દરિયા નું મીઠું પાણી - 27 - અનુજ - ભાઈ Binal Jay Thumbar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 27 - અનુજ - ભાઈ


‌‌અનુજ હાંફતો હાંફતો બસમાં ચડીને ખુશ થતો બોલી ઉઠ્યો,"હાશ! આખરે બસ તો મળી જ ગઈ.બે મિનિટ મોડો પડ્યો હોત તો આજે પેપર છુટી જ જાત." અનુજનું વાક્ય સાંભળીને બસનાં કેટલાંક મુસાફરોની નજર અનુજ તરફ મંડાઈ.એક મુસાફરે તો કહ્યું પણ ખરું,"ભાઈ!બાર વાગ્યાવાળી બસમાં નિકળવું જોઈએ ને!" જોકે મુસાફરના વાક્યનો અનુજ પાસે કોઈ જવાબ નહોતો.એ ચૂપ જ રહ્યો.

ગામથી અડધો કિલોમીટર દૂર બસસ્ટેશન હતું.એ અડધો કિલોમીટર અનુજ રીતસરનો દોડ્યો હતો એટલે એને હાંફ ચડી ગયો હતો.એણે બસમાં ચારેબાજુ નજર કરી પરંતુ એકેય બેઠક ખાલી ના દેખાઈ.એણે પંદર કિલોમીટરની મુસાફરી ઉભાં ઉભાં જ કરી.ચડેલા હાંફે એ એની ગરીબીને કોસતાં કોસતાં બબડી ઉઠ્યો,' સખત પરિશ્રમથી આ ગરીબીને જડમૂળથી ઉખાડીને ફેંકી દઈશ.'

અનુજની વિધવા મા દાડીયે ગયેલી એ બપોરે એક વાગ્યે ઘેર આવેલી.ઘેર આવીને એણે ઝડપભેર બાજરીનો રોટલો ટીપી નાખ્યો.શાક બનાવવામાં તો થોડી વાર લાગે એટલે ઝડપભેર એણે લાલ મરચાની ચટણી બનાવી દીધી.અનુજે ઝડપભેર કટક બટક ખાઈ લીધું અને કંપાસ,પાટીયા સાથે બસસ્ટેશન તરફ દોટ મૂકી.

‌. ગામનાં મોટાભાગનાં બાળકો પાસે શાળા કોલેજોમાં જવા આવવા માટે દ્વિચક્રી વાહનો હતાં.અનુજ જેવી પરિસ્થિતિનાં તો આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ બાળકો.જોકે આ વાતનો અનુજને ક્યારેય અફસોસ નહોતો.

આજે એના પ્રિય વિષય ગણિતનું પેપર હતું.એ સમયસર એના મુકામે પહોંચી ગયો.એણે પરિક્ષા સ્થળે આવેલ પાણીની ટાંકીએ પાણી પીધું અને પછી એણે એનું કંપાસ બોક્સ ખોલ્યું.

કંપાસ બોક્સમાં ગઈકાલે જ નવી લીધેલ બોલપેનો નહોતી.એને અચાનક યાદ આવ્યું,'અરેરે! બોલપેનો તો નોટબુકના પાના વચ્ચે જ રહી ગઈ.'

આજે વહેલી સવારથી જ ઉંધું ઘાલીને એ દાખલા ગણી રહ્યો હતો.માએ ઘેર આવીને ઝડપભેર જમવાનું તો બનાવ્યું પરંતુ બસના સમયની ચિંતામાં ને ચિંતામાં બોલપેનો નાટબુકમાં જ રહી ગઈ.

હવે? હાંફળોહાંફળો થઈને એ ચારેબાજુ નજર ફેરવવા લાગ્યો.પોતાના ગામની જ એક છોકરી દેખાઈ.અનુજ ઝડપભેર એ છોકરી પાસે જઈને બોલ્યો,"ભાર્ગવીબેન! તમારી પાસે વધારાની બોલપેન હોય તો આપો ને, હું ઘેર ભૂલીને આવ્યો છું.વધારાની બોલપેન ના હોય તો પાંચ રૂપિયા આપો,ઘેર આવીને તમને પરત આપી દઈશ."

"ના અનુજ,મારી પાસે વધારાની બોલપેનેય નથી કે પાંચ રૂપિયા પણ નથી."- કહીંને એ છોકરી મોં મચકોડીને અનુજ પાસેથી દૂર ચાલી ગઈ.

બીજા બે વિદ્યાર્થીઓ પણ ઓળખાણવાળા હતા પરંતુ એ બન્ને પાસેથી પણ ભાર્ગવી જેવો જ જવાબ મળ્યો.પેપર શરૂ થવાની થોડી જ વાર હતી.અનુજે દરવાજા બહાર દોટ મૂકી.થોડે દૂર જ એક સ્ટેશનરીની દુકાન દેખાઈ.અનુજ ત્યાં દોડી ગયો.

શરમ છોડીને એણે દુકાનદારને કહ્યું,"કાકા!એક બોલપેન આપોને.હું ઘેર ભૂલીને આવ્યો છું.કાલે પૈસા આપી દઈશ." વાહ રે વાહ! એ નિષ્ઠુર હ્રદયનો દુકાનદાર પણ અનુજને હડધૂત કરતાં બોલ્યો,"ક્યાંથી આવે છે આવાં રેઢીયાળ?"

અનુજ ગભરાઈને પરસેવાથી રેબઝેબ થઈ ગયો.એની આંખો આંસુથી ભરાઈ આવી.

અચાનક એક છોકરીનો અવાજ અનુજના કાને પડ્યો, "બોલપેન નથી ભાઈ?" અનુજે પાછળ ફરીને જોયું તો એક સાવ અજાણી છોકરી ઉભી હતી.છોકરીએ એના કંપાસ બોક્સમાંથી પાંચ રૂપિયાની નોટ કાઢીને અનુજ સામે ધરતાં કહ્યું,"લ્યો ભાઈ આ પાંચ રૂપિયા.જાઓ, બોલપેન લઈ આવો. ત્યાં સામે જ સ્ટેશનરીની બીજી દુકાન છે.આની પાસેથી ના લેશો."

‌. અનુજના જીવમાં જીવ આવ્યો.તે એ અજાણી છોકરી સામે ઘડીભર જોઈ જ રહ્યો.ખચકાતાં ખચકાતાં હાથ લાંબો કરીને પાંચની નોટ લેતાં એ બોલ્યો, બહેન! કાલે તમને પાંચ રૂપિયા પરત કરી દઈશ.તમે મને મદદ ના કરી હોત તો મારું આજે શું થાત?"

અજાણી છોકરીઓથી કાયમ શરમાતો ગરીબ કુટુંબનો અનુજ"આભાર " શબ્દ તો ઉચ્ચારી ના શક્યો પરંતુ એનાથી આપોઆપ હાથ જોડાઈ ગયા.

"ભાઈ! પૈસા પાછા આપવાની ચિંતા ના કરો.આવતીકાલે મારે આ સ્થળે પેપર નથી.તમે ઝડપથી જઈને બોલપેન લઈ આવો.પેપરનો સમય થવા આવ્યો છે."- કહીને એ અજાણી છોકરીએ થોડું હસી લીધું.

‌ અનુજ ઝડપભેર પાંચ રૂપિયાની બે બોલપેન લઈને પરત આવ્યો પરંતુ એ અજાણી છોકરી તો પરિક્ષાખંડ તરફ રવાના થઈ ચૂકી હતી.

એ સ્મિતા નામની અજાણી છોકરી મનોમન વિચારતી વિચારતી ડગલાં ભરી રહી હતી,'જોયું ને સ્મિતા! તારા જેવી પરિસ્થિતિનાં કેટલાં બધાં માનવી આ સમાજમાં છે?બાપુજીએ ખરા પરસેવાના પાંચ રૂપિયા તને હાથરૂમાલ લેવા આપ્યા હતા ખબર છે ને?લે, હવે હાથરૂમાલ વગર જ રહીને!'

સ્મિતાનો આત્મા પોકારી ઉઠ્યો,'શું વાંધો છે? એક ગરીબ છોકરાનું પેપર તો લખાશે ને!'- મનોમન ખુશ થતી સ્મિતા પરિક્ષાખંડનાં પગથિયાં ચડી ગઈ.

સરકારી નોકરી મળ્યાના છઠ્ઠા મહિને અનુજ એની મા વિમળાબેનને શહેરમાં લઈ આવ્યો.છેલ્લા છ મહિનાથી એ એક રૂમ ભાડે રાખીને રહેતો હતો પરંતુ ગઈ કાલે જ એણે એક સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું.

‌‌. મકાનના સ્થળે અનુજ અને વિમળાબેન જઈને ઉભાં રહ્યાં ત્યાં જ એ મકાનની અડોઅડ આવેલ મકાનમાંથી એક સ્ત્રી બહાર આવી.એના એક હાથમાં ચાવી અને બીજા હાથમાં પાણી ભરેલ લોટો અને ગ્લાસ હતાં.એ વિમળાબેન તરફ નજર કરીને બોલી,"માસી! લ્યો આ ઘરની ચાવી. ગઈકાલે સવારે તમે લોકો મકાન જોવા આવ્યાં હતાં ત્યારે હું શાકભાજી લેવા ગયેલ હતી.આજ સવાર સવારમાં જ મકાન માલિક નયનભાઈ આવીને ચાવી આપીને તમે લોકો આવવાનાં છો એવું કહી ગયા હતા."- કહીને એ સ્ત્રીએ લોટમાંથી પાણીનું ગ્લાસ ભરીને વિમળાબેન સામે ધર્યું.

‌. અનુજ તો દિગ્મૂઢ થઈ ગયો.એ સ્ત્રી સામે જોઈ જ રહ્યો.એનાથી રહેવાયું નહીં.એના મોઢામાંથી આપમેળે શબ્દો સરી પડ્યા," બહેન! મારી માને તમે માસી નહીં પરંતુ મા કહો.કારણ કે,એક ગરીબ વિદ્યાર્થીને પાંચ રૂપિયાની મદદ કરનાર એક અજાણી છોકરી મારી બહેન જ હોઈ શકે.બહેન! તમને ખબર છે? એ તમારા પાંચ રૂપિયાની મદદથી લીધેલ પેન વડે હું ગણિત વિષયમાં સોમાંથી સો ગુણ મેળવી શક્યો હતો.અને એ પેનથી લખેલ બીજાં પેપરોએ પણ મને એંસી ઉપરના ગુણ મેળવી આપ્યા હતા."

સ્મિતાએ અનુજ સામે જોયું.એ પણ અનુજને ઓળખી ગઈ.એની આંખો ભીની થઈ ગઈ.એનાથી પણ બોલાઈ ગયું,"ભગવાને શ્વસુરગૃહે તો ઘણુંય સુખ આપ્યું છે ને આજે એક ભાઈની ખોટ હતી એ પણ મારા વ્હાલાએ પુરી કરી....."