગયો. ગરીબ ગાય જેવી દેખાતી રાધા આવું ચંડિકા નું રૂપ ધરી શકતી હશે તે વાત તેની કલ્પના બહારની હતી .
કનુભા એ ઝનૂનમાં આવી જઈને એક ડગલું આગળ વધવાની કોશિશ કરી,ત્યાં તો તેની નજર કુહાડીની ચળકતી ધાર ઉપર પડી. તેને સામે સાક્ષાત મોત ઊભેલું દેખાયુ.
આ પરિસ્થિતિમાં કનુભા આગળ પણ વધી શકતો ન હતો, તો પોતાનો પરાજય સ્વીકારી પાછળ પણ હટી શક્તો ન હતો. આખરે પરાણે મનને મારીને બે ડગલા પાછળ હટતાં કનુભા તમાચો મારીને ગાલ લાલ રાખતો હોય તેમ બોલ્યો 'હવે જા,જા, મોટી કુહાડી વાળી .આ તો થોડી આબરૂ ભરુછુ એટલે આજે તો જવા દઉં છું .નહીં તો ધારું તો તું અને તારી કુહાડી વળી મને શું કરી નાખવાનાં હતાં ?'
આંહીં ઢૂકડો (પાસે) તો આવ. ? તનેય આજે તો ખબર પડે ! જો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી ન દઉ ,તો જણનારી ને ને ફટ કહેજે !'રાધા ના હાથ અને શબ્દોમાં મક્કમતા હતી. ગુસ્સાના કારણે તેણીના ગોરા ગાલો માં લોહી ઘસી આવ્યું હતું. તેનાથી તો તેણીનું રૂપ ઓર દીપી ઊઠ્યું હતું. પરિસ્થિતિ પામી જઈ કનુભા એ વળતા પાણી કર્યા.
' હવે જા,જા !તારા માં એવા તે શુ હીરા ટાંક્યા છે? તારા જેવી તો એકવીસ મારી આગળ -પાછળ આંટા મારે છે સમજી ?'. 'તો જાને, એ એકવીસ પાછળ. આંહીં મારી પાછળ તારા બાપનું શું દાટ્યું છે ? ક્રોધ થી ધીકતી રાધા કનુભાને તૂકારા થીજ બોલતી હતી . 'હુંયે જોઈ લઈશ, કે આમ ગુમાન સાથે તું ,રંગપુરમાં કેટલા દાડા ફરે છે તે !' જતાં -જતા કનુભાએ ધમકી આપી, નેં તે ગામ તરફ આવવા રવાના થયો .
પરંતુ રાધા એ તો, એ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને વીણ્યા હતાં એટલાં લાકડાં નો જેમ-તેમ ભારો બાંધીને ,ધોરી મારગ છોડીને , ઉજ્જડ રસ્તે જ ગામ તરફ આવવા રવાના થઈ. કનુભા રાધાના રૂપ પાછળ પાગલ થઈને આ હદે પહોંચતાં તો પહોંચી ગયો, પરંતુ પાછા ફરતાં રસ્તામાં આજના વર્તન ઉપર તેને પોતાને મનોમન પસ્તાવો થવા લાગ્યો. ને જો રાધાડી આ વાત કદાચ ગામમાં આવીને કહી દે તો ? તો -તો પોતાની આબરૂ ના કાંકરા થઈ જાય. ને આવી હલકી વાત સાંભળીને કડક સ્વભાવના મોટા બાપુ (તેના પિતા )કદાચ બંદૂકનો ભડાકો પણ કરી નાખે, તેની યે ના ન કહેવાય . ને આવી હલકી વાત સાંભળીને કદાચ રાધા ના ઘરવાળા પણ મરણીયા થઈને ઝઘડવા નીકળી પડે, તેની પણ ના ન કહેવાય .માટે આ વાત રાધા ગામમાં આવીને કોઈને પણ ન કહે તે માટે મનોમન તે 'સધી માતાને સમરી રહ્યો
જ્યારે બીજી બાજુ ઉજ્જડ રસ્તે ઝડપી ચાલે ભારો ઉપાડીને ગામ તરફ આવતી રાધા મનોમન વિચારી રહી હતી . હાય રે ભગવાન ! આખી દુનિયા શું આવાં હલકાં માણસોની જ ભરેલી હશે ? ને પાંચ- પચ્ચીસમાં પૂછાતો કનુભા પણ આવો હલકો હશે એની તો પોતાને કલ્પના પણ ન હતી. તો પછી ભોપાનું પદ પામેલ, ભારાની દાનત પણ આવી ખોરી હશે એવું પણ તેણે ક્યાં સ્વપ્નમાં પણ ધાર્યું હતું? બધાય મોટા ગણાતા માણસ આવા હલકા જ હશે - કે પછી દુનિયામાં કોઈ સારા માણસો પણ હશે ? તે આગળ વિચારી રહી .દુનિયામાં દરેક યુવાનને રૂપાળી સ્ત્રી માથે શું આવી જ વીતતી હશે ?'
તેની આગળ વિચારી રહી, આવા હડકટોને તો ઉઘાડા જ પાડવા જોઈએ. ને ભલેને હાહરા આખા ગામમાં હૂરૅ (બદનામ) થતા. પરંતુ ગામમાં જઈને પોતે આ વાત પોતાનાં ઘરવાળાને જઈને કહે, અને ઘરવાળા સામેનાથી ઝઘડો કરવા જાય, તો સામેના માણસો માથાભારે છે અને કાયદા -કાનુન અને પૈસે-ટકે બધેય પહોંચી વળે એવા છે. અને કનુભા પોતાની ઇજ્જત લેવા આવ્યો હતો. એવી સાબિતી માંગે તો ? તો એવા પુરાવા માં તો પોતાની પાસે શું હતું ? ને આ વાતમાંથી કદાચ બહુ મોટો કજિયો (ઝધડો) થઈ જાય તો ? એ વિચાર આવતા જ રાધા ધ્રુજી ઉઠી. માટે વાતનું વતેસર ન થઈ જાય એ માટે, આ વાત કોઈને કહેવી નહીં એવું મનમાં નક્કી કરીને રાધા ઘેર આવી.
લોકોના દેખાવમાં સિંહ જેવી કઠણ છાતી ધરાવતા કનુભા એ હોલડાની જેમ થરથર ધ્રુજતા કાળજે એ રાત માંડ પસાર કરી. બીજા દિવસે ગામમાં પેલી વાતની કંઈ હિલચાલ ન દેખાણી એટલે તેને મનમાં થોડી શાંતિ થઈ. છતાં સાંજ સુધી શું તાલ થાય છે ,તે તેણે જોયા કર્યું. આખરે માં 'સધી'એ લાજ રાખી તો ખરી ,એમ મનોમન સધીમાનુ સ્મરણ કર્યું .બે -પાંચ દિવસ તો તેણે એમ જ ઊંચાટમાં પસાર કર્યા .પરંતુ પછી થોડી શાંતિ થતાં રાધા નું મારકણું રૂપ તેને જંપવા દેતું ન હતું. ને રાધા ની આ ચુપ કીદી ને તેણે રાધાની મજબૂરી માની લીધી. તેણે જોઈ લીધું હતું કે બળથી આંહીં કોઈ કામ થાય એમ નથી. માટે ગમે તે ઉપાય કરીને, છળ- કપટથી રાધા ને પોતાના તરફ ખેંચવા ગોઠવણ કરવા લાગ્યો. ને એ માટેની એક યોજના પણ તેણે મનમાં મગજમાં વિચારી લીધી.
રાત્રિના દસેક વાગ્યા હતા. ગામથી થોડે દૂર આવેલા કનુભા ના ઢાળીએ ,અત્યારે કનુભા, જીવો ભોપો અને ભાણજી પાવળિયા ની ત્રિપુટી એકલી બેઠી હતી. કનુભા ખુલ્લા આકાશ તરફ જોઈને તાજ બીડીના ઊંડા- ઊંડા કશ લઈ રહ્યો હતો. જ્યારે જીવો અને ભાણજી હુક્કો ગગડાવવા માં મશગુલ હતા. કનુભા મનોમન વિચારી રહ્યો હતો. કેટલા કેટલાક દિવસોમાં આ ગામમાં પોતાનું બે વખત છૂપું અપમાન થયું હતું. એક વખત પેલા શામજીના સામે ,અને બીજું આ રાધાડી ની સામે .ને જો આ જ સિલસિલો ચાલુ રહે તો ? તો -તો ગામમાં પોતાનો પ્રભાવ, પોતાની આબરૂ અને પોતાની ધાક આ બધું જ ચાલ્યું જાય. ને પછી તો આ ગામમાં પોતાની કોઈ ચટણી પણ ન લે !
જ્યારે જીવો ભોપો અને ભાણજી પોતાની બંનેને કયા કામે નાના બાપુ (કનુભા)એ આંહીં બોલાવ્યા હશે, તેનો અંદાજ કાઢવાની ગડમથલમાં પડ્યા હતા. આમ ત્રણેય જણા પોત-પોતાના વિચારોમાં ખોવાયેલા હતા.
' મારાં બેટા આ માણસ હમણાંથી ફાટીને ધુમાડે ગયાં છે નહીં ભોપાબા ?' કુનુભાના મનમાં હતું તે હોઠે આવી ગયું 'હવે નાં મનેખ પહેલાના જેવાં મરજાદી ક્યાં રહ્યાં છે, નાના દરબાર ! ભાણજીએ કનુભા શું કહેવા માગે છે તે સમજ્યા જ જીહજૂરિયા પણું બજાવ્યું .
'મારા હાહરા,ભારા-ફોરાનો વરતારો જ નથી રાખતા.' વિચાર તંદ્રા માં ખોવાયેલા કનુભા નો લવારો હજુ ચાલુ જ હતો . 'હાસતો દરબાર , સોળ આની સાચી વાત કહી .'અનુભવી જીવાએ વચમાં ફાચર મારી . ને ક્ષણેક અટકીને વાત કઢાવવા કહ્યું.' કેમ નાના બાપુ ,તમારેય કંઈ કોઈ સાથે ટસલ બીજી થી હતી કે શું ?'
કનુભા કેટલોય સમય કંઈક મનમાં વિચારતો રહ્યો .ને પછી ધીરા ને ગંભીર સાદે બોલ્યો.'તે માટે તો તમને બેયને, એક ખાસ વાત માટે અહીં બોલાવ્યા છે. પરંતુ જો-જો વાત ક્યાંય બહાર જાય નહીં. ખાવો જો સધીમાંના સમ ! '
જીવો ભોપો અને ભાણજી પાવળિયો બંને આશ્ચર્યથી કનુભા ના મોં સામે જોઈ રહ્યા. કનુભા ને તેમના ઉપર શું વિશ્વાસ નથી ? તેમણે બંને સમ ખાધા એટલે એ બંને પોતાના બાપ જેટલી ઉંમરના હોવા છતાં તેણે રાધા સાથે થયેલા ઝઘડા ની વાત નિર્લજ્લતાથી પોતાનો હાથ થોડો ઉપર રહે તેમ ,મરી- મસાલો ભભરાવીને કહી સંભળાવી. પેલા બંને બુઢ્ઢા આ વાત સાંભળીને અવાક થઈ ગયા. ને વાત પૂરી કરતાં આખી વાત એ બંને ઉપર નાંખતાં કનુભા બોલ્યો.' ભોપા બા, હવે તમે જ રસ્તો બતાવો. કે મારે આ વાતમાં શું કરવું ? તેના માટે જ તમને અહીં બોલાવ્યા છે.' કેટલોક સમય ત્યાં સ્મશાન વત શાંતિ પથરાઈ રહી .ત્રણે જણ પોતપોતાની રીતે ઉપાય વિચારવા લાગ્યા. ઘડીભરતો ભોપાને કહેવાનું મન થયું કે 'બાપુ આ રાધાડી ની વાતને જ પડતી બુકોને ? પરંતુ કનુભાના આ બંને ઉપર એટલા બધા ઉપકાર હતા કે એમ કહેવાની તેમની હિંમત ન ચાલી. આખરે વિચારમાં પડેલા કનુભા ને તેનો ઉપાય પહેલાં સૂઝયો .તે ઉત્સાહથી બોલી ઊઠ્યો.'ભોપાભા, આમેય તમે મનેખ ને વળગેલ ભૂત -પ્રેત અને વગાડને તો કાઢો જ છો ને ? એમાંથી એકાદ ચુડેલને આ રાધાડીને વળગાડી દો, પછી બેટા મારાં એનાં ઘરવાળા જખ મારીને એ કઢાવવા તો તમારી પાસે જ આવશે ને ? ને પછી તો તમે છો ને એ છે .આપણે ઠીક લાગે એમ કરીશું .'
અને કનુભા ની આ વાત સાંભળીને તો જીવો ભોપો અને ભાણજી પાવળીયો, બંને એકી સાથે ચમકી ગયા. બંનેએ એકબીજાના મોં સામે જોયું. કારણ કે બંને એ આજ સુધી ઘણાં બધાં મનેખ નાં ભૂત-પરેત તો કાઢ્યાં જ હતાં .ભૂત કાઢવાનું તો તેઓ જાણતા હતા. પરંતુ કોઈને ચુડેલ વળગાડવાની વિદ્યા તેઓ હજુ સુધી તો શીખ્યા ન હતા. પરંતુ પોતાની આ કમજોરી કનુભા આગળ છતી કરવા પણ બંને નહોતા માગતા. કનુભા ની ઓથ વિના આખા ગામને પોતાના ડેકલે ધુણાવવુ શક્ય ન હતું. તેથી આજે ના છૂટકે આ બંનેને કનુભાના ડેકલે ધૂણવું પડે એમ હતું.
' એમાં શું મોટી વાત છે ? એ કામ તો આમ ચપટી વગાડતા થઈ ગયું સમજો .' ભાણજી પાવડિયાએ આખી વાત સંભાળી લીધી .પાવળીયાના આ શબ્દોથી ભોપાને સહેજ આશ્ચર્ય થયું પણ તેમણે તે કળાવા ન દીધું.તેમની બન્ને ની શક્તિની કેટલીક બડાશ માર્યા બાદ ભાણજી એ વિનંતી ભર્યા સાદે કહ્યું .'હે બાપુ ,ચુડેલ તો તેણીને વળગાડી દઈએ, પણ પછી એ નીકળેલ નહીં ,ને ક્યાંક તેણીનો જીવ લઈ લેતો ? એના કરતા બીજા કોઈ ઉપાયે એ, માંને એમ નથી ?' 'નથી માને એવી ,ત્યારે જ તો આ બધી મોકાણ છે ને !'કનુભા શહેજ ઉગ્ર થઈ ગયો.
' તમ તમારે ચિંતા છોડો ! જો સાત દહાડામાં એ છોડી તમારા પગ પકડતી ના આવે, તો મારું નામ ભોપો નહીં.' આ વખતે જીવા એ વાતને સંભાળી લીધી.
'બસ બસ ભોપા બા ! આપણે તો એટલું જ જોઈએ છે ને ! કનુભા નો ચહેરો રાધા અત્યારે જ મળી ગઈ હોય તેમ ચમકી ઉઠ્યો.તેણે આગળ કહ્યું.' પછી તમે બંને જોજો ! જનમ ધરીને કોઈ એ ન આપી હોય ,એવી ભેટ ન આપું તો મને અસલ દરબાર ના કેજો !'
વાત સાંભળીને ભાણજી અને જીવો બંને રાજી થઈ ગયા ને રંગમાં આવી જઈને તેમણે કેવા- કેવા ભયંકર વગાડ કાઢ્યા છે ,તેની વાતો મોડા સુધી કરતા રહ્યા. ને લગભગ અડધી રાતે એ ત્રણેય વેરાણા . ઢાળિયે થી ઘેર આવતાં રસ્તામાં જીવા ભોપા એ વાત ઉપાડી.' ભાણજીડા આટલા દાડા તો, ઘણાંય ડાકલાં લગાડયા .પરંતુ હવે ?'
' હું પણ એ જ વિચાર કરું છું ભોપા, કે આ મોટા ઠૂઠા ને રસ્તામાંથી હવે ખસેડવું કેમ ?'. 'કંઇક રસ્તો શોધ ભાંણજીડા , ન'કે આપણી કરી કારવી બધી જ કારકિર્દી ધૂળમાં મળી જશે.' ભોપાને ભાવિની ચિંતા સતાવતી હતી. 'ભોપા 'પદ મેળવવું અને જાળવી રાખવું એ કંઈ સાવ આસાન કામ નથી જ.તે માટે તો કેટલીય આવડત, અનુભવ, હોશિયારી અને પરિશ્રમ માગી લે છે. સાથીદાર પાવળીયો જેમ વધુ અનુભવીને હોશિયાર, તેમ ભોપો લોકોમાં વધુ પ્રખ્યાત થાય. એક વખત ખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ ,પછી તો હજારો ગાઉથી લોકો ,ભૂત- પ્રેત કઢાવવા અને દુઃખ દૂર કરાવવા પડા- પડી કરતાં દોડી આવે છે.
લોકો દુઃખ જોવડાવવા કે વળગાડ કઢાવવા માટે આવે ત્યારે ભોપો સૌ પ્રથમ પંદર દાડા ,કે મહિનાની બાધા આપી દે છે . તે પંદર દાડા માં દુઃખ વાળી વ્યક્તિ,અને તેના ઘરનો ભૂતકાળ ,તે ગામની સીમમાં વસતા વળગાડ, બધી જ માહિતી તેઓ પોતાના ખાનગી માણસો દ્વારા જાણી લે છે. ને પછી ધૂણતા-ધૂણતા એ બધું એવું ફટાફટ બોલવા લાગે, કે લોકો અચંબામાં પડી જાય .અને પછી પોતાનું ધાર્યું કામ પાર પાડે .
'એક રસ્તો સૂઝે છે ભોપા ,જો તમને ગમે તો !ભાણજીએ કહ્યું.ને પછી આગળ ચલાવ્યું.'આપણે પ્રેમજીના ઘેર માતાનો પાટ માંડીએ ,અને પછી આ રાધાનું આણું પાંચ વર્ષ સુધી કરવાની માતા ના પાડે છે.' એવી બાધા આપી દઈએ .જુવાનજોધ છોડી છે, તે 'પોતાની જવાની કેટલો સમય જીરવી શકશે ?' કહીને ભાણજી ભોપા સામે જોઈ રહ્યો . 'તારી વાત તો સાચી છે હો !' ભોપાને પણ લાગ્યું કે આવી લાંબી બાધા સાંભળીને રાધા ,પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે , તે પછી તરત જ તેને ફલાણું ભૂતપ્રેત વળ્યું છે ,તેવું ઠસાવી દેવું. ને પછી તો એ છે, અને' એ ભૂતપ્રેત છે . આપણે જે ધારીશું ,તે કરી શકીશું.