નિતુ - પ્રકરણ 4 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 4

પ્રકરણ ૪ ટાઈમ્સ માર્કેટિંગ





નિતુ જે કંપનીમાં કામ કરતી એ ટાઈમ્સ માર્કેટિંગ ટુડે મેગેજીન કંપનીનો એક ભાગ હતો. એ મેગેજીન દર સપ્તાહે પ્રકાશિત થતી. તેમાં આવનાર અલગ અલગ એડ્વર્ટાઇઝનું કામ ટાઈમ્સ માર્કેટિંગ ડીપાર્ટમેન્ટ કરતુ. જેમાં ટુડે ટાઈમ્સ તરીકે અલગ અલગ કંપનીઓ એડ્વર્ટાઇઝ કરતી.

આ તેનું એક માત્ર કામ ન્હોતું. આના સિવાય સૌથી મોટી જવાબદારી વિડિઓ એડવર્ટાઈઝમેન્ટ તરીકે તેના પર હતી. આ એજન્સી મુંબઈની અલગ અલગ પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી હતી અને તેની સાથે મળીને તે ટીવી એડ્વર્ટાઇઝનું કામ કરતી. આ ક્ષેત્રે નામ ચિન્હ કંપનીમાં ટાઈમ્સ માર્કેટિંગ આવતી.

એટલા માટે જ વિદ્યા કોઈપણ કર્મચારીની બેદરકારી કે નાનકડી ભૂલ પણ સહન ના કરતી. આટલું મોટું નામ કમાયા પછી એમાં થોડીકેય કચાશ રહે, એ કેમ સહેવાય? તેના મેનેજર એક શીખ, જસપ્રીત શા હતા. લોકો તેને શા ને બદલે ગુજરાતીમાં શાહ તરીકે બોલાવતા અને તેઓને આ અંગે કોઈ વાંધો નહોતો. હંમેશા માથામાં પાઘડી બાંધેલી અને ઊંચા કદાવર તે લગભગ પંચાવન વર્ષના હતા. તેનું મેનેજમેન્ટ બહુ જ કડક હતું.

વિદ્યા પછી ઓફિસમાં તેનું વલણ કડકાઈમાં સૌથી મોખરે હતું. એક પણ વસ્તુ આમથી તેમ ન થવા દે. આખરે મેનેજરની જવાબદારી માત્ર પોતાના બોસના કામને સંભાળવાની નહિ પણ તેના વિશ્વાસને ટકાવી રાખવાની પણ હોય છે. ઓફિસમાં શિસ્ત અને વ્યવસ્થા પર બહુ જ ભાર મૂકતા એટલે વિદ્યાને પોતાની ગેરહાજરીમાં તેના પર પૂરો વિશ્વાસ હતો.

નાની નાની વાતે વિદ્યા સાથે સલાહ સૂચન કરી લેતા. તેના હાથ નીચે બંને ડિપાર્ટમેન્ટ હતા. એક વિડિઓ એડ્વર્ટાઇઝ અને બીજું મેગેજીન એડ્વર્ટાઇઝ. જેમાં ભાર્ગવ, અનુરાધા અને નિતુ એ ત્રણેય વિડિઓ એડમાં કામ કરતા જ્યારે નવીન, પ્રીતિ, અશોક, સ્વાતિ, સુરભી અને કરુણા એ મેગેજીનમાં કામ કરતા. આ સિવાય તેનો અન્ય વીસેક જેટલા માણસોનો સ્ટાફ હતો જે આ બધાની નીચે કામ કરતો. નવીન તેમાંથી જ એક હતો જેનું હાલમાં પ્રમોશન થયું અને તે ઉપલી પોસ્ટ પર આવેલો.

નિતુના શિરે જે જવાબદારી હતી તે ક્રિએટિવિટીની હતી. તે આવું કામ પહેલા પણ કરી ચુકેલી અને એટલે જ વિદ્યાએ તેની પહેલી પસંદગી કરેલી. વિદ્યા હિંમત ભરેલી હતી અને કોઈનાથી જૂકે તેવી ન્હોતી. સ્વાભાવિક છે કે જેનામાં આવા ગુણ હોય તે થોડી અભિમાની તો હોવાની જ. વિદ્યા પોતાના મન પ્રમાણે કામ કરતી અને કોઈની સલાહ શિખામણને ફાલતુ ગણાવી નકારી દેતી. ઓફિસની હેડ હોવાને નાતે તેની સામે બોલે પણ કોણ?

કંપનીમાં સૌથી મોટી સફળતા એ ઓપરેટીંગની હતી. એમાંય વિડિઓ એડ્વર્ટાઇઝ એ સૌથી ટોપ પર ગણાતું. એમાં કામ કરતા લોકોના પગાર ધોરણ અને કામગીરી સૌથી ઉચ્ચ હતા. જોકે નિતુ હાલ તેમનાંથી બાકાત હતી. તેની ઈચ્છા વિદ્યા દ્વારા મળતા કામને સારી રીતે કરી અને પોતાની પ્રતિભા બતાવી આગળ વધવાની હતી. આ એક જ તો રીત છે દુનિયાના તમામ ક્ષેત્રે આગળ વધવાની. જ્યાં સુધી તમે શું કરી શકો છો? એ પ્રશ્નનો જવાબ સામેવાળી વ્યક્તિને ના મળે, ત્યાં સુધી તમારી કિંમત ના થાય. નિતુની કામગીરી જાણ્યા છતાં વિદ્યાએ હાલ તેના વિષે કોઈ નિર્ણય લીધો ન હતો.

નિતુ પણ ઉપલી પોસ્ટ પર હતી અને આખી ઓફિસ તેને આવતાની સાથે જ ઓળખવા લાગેલી. તેની સાચી હકીકત શું છે એ કોઈને ખબર નહોતી. તે એકલી રહેતી છોકરી છે એવી જ વાત આખી ઓફિસને જણાવામાં આવેલી. આ વાત ત્યારની છે જ્યારે નોકરી માટે પ્રથમ વખત તે વિદ્યા સમક્ષ આવેલી.

પહેલીવાર જ્યારે તે જોબ માટે આવેલી ત્યારે તેની ફાઈલ જોઈને વિદ્યાએ તેને કેબિનમાં બોલાવી.

"મેં આઈ કમિન?" નિતુએ દરવાજો ખોલતા પૂછ્યું.

પોતાના હાથમાં રહેલી નિતુની ફાઈલને નીચે મૂકતા વિદ્યા બોલી; "હા. આવ. બેસ."

તે વિદ્યા સામે ખુરસી પર બેઠી એટલે તેણે પોતાની વાત કરતા કહ્યું, "મિસ નિતિકા ભટ્ટ!"

"જી."

"તારી આખી ફાઈલ મેં જોઈ. સારી વાત છે કે અગ્રવાલ પ્રોડક્શન કંપનીમાં તમે કામ કરી ચુક્યા છો."

"હા, એ મારી પ્રથમ જોબ હતી."

"હમ્મ... ત્યાં પણ ક્રિએશનમાં જ કામ કર્યું છે એટલે મારે તને વધારે કશું પૂછવાની જરૂર તો નથી. પણ હું તારા કામથી અજાણ છું. તો મિસ નિતિકા જો તારી ઈચ્છા હોય તો હું તને નિકુંજની જગ્યાએ રાખવા માંગુ છું. ઑફકોર્સ છે કે તું તો એને નહિ જ ઓળખાતી હોય. તે અમારા હોનહાર અને કાબિલ એમ્પ્લોયી હતા. તેનું આ કંપની છોડીને જવું અમને પણ આકરું લાગ્યું છે. વેલ, તેની ઈચ્છા હતી તો અમી શું કરી શકવાના? પણ તારી પાસેથી તો હું આશા રાખી શકું કે તું એની ખોટ આ કંપનીને નહિ વર્તાવવા દે."

નિતુએ જવાબ આપતા કહ્યું, "હું તમારી આશા પર ખરી ઉતરીશ મેડમ. તમે એ વાતે નિશ્ચિંન્ત રહો."

"એની મને ચિંતા નથી. એ તો જાણું જ છું. મને તો એ જાણવામાં રસ છે કે તે અગ્રવાલમાંથી નોકરી કેમ છોડી દીધી?"

તેના આ સવાલ પર નિતુ થોડી ગભરાય અને જવાબ આપવામાં સંકોચ અનુભવવા લાગી. "મેમ... એ... એ જો તમે ના પૂછો તો વધારે સારું."

"ઠીક છે. જેવી તારી ઈચ્છા. અગ્રવાલ પ્રોડક્શન હાઉસ ખુબ નામ ચિન્હ છે અને એમાં તે કામ કર્યું છે, માટે તને હું નોકરી પર રાખવા તૈય્યાર છું. હું તને નિકુંજની જગ્યાએ રાખું છું. શરૂઆતમાં સેલેરી થોડી ઓછી મળશે. એકવાર તારું કામ જોયા બાદ જ હું તારી પાક્કી સેલેરી નક્કી કરીશ. ત્યાં સુધી ટ્વેન્ટી ફાઈવ થાઉજંડ."

"થેન્ક યુ મેમ. આ નોકરી આપવા બદલ."

"થેંક્યુ ની જરૂર નથી. હું વિના કોઈ કારણે બાકી બધા માંથી તને રાખું છું તો તેના માટે તારે મારી એક શર્ત માનવી પડશે."

"શર્ત! કેવી શર્ત?" નિતુએ આશ્વર્ય સાથે પૂછ્યું.

પોતાની શરત રાખતા તે બોલી, "શર્ત એ કે, તારી સાચી ઓળખ તારે છુપાવવી પડશે મિસિસ... નિતિકા, અગ્રવાલ. બસ આટલી જ શર્ત છે. જો તને મંજુર હોય તો તારી જોબ પાક્કી."

નામ સાંભળી તેને આશ્વર્ય થયું, તે પૂછવા લાગી, "ફાઈલમાં તો મારુ નામ મિસ નિતિકા ભટ્ટ લખેલું છે. તો તમને કઈ રીતે ખબર પડી કે મારુ નામ શું છે?"

"એના માટે તું હજુ થોડી કાચી છે નિતુ. તું અગ્રવાલ પ્રોડક્શન હાઉસના માલિક મયંક અગ્રવાલની વાઈફ છો એ મને સારી રીતે ખબર છે."

"આવી શર્ત રાખવાનું કારણ?"

"કારણ છોડ. એ કહેવાનો આ સમય નથી. બસ હું કહું છું એ વાત માન. સમજી લે કે આમાં તારો અને મારો બંનેનો ફાયદો છે. બાકી ક્યારેક જો સમય આવશે, તો કહીશ કે આનું કારણ શું હતું?"

"ઠીક છે મેમ. હું બીજા કોઈને નહિ જાણવું. બધાને હું મારી ઓળખ મિસ નિતિકા ભટ્ટ તરીકે જ આપીશ. નહિ જાણવું કે હું ડિવોર્સી છું અને મારો હસબન્ડ અગ્રવાલ પ્રોડક્શન હાઉસનો માલિક છે."

"ધેટ્સ ગુડ ગર્લ. તું આવતી કાલથી જોઈન કરી શકે છે."

"થેન્ક યુ મેમ." કહી તે પોતાની ફાઈલ લઈને ચાલતી થઈ.

આ વાત છેલ્લા ત્રણ મહિનાથી તેના મનમાં હતી અને એ પ્રશ્ન પણ હતો કે આખરે ઓળખ છુપાવવા માટેનું કારણ શું હશે? માત્ર ત્રણ મહિના કામ કરીને જ તેના મનમાં વિદ્યા પ્રત્યે આટલો આક્રોશ ભરાઈ ગયો કે એની જગ્યાએ કોઈ બીજું હોત તો આ નોકરી છોડીને જતું રહે. નિતુની એવી અનેક વાતો વિદ્યા જાણતી હતી. પણ નિતુ અને વિદ્યાએ બધાથી છુપાવેલી હતી.

આ યાદોમાંથી બહાર નીકળી, કેન્ટીનમાંથી પોતાના અને અનુરાધા માટે કોફી લઈને નિતુ ચાલવા ગઈ કે પાછળ વિદ્યા ઉભેલી.

"ઓહ.. કોફી ટાઈમ? નાઈસ!" સ્માઈલ આપતા વિદ્યા બોલી.

"કંઈ કામ હતું મેડમ?"

"હા..." એક ઊંડો શ્વાસ લેતા વિદ્યા બોલી, "તને જાણીને આનંદ થશે કે માર્કેટિંગ માટે શર્માની એડ્વર્ટાઇઝનું તે જે પ્લાનિંગ કર્યું છે તે તેઓને ઘણું પસંદ આવ્યું છે. તેના પર આગળ વધવા તેઓએ જણાવ્યું છે અને હા, એ માટે આ વખતે તારે એક નવા સ્ટુડીઓમાં કામ કરવાનું છે. તને એક નવો પાર્ટનર પણ મળશે. આ રિક્વારમેટ શર્માએ કરી છે એટલે માનવી પડશે. ડિટેઇલ તને મળી જશે."

"ઠીક છે મેમ. મેમ એક વાત કરવી છે."

"હા બોલ."

"મેમ મારી ફેમિલી અહીં આવે છે તો તેના માટે સેટલમેન્ટ કરવું પડશે. તો એ આવે ત્યારની લીવ જોઈએ છે."

"ઠીક છે. પણ જેટલું જલ્દી પતે એટલું પતાવજે. તારી ફેમિલી કરતા આ ઓફિસને તારી વધારે જરૂર છે. હું તારી ફેમિલી માટે થઈને તને લીવ આપું છું. બાકી મારી ઓફિસમાં કોઈ લીવની વાત કરે એ મને પસંદ નથી." એટલું કહી વિદ્યા ત્યાંથી જતી રહી. તો પાછળથી અનુરાધા આવી અને તેને પૂછવા લાગી, "આ મેડમ કોની વાત કરતા હતા? નવું પાર્ટનર?"

"કોણ છે? શું છે? એની ખબર નથી. પણ એક વાત ચોક્કસ છે કે મેડમ ચેતવીને ગયા છે."

"એટલે?" અનુરાધારે વિસ્મિત થઈને પૂછ્યું.

"આ વખતે કામ પણ અજાણી જગ્યાએ કરવાનું છે અને સાથે કામ કરનાર માણસ પણ અજાણ્યો છે. હવે સમજાય છે, કે એક જ ડિપાર્ટમેન્ટમાં હોવા છતાં તમને બધાને બહાર રાખી શર્મા સાથે મારી એકની મિટિંગ શું કામ કરાવી?"