સનક બોલ્યા, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું તિથિઓના નિર્ણય અને પ્રાયશ્ચિતની વિધિ કહું છું તે સાંભળો. એનાથી બધાં કાર્યો સિદ્ધ થાય છે.
હે નારદ, શ્રુતિ અને સ્મૃતિઓમાં કહેલાં વ્રત, દાન અને અન્ય વૈદિક કર્મ જો અનિશ્ચિત તિથિઓમાં કરવામાં આવે તો તેમનું કશું જ ફળ મળતું નથી. એકાદશી, અષ્ટમી, છઠ, પૂર્ણિમા, ચતુર્દશી, અમોવાસ્યા અને તૃતીયા આ તિથિઓ પર-તિથિઓથી વિદ્ધ (સંયુક્ત-જોડાયેલી) હોય તો ઉપવાસ અને વ્રતમાં શ્રેષ્ઠ મનાય છે. પૂર્વની અર્થાત એના પહેલાંની તિથિઓની સાથે સંયુક્ત હોય તો વ્રત આદિમાં આ તિથિઓ લેવાતી નથી.
કેટલાક આચાર્યો કૃષ્ણ પક્ષમાં સપ્તમી, ચતુર્દશી, તૃતીયા અને નવમીને પૂર્વતિથિ દ્વારા વિદ્ધ હોય તો પણ શ્રેષ્ઠ કહે છે, પરંતુ સંપૂર્ણ વ્રત આદિ માટે શુક્લપક્ષને જ ઉત્તમ માનવામાં આવ્યો છે અને અપરાહણ કરતાં પૂર્વાહણને વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય કાળ કહ્યો છે. રાત્રિ-વ્રતમાં જે તિથિ પ્રદોષકાળ સુધી પહોંચતી હોય તે જ ગ્રહણ કરવી જોઈએ.
દિવસે કરવાના વ્રતમાં દિવસવ્યાપિની તિથિઓ જ વ્રતાદિ કરવા માટે પવિત્ર મનાય છે. એવી જ રીતે રાત્રિ-વ્રતોમાં તિથિઓની સાથે રાત્રિના સંયોગને અતિશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શ્રાવણ દ્વાદશીના વ્રતમાં સૂર્યોદયવ્યાપિની દ્વાદશી લેવી જોઈએ. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં જ્યાં સુધી ગ્રહણ ચાલુ રહે ત્યાં સુધીની તિથિ જપ આદિમાં ગ્રહણ કરવા યોગ્ય છે.
હવે સર્વ સંક્રાંતિઓમાં થનારા પુણ્યકાળનું વર્ણન કરવામાં આવે છે. સૂર્યની સંક્રાંતિઓમાં સ્નાન, દાન અને જપ આદિ કરનારાઓને અક્ષય ફળ મળે છે. આ સંક્રાંતિઓ પૈકી કર્ક રાશિમાં થતી સંક્રાંતિને દક્ષિણાયન સંક્રમણ જાણવું. કર્કની સંક્રાંતિમાં પ્રથમ ત્રીસ ઘડીને પુણ્યકાળ માને છે. વૃષભ, વૃશ્ચિક, સિંહ અને કુંભરાશિની સંક્રાંતિઓમાં પ્રથમના આઠ મુહૂર્ત (સોળ ઘડી) સ્નાન અને જપ આદિમાં ગ્રાહ્ય છે. તુલા તથા મેષની સંક્રાંતિઓમાં પૂર્વ અને પરની દશ દશ ઘડી સ્નાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે, એમાં આપેલું દાન અક્ષય થાય છે. કન્યા, મિથુન, મીન અને ધનની સંક્રાંતિઓમાં પાછલી સોળ ઘડી પુણ્ય આપનારી જાણવી. મકરસંક્રાંતિને ઉત્તરાયણ સંક્રમણ કહેવામાં આવે છે. એમાં પૂર્વની ચાળીસ અને બાકીની ત્રીસ ઘડીઓ સ્નાન, દાન આદિ માટે પવિત્ર માની છે. જો સૂર્ય અને ચંદ્રમા ગ્રસ્ત થયેલા અસ્ત થઇ જાય તો બીજે દિવસે તેમનું શુદ્ધ મંડળ જોયા પછી જ ભોજન કરવું જોઈએ.
અમાવાસ્યા બે પ્રકારની કહી છે સિનીવાલી અને કુહૂ. ચંદ્રમાની કળા જોવામાં આવે તે ચતુર્દશીયુક્ત અમાવાસ્યા સિનીવાલી કહેવાય છે એ જેમાં ચંદ્રમાની કળાનો તદ્દન ક્ષય થઇ જાય છે. તે ચતુર્દશીયુક્ત અમાવાસ્યાને કુહૂ માનવામાં આવે છે. અગ્નિહોત્રી દ્વિજોએ શ્રાદ્ધકર્મમાં સિનીવાલી અમાવાસ્યા જ ગ્રહણ કરવી અને અન્યોએ કુહૂમાં શ્રાદ્ધ કરવું.
હે મુનિશ્રેષ્ઠ, હવે હું સર્વ પર્વો પર થનારાં અન્વાધાન (અગ્નિસ્થાપન)નું વર્ણન કરું છું. પ્રતિપદાના દિવસે યાગ કરવો જોઈએ. પર્વના અંતિમ ચતુર્થાંશ અને પ્રતિપદાના પ્રથમ ત્રણ અંશને યાગનો સમય કહેવાય છે. યાગનો પ્રારંભ પ્રાત:કાળે કરવો જોઈએ. જો અમાવાસ્યા અને પૂર્ણિમા બંને મધ્યાન્હકાલમાં વ્યાપ્ત હોય તો બીજે દિવસે જ યાગનો મુખ્ય કાળ નિયત કરવામાં આવે છે. તિથિક્ષયમાં પણ આવી જ વ્યવસ્થા જાણવી.
બધાં માણસોએ દશમી રહિત એકાદશી તિથિ વ્રતમાં ગ્રહણ કરવી. જો શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં બે એકાદશીઓ થતી હોય તો તે પૈકી પ્રથમ ગૃહસ્થો માટે બીજી વિરક્ત યતિઓ માટે ગણવી.”
દેવર્ષિ નારદના ચહેરા ઉપર સંતોષ જોઈએ સનક બોલ્યા, “હે નારદ, હવે હું પ્રાયશ્ચિતની વિધિનું વર્ણન કરું છું, તે સાંભળો. સંપૂર્ણ ધર્મનું ફળ ઈચ્છનારા પુરુષોએ કામ-ક્રોધથી રહિત, ધર્મશાસ્ત્રમાં પારંગત બ્રાહ્મણોએ ધર્મની વાત પૂછવી જોઈએ.
બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, સોનું વગેરે વસ્તુઓ ચોરનાર, ગુરુપત્ની સાથે ગમન કરનાર- આ ચારને મહા પાતકી કહેવામાં આવે છે. એમની સોબત કરનારો પુરુષ પાંચમો મહાપાતકી કહેવાય છે.
અજાણતામાં બ્રહ્મહત્યા થઇ જાય તો ફાટેલાં વસ્ત્ર પહેરવાં અને માથાના વાળ વધારી જટા ધારણ કરવી અને પોતાના હાથે માર્યા ગયેલા બ્રાહ્મણની કોઈ વસ્તુ ધ્વજ કે દંડમાં બાંધી તે સાથે લઈને વનમાં ભમવું. વગડાઉ ફળ-મૂળ ખાઈને ત્યાં રેહ્વ્ય. દિવસમાં એક વાર માપસર ભોજન કરવું, ત્રણ કાળ સ્નાન-સંધ્યા કરવી. અધ્યયન અને અધ્યાપન આદિ કાર્યોનો ત્યાગ કરવો. વનનાં ફળોથી નિર્વાહ ન થાય તો ગામમાં જઈને ભિક્ષા માગવી. આ પ્રમાણે શ્રીહરિનું ચિંતન કરતા રહીને બાર વર્ષનું વ્રત કરવું.
યજ્ઞમાં દીક્ષિત ક્ષત્રિયનો વધ કર્યો હોય તો પણ બ્રહ્મહત્યા માટે કહેલું વ્રત કરવું અથવા પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરવો અથવા કોઈ ઊંચા સ્થાન પરથી પડતું મૂકવું. યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની હત્યા કર્યા પછી બેગણા વ્રતનું આચરણ કરવું. આચાર્ય આદિની હત્યા થઇ જાય તો વ્રત ચારગણું કરવું. કેવળ નામનો જ બ્રાહ્મણ હોય તો એક વર્ષ સુધી વ્રત કરવું.
હે બ્રહ્મન, જણાવેલ પ્રાયશ્ચિત બ્રાહ્મણ માટે છે. જો ક્ષત્રિય દ્વારા ઉપર કહેલું પાપ થઇ જાય તો પ્રાયશ્ચિત બેગણું અને વૈશ્ય માટે ત્રણગણું છે. બ્રાહ્મણીના વધમાં અડધું અને બ્રાહ્મણકન્યાના વધમાં પા ભાગનું પ્રાયશ્ચિત કરવું. યજ્ઞોપવીત સંસ્કાર થયો ન હોય તેવા બ્રાહ્મણ બાળકનો વધ થયો હોય તો પણ પા ભાગનું પ્રાયશ્ચિત કરવું. વૃદ્ધ, રોગી, સ્ત્રી અને બાળકોને માટે સર્વત્ર અર્ધા પ્રાયશ્ચિતનું વિધાન છે.
સુરા મુખ્ય ત્રણ પ્રકારની જાણવી. ગૌડી (ગોળમાંથી તૈયાર કરાયેલી), પૈષ્ટી (ચોખા વગેરેના લોટમાંથી બનાવેલી) તથા માધ્વી (ફૂલના રસ, દ્રાક્ષ અને મહુડામાંથી બનાવેલી). હે નારદ, ચારે વર્ણના પુરુષ તથા સ્ત્રીઓમાંથી કોઈએ પણ સુરા પીવી ન જોઈએ. સુરા પીનારા દ્વિજે સ્નાન કરી ભીનાં કપડાં પહેરી રાખી, મનને એકાગ્ર કરી ભગવાન નારાયણનું નિરંતર સ્મરણ કરવું અને દૂધ, ઘી અથવા ગોમૂત્રને તપાવેલા લોહખંડ સમાન ગરમ કરીને પી જવું.
અજ્ઞાનવશ પાણી સમજીને મદિરા પીનાર દ્વિજે વિધિપૂર્વક બ્રહ્મહત્યાનું વ્રત કરવું, પરંતુ તેનાં ચિન્હો ધારણ કરવાં નહિ. રોગ મટાડવા ખાતર દવારૂપે કોઈ દ્વિજ સુરાપાન કરે તો તેનો ફરીથી ઉપનયન સંસ્કાર કરીને તેની પાસે બે ચાંદ્રાયણ વ્રતો કરાવવાં. તાડ, ફણસ, દ્રાક્ષ, ખજૂર અને મહુડાંથી તૈયાર કરેલ તેમ જ ધાન્યને પથરાથી વાટીને તૈયાર કરવામાં આવેલ અરિષ્ટ, મૈરેય અને નારિયેળ તેમ જ ગોળમાંથી બનાવેલી માધ્વી-આ અગિયાર પ્રકારની મદિરા કહેવામાં આવે છે(ત્રણ પ્રકારની મદિરાના અગિયાર ભેદ છે.) કોઈ પણ પ્રકારના મદ્યને પીવું નહિ.
પ્રત્યક્ષ કે પરોક્ષમાં બળપૂર્વક અથવા ચોરી કરીને બીજાઓનું ધન જે માણસ લઇ લે છે, તેના આ કર્મને વિદ્વાન પુરુષો સ્તેય (ચોરી) કહે છે. સુવર્ણના માપની પરિભાષા વર્ણવું છું તે ધ્યાનથી સાંભળો. ગવાક્ષમાંથી ઘરમાં આવતાં સૂર્યકિરણોથી જે સૂક્ષ્મ રજકણો ઊડતાં દેખાય તે ત્રસરેણુ કહેવાય છે. આઠ ત્રસરેણુનો એક નિષ્ક થાય છે. ત્રણ નિષ્કનો એક રાજસર્ષપ (રાઈ) કહેલ છે. ત્રણ રાજસર્ષપનો એક ગૌરસર્ષપ (સરસવ) થાય છે. છ ગૌરસર્ષપનો એક જવ કહ્યો છે. ત્રણ જવનો એક કૃષ્ણલ (ચણોઠી) થાય છે. પાંચ કૃષ્ણલનો એક માષ (માસા) માનવામાં આવે છે. હે નારદ, સોળ માષ બરાબર એક સુવર્ણ (૧૭૫ ગ્રેન-ટ્રોય) થાય છે.
જો કોઈ એક સુવર્ણ જેટલું બ્રાહ્મણનું અર્થાત સોળ માસા જેટલું સોનું ચોરી લે, તો તેણે બાર વર્ષ સુધી કપાલ અને ધ્વજનાં ચિન્હો ધારણ કર્યા વિના બ્રહ્મહત્યાનું વ્રત કરવું જોઈએ. યજ્ઞ કરનારા બ્રહ્મનિષ્ટ પુરુષો તથા શ્રોત્રિય બ્રાહ્મણોના સુવર્ણની ચોરી કરનાર માટે બળી મરવા સિવાય કોઈ ઉપાય નથી. રત્ન, સિંહાસન, મનુષ્ય, સ્ત્રી, દૂધ આપતી ગાય તથા ભૂમિ આદિ પદાર્થોને પણ સુવર્ણ સમાન જ માનવામાં આવે છે. એમની ચોરી કરાય તો તે માટે અર્ધું પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે.
રાજસર્ષપ જેટલું ચોરવામાં આવે તો પ્રાયશ્ચિત ચાર પ્રાણાયામ કરવા. ગૌરસર્ષપ જેટલું સુવર્ણ ચોરાય તો સ્નાન કરીને આઠ હજાર ગાયત્રી મંત્રનો જપ કરવો. એજ જવ જેટલું સોનું ચોરવામાં આવે તો દ્વિજ સવારથી ગાયત્રીમંત્રનો જપ કરવાથી શુદ્ધ થાય છે. કૃષ્ણલ જેટલું સોનું ચોરનારે સાન્તપનવ્રત કરવું. એક માસા જેટલું સોનું ચોરે તો એક વર્ષ સુધી ગોમૂત્રમાં રાંધેલા જવ ખાઈને રહેવાથી શુદ્ધ થવાય. સોળ માસા જેટલું સોનું ચોરનાર મનુષ્યે બાર વર્ષ સુધી બ્રહ્મહત્યા વ્રત કરવું.”
ક્રમશ: