No Girls Allowed - 54 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 54



" હવે કેમ છે?" ફોનમાં કિંજલે કહ્યું.

" પહેલા મને એ કહીશ કે મને થયું શું હતું?" અનન્યા એ સામો સવાલ કર્યો.

" અરે કાલ એ આકાશના ઘરે થયું એ પછી મને લાગ્યું તું સેડ હશે..એટલે પૂછ્યું.."

" હા, સેડ તો હતી પણ હકીકત સામે આવી જતા મનનો બોજો તો થોડોક ઓછો થઈ ગયો..."

" હા યાર આકાશ પણ સાલો ચૂપા રુસ્તમ નીકળ્યો..."

" હમમ."

" હું તને એ પૂછવાની હતી કે આદિત્યનો કોઈ કોલ આવ્યો તને?" કિંજલે ફરી સવાલ કરતા પૂછ્યું.

" કેમ આજે આટલા બધા સવાલ કરે છે? શું વાત છે?" અનન્યા બોલી.

રાહુલે કિંજલના હાથમાંથી ફોન છીનવી લીધો.
" આ બધા સવાલ કિંજલ નહિ પણ હું કરું છું..."

" તું કિંજલના ઘરે શું કરે છે?" અનન્યા એ પોતાની નારાજગી દર્શાવી.

" અરે મારી ફ્રેન્ડ છે હું ગમે ત્યારે એને મળવા આવી શકું..હે ને મારી ડાર્લિંગ?" રાહુલે હસી મઝાક કરતા કહ્યું.

" વેરી ફની...બોલ શું કરવા ફોન કર્યો? અને તું તો આજ અમેરિકા જવાનો હતો ને? એનું શું થયું? જવાનો છે કે નહિ?"

" મેં પ્લાન થોડોક ચેન્જ કરી નાખ્યો છે, હું અમેરીકાની ફલાઇટ ત્યારે જ પકડિશ જ્યારે તું અને આદિત્ય બંને હાથોમાં હાથ રાખીને મને એરપોર્ટ છોડવા માટે આવશો..."

" તું પણ આકાશની જેમ પાગલ થઈ ગયો છે! લાગે છે તારે અમેરિકા જવાની ઈચ્છા જ નથી..." અનન્યા એ કહ્યું.

" અરે હું સાચું કહું છું તું અને આદિત્ય જરૂર મને છોડવા માટે એરપોર્ટ આવશો...."

" ઓકે ઓકે હું માની ગઈ બસ..."

" બસ તારે મારું એક કામ કરવું પડશે..."

" શું?"

" આદિત્ય વિશે મને બધી દિટેલ આપીશ?" રાહુલે કહ્યું.

" હવે તારા દિમાગમાં શું નવી ખીચડી પાકી રહી છે?"

" હું આદિત્યને તારી પાસે લાવવા માંગુ છું...."

" અને એ કંઈ રીતે કરીશ?"

" એ તું મારી પર છોડી દે બસ તું મને આદિત્યનો સ્વભાવ એની પસંદ, નાપસંદ એ બઘું જણાવ બાકી બચ્યું કામ હું જાતે કરી લઈશ..."

અનન્યા એ આદિત્યના સ્વભાવ વિશે બધી જાણકારી આપી દીધી.

" ઓકે અનન્યા થેંક્યું સો મચ...હવે તું બસ ઘરે આરામ કર, અને આદિત્યના ફોનની આવવાની રાહ જો..."

" આદિત્ય મને કોલ કરશે?" અનન્યા એ ચોંકતાં કહ્યું.

" હા અને ખૂબ પ્રેમથી વાતો પણ કરશે, ચલ મને મારું કામ કરવા દે બાય..."

" અરે પણ શું કરવાનો છે એ તો કહે...." રાહુલે કોલ કટ કરી નાખ્યો. ' હવે આ કોઈ નવો હંગામો ન કરે તો સારું...." અનન્યા મનમાં પ્રાથના કરવા લાગી.

સાંજના ચાર વાગ્યે રાહુલ પ્રોફેશનલ કપડાં પહેરીને રેડી થઈ ગયો. અત્ર છાંટીને ખુદને અરીસામાં જોઈ રહ્યો હતો.

" અરે આ શું રાહુલ? ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે કે શું?" અંકિતે આવીને કહ્યું.

" હા એવું જ કઈક સમજી લે, બસ હું ઇન્ટરવ્યૂ આપવા નહિ પણ કોઈનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છું..." આંખ મારતો રાહુલ ત્યાંથી જતો રહ્યો.

" ઇન્ટરવ્યૂ આપવા નહિ પણ લેવા જઈ રહ્યો છું...આ રાહુલ ફરી કોઈ નવી આફત પોતાના ગળે લેશે...હે ભગવાન પ્લીઝ એની રક્ષા કરજે..." અંકિતે કહ્યું.

સુરતના એક હોટલમાં બિઝનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતના ઠેર ઠેર જગ્યાએથી સફળ બિઝનેસમેન આવ્યા હતા. બિઝનેસને કઈ રીતે આગળ વધારવો? ક્લાયન્ટ સાથે કઈ રીતે ડીલ ફિક્સ કરવી? જેવી જરૂરી બાબતો ટોપ બીઝનેસમેન લોકો જણાવાના હતા. આ સેમિનારમાં આદિત્ય પણ હાજર હતો. રાહુલે આખા સેમિનાર તરફ નજર કરી અને આદિત્યને શોધવા લાગ્યો. આદિત્ય એકદમ વચ્ચેની સીટ પર બેઠો હતો. રાહુલે તુરંત દોડીને એની બાજુની ખાલી સીટ પર બેસી ગયો.

રાહુલ હજી શાંતિથી બેસ્યો જ હતો કે એક પચાસેક વર્ષનો વ્યક્તિ એ આવીને કહ્યું. " ધીસ ઇઝ માય સીટ..."

" પ્લીઝ અંકલ તમે આગળ જઈને બેસી જશો.." રાહુલે આજીજી કરતા કહ્યું.

" વાય?" અંકલે કારણ પૂછ્યું.

" વાય? બિકોઝ માય આઈ સાઇટ વેરી કમજોર...." ઇંગ્લિશ ગુજરાતી મિક્સ કરીને રાહુલે પોતાની નાદાની દર્શાવી.

" મને ગુજરાતી આવડે છે..." અંકલે ચોખવટ કરતા કહ્યું.

" ગ્રેટ...એકચ્યુલી મારી નજર થોડીક કમજોર છે એન્ડ હાર્ટનો પણ ઇસ્યુ છે તો પ્લીઝ માનવતાને ખાતર આગળની સીટ પર બેસી જશો...પ્લીઝ અંકલ...." કોઈને પણ દયા આવી જાય એવો માસૂમ ચહેરો રાહુલે બનાવ્યો.

" ઓકે ઓકે ટેક કેર યોર સેલ્ફ..."

" સેમ ટુ યુ અંકલ...."

અંકલના જતા જ રાહુલે મનમાં હાશ કહ્યું. બાજુમાં બેઠેલો આદિત્ય બસ આગળની તરફ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિઓને નિહાળી રહ્યો હતો. રાહુલે એક નજર આખા સેમિનાર પર દોડાવી. જ્યાં ફરતે મોટા મોટા બોર્ડ પર મોટીવેશનલ લાઈન લખેલી હતી. ધીમે ધીમે માણસોની ભીડ એકઠી ગઈ અને સેમિનારની શરુઆત કરી દેવામાં આવી.

એક કલાકના સેમિનાર બાદ બ્રેકના સમયે એક વેઈટર જ્યુસના ગ્લાસ લઈને આદિત્ય પાસે આવ્યો. આદિત્યે જ્યુસની મનાઈ ફરમાવી પરંતુ બાજુમાં બેઠેલા રાહુલે જ્યુસનો ગ્લાસ લઈ લીધો. જ્યુસનો ગ્લાસ લેતા જ રાહુલે જાણી જોઈને ગ્લાસને હાથમાંથી છોડી દીધો અને જ્યુસ સીધું આદિત્યના શર્ટ પર ઢોળાયું. શર્ટ આખો જ્યુસથી બગડી જતા ગુસ્સામાં આદિત્યે કહ્યું. " જ્યુસનો એક ગ્લાસ ઠંગથી પકડી શકાતો નથી ને ચાલ્યો નોકરી કરવા...."

" આઈ એમ સોરી સર...અચાનક હાથ છટકી ગયો અને જ્યુસ સીધું તમારા શર્ટમાં ઢોળાઇ ગયું આઈ એમ રિયલી સોરી.... સર અહીંયા નજદીક જ વોશરૂમ છે..." વેઈટર બોલ્યો.

" ચલ હટ હવે જવા દે મને...." મોં બગાડતો આદિત્ય વોશરૂમ તરફ નીકળી ગયો. આદિત્ય શર્ટ સાફ કરી રહ્યો જ હતો કે રાહુલ પણ ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું. " લાવો સર હું તમારી મદદ કરી દવ..." રાહુલ આદિત્યનો શર્ટ સાફ કરવા લાગ્યો.

" એકચ્યુલી સર વાંક વેઈટરનો નહિ પણ મારો હતો મારા હાથેથી જ જ્યુસનો ગ્લાસ છટકી ગયો અને..સોરી સર..." રાહુલે ખૂબ નમ્રતાથી કહ્યું.

પોતાની ભૂલ સામેથી કહી દેવાની આદત જોઈને આદિત્ય રાહુલથી ખૂબ ઇમ્પ્રેસ થયો. " શું નામ છે તારું?" '

" સર રાહુલ....અને તમે આદિત્ય ખન્ના છો રાઈટ?"

" આપણે પહેલા મળ્યા છીએ?"

" અરે ના સર...તમારા બીઝનેસ વિશે મેં ખૂબ સાંભળ્યું છે અને આજે જોવો મારી તમારી સાથે મુલાકાત પણ થઈ ગઈ..." રાહુલે કહ્યું.

આદિત્ય કેટલાય સમય બાદ એના પસંદગીના વ્યક્તિ સાથે મળી રહ્યો હતો. બન્ને વાતો કરતા કરતાં ફરી સેમિનારમાં પાછા ગયા અને સાથે મળીને સેમીનારનો આનંદ લીધો. બે કલાકનો સેમીનાર પતાવીને બંને જ્યારે હોટેલમાંથી બહાર નીકળ્યા તો રાહુલે આદિત્યને રોકીને કહ્યું. " સર કાલ હું તમને ઓફીસે મળી શકું છું..?"

" કેમ? શું કામ છે?" આદિત્યે પૂછ્યું.

" એ હું કાલ જણાવીશ બસ તમે મને ટાઇમ આપી દો, તમે કહેશો એ ટાઇમ પર હું પહોંચી જઈશ..." રાહુલે કહ્યું.

" ઓકે સો, તું કાલ ત્રણ વાગ્યે આવી જજે..." આદિત્યે વિચારીને કહ્યું.

" ઓકે ડન..."

" તો ચાલો કાલ મળીએ બાય..."

" બાય સર..."

આદિત્ય પોતાની ઓફીસે જવા નીકળી ગયો અને રાહુલ પોતાના પ્લાન મુજબ આગળની તૈયારીમાં લાગી ગયો.

ક્રમશઃ








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED