દરિયા નું મીઠું પાણી - 26 - મામેરું Binal Jay Thumbar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 26 - મામેરું


‌‌ એનું મૂળ નામ તો ત્રિભોવન પણ,અપભ્રંશ થઈને તભો એમાંથી થભો અને છેલ્લે થભલો થઈને ઉભું રહ્યું.એ આઠ વરસનો હશે એ વખતે એની મા મૃત્યુ પામેલી.થભલાનો બાપ ઘોડાનો વેપારી અને અફીણનો પાક્કો બંધાણી.વળી‌‌ એનો ધંધો પણ એવો કે આખો વિસ્તાર એને ઓળખે.

‌થભલાની માના મોત પછી બરાબર એક વરસે નજીકના ગામની પરણેતરને લઈને થભલાનો બાપ ભુગર્ભમાં ઉતરી ગયો. એને એના એકનાએક દીકરાનો પણ વિચાર ના આવ્યો.થભલો સાવ એકલો પડી ગયો.હજી માંડમાંડ થોડી સમજ ધરાવતો થભલો કાકા કુટુંબ અને ગામલોકોના રોટલાના કટકે બારેક વર્ષનો થયો ત્યાં જ કુટુંબીજનોનાં કડવાં વેણ સંભળાવવા લાગ્યાં.

'તારા બાપે તો આખા પરિવારનું સમાજમાં નાક કપાવ્યું પરંતુ તું હજી પારકા રોટલે કેટલા દિવસ લીલાલહેર કરીશ?' બિચ્ચારા થભલાનો એમાં શું દોષ? છતાંય એણે બારેક વર્ષની ઉંમરે લોકોની મજૂરી કરવાનું શરૂ કરી દીધું.થભલો ઉંધું ઘાલીને તનતોડ મહેનત કરી પોતાની રીતે પેટ ભરતાં શીખ્યો પરંતુ એના બાપે ભરેલ પગલાની દાઝ કુટુંબ પરિવારનાં લોકો થભલા પર કાઢતા જ રહ્યાં.

પાંચ વરસ તો થભલાએ માંડમાંડ પસાર કર્યાં.આખરે કુટુંબીજનોનાં મહેણાંટોણાંથી થભલો બરાબરનો કંટાળ્યો. એટલું સારું હતું કે આવી પરિસ્થિતિમાંય થભલો ખોટા રસ્તે ના ચડ્યો.થભલાના બાપે સારું કહી શકાય એવું ઘર બનાવેલ હતું એ ઘર બહારથી આવેલ એક દુકાનદારને થભલાએ માસિક પચાસ રૂપિયાના ભાડે આપી દીધું.થભલાએ ગામ છોડવાનું મનોમન નક્કી કરી લીધું.

ઘર છોડતી વખતે દુકાનદારે થભલાને સો રૂપિયાની નોટ પકડાવી એ માયા અને મૂડી સાથે થભલાએ ઘર અને ગામ છોડ્યાં.

થભલો આખો દિવસ ભુખ્યા પેટે ચાલતો રહ્યો. બરાબરનો થાક્યો ત્યારે દશેક ગાઉં દૂર આવેલ ગામના ઝાંપા પાસે આવેલ એક દેવમંદિરના ઓટલે એ સૂનમૂન થઈને બેઠો. સાંજના સમયે પૂજારી આરતી માટે આવ્યો.એણે અજાણ્યા થભલાની પુછપરછ કરી.થભલાએ પોતાની ઓળખ આપીને પૂજારીને એક રાત્રી ધર્મશાળામાં સુઈ રહેવા માટે વિનંતી કરી.

દુકાનેથી ચણા અને ગોળ લાવી થોડું પેટ ભરીને થભલાએ મંદિરની ધર્મશાળામાં રાત વિતાવી.સવારે ઉઠીને થભલો મંદિર પાસેના પાણીના હવાડા પર દાતણ કરી રહ્યો હતો ત્યારે હાથમાં જાજરૂના લોટા સાથે આવેલ વ્યક્તિએ લોટો ઘસતાં ઘસતાં થભલાને પુછ્યું,"અલ્યા,કયા ગામનો છે છોકરા?તું આ ગામનો તો નથી."

થભલાએ પોતાની આખી ઓળખ આપી."કઈ બાજુ જાય છે?"- ના પ્રત્યુતરમાં થભલાએ,"જ્યાં મજુરી મળે ત્યાં."જવાબ આપ્યો એ સાથે જ પેલા વ્યક્તિએ કહ્યું," મારે ત્યાં આવતો રહે.આમેય મારે જરૂર છે."

બસ,થભલો એ ગામના માથાભારે શખ્સ નાથાને ત્યાં ખેતીકામે લાગી ગયો.સખત મહેનત છતાંય બાર મહિને બે જોડી કપડાં,બે જોડી પગરખાં અને બે ટંક જમવાનું,એના સિવાય કંઈ નહીં.આવી પરિસ્થિતિમાંય થભલે બાર મહિના ખેંચી કાઢ્યા.આ બાર મહિનામાં તો થભલાએ ગામલોકોનો સારો એવો પ્રેમ મેળવી લીધો.માથાભારે નાથાને ત્યાં કોઈ મજુર છ મહિનાથી વધારે ટકતો નહોતો.થભલે તો સાવ મફતમાં વરસ ખેંચી કાઢ્યું હતું.ગામલોકોને થભલાના બાપ વિષે માહિતી મળી ચુકી હતી છતાંય થભલાના સ્વાભાવે ગામલોકોનાં દિલ જીતી લીધાં હતાં.

‌‌ખુબ સારા સ્વાભાવના પનાભાઈને ત્યાં ખેતીના ભાગીયા તરીકે છેલ્લા સાત સાત વરસથી થભલો કામ કરી રહ્યો છે.ગામલોકોએ એક વરસ પહેલાં થભલાને નાનકડી ઓરડી બની શકે તેટલી જમીન કાઢી આપી હતી એ જમીનમાં થભલાએ છ મહિના પહેલાં પહેલાં બે ખાટલા રહે એવડી પતરાંવાળી ઓરડી બનાવી દીધી છે.થભલાને મન એ ભલો ને એનું કામ ભલું.બીડી,ચલમ તો ઠીક છે પરંતુ ચાનું પણ થભલાને બંધાણ નથી.

‌‌ આખો‌ દિવસ સખત મહેનત છતાંય થભલાના શરીર પર થાકનું નામોનિશાનેય ના મળે.એ રાત્રીના સમયે પણ ક્યાંય ભજન કીર્તન થતાં હોય ત્યાં પહોંચી જાય.શ્રાવણ મહિનામાં મંદિરે ધાર્મિક કીર્તનમાં તો થભલો આખા મહિનાનો એક દિવસેય ના ચૂકે.એ દરમ્યાન ચા નહીં પીતા થભલાના માથે જ ચા બનાવવાની જવાબદારી હોય.અરે! થભલો ચાનાં વાસણ અને કપરકાબીઓ પણ એની જાતે માંજી નાખે.

થભલાએ આઠ વરસમાં તો ખુબ જ સારી લોકચાહના મેળવી લીધી.જીંદગીના પચ્ચીસમા વરસે થભલો પહેલીવાર બિમાર પડ્યો.એને મોતીઝરો(ટાઈફોઈડ)થયો.થભલો પુરા પચ્ચીસ દિવસ ખાટલામાં રહ્યો.આ પચ્ચીસ દિવસ દરમ્યાન થભલાની ઓરડીથી થોડે જ દૂર રહેતી ભુરીએ કોઈપણ જાતના સ્વાર્થ વગર એની ખુબ સારી સેવાચાકરી કરી.ભુરીની સતત દેખરેખથી જ થભલો છવ્વીસમા દિવસે ખાટલામાંથી બેઠો થઈને ખેતીકામે ચડી શક્યો.

પિસ્તાળીસેક વરસની ભુરી ગરીબ પરિવારની દીકરી.એને પોતાનો સગો ભાઈ નહીં.અહીં પણ એનું કુટુંબ ખાધેપીધે ઠીકઠીક.ભુરીનો પતિ પણ ખેતમજૂર.ભૂરીને સંતાનમાં બે મોટી દીકરીઓ ને એક નાનો દીકરો.દીકરીઓનાં મહિના પછી લગ્ન લેવાનાં છે.

થભલો શરીરે થોડો સુકાયો હતો.એ મનોમન થોડું હસીને બબડ્યો,'મરી ગયો હોત તોય શું ફરક પડવાનો હતો?' પરંતુ એ સાથે જ એનું હ્રદય પોકારી ઊઠ્યું,'થભલા! ફરક તો કંઈ પડવાનો નહોતો પરંતુ ભુરીએ તને ખરી ખંતથી સેવાચાકરી કરીને બેઠો કર્યો છે એ ના ભુલતો હો!'

‌ થભલો કદાચ જીંદગીમાં પ્રથમવાર લાગણીશીલ બન્યો. હ્રદયમાંથી સુકાઈ ગયેલ સામાજિક સંબંધોની સરવાણી ફુટી.

મહિના પછી ભુરીની બે દીકરીઓનાં લગ્ન લેવાયાં એ વખતે થભલાને ખબર પડી કે,ભુરીબેનને સગો ભાઈ નથી.એના પિયર પક્ષમાં એનો બાપ જીવે છે ખરો પરંતુ એની પાસેય કંઈ નથી.થભલો બપોરના સમયે માથે ગરમી લઈને પુરા આઠ વર્ષ પછી એને ગામ ઉપડ્યો.આઠ કલાક અવિરત પગે ચાલીને થભલાએ રાતના નવેક વાગ્યે પોતાના ખુદના ઘેર દસ્તક દીધી.

‌ભલા સ્વાભાવના રામચંદ શેઠે થભલાને ઓળખી લીધો. પાણી પીને તરત જ થભલાએ પોતાનો આવવાનો ઉદ્દેશ રામચંદ શેઠને કહી સંભળાવીને ઉમેર્યું,"શેઠ! અત્યારે જ પાછું નિકળી જવાનું છે.".

શેઠ ગળગળા થઈ ગયા.થોડી જ વારમાં તેમણે આઠ વર્ષના છન્નું મહિનાના મહિને પચાસ રૂપિયા લેખે ચાર હજાર આઠસો રૂપિયા થભલાના હાથમાં પકડાવ્યા.અભણ થભલાએ એમાંથી એક સોની નોટ રામચંદ શેઠને પરત આપતાં કહ્યું,"શેઠ! અહીંથી નિકળતી વખતે તમે મને સો રૂપિયા આપ્યા હતા એ ભૂલી ગયા?"રામચંદ શેઠે સપ્રેમ સો રૂપિયા સ્વિકારી લીધા.

"ખરો વહેવારી થભાભાઈ તું."કહીંને શેઠે એમની બંડીના ગજવામાંથી વળી પાછા રૂપિયા કાઢ્યા."જો થભાભાઈ! તું જરાય આનાકાની કરે તો તને મારા દીકરાના સોગંદ છે.તારા ઘરમાં રહેવા આવ્યા પછી મને દુકાનમાં ખુબ ફાયદો થયો છે." -કહીને શેઠે પુરા એક હજાર રૂપિયા થભલાના હાથમાં થમાવી દીધા.

પછી તો શેઠ શેઠાણીના અતિ આગ્રહને વશ થઈને થભલાએ જમવું જ પડ્યું.જમીને તરત જ થભલાએ પરત જવા દોટ મૂકી.રામચંદ શેઠે એને જતાંજતાં હાથમાં લાકડી પકડાવતાં કહ્યું,"રાતનો સમય છે,સાચવીને જજે થભા."

થભલાને આવતાં કે જતાં કોઈ પરિવારજનોએ તો નહોતો જોયો પરંતુ ગામને ઝાંપે પહોંચ્યો ત્યારે ગામના આગેવાન વાલાકાકા કોઈકના ઘેરથી પરત ફરી રહ્યા હતા તેમણે જોઈ લીધો.તેમણે થભલાને અંધારામાંય ઓળખી લેતાં કહ્યું,"અરે થભલા! અત્યારે ક્યાંથી?ભાઈ તારાં તો ખુબ વખાણ સંભળાય છે.લ્યે,ચાલ મારા ઘરે."

"ના વાલાકાકા,અત્યારે નહીં.આતો ખાસ જરૂર હોવાથી ઘરનું ભાડું લેવા આવ્યો હતો."- કહીંને વાલાકાકાને હાથ જોડીને થભલો ચાલતો થયો.આખે રસ્તે થભલો વાલાકાકાએ કહેલ વાક્ય વાગોળતો રહ્યો.એને એટલું તો સમજાયું જ કે,' ત્યાંની બધી જ વાતો અહીં સુધી પહોંચી ચુકી છે.'

સવારે નવ વાગ્યે થભલો પનાભાઈના ઘેર પહોંચી ગયો." ભુરીબેનનું મામેરું ભરવું છે"કહીને થભલાએ સાત વર્ષની ખેતીના ભાગનો હિસાબ કરાવ્યો.થભલાને બત્રીસ હજાર રૂપિયા લેવાના થયા.એકદમ વહેવારુ અને ઉદાર દિલના પનાભાઈ થભલાને જોતા જ રહ્યા.એમની આંખો ભીની થઈ ગઈ.એમનાથી થભલાના ખભા પર આપોઆપ હાથ મુકાઈ ગયો.તેઓ લાગણીવશ થઈને બોલ્યા,"ભાઈ થભા! તારા માટેય થોડી બચત રાખજે.તું પચ્ચીસ છવ્વીસનો તો થઈ ગયો છે એટલે તારા માટે સમાજમાંથી કોઈ કુંવારુ પાત્ર તો નહીં મળે પરંતુ કોઈ વિધવા કે પછી લગ્નભંગ પાત્ર હશે તો તારા માટે જરૂર હું મહેનત કરીશ."

"પનાકાકા! હું જેમ છું એ જ સ્તિથિમાં બરાબર છું.મને લગ્ન કરવાનો કોઈ મોહ નથી."- કહેતાં કહેતાં થભલો થોડો ઢીલો થઈ ગયો.

"થભા! ઘડપણ બહુ દોહ્યલું હોય છે.કોઈકનો સહારો તો જોઈએ જ."- કહીંને પનાભાઈએ ફરીથી થભલાનો ખભો થપથપાવ્યો.થભલો આગળ બીજું કંઈ બોલી શક્યો નહીં. બીજા દિવસે સવારે થભલાના હાથમાં બત્રીસ હજારના બદલે પાંત્રીસ હજાર રૂપિયા પકડાવતાં પનાભાઈ બોલ્યા,"ત્રણ હજાર વ્યાજ આવ્યું છે થભા!આ તારા હકકના રૂપિયા છે." થભલો એકદમ ભાવવિભોર બની ગયો.

સવાર સવારમાં ભુરીની બન્ને દીકરીઓના મંગળફેરા પુરા થયા હતા.ભુરીના ઘરના આગણે સામાજિક રીતરિવાજ મુજબના વ્યવહારો ચાલી રહ્યા હતા એ વખતે થભલે અને પનાભાઈએ સૌને "રામરામ" કરીને બેઠક લીધી એ સાથે જ બેઠેલા ઘણા લોકોની નજર થભલા પર મંડાઈ. અરે ! 'થભલો, થભલો' ના અવાજો પણ થભલાના કાને અથડાયા.ભુરીની મોટી દીકરીની જાન થભલાના મૂળ ગામથી જ આવી હતી,અને એ પણ થભલાના કુટુંબ પરિવારમાંથી.થભલાને આ વાતની ખબર તો નહોતી પરંતુ ઘણાબધા ઓળખીતા વ્યક્તિઓ પર એની નજર પડી.થભલાએ એક વ્યક્તિને પુછીને જાણી લીધું એ સાથે જ એ થોડો ઢીલો થઈ ગયો.જોકે પનાભાઈ તો બેવડા ખુશ થયા.

પનાભાઈને મન હવે આ અવસર સુવર્ણ અવસર જેવો હતો. તેઓ તરત જ ઉભા થઈને બોલ્યા," સ્નેહીજનો અને મારો પરિવાર." -બોલીને પનાભાઈ અટકી ગયા.તેઓ આટલુ બોલ્યા ત્યાં તો સમાજમાં લોકપ્રિય એવા પનાભાઈ પર સૌની નજર મંડાઈ.થોડો કોલાહલ પણ બંધ થઈ ગયો.

સ્હેજેય વિલંબ વગર અને વાતમાં મોણ નાખ્યા વિના પનાભાઈ બોલ્યા,"મારે એક ખુશખબર કહેવા છે.આજે આ પ્રસંગે એક વિરલો ભુરીભાભીનું મામેરૂ ભરવા આવ્યો છે."-

'કોણ છે?કોણ છે?'-એવા અવાજો આવે એના પહેલાં તો પનાભાઈએ થભલાને કમરે બાથ ભરીને ઉભો કરી દીધો.ચારે તરફ સન્નાટો છવાઈ ગયો.

નેવુંના દાયકામાં છાબમાં પુરા એકત્રીસ હજાર રૂપિયા મુકાયા હતા.ભુરી ખુશીનાં ચોધાર આંસુએ મામેરૂ વધાવી રહી હતી.તો થભલાના ગામથી આવેલ જાનૈયાઓ એક એક કરીને થભલાને ભેટી રહ્યા હતા.છેલ્લે છેલ્લે ભેટનારમાં થભલાના કુટુંબીજનો પણ હતા. સુંદર ગીતો ગવાઈ રહ્યાં હતાં અને એમાં આજે પ્રથમવાર "થભલા" ના બદલે "ત્રિભોવનભાઈ"નામ ગાજી રહ્યું હતું.અને પછી તો આ ત્રિભોવનભાઈની ભાભીઓ, કાકીઓ,બહેનો અને દાદીઓ તો ત્રિભોવનભાઈનાં રીતસરનાં ઓવારણાં લઈ રહી હતી.

જોકે આ ખુશીનો અવસર આટલેથી પુરો ના થયો.ભુરી, ભુરીનો પતિ અને પનાભાઈએ કંઈક અંગત મસલત કરી લીધી હતી.મામેરાની વિધિ પુરી થયા પછી થોડીવાર રહીને ભુરીએ ત્રિભોવનને ઘરમાં બોલાવ્યો.ઘરમાં ભુરીના દિયર સાથે રહેતી ભુરીની ચોવીસેક વરસની સંતાનવિહોણી વિધવા નણંદ સુખી બેઠેલ હતી.

થોડીવાર પછી પનાભાઈએ બહાર આવીને સૌની વચ્ચે ત્રિભોવન અને સુખીનો સંબંધ જાહેર કર્યો.

થભલાના ગામથી પરણવા તો એક જાન આવી હતી પરંતુ ગોધૂલીના સમયે બે બે વરવધૂ નાં જોડાં વિદાય લઈને થભલાના મૂળ ગામે પરત ફરી રહ્યાં હતાં.....