નો ગર્લ્સ અલાઉડ - ભાગ 57 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 57



અનન્યાનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ ગયું. આદિત્ય સાથે સમય વિતાવતા માટે હવે તડપવા લાગી હતી. ઑફિસેથી આવતા જ આદિત્ય અનન્યાને ગળે મળતો. એમના હાલચાલ પુછતો અને જરૂર પડે ત્યાં એમની સેવા પણ કરવા લાગ્યો હતો. થોડાક દિવસની મહેનત બાદ આદિત્યે અનન્યાને કહ્યું. " અનન્યા, આજ કાલ કામ મળતું જ બંધ થઈ ગયું છે, જ્યારથી માર્કેટમાં હરીફાઈ વધી છે ત્યારથી બીઝનેસનો ગ્રોધ જ અટકી ગયો છે.."

" બધું સારાવાના થઈ જશે તમે ચિંતા ન કરો...." અનન્યા એ આશ્વાસન આપતા કહ્યું.

" હા થઈ તો શકે એમ છે પણ મને એમાં તારી મદદની જરૂર છે..."

" હું ભલી તમારા બિઝનેસમાં શું મદદ કરી શકું? "

" એક ક્લાઈન્ટ હાથમાં લાગ્યો છે, અમેરિકામાં પોતાનો બિઝનેસ ચલાવે છે અને એ ચાહે છે કે એના બિઝનેસની એડ હું તૈયાર કરીને આપુ..."

" હા તો આ તો ખુશીની વાત છે ને...તો એમાં મારી શું મદદ જોઇએ?"

" એ ક્લાઈન્ટ ચાહે છે કે એની એડમાં એઝ મોડેલ તું જ કામ કરે..."

" હું અને મોડલ??" અનન્યા એ આશ્ર્ચર્ય સાથે કહ્યું.

" હા એણે તારી મેજિક કંપનીની એડ જોઈ અને કહે છે આ મોડલ જો મારી એડમાં કામ કરે તો જ હું આ ડીલ ફાઇનલ કરીશ...."

" આદિત્ય, મને એડમાં કામ કરવાનો કોઈ પ્રોબ્લમ નથી પણ આ પરિસ્થિતિમાં હું કઈ રીતે કામ કરી શકીશ?"

" તું એની ચિંતા ન કર, એ બંદોબસ્ત અમે કરી લઈશું, બસ તું આ એડ કરવા માટે રાજી છે ને?"

" હા, મારા પતિ માટે તો હું કોઈ પણ સ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર છું..."

" થેંક્યું અનન્યા થેંક્યું સો મચ...."

આખરે આદિત્યે અનન્યાને એડ માટે મનાવી જ લીધી. બે ત્રણ દિવસમાં આદિત્ય એડની તૈયારીમાં લાગી ગયો હતો. એડ વિશે થોડીઘણી ચર્ચાઓ કરવા માટે તેણે રાહુલને કોલ કરીને પોતાની ઓફીસે બોલાવ્યો.

" બોલો તમને કેવી એડ જોઈએ છે? કોઈ મનમાં આઈડિયા છે ખરો ?" આદિત્યે કહ્યું.

" હમમ, એક આઈડિયા છે જો થઈ શકે તો હું આ રીતે એડ તૈયાર કરવા માંગુ છું..."

" હા બોલો બોલો..."

" મારા રેસ્ટોરન્ટની એક અલગ સ્ટાઇલ છે..જેમ તમે ફોટા અને વીડિયોમાં જોયું તેમ. ધારો કે કસ્ટમરને ગુજરાતી થાળી ખાવી છે તો એમને થાળી પીરસવા માટે બે ગુજરાતી લોકો આવશે, કપડાં પણ એકદમ ગુજરાતી સ્ટાઈલમાં પહેરેલા હશે અને જો એમને મ્યુઝિક પસંદ છે તો મ્યુઝિક પણ અમે ગુજરાતી જ ચલાવીશું, ટુંકમાં અમે એને આસપાસનું વાતાવરણ જ એની પસંદગીની થાળી પ્રમાણે ગોઠવીને આપશું. ગુજરાતી માટે ગુજરાતી થીમ, પંજાબી માટે પંજાબી થીમ, સાઉથ ઈન્ડિયન માટે સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ માટે ચાઇનિઝ થીમ...."

" વાવ વોટ અ ગ્રેટ આઈડિયા! પણ એડ કઈ રીતે કરીશું?"

" એડ માટે અનન્યા શર્મા આવશે ને?"

" હા હા એની ચિંતા ન કરો..."

" ઓકે તો હું ચાહું છું કે એડ આપણે એ રીતે તૈયાર કરીએ કે અનન્યા છે એ ગુજરાતી સ્ટાઈલમાં એકદમ ગુજરાતી કપડાં અને પાછળનું બેકગ્રાઉન્ડ પણ ગુજરાતી જ રાખી દઈશું અને જે મોડલ છે અનન્યા એ ગુજરાતી કપડાં પહેરીને મારા રેસ્ટોરન્ટ વિશે માહિતી આપશે એ પણ ગુજરાતી સ્ટાઈલમાં...આવી જ રીતે પંજાબી, ચાઇનિઝ , સાઉથ ઈન્ડિયન આ પ્રમાણે એ તૈયાર થશે અને આપણે એડ તૈયાર કરી લઈશું..."

" એકદમ પરફેક્ટ...પણ તમારો રેસ્ટોરન્ટ તો અમેરિકામાં છે ને તો શૂટિંગ કરવા માટે આપણે અમેરિકા જઈશું?"

" ના ના ત્યાં જવાની જરૂર નથી....મારા એક મિત્રે ઓલરેડી એકદમ કોપી ટુ કોપી રેસ્ટોરન્ટ તૈયાર કરી નાખી છે આપણે બસ ત્યાં એડ શૂટ કરવાની છે..."

" તો તો ક્યાંય પ્રોબ્લેમ જ નથી...."

" તો બોલો ક્યારે કરવી છે શૂટિંગની શરૂઆત?"

" મને માત્ર બે દિવસ આપો જરૂરી સામાનનો હું બંદોબસ્ત કરી લવ પછી એડ શૂટ કરીએ આપણે....તમે એમ સમજો કે સાત આઠ દિવસમાં તમારી એડ તૈયાર થઈને તમારી પાસે આવી જશે..."

" ગ્રેટ..તો હું નીકળું?...."

" ઓકે તો આપણે બે દિવસ પછી શૂટિંગ સમયે મળીએ.."

" ઓકે..."

રાહુલના જતા જ આદિત્ય ઓફિસમાં જ નાચવા લાગ્યો. " એડ બે ચાર દિવસમાં તૈયાર પણ થઈ જશે અને ફાયદો થશે પાંચ ગણો!! થેંક્યું અનન્યા થેંક્યું આ ડીલ તારા લીધે તો મને મળી છે, એક કામ કરું એને એડ વિશે કંઈ નથી કહેવું સીધું એડ સમયે જ સરપ્રાઈઝ આપીશ...જોઈને એકદમ ખુશ થઈ જશે મારી અનન્યા..."

આદિત્યે અનન્યા પાસે આ રેસ્ટોરન્ટની એડ છૂપાવી રાખી. અનન્યાને ખબર તો હતી કે એણે કોઈ એડમાં કામ કરવાનું છે પણ એડ શેની છે? ક્લાઈન્ટ કોણ છે? એ વિશે એમને કોઈ જાણકારી નહોતી. ન આદિત્યે એમને કહ્યું કે ન રાહુલે એમને પોતાના પ્લાન વિશે જણાવ્યું.

બે દિવસ પછી અનન્યા એડની શૂટિંગ માટે રેડી થઈ રહી હતી.

" ચાલો તો નીકળીએ આપણે..." આદિત્ય અને અનન્યા કાર મારફતે જ્યાં એડ શૂટ કરવાની હતી ત્યાં પહોંચ્યા. એડને શૂટ કરવા માટે વીસેક માણસો કામે લાગ્યા હતા. સામેના રેસ્ટોરન્ટને જોઈને અનન્યા એ કહ્યું. " આપણે રેસ્ટોરન્ટની એડ તૈયાર કરવાની છે?"

" હા અનન્યા અને તું જોજે તને આ એડ કરવામાં ખૂબ મઝા આવી જશે.."

" એ કેવી રીતે?"

આદિત્યે અનન્યાને કયા ડાયલોગ બોલવાના છે? ક્યાં કયા એક્સપ્રેશન આપવાના છે? એડની શું થીમ છે એ બધી માહિતી એક પછી એક આપવા લાગ્યો.

" વાહ યાર શું આઈડિયા છે? આવા રેસ્ટોરન્ટમાં હું ખરેખર જવાનું પસંદ કરું..."

" આપણે જશુંને એક દિવસ..." આદિત્યે કહ્યું.

" કેમ આજે કેમ નહિ?"

" અરે એ રેસ્ટોરન્ટ ઇન્ડીયામાં નથી પણ અમેરિકામાં છે.." એટલું કહીને આદિત્ય પોતાના વર્કરો પાસે ડિસ્કસ કરવા ચાલ્યો ગયો.

અનન્યા સ્વગત બોલી. " રેસ્ટોરન્ટ અમેરિકામાં છે!" ત્યાં જ અનન્યાની નજર સામે આવતા રાહુલ પર પડી. અનન્યા ટેબલ પરથી ઊભી થઈને એકીટશે જોવા લાગી. " આ રાહુલ અહીંયા શું કરે છે?" અનન્યાના હદયના ધબકારા વધવા લાગ્યા હતા પણ જ્યારે એણે રાહુલને આદિત્ય સાથે હાથ મિલાવતા જોયો ત્યાં અનન્યાના તો હોશ જ ઉડી ગયા!

આદિત્ય રાહુલને અનન્યા પાસે લાવ્યો અને કહ્યું. " અનન્યા આ રાહુલ, આ રેસ્ટોરન્ટનો માલિક અને રાહુલ શી ઇઝ માય વાઇફ...અનન્યા..."

" તમે એડમાં જેટલા સુંદર દેખાવ છો એના કરતાંય વધારે સુંદર છો...ગોડ ગિફ્ટ છે...." રાહુલની સાથે આદિત્ય પણ હસવા લાગ્યો. અનન્યા પોતાનો હાવભાવ છૂપાવવાની કોશિશ કરવા લાગી.

" આદિત્ય સર..પ્લીઝ બે મિનિટ અહીંયા આવશો?"

" તમે બેસીને વાત કરો હું જરા ત્યાં થઈને આવું છું..." આદિત્ય ત્યાંથી જતો રહ્યો.

આદિત્યના જતા જ અનન્યા એ રાહુલને ખેંચીને પોતાની બાજુની ખુરશી પર બેસાડ્યો અને કહ્યું. " આ બધું શું છે? જરા મને સમજાવીશ?"

" તું ચિંતા ન કર, આ બઘું હું જે કરું છું એ તમને બંનેને નજદીક લાવવા માટે જ કરું છું...." રાહુલે કહ્યું.

" રાહુલ તારામાં અક્કલ છે કઈ? આદિત્યને જરા પણ ભનક લાગી ગઈ ને કે આપણે પહેલાથી એકબીજાને જાણીએ છીએ તો આદિત્ય મને સીધો ડિવોર્સ જ આપી દેશે!... સમજે છે તું?"

" એવું કંઈ નહિ થાય અને બે દિવસની તો વાત છે પછી હું અમેરિકા જતો રહીશ અને તું અહીંયા...."

" પણ રાહુલ.."

" ચૂપ એકદમ ચૂપ હવે એક શબ્દ પણ બોલી છે ને તો હું બધા સામે ચિલાવીને કહી દઈશ કે..."

" શું કહી દઈશ?"

" કે હું અનન્યાને આજે પણ એટલો જ પ્રેમ કરું છું..." ધીમા અવાજે રાહુલે અનન્યાના કાનમાં કહ્યું.

ક્રમશઃ