બદલો - ભાગ 9 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - ભાગ 9

૯. અજુગતું આશ્ચર્ય

સવારનો સમય હતો. કાલિદાસ લોનમાં બેસીને મીઠા તડકાનો આનંદ માણતો હતો.

'ડેડી ડેડી..' અચાનક એક ઊંચો અવાજ સાંભળીને તે ચમકી ગયો. એણે અવાજની દિશામાં નજર કરી. એણે જોયું તો રાકેશ હાંફતો હાંફતો તેની તરફ જ દોડી આવતો હતો. નજીક આવીને રાકેશ ઉભો રહ્યો. અને હાંફતા અવાજે બોલ્યો.

'ડેડી..એ..' એનો થોથવાટ જોઈને કાલિદાસે ધુંધવાઈને ચીસ જેવા અવાજે કહ્યું, 'હવે ડાચામાંથી કંઈક ફાટ તો ખરા!' રઘુના ક્વાર્ટરમાં તને એનું ભૂત તો નથી દેખાયું ને?'

'એ.. એ..' રાકેશે નકારમાં માથું હલાવતા ફરીથી એ જ એ.. એ..નો કક્કો ઘૂંટ્યો.

'ચુપ નાલાયક..' કાલિદાસ ઉભો થઈને તેનો કાઠલો પકડતા કઠોર અવાજે બોલ્યો. 'જો હવે તું સ્પષ્ટ રીતે નહીં બોલે તો હું તને અત્યારે જ ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવીશ.'

'ન.. ના..' માઉન્ટ એવરેસ્ટ સર કરનારને પણ જેટલી તકલીફ ન પડે એટલી તકલીફ રાકેશને પોતાના ગળામાંથી અવાજ કાઢવા માટે પડી હતી. 'ત.. ત્યાં એક ડબ્બામાં રિવોલ્વર તથા ગીતાના ઘરેણા પડ્યા છે.'

'શું?' કાલિદાસ અચરજ મિશ્રિત અવિશ્વાસ ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'હા ડેડી.. હું મારી સગી આંખે એ બંને વસ્તુઓ ત્યાં જોઈને આવું છું.'

'તો એમાં આટલો ગભરાય છે શા માટે બેવકૂફ?' કાલિદાસે તેને વડકું ભરતા કહ્યું. 'આ તો આપણે માટે આનંદની વાત છે. હવે નથી પોલીસ આપણું કશું બગાડી શકે તેમ કે નથી પેલો હરામખોર બ્લેક મેલર. ચાલ, હવે જલ્દીથી તેને ઠેકાણે પાડી દઈએ. પોલીસ શિકારી કૂતરાની જેમ ક્યારે એની ગંધ પારખીને અહીં પહોંચી જાય તેનું કશું નક્કી નથી.'

'હવે એની કંઈ જરૂર નથી મિસ્ટર કાલિદાસ.. પોલીસના હાથ તમારી ગરદન સુધી પહોંચી ગયા છે. એટલું જ નહીં, તમે જે વસ્તુને ઠેકાણે પાડવા માંગો છો એ વિશે પણ તેમને ખબર પડી ગઈ છે.' આ શબ્દો સાંભળતા જ બંનેએ ચમકીને પીઠ ફેરવી. સામે જ નાગપાલ ઉભો હતો. તેમની પાછળ ઇન્સ્પેક્ટર અમરજી તથા થોડા સિપાહીઓ ચાલ્યા આવતા હતા. એ લોકોએ જીપને કદાચ બંગલાની બહાર જ ઊભી રાખી દીધી હતી. કાલિદાસ તથા રાકેશના ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા હતા. તેઓ ભય અને ગભરાટથી ફાટી આંખે નાગપાલ સામે તાકી રહ્યા હતા. નાગપાલે પોતાની સાથે આવેલા સિપાહીઓ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને તેમનું કામ પતાવવાનો આદેશ આપ્યો. અને પછી રિવોલ્વર તથા ઘરેણા પરથી મળેલ આંગળાની છાપ સાથે રાકેશના આંગળાની છાપ સરખાવવામાં આવી. આ કામ એક કલાકમાં ત્યાં જ પતાવવામાં આવ્યું. બંને છાપ એકસરખી જ હતી. આંગળાની છાપ પરથી રાકેશ જ ગુનેગાર ઠરતો હતો. ત્યારબાદ નાગપાલના સંકેતથી અમરજીએ આગળ વધીને રાકેશને હથકડી પહેરાવી દીધી.

'મ.. મારો દીકરો નિર્દોષ છે.' કાલિદાસ વિરોધ ભર્યા અવાજે બોલ્યો. 'કોઈકે અમને ફસાવવા માટે આ બંને વસ્તુઓ અહીં મૂકી દીધી હશે.'

'એમ?'

'હા.. બનવા જોગ છે કે તમારી વાત કદાચ સાચી હોય. હવે જો તમે મારા થોડા સવાલોના બિલકુલ સાચા જવાબો આપશો તો હું તમારા સુપુત્રને છોડી મૂકવાનું વચન આપું છું.'

'કેવા સવાલો?'

'મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે આ બંને વસ્તુઓને કોઈકે અહીં તમને ફસાવવા માટે મૂકી છે એવું તમે કયા આધારે કહો છો?' 'અ..આધાર?'

'જી હા, આધાર..' મેં શુદ્ધ ગુજરાતીમાં જ પૂછ્યું છે. બીજી કોઈ ભાષાનો ઉપયોગ નથી કર્યો.'

'આમાં આધારની વાત જ ક્યાં આવે છે?' કાલિદાસ ખચકાતા અવાજે બોલ્યો. 'જ્યારે હું કહું છું કે મારો દીકરો નિર્દોષ છે તો પછી આ વસ્તુઓ ગીતાના ખુનીએ જ અહીં મૂકી હશે.'

'કેમ? શા માટે?'

'ગીતાના ખુનનો આરોપ રાકેશના માથા પર ઓઢાડવા માટે. પરંતુ સાહેબ, રાકેશ નિર્દોષ છે.'

'રાકેશ નિર્દોષ છે એ વાત આ તમે ત્રીજી વખત ઉચ્ચારી છે. પણ આ વાતને પૂરવાર તો કરી બતાવો.'

'આમાં પુરવાર કરવા જેવું શું છે? જ્યારે ગીતાનું ખૂન થયું ત્યારે રાકેશ અહીં બંગલામાં મારી સામે જ હાજર હતો. આ વાતના સાક્ષી અમરજી સાહેબ પોતે છે.'

'ગીતાનું ખૂન થયું ત્યારે કેટલા વાગ્યા હતા? એ તમે કહી શકો તેમ છો?' સવાલ પૂછતી વખતે નાગપાલની આંખોમાં પથરાયેલી ચમક એકદમ વધી ગઈ હતી.

'કેમ ન..' કહેતા કહેતા અચાનક જ લગામ ખેંચવાથી ઘોડો ઉભો રહી જાય એમ કાલિદાસ આગળ બોલતો અટકી ગયો. પછી એણે પોતાની જીભ ઉપર કાબુ મેળવતા કહ્યું. 'એ ખબર તો આપને પણ ખબર હશે?'

'હા, ખબર છે.' નાગપાલ બોલ્યો. 'પરંતુ તમારી આ રીતે વાત બદલવાથી કોઈ લાભ નહીં થાય. મિસ્ટર કાલિદાસ.. આ સવાલનો જવાબ આપવાની હિંમત તમે એટલા માટે નથી દાખવી શક્યા કારણ કે પછી તમારે એ સવાલનો જવાબ આપવો પડે કે સાચા સમયની તમને કેવી રીતે ખબર પડી?'

'જુઓ આ સમયની વાત એમ જ મારા મોંમાંથી નીકળી ગઈ હતી. વાસ્તવમાં હું એમ કહેવા માગતો હતો કે ગીતાનું ખૂન થયું એ રાત્રે રાકેશ બંગલાની બહાર જ નહોતો નીકળ્યો.' નાગપાલ નકારાત્મક ઢબે માથું હલાવતા રુક્ષ અવાજે બોલ્યો.

'ના.. મિસ્ટર કાલિદાસ, સમય વિશે ભલે તમારા મોંમાંથી અનાયાસે જ નીકળી ગયું હોય પરંતુ તે ખોટું હતું એમ હું હરગીઝ માની શકું તેમ નથી. મોંમાંથી અનાયાસ જ નીકળી ગયેલી વાતો હંમેશા સાચી જ હોય છે. તેમ છતાંય હું થોડીવાર માટે તમારી વાત કબુલ કરી લઉં છું. હવે બીજા સવાલનો જવાબ આપો.' કાલિદાસ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

'શું તમારી પાસે કોઈ લાલ રંગનો ગાલીચો છે? નાગપાલે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'ના, મારા બંગલામાં લીલા રંગના જ ગાલીચા છે. અને આપ પોતે પણ અગાઉ જોઈ ચૂક્યા છો.

'તો અગાઉ ક્યારેય હતો?'

'આ અગાઉ પણ ન હતો.'

'ખરેખર નહોતો?'

'ના..'

'તમે ખોટું તો નથી બોલતા ને?'

'ના, મારે વળી શા માટે ખોટું બોલવું પડે?'

'મિસ્ટર કાલિદાસ..' નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. 'આ તમારું બીજું જુઠ્ઠાણું છે.'

'એટલે?'

'એટલે એમ કે..' નાગપાલે પૂર્વવત અવાજે કહ્યું. 'સાત વર્ષ પહેલા તમે દુકાનમાંથી લાલ રંગનો ગાલીચો ખરીદ્યો હતો. એ દુકાન તથા તેનો માલિક આજે પણ હયાત છે. હું જ્યારે પહેલીવાર અહીં આવ્યો ત્યારે એ જ ગાલીચો શોધવા માટે આવ્યો હતો. પછી તમારા બંગલામાં લીલા રંગનો ગાલીચો જોઈને મારું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. પરંતુ અહીંથી નીકળતી વખતે કચરાના ઢગલા પાસે કંઈક સળગાવ્યું હોવાના અવશેષો જોઈને હું તેની નજીક પહોંચ્યો. ત્યારે એ જ ગાલીચાનો નાનકડો અડધો સળગેલો ટુકડો જોઈને હું તરત જ સમજી ગયો હતો કે તમે લાલ રંગના ગાલીચાને સળગાવીને તેનો નાશ કરી નાખ્યો છે. અને હવે તમે મારા સવાલોના ખોટા જવાબો આપ્યા છે. એટલે હું મારા વચન માંથી મુક્ત બની ગયો છું. હવે રાકેશને નિર્દોષ પુરવાર કરવા માટે તમારે જે કંઈ કહેવું હોય એ કોર્ટમાં જ કહેજો.' નાગપાલની વાત સાંભળીને કાલીદાસ નીચું જોઈ ગયો. જ્યારે રાકેશ હજુ પણ જાણે કાલિદાસ તેને બચાવવા માટે કોઈક ને કોઈક ઉપાય વિચારી કાઢશે તેની ખાતરી હોય એ રીતે આશાભરી નજરે એની સામે તાકી રહ્યો. ત્યારબાદ હાથકડી પહેરેલા રાકેશને લઈને અમરજી વિગેરે સાથે વિદાય થઈ ગયો. અને પછી પહેલી જ સુનાવણીમાં કોર્ટનો ચુકાદો આવી ગયો.

ફાંસી.. રાકેશને ફાંસીની સજા ફરમાવવામાં આવી અને તેનો અમલ પણ થઈ ગયો.

**********

સુધા તથા અમિતા થ્રી સ્ટાર હોટલના એ જ રૂમમાં બેઠા હતા. સુધાનો ઉદાસ ચહેરો આંસુથી તરબતર હતો. અમિતના ચહેરા પર પણ નિરાશા અને ઉદાસીના હાવભાવ છવાયેલા હતા.

'અ... અમિત..' સુધા ધ્રુસકા ભરતા બોલી. તું પણ રાકેશને ફાંસીની સજામાંથી ન બચાવી શક્યો. ક્યાં ગયો તારો દાવો? તારા કહેવા મુજબ તું જેનો પણ કેસ હાથમાં લે છે એને કોર્ટ ક્યારેય ગુનેગાર નથી ઠરાવતી. છેવટે કાયદાએ તારા મોં પર તમાચો મારીને પુરવાર કરી જ દીધું કે તે કોઈ રમકડું નથી.'

'એક વાત તું ભૂલી જતી લાગે છે સુધા..' અમિતનો અવાજ ગંભીર હતો.

'કઈ વાત?'

'એ જ કે મેં આવો દાવો કોઈ નિર્દોષ માટે કર્યો હતો. ઉપરાંત ગીતાનું ખૂન રાકેશે જ કર્યું છે એ વાત તું પોતે પણ સારી રીતે જાણે છે. જો આટલું જ હોત તો કંઈ વાંધો નહોતો. હું સંજોગોનો હવાલો આપીને રાકેશને ઓછામાં ઓછી સજા કરવા માટે કોર્ટને લાચાર બનાવી શકું તેમ હતો્ પરંતુ રઘુના વચ્ચે ટપકી પડવાને કારણે બાજી બગડી ગઈ. એટલે કોર્ટે સમજી વિચારીને ગીતાનું ખૂન કરવાના તથા તેની લાશ તથા પુરાવાઓના નાશ કરવાના પ્રયાસના આરોપસર રાકેશને ફાંસીની સજા ફરમાવી છે.' અમિતનો અવાજ પૂર્વવત રીતે ગંભીર હતો.

'પોતાની હારથી ગભરાઈને લોકો પોતાની કમજોરીને આ જ રીતે બીજાના માથા પર ઓઢાડવાનો પ્રયાસ કરે છે.' રડવાનું બંધ કરીને સુધા કટાક્ષ ભર્યા અવાજે બોલી.

'જે થવાનું હતું એ થઈ ગયું છે સુધા.. હવે એને ભૂલી જા.' અમિતે ગળગળા અવાજે કહ્યું. 'ઉપરવાળાની અદાલતમાં કોઈની વકીલાત નથી ચાલતી. રાકેશ તારો ભાઈ હતો તો મારો જીગરજાન મિત્ર હતો. એના મોતનું તને જેટલું દુઃખ છે એટલું જ મને પણ છે અને..'

'ભૂલી જઉં?' અમિતની વાત પૂરી થઈ એ પહેલા જ સુધા વચ્ચેથી ક્રોધથી તમતમતા અવાજે બોલી. 'કેવી રીતે ભૂલી જઉં? જે ભાઈના કાંડા પર હું રાખડી બાંધતી હતી એને કેવી રીતે ભૂલી જઉં? બોલ, કેવી રીતે ભૂલી જઉં?'

'ભૂલવું જ પડશે.' અમિતે પોતાનું જમણા હાથનું કાંડું મસળતા રુધાતા અવાજે કહ્યું. 'એક જમાનામાં આ કાંડા પર પણ એક ફૂલ જેવી બહેન રાખડી બાંધતી હતી. પરંતુ એ મને છોડીને કોણ જાણે ક્યાં ચાલી ગઈ? હું ઘણા પ્રયાસો પછી પણ આજ સુધી તેને નથી શોધી શક્યો. તે આ દુનિયામાં છે કે નહીં એની પણ મને ખબર નથી. સુધા, જ્યાં સુધી જખમ તાજો હોય છે ત્યાં સુધી તે ખૂબ જ પીડા આપે છે. પરંતુ જેમ જેમ સમય રૂપી મલમથી ભરાતો જાય છે તેમ તેમ તેની પીડા ઓછી થતી જાય છે.'

'તારી બહેનને શું થયું હતું? મેં તને કેટલી વાર તારા કુટુંબ વિશે પૂછ્યું પરંતુ તે દરેક વખતે અમારા સવાલ ને ટાળી દીધો હતો.' સુધાએ સહાનુભૂતિ ભર્યા અવાજે કહ્યું.

'સાંભળ.. એક જમાનામાં મારા મા-બાપ, ભાઈ-બહેન બધા સાથે જ હતા. પરંતુ સમયના પંજાએ તેમને મારી પાસેથી એકસાથે જ આંચકી લીધા.' અમિત સુધા સામે તાકી રહેતા બોલ્યો. 'અમારા ગામમાં કોઈ કોલેજ ન હોવાને કારણે હું ત્યાંથી ઘણે દૂર આવેલા એક શહેરમાં અભ્યાસ કરતો હતો. મહિનામાં એકાદ-બે વખત ગામડે જઈ આવતો હતો. પરંતુ એક દિવસ જ્યારે હું મારા ગામ પહોંચ્યો ત્યારે તેની હાલત જોઈને મને ચક્કર આવી ગયા. મારા મા-બાપ અને ભાઈના મૃતદેહો ગોળીથી ચાળણીની જેમ વીંધાઈને ઘરની બહાર પડ્યા હતા. ગામના બધા લોકો પોત પોતાના ઘરમાં ભરાઈ બેઠા હતા. મારી બૂમો સાંભળીને તેઓ બહાર નીકળ્યા. તેમની પાસેથી મને જાણવા મળ્યું કે આ કામ ભીમસિંહનું છે. ભીમસિંહનો એ વિસ્તારમાં એટલો આતંક હતો કે માત્ર એનું નામ સાંભળતા જ લોકો ઘરમાં ભરાઈ જતા હતા.'

'એક મિનિટ..' સુધા વચ્ચેથી જ તેને અટકાવતા બોલી. અમિતે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'ભીમસિંહને આવું કરવાની શું જરૂર પડી?' સુધાએ પૂછ્યું.

'એટલા માટે કે મારા પિતાજી પોલીસના બાતમીદાર હતા. ગામના લોકોના કહેવા મુજબ ડાકુ મારી બહેનને પણ ઉપાડી ગયા હતા. ત્યારબાદ મેં ભીમસિંહના અડ્ડાનો પત્તો લગાવીને તેને શોધવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ મને સફળતા ન મળી. છેવટે બધી તરફથી નિરાશ થઈને હું આ શહેરમાં આવી પહોંચ્યો. રાકેશ સાથે દોસ્તી થયા પછી હું ધીમે ધીમે મારું દુઃખ ભૂલવા લાગ્યો હતો. અને પાછળથી તું મારા જીવનમાં આવી. ત્યારે તો હું સાવ ભૂલી જ ગયો કે મારે મારી બહેનને પણ શોધવાની છે. પરંતુ આજે મને લાગે છે કે હું મારી ફરજ ચૂકી રહ્યો છું.'

'જવા દે અમિત..' સુધા ગળગળા અવાજે બોલી. 'હવે શા માટે તારા દિલને વધું દુઃખી કરે છે? જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે. હવે અફસોસ કરવાથી નથી તને કંઈ મળવાનું કે નથી મને. ભાઈના મોતના દુઃખમાં થોડી વાર માટે હું ભૂલી ગઈ હતી કે આ સંસારમાં દરેક માણસના જીવનમાં સુખ-દુઃખ તો આવ્યે જ રાખે છે. પરંતુ એનાથી ગભરાઈને એ જીવવાનું નથી છોડી દેતા.'

'તારી વાત સાચી છે. થોડીવાર માટે હું પણ લાગણીના પૂરમાં તણાઈ ગયો હતો. કોણ જાણે મને શું સૂઝ્યું કે હું દાટેલા મડદાં ઉખાડવા બેસી ગયો!' અમિત સ્વસ્થ થતા બોલ્યો.

'ખેર, હવે શું વિચાર છે?'

'એટલે?'

'અરે! એટલુંય ના સમજી?'

'ના..'

'આપણે આ હોટલમાં શા માટે આવીએ છીએ?'

'પ... પ્રેમ કરવા માટે.'

'રાઈટ.. અને આપણે નાહક જ રુઝાય ગયેલા ઝખ્મને ખોદીને પીડા ઊભી કરીએ છીએ.'

'ના અમિત.. આજે મન નથી. પછી ક્યારેક..'

'તારા મનની દવા મારી પાસે છે..' કહેતાની સાથે જ અમિતે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી.

'પ્લીઝ અમિત..' સુધા એની પકડમાંથી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કરતા બોલી. 'આજે જવા દે..' અમિત કંઈ જવાબ આપે એ પહેલા જ ખટાકના હળવા અવાજ સાથે દરવાજો ઉઘડ્યો. બંને અલગ થઈને દરવાજા સામે જોયું.

'સોરી..' કહેતાની સાથે જ દરવાજા પર ઉભેલી યુવતીએ સ્ફૂર્તીથી પીઠ ફેરવી. પીઠ ફેરવતી એ યુવતીનો પૂરો ચહેરો ન જોઈ શકી હોવા છતાં પણ સુધા જોરથી ઊંચા અવાજે બોલી, 'ગ..ગીતા ભાભી..'

'શું?' અવિશ્વાસ ભરી નજરે સુધા સામે તાકી રહેતા અમિતના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો. પરંતુ સુધાએ તેનો સવાલ સાંભળ્યો જ નહોતો. એ તો હરણીની જેમ કૂદકા મારતી 'ગીતા ભાભી ઊભા રહો..'ની બૂમો પાડતી, ગુલાબી સાડી પહેરીને ઉતાવળા પગલે ચાલતી યુવતીની પાછળ દોડી ચૂકી હતી. અમિત મૂરખની જેમા આંખો પટપટાવતો થોડી પળો સુધી એમ ને એમ ઊભો રહ્યો. પછી પરિસ્થિતિનું ભાન થતાં જ એ પણ પૂરી તાકાતથી તેમની પાછળ દોડ્યો. આ દરમિયાન ગુલાબી સાડી પહેરેલી યુવતી પગથિયા ઉતરીને પ્રવેશદ્વાર સુધી પહોંચી ગઈ હતી. એના દોડવાની ગતિ એટલી બધી તેજ હતી કે સુધા ક્યાંય પાછળ રહી ગઈ હતી. હોલમાં મોજુદ લોકો મામલો સમજવાનો પ્રયાસ કરતા ઉત્સુક નજરે આ હરીફાઈ જોતા હતા. એ જ વખતે આંધીની ઝડપે સુધાને પાછળ મૂકીને અમિત પણ પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો. પરંતુ ત્યાં સુધીમાં કથિત ગીતા એક ચોકલેટી એમ્બેસેડર સ્ટાર્ટ કરીને આગળ ધપાવી ચુકી હતી. પળભર વિચાર્યા બાદ અમિત પણ પોતાની સફેદ ફિયાટ તરફ આગળ દોડ્યો. તેણે કારને સ્ટાર્ટ કરી. પ્રવેશદ્વાર પાસેથી પસાર થતી વખતે અચાનક જ તેની નજર ત્યાં ઉભીને હાંફી રહેલી સુધા પર પડી.

'સુધા.. તું અહીં જ રહેજે. હું હમણાં જ આવું છું. એણે બારીમાંથી ડોકું બહાર કાઢતા કહ્યું. વળતી જ પળે એણે એક્સિલેટર પર દબાણ વધારી દીધું. ફિયાટ બંદૂકમાંથી છૂટેલી ગોળીની રફતારથી ફાટકમાંથી બહાર નીકળીને સડક પર પહોંચી ગઈ. સુધા નર્યા અચરજથી ફાટક સામે તાકી રહી.

નાગપાલ અત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોતાની ઓફિસમાં બેસીને પાઇપના કશ ખેંચતો કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. સહસા ધડામ્ ના અવાજ સાથે દરવાજો ઉઘાડીને સુધા આંધીને જેમ અંદર ધસી આવી. એનો ગુલાબી ચહેરો ક્રોધના અતિરેકને કારણે લાલઘૂમ બની ગયો હતો. એ ટેબલ પાસે પહોંચી.

'શું વાત છે મિસ‌ સુધા..?' નાગપાલે એનું પગથી માથા સુધી નિરીક્ષણ કરતા પૂછ્યું.

'નાગપાલ સાહેબ..' સુધા ક્રોધથી તમતમતા અવાજે બોલી.

'મારો ભાઈ પાછો લાવો. હું આપની પાસેથી મારા ભાઈને પાછો લેવા માટે આવી છું.'

'શું?' નાગપાલે આશ્ચર્યથી ઉછડી પડતા કહ્યું. 'મિસ સુધા.. તમારું મગજ તો ઠેકાણે છે ને? તમે શું કહો છો એનું તમને ભાન છે?' આ દરમિયાન અમિત પણ ત્યાં પહોંચી ગયો હતો.

'જી હા, અમિતના આગમન પ્રત્યે ધ્યાન આપ્યા વગર જ સુધા પૂર્વવત અવાજે બોલી. 'મારું મગજ ઠેકાણે જ છે. હું જે કંઈ કહું છું તે બરાબર સમજી વિચારીને જ કહું છું.' એની વાત સાંભળીને નાગપાલની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી થઈ.

'પણ મિસ સુધા..' છેવટે એણે કહ્યું. 'તમારા ભાઈને ફાંસી આપી દેવામાં આવી છે. અને જેના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા છે એને તમે પાછો માંગવા માટે મારી પાસે આવ્યા છો?'

'જી હા.. હું એ જ ભાઈને પાછો માંગવા માટે આવી છું. મારો ભાઈ મને જીવતો જ પાછો જોઈએ.'

જરૂર આ છોકરીનું મગજ ખસી ગયું છે એમ વિચારીને નાગપાલે અમિત સામે જોતાં કહ્યું, 'મિસ્ટર અમિત.. તમે શા માટે ચૂપ ઊભા છો? તમે મિસ સુધાને સમજાવતા કેમ નથી કે તેઓ જે કંઈ કહે છે એમના ગાંડપણ સિવાય બીજું કશું જ નથી.'

'હા..' અમિત કંઈ કહે એ પહેલા જ સુધા બોલી ઉઠી. 'જે ભાઈને આપના કાયદાએ વગર કોઈ ગુનો કર્યે પણ ફાંસીએ લટકાવી દીધો છે એને હું પાછો માંગુ છું. એટલે જ આપ મને ગાંડી માનો છો.'

'વગર કોઈ ગુનો કર્યે?' નાગપાલનું દિમાગ ચકરાવે ચડી ગયું. જરૂર આ છોકરી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે એમ તેને લાગ્યું. પછી એણે પ્રત્યક્ષમાં કહ્યું, 'મિસ સુધા.. ખરેખર જ અત્યારે તમારું મગજ ઠેકાણે નથી લાગતું. જો હોત તો તમને એ વાત પણ યાદ રહેત કે રાકેશને તેની પત્ની ગીતાનું ખુન કરવાના આરોપસર ફાંસી આપવામાં આવી છે.'

'એ જ તો હું પૂછવા માંગું છું નાગપાલ સાહેબ.. કે જેના ખૂનના આરોપસર મારો ભાઈ ફાંસીના માંચડે લટકી ગયો છે એ જો જીવતી હોય તો શું આપનો કાયદો મારો ભાઈ મને પાછો આપી દેશે?'

'જ...જીવિત?' નાગપાલનું માથું ભમવા લાગ્યું.

'જી હાં.. નાગપાલ સાહેબ.. ગીતા જીવતી છે.'

'આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહો છો?' જવાબમાં અમિતે હોટલમાં બનેલા બનાવની વિગતો તેને કહી સંભળાવી.

'પ.. પણ આવું કેવી રીતે બને?' એની વાત સાંભળ્યા પછી નાગપાલ મૂંઝવણ ભર્યા અવાજે સ્વગત બબડ્યો. 'જો ગીતા જીવતી હોય તો જેનું ખૂન થયું એ કોણ હતી?'

'એ બધું હું નથી જાણતી.' સુધા રોષ ભર્યા અવાજે બોલી. 'મને માત્ર એટલી જ ખબર છે કે જે ઝેરી નાગણનું ખૂન કરવાના આરોપસર આપના કાયદાએ મારા ભાઈને ફાંસીએ લટકાવી દીધો છે એ જીવતી છે. એટલે હવે આપના કાયદાએ મારો ભાઈ મને જીવીત હાલતમાં સોંપી દેવો જોઈએ.'

'તમે હદ કરો છો મિસ સુધા..'

'કેમ?'

'તમારો ભાઈ ખૂની હતો એ વાત કોર્ટમાં સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ હતી.' નાગપાલ કઠોર અવાજે બોલ્યો. 'મરનાર સ્ત્રીનો ચહેરો કે નામ બદલાઈ જવાથી ખૂનનો ગુનો ઓછો નથી થઈ જતો. તમે માત્ર કાયદાનો જ વાંક ન કાઢી શકો. એમાં તમારો પણ વાંક હતો.'

'કેવી રીતે?'

'એટલા માટે કે મૃતદેહની ઓળખ તમે લોકોએ જ કરી હતી.'

'એક મિનિટ..' સહસા ઉગ્ર અવાજે કશું કહેવા જતી સુધાને અટકાવીને અમિત શાંત અને પ્રભાવશાળી અવાજે બોલ્યો.

'એક વકીલ હોવાના નાતે એ વખતે કોર્ટે આપેલો ચુકાદો ખોટો હતો એમ તો હું કહી શકું તેમ નથી. પરંતુ ગીતાને જીવતી જોયા પછી એ શક્યતાનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી કે કોઈકે એના ખૂનના આરોપમાં રાકેશને ફસાવવા માટે જબરદસ્ત ષડયંત્ર રચ્યું હતું.'

'ઘડીભર માટે માની લઉં કે કદાચ તમે કહો છો એમ જ બન્યું હશે તો પણ સવાલ એ ઊભો થાય છે કે જે રિવોલ્વર વડે ગીતાનું ખૂન કરવામાં આવ્યું હતું, એ રિવોલ્વર પર રાકેશના આંગળાની છાપ કેવી રીતે આવી?'

'એટલા માટે કે ગોળી વાસ્તવમાં રાકેશે જ છોડી હતી.'

'આ વાત..' નાગપાલે અમિતની આંખોમાં પોતાની આંખો પરોવતા પૂછ્યું. 'રાકેશે તમને જણાવી હતી કે પછી એણે ગોળી છોડી ત્યારે તમે પોતે પણ ત્યાં હાજર હતા?'

'ધરપકડ થયા પછી આ વાત રાકેશે જ મને જણાવી હતી.' અમિતે જવાબ આપ્યો.

'ખેર, હું આ બાબતમાં વધુ દલીલ કરવા નથી માંગતો. રહી વાત ગીતાના જીવતા હોવાની.. તો આ બાબતમાં હું એટલું જ કહીશ કે એને ઓળખવામાં જરૂર તમારાથી કોઈ ગેરસમજ થઈ છે.'

'કોઈ ગેરસમજ નથી થઈ નાગપાલ સાહેબ..' સુધા તીવ્ર અવાજે બોલી. 'ગીતાને હું દિવસમાં 50 વખત જોતી હતી. એટલે તેને ઓળખવામાં મારી નજર થાપ ખાય જ નહીં.'

'મિસ સુધા.. તમે જે યુવતીને હોટલમાં જોઈ હતી એનો દેખાવ આબેહૂબ ગીતા જેવો જ હોય એવું પણ બની શકે છે.'

'ના નાગપાલ સાહેબ, એ ગીતા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે. આપ જ વિચારો.. જો એ ગીતા ન હતી તો પછી અમને જોઈને એને ગભરાઈને નાસી છૂટવાની શું જરૂર હતી?'

'હા, આ એક જ વાત એવી છે કે જેના કારણે હું પણ મુંઝાઈ ગયો છું.' અમિત બોલ્યો. 'જો એ ગીતા પોતે નહીં, પણ એના જેવી જ દેખાવ ધરાવતી કોઈક બીજી યુવતી હતી તો તેને આમ ભયભીત થઈને નાસી જવાની શું જરૂર હતી?'

'તો પછી રાકેશના હાથેથી જે સ્ત્રી મારી ગઈ હતી એ કોણ હતી?' નાગપાલે વિચાર વશ અવાજે પૂછ્યું.

'નાગપાલ સાહેબ, અમને જોઈને તે આ રીતે નાસી છૂટી એના પરથી પુરવાર થઈ જાય છે કે એ ગીતા જ હતી. હવે સવાલ એ ઉભો થાય છે કે જો ગીતા જીવતી હોય તો જેનું ખૂન થયું એ કોણ હતી? રાકેશ કંઈ મૂરખ ન હતો કે ગમે તે સ્ત્રીને ગીતા સમજીને તેનું ખૂન કરી નાખે. એટલે હવે આમાં એક જ શક્યતા બાકી રહે છે કે રાકેશના હાથેથી મારી ગયેલી સ્ત્રીનો ચહેરો આબેહૂબ ગીતા જેવો જ હતો. આ સંજોગોમાં એ સવાલ ઉભો થાય છે કે ગીતાના સ્થાને મરવા માટે એ પોતે શા માટે પહોંચી ગઈ? આ બધી શક્યતાઓ પર ઊંડાણથી વિચાર કર્યા બાદ એક જ પરિણામ નીકળે છે કે આ કોઈકનું ભયંકર ષડયંત્ર હતું. અને હું માનું છું ત્યાં સુધી આ ષડયંત્ર પાછળ એનું જ ભેજુ કામ કરતું હતું. પરંતુ એણે આવું શા માટે કર્યું? આ સવાલનો જવાબ તો એ પોતે જ આપી શકે તેમ છે. પરંતુ કેવી રીતે કર્યું એનું થોડું ઘણું અનુમાન હું જરૂર લગાવી શકું તેમ છું.'

'કેવી રીતે કર્યું હશે?' એની વાતોથી પ્રભાવિત થઈને નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું.

'આ યોજનાએ, જ્યારે ગીતાએ જોગાનુજોગ પોતાના જેવો જ દેખાવ ધરાવતી બીજી સ્ત્રીને જોઈ, ત્યારે જ તેના મગજમાં આકાર લીધો હશે. યોજનાના પહેલા ચરણમાં તેને રાકેશના મનમાં પોતાની તરફ શંકા ઉપજાવવાની હતી. આ કામ એને દરરોજ પોતાની કોઈક બીમાર બહેનપણીને મળવા જવાનું બહાનું કાઢીને પૂરું કર્યું. રાકેશ પોતાના પર નજર રાખશે અથવા તો રખાવશે એવું આમ કરતી વખતે બરાબર રીતે વિચારી લીધું હતું. રાકેશની શંકા વધુ મજબૂત બને અને તેને ખાતરી થઈ જાય કે એ તેની ગેરહાજરીમાં કંઈક રમત રમે છે એટલા ખાતર એને બે ત્રણ વખત ચાલાકી બતાવી. એટલે રાકેશ દ્વારા પ્રાઇવેટ ડિટેક્ટીવ શ્રીકાંતની નિમણૂક મારી માન્યતા મુજબ એની યોજનાને કારણે નહીં પણ સંજોગ વશાત થઈ હશે. પરંતુ આનાથી એની યોજનામાં કોઈ ફરક નહોતો પડવાનો. જ્યારે એને ખાતરી થઈ ગઈ કે શંકાના બી રાકેશના મનમાં એટલી હદ સુધી ઘૂસી ગયા છે કે કોઈપણ પુરુષ સાથે એના અનૈતિક સંબંધોની જાણ થતા જ એ ખૂનામરકી પર ઉતરી આવશે ત્યારે એ પોતાના પ્રેમીને મળવા લાગી.'

'કેમ?'

'પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંત આ બાબતમાં રાકેશને જાણ કરતો રહે એટલા માટે. પછી એણે રાકેશના હુમલાથી પોતાની જાતને બચાવવા માટે ભાડુતી બદમાશની મદદ લીધી હશે. ત્યારબાદ રાકેશના એ સ્થળે પહોંચ્યા પહેલા એ પોતાના પ્રેમી સાથે ત્યાં એવું દ્રશ્ય ઊભું કર્યું કે જે જોઈને રાકેશ ક્રોધે ભરાઈને મરવા મારવા પર ઉતરી આવે. પરંતુ તે પોતાના હેતુમાં સફળ ન થઈ શકે એટલા માટે ભાડૂતી બદમાશને એમ સમજાવીને ત્યાં છુપાવી દીધો હશે કે જો કોઈ માણસ તેને અર્થાત ગીતાને મારવાનો પ્રયાસ કરે તો એ બદમાશે પાછળથી હુમલો કરીને તેને બેભાન બનાવી દેવાનો છે. ખેર, રાકેશના બેભાન થઈ ગયા પછી પોતાની યોજનાના અંતિમ ચરણ મુજબ ગીતા રિવોલ્વર લઈને પોતાના જેવો જ દેખાવ ધરાવતી યુવતી પાસે પહોંચીને એને કોઈક બહાનું કાઢીને અથવા તો લાલચ આપીને ટેબલ પર મૂકીને પત્ર લખવાનું નાટક ભજવવા માટે તૈયાર કરી લીધી હશે.'

'પરંતુ મિસ્ટર અમિત..' નાગપાલ કટાક્ષ ભર્યું સ્મિત ફરકાવતા બોલ્યો. 'કોઈપણ સ્ત્રી કોઈપણ બહાનું કે લાલચમાં આવી જઈને આ કામ એ પોતે જ શા માટે નથી કરી લેતી એમ પૂછ્યા વગર આવું નાટક ભજવવા માટે તૈયાર થઈ જાય એ વાત કમ સે કમ મારે ગળે તો નથી ઉતરતી.'

'આ વાત પણ હું નથી ભૂલ્યો નથી સાહેબ..' અમિતે કહ્યું. 'જે રીતે આ વાત આપના મગજમાં આવી છે એ જ રીતે શું આટલી લાંબી યોજના બનાવનારના મગજમાં નહીં આવી હોય? ખાસ કરીને એ સંજોગોમાં એની યોજનાનો બધો આધાર આબેહૂબ એના જેવો જ દેખાવ ધરાવતી યુવતી પર હોય ત્યારે આ કારણસર એ પહેલાથી જ આ સવાલનો કોઈક તર્કસંગત જવાબ વિચારી ચૂકી હશે. પરંતુ હવે આપ એમ પુછશો નહીં કે તર્કસંગત જવાબ કયો હોઈ શકે છે? કારણ કે હું તો માત્ર મારું અનુમાન જણાવું છું. બાકી વાસ્તવમાં શું ને કેવી રીતે બન્યું હતું એ તો ગીતા જ વધુ સારી રીતે જણાવી શકે તેમ છે.'

'હું..' નાગપાલની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની. 'ચાલો ઘડીભર માટે માની લઈએ કે ગીતા પાસે કોઈક તર્કસંગત જવાબ હતો તો પણ વિચારવા જેવી વાત એ છે કે જ્યારે રાકેશ આબેહુબ એના જેવો જ દેખાવ ધરાવતી યુવતી પર હુમલો કરશે ત્યારે તે મૃત્યુ પામશે એની ગીતાને કેવી રીતે ખાતરી હતી? આ યુવતી કોઈ પણ રીતે રાકેશના હુમલામાંથી બચી જાય એવું પણ બની શકે તેમ હતું.'

'એનો જવાબ મારી પાસે છે.' સુધા બોલી ઉઠી. 'રાકેશે મને તથા ડેડીને જણાવ્યું હતું કે ભાનમાં આવ્યા પછી ઘેર આવીને તે પોતાના રૂમમાં પહોંચ્યો ત્યારે રિવોલ્વર ટેબલ પર પડી હતી અને નીચે લખતા લખતા કોઈક વિચારમાં એટલી બધી તલ્લીન દેખાતી હતી કે તેને રાકેશના આગમનની ખબર પણ નહોતી પડી. રાકેશ એક તો પહેલાથી જ ગુસ્સામાં હતો અને રિવોલ્વર ટેબલ પર પડી હતી. ત્યારબાદ રાકેશે ટ્રિગર દબાવ્યું. ત્યાં સુધી એ બિચારીને વિરોધ કરવાનો સમય જ નહીં મળ્યો હોય. જરૂર ગીતાએ તેને એમ શીખવ્યું હશે કે રાકેશ ગમે તેટલો ગુસ્સે થાય તો પણ એને જરાય ગભરાવાનું નથી. કદાચ ગેરસમજમાં જ બિચારી પોતાના પ્રાણ ગુમાવી બેઠી. અને મારા ભાઈને ડંખ મારનારી એ ઝેરીલી નાગણ ગીતા મિતેલા આખલાની જેમ સ્વતંત્ર રીતે આંટા મારે છે.'

'તમારા લોકોની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત તો નથી. પણ જો ખરેખર તમે કહો છો એમ જ બન્યું હોય તો રાકેશ નિર્દોષ હતો એ વાત કબૂલ કરવી પડશે. એટલે ગીતાને તેની કરણીની સજા કરાવવાની માત્ર મારી ફરજ જ નહીં, સાથે સાથે પ્રતિષ્ઠાનો સવાલ પણ છે. અને હા મિસ્ટર અમિત, કથિત ગીતા જે એમ્બેસેડરમાં નાસી છૂટી હતી એનો નંબર તો તમને યાદ હશે જ?'

'હા, વી એમ બી 324..'

'ઓકે..' નાગપાલે એક કાગળ પર નંબર લખી લીધો. પછી બોલ્યો. 'હવે તમે જઈ શકો છો. આ બાબતમાં હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ એની તમે ખાતરી રાખજો.' સુધા તથા અમિત ચાલ્યા ગયા. તેમના ગયા પછી નાગપાલ ટેલિફોનનું રીસીવર ઉંચકીને એક નંબર મેળવવા લાગ્યો.